૨૯મી ડિસેમ્બર, ૧૮૮૩.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ઘોડાગાડીમાં ચડ્યા છે, કાલીઘાટે દર્શને જવા સારુ. વચમાં શ્રીયુત્ અધર સેનને ઘેર થઈને જવાના છે. અધર સેન પણ, ત્યાંથી ઠાકુરની સાથે જવાના છે. આજે શનિવાર, અમાસ. બપોરના એક વાગ્યાનો સમય.

કાલીઘાટ

ઘોડાગાડી ઠાકુરના ઓરડાની ઉત્તર બાજુની ઓસરીની પાસે ઊભી છે.

મણિ ઘોડાગાડીના બારણા પાસે આવીને ઊભા રહ્યા છે.

મણિ – જી, હું સાથે આવું?

શ્રીરામકૃષ્ણ – કેમ?

મણિ – કોલકાતા, મારે ઘેર જઈ આવત એક વાર!

શ્રીરામકૃષ્ણ (ચિંતામાં પડ્યા જેવા થઈને) – વળી (ઘેર) જવું છે? અહીં જ ઠીક છો!

મણિને ઘેર જવું છે થોડાક કલાકને માટે; પણ ઠાકુરની સંમતિ નથી.

રવિવાર, ૩૦મી ડિસેમ્બર. પોષ સુદ એકમ. બપોરના ત્રણ વાગ્યા છે. મણિ ઝાડની છાયામાં એકલા ફરી રહ્યા છે, ત્યાં એક ભક્તે આવીને કહ્યું કે ‘પ્રભુ બોલાવે છે.’ ઓરડામાં ઠાકુર ભક્તોની સાથે બેઠેલા છે. મણિએ જઈને પ્રણામ કર્યા અને નીચે ભક્તોની સાથે બેઠા.

કોલકાતાથી રામ, કેદાર વગેરે ભક્તો આવ્યા છે. તેમની સાથે એક વેદાંતવાદી સાધુ આવેલ છે. ઠાકુર જે દિવસે રામનો બગીચો જોવા ગયેલા, તે દિવસે આ સાધુની સાથે મુલાકાત થઈ હતી. સાધુ બાજુના બગીચામાં એક વૃક્ષ નીચે એકલો એક ખાટલા પર બેઠો હતો.

ઠાકુરના કહેવાથી રામ આજે એ સાધુને સાથે લઈ આવેલ છે. સાધુએ પણ ઠાકુરનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવેલી.

ઠાકુર સાધુની સાથે આનંદથી વાતો કરી રહ્યા છે. તેમણે સાધુને નાની પાટ ઉપર પોતાની પાસે નજીક જ બેસાડ્યો છે. વાતચીત હિંદીમાં ચાલી રહી છે.

શ્રીરામકૃષ્ણ – આ બધું તમને કેવું લાગે છે?

વેદાંતી સાધુ – બધું સ્વપ્નવત્.

શ્રીરામકૃષ્ણ – બ્રહ્મ સત્ય, જગત મિથ્યા! વારુ જી, બ્રહ્મ કેવું?

સાધુ – શબ્દ જ બ્રહ્મ, અનાહત શબ્દ.

શ્રીરામકૃષ્ણ – પરંતુ જી, શબ્દનોય પ્રતિપાદ્ય એક છે. કેમ ખરું ને?

સાધુ – વાચ્ય યે હી હૈ, વાચક યે હી હૈ. (વાચ્યવાચક ભેદેન ત્વમેવ પરમેશ્વર – અધ્યાત્મ રામાયણ)

એ શબ્દો સાંભળતાં સાંભળતાં ઠાકુરને સમાધિ થઈ. સ્થિર, છબીમાં આલેખેલની પેઠે બેઠા છે. સાધુ અને ભક્તો આશ્ચર્યચકિત થઈને ઠાકુરની એ સમાધિ અવસ્થા નીરખી રહ્યા છે. કેદાર સાધુને કહે છે : 

‘યે દેખો જી! ઈસકો સમાધિ બોલતા હૈ!’

સાધુએ સમાધિની વાત પુસ્તકોમાં જ વાંચી હતી, સમાધિ જોયેલી કદીયે નહીં.

ઠાકુર જરા જરા સ્વસ્થ થતા આવે છે અને જગન્માતાની સાથે વાત કરી રહ્યા છે. ‘મા, હોશમાં રહેવું છે, બેહોશ કરીશ મા, સાધુની સાથે સચ્ચિદાનંદ વિશે વાતો કરવી છે, મા, સચ્ચિદાનંદની વાતો કરવાનો વિલાસ કરવો છે.

સાધુ આશ્ચર્યચકિત થઈને જોયા કરે છે અને આ બધી વાતો  સાંભળ્યા કરે છે. હવે ઠાકુર સાધુની સાથે વાતચીત કરવા લાગે છે. કહે છે કે – ‘અબ સોઽહમ્ ઉડા દેઓ. અબ હમ-તુમ; વિલાસ! (એટલે કે હવે સોઽહમ્ ભાવ એટલે કે હું એ પરમાત્મા, એ ભાવ ઉડાવી દો; હવે ‘હું, તમે’ એ ભાવ.)

જ્યાં સુધી ‘હું-તમે’ એ ભાવ રહ્યો છે, ત્યાં સુધી ‘મા’ પણ છે. તો ચાલો ‘મા’ની સાથે આનંદ કરીએ એ વાત શું ઠાકુર કહી રહ્યા છે?

થોડી વાર વાતચીત કરી ઠાકુર પંચવટીમાં આંટા મારી રહ્યા છે. સાથે રામ, કેદાર, માસ્ટર વગેરે.

(શ્રીરામકૃષ્ણનો કેદારને ઉપદેશ – સંસારત્યાગ)

શ્રીરામકૃષ્ણ (હસીને) – સાધુ કેમ લાગ્યો?

કેદાર – શુષ્ક જ્ઞાન! હજી તો હાંડલી ચડાવી છે, ભાત ઓર્યા નથી!

શ્રીરામકૃષ્ણ – એ ખરું, પરંતુ ત્યાગી. સંસારનો જેણે ત્યાગ કર્યાે છે તે ઘણોય આગળ નીકળી ગયો છે. 

સાધુ પ્રવર્તકના વર્ગનો (આરંભના વર્ગનો). પરમાત્માની  પ્રાપ્તિ કર્યા વિના કાંઈ વળે નહિ. જ્યારે પ્રભુના પ્રેમમાં મસ્ત થવાય, બીજું કંઈ સારું લાગે નહિ ત્યારે –

‘જતન કરી હૈયે રાખો, આદરિણી શ્યામા માને,

મન તું જ દેખ, અને હું દેખું, બીજું કોઈ નવ ભાળે એને…’ 

ઠાકુરના મનના ભાવ પ્રમાણે કેદાર એક ગીત ગાય છે :

‘મનની વાત કહું શું સખી! એ કહેવાની છે રે મના,

દુઃખ સમજનાર ન હોય તો જીવ રહે ના.

મનનું માણસ હોય જે જન, ઓળખી શકાય રે તેનાં નયન,

અરે એ તો એક કે બે જન, ભાવે તરે, રસે ડૂબે,

એ તો અવળે પાણીએ કરે આવાગમન…’ (ભાવના માણસ)

ઠાકુર પોતાના ઓરડામાં પાછા આવ્યા છે. ચાર વાગ્યા છે. મા કાલીનું મંદિર ઊઘડ્યું છે. ઠાકુર સાધુને સાથે લઈને મા કાલીના મંદિરમાં જાય છે. મણિ સાથે છે.

કાલી-મંદિરમાં પ્રવેશ કરીને ઠાકુર ભક્તિપૂર્ણ રીતે માને પ્રણામ કરે છે. સાધુ પણ હાથ જોડીને માથું નમાવીને માને વારંવાર પ્રણામ કરે છે.

શ્રીરામકૃષ્ણ – કેમ જી, કેવાં લાગ્યાં દર્શન?

સાધુ (ભક્તિપૂર્વક) – કાલી પ્રધાના હૈ.

શ્રીરામકૃષ્ણ – કાલી અને બ્રહ્મ અભિન્ન. શું કહો છો?

સાધુ – માણસ જ્યાં સુધી બહિર્મુખ હોય, ત્યાં સુધી કાલીને (સગુણ ઈશ્વરને) માનવી પડે. જ્યાં સુધી બહિર્મુખ, ત્યાં સુધી સારું-નરસું; ત્યાં સુધી આ પ્રિય, પેલું ત્યા (છે જ).

‘આમ જુઓ, નામ-રૂપ તો બધું મિથ્યા; છતાં જ્યાં સુધી હું, બહિર્મુખ છે, ત્યાં સુધી સ્ત્રી ત્યા. અને ઉપદેશ (લોકસંગ્રહ)ને માટે આ સારું, પેલું ખરાબ વગેરે માનવું જોઈએ; નહિતર ભ્રષ્ટાચાર થાય.’

ઠાકુર સાધુની સાથે વાતો કરતાં કરતાં પોતાના ઓરડામાં આવ્યા.

શ્રીરામકૃષ્ણ (મણિને) – જોયું કે, સાધુએ કાલી-મંદિરમાં પ્રણામ કર્યા!

મણિ – જી હાં.

બીજે દિવસે સોમવાર, ૩૧મી ડિસેમ્બર, ૧૮૮૩ (૧૭ પોષ શુક્લ દ્વિતીયા). સમય ચારેક વાગ્યાનો. ઠાકુર ભક્તો સાથે ઓરડામાં બેઠા છે. બલરામ, મણિ, રાખાલ, લાટુ, હરીશ વગેરે છે. ઠાકુર મણિને અને બલરામને કહી રહ્યા છે :

(મુખે જ્ઞાનની વાત – હલધારીને શ્રીઠાકુરે કરેલ તિરસ્કૃત વાત)

શ્રીરામકૃષ્ણ – ‘હલધારીનો જ્ઞાની જેવો ભાવ હતો. એ અધ્યાત્મ-રામાયણ, ઉપનિષદ વગેરે બધું રાતદિન વાંચતો. આ બાજુ સાકારની વાતમાં મોઢું મરડતો. મેં જ્યારે (સાધનકાળમાં) ભિખારીઓનાં એઠાં પાતળમાંથી જરા જરા લઈને ખાધું, ત્યારે હલધારી કહે છે કે, ‘તારાં છોકરાંના વિવાહ હવે કેમ કરીને થાશે?’ મેં કહ્યું, ‘એમ કે સાલા, મારે વળી છોકરાંછૈયાં થવાનાં કે! તારાં ગીતા-વેદાંત ભણવા પર આગ મૂક!’ જુઓ તો, આ બાજુ કહે છે કે જગત મિથ્યા અને પાછું રાધાકાંતના મંદિરમાં નાક ફુલાવીને ધ્યાન!’

સંધ્યા થઈ. બલરામ વગેરે ભક્તો કોલકાતા ચાલ્યા ગયા છે. ઓરડામાં ઠાકુર માતાજીનું ચિંતન કરી રહ્યા છે. થોડીક વાર પછી મંદિરોમાંથી આરતીના મધુર અવાજ સંભળાવા લાગ્યા.

રાતના લગભગ આઠ વાગ્યા છે. ઠાકુર ભાવ-અવસ્થામાં સુમધુર સ્વરે સૂર કાઢીને માતાજીની સાથે વાતો કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠેલા છે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વેદાંત)

ઠાકુર મધુર-કંઠે નામ-ઉચ્ચારણ કરી રહ્યા છે, હરિ ૐ! હરિ ૐ! ૐ! માતાજીને કહી રહ્યા છે કે ‘ઓ મા! બ્રહ્મજ્ઞાન (સમાધિ) દઈને બેહોશ કરી રાખીશ મા! બ્રહ્મજ્ઞાન નથી જોઈતું, મા! મારે તો આનંદ કરવો છે! વિલાસ કરવો છે!’

વળી પાછા ઠાકુર બોલી રહ્યા છે, ‘હું વેદાન્ત જાણતો નથી, મા! જાણવા માગતોય નથી, મા! તને પામ્યે, વેદ-વેદાન્ત ક્યાંય નીચે પડ્યાં રહે!

‘કૃષ્ણ રે! તને કહીશ કે ‘ખા રે, આ લે રે, બાપલા!’ કૃષ્ણ રે,કહીશ કે તું મારે માટે દેહ લઈને આવ્યો છે, બાપલા!’

Total Views: 270
ખંડ 18: અધ્યાય 8 : શ્રીરામકૃષ્ણનો ધર્મસમન્વય - ઈશ્વરકોટિનો અપરાધ ન હોય
ખંડ 19: અધ્યાય 1 :