આજ બુધવાર, ૧૯ પોષ સુદ ચોથ, (૧૨૯૦ બંગાબ્દ) બીજી જાન્યુઆરી, ૧૮૮૪. 

શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં નિવાસ કરી રહ્યા છે. આજકાલ રાખાલ, લાટુ, હરીશ, રામલાલ, માસ્ટર દક્ષિણેશ્વરે વાસ કરી રહ્યા છે.

ત્રણેક વાગ્યા છે. મણિ બેલ-તળા નીચેથી શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા તેમના ઓરડા તરફ આવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ એક તાંત્રિક ભક્તની સાથે પશ્ચિમની ગોળ ઓસરીમાં બેઠેલા છે.

મણિએ આવીને જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. ઠાકુરે તેમને પાસે બેસવાનું કહ્યું. એમ લાગ્યું કે તાંત્રિક ભક્તની સાથે વાતો કરતાં કરતાં તેમનેય ઉપદેશ દેવાના. શ્રીયુત્ મહિમ ચક્રવર્તીએ તાંત્રિક ભક્તને ઠાકુરનાં દર્શન કરવા મોકલી આપ્યા છે. તાંત્રિક ભક્તે ગેરુઆં વસ્ત્રો પહેર્યાં છે.

શ્રીરામકૃષ્ણ (તાંત્રિક ભક્તને) – આ બધાં તાંત્રિક સાધનાનાં અંગ, કપાલપાત્રમાં (ખોપરીમાં) સુરાપાન કરવું. આ સુરાને કારણ-વારિ કહે, કેમ ખરુંને?

તાંત્રિક – જી હાં.

શ્રીરામકૃષ્ણ – અગિયાર પાત્ર બરાબરને!

તાંત્રિક – ત્રણ તોલાં પ્રમાણ, શબસાધના માટે!

શ્રીરામકૃષ્ણ – હું તો સુરાને અડી જ ન શકું.

તાંત્રિક – આપનો સહજાનંદ; એ આનંદ આવ્યે તો પછી બીજું કંઈ જ ન જોઈએ!

શ્રીરામકૃષ્ણ – વળી જુઓ, મને જપ-તપ પણ ગમતાં નથી. પરંતુ હર ઘડી સ્મરણ મનન રહે છે. વારુ, ષટ્ચક્ર એ શું?

તાંત્રિક – જી, એ બધાં જુદાં જુદાં તીર્થાેની જેમ. એક એક ચક્રમાં શિવ-શક્તિ છે. આંખે દેખાય નહિ; કાપ્યે નીકળે નહિ. પદ્મનું મૃણાલ શિવલિંગ; પદ્મકર્ણિકામાં આદ્યશક્તિ યોનિરૂપે.

મણિ શબ્દ સરખોય કર્યા વિના બધું સાંભળ્યા કરે છે. તેના તરફ જોઈને શ્રીરામકૃષ્ણ તાંત્રિક ભક્તને કંઈક પૂછે છે.

શ્રીરામકૃષ્ણ (તાંત્રિકને) – વારુ, બીજમંત્ર મળ્યા વગર શું સિદ્ધ થાય?

તાંત્રિક – થાય; શ્રદ્ધાથી, ગુરુ-વાક્યમાં શ્રદ્ધાથી.

શ્રીરામકૃષ્ણ (મણિની તરફ ફરીને અને તેમને ઇશારત કરીને) – શ્રદ્ધા!

એ તાંત્રિક ભક્ત ચાલ્યા ગયા પછી બ્રાહ્મ-સમાજી શ્રીયુત્ જયગોપાલ સેન આવ્યા છે. શ્રીરામકૃષ્ણ તેમની સાથે વાતો કરે છે. રાખાલ, મણિ વગેરે ભક્તો સાથે બેઠા છે. બપોર પછીનો સમય.

શ્રીરામકૃષ્ણ (જયગોપાલને) – કોઈનો, કોઈ સંપ્રદાયનો દ્વેષ કરવો નહિ. નિરાકારવાદી, સાકારવાદી એ બધાય ઈશ્વર તરફ જ જઈ રહ્યા છે. જ્ઞાની, યોગી, ભક્ત સૌ કોઈ એને જ શોધી રહ્યા છે. જ્ઞાન-માર્ગના અનુસરનારા એને કહે છે બ્રહ્મ, યોગીઓ કહે આત્મા, પરમાત્મા. ભક્તો કહે ભગવાન. તેમ વળી એમ પણ છે કે નિત્ય દેવ, અને નિત્ય દાસ.

જયગોપાલ – બધા સંપ્રદાય સાચા એ કેમ કરીને જાણવું?

શ્રીરામકૃષ્ણ – એક પંથ પકડીને સાચી રીતે જઈ શકાય તો ઈશ્વરની પાસે પહોંચી શકાય. ત્યારે બધા માર્ગાેના સમાચાર જાણી શકે. જેમ કે એક વાર ગમે તે ઉપાય કરીને અગાસીએ પહોંચી શકીએ તો પછી એક લાકડાંની સીડીથી યે ઊતરી શકાય, પાકાં પગથિયાં વડેય ઊતરી શકાય, એક વાંસડો પકડીનેય ઊતરી શકાય; અને એક દોરીએ ટિંગાઈનેય ઊતરી શકાય.

‘ભગવાનની કૃપા થાય તો ભક્ત બધુંય જાણી શકે. ભગવાનની એક વાર પ્રાપ્તિ થઈ તો પછી બધું જાણી શકે. એક વાર ગમે તેમ કરીને મોટા શેઠની સાથે મુલાકાત કરવી જોઈએ, વાતચીત કરવી જોઈએ. ત્યાર પછી શેઠ જ કહી દે કે તેના કેટલા બાગ, કેટલાં સરકારી સર્ટિફિકેટ, મકાન, દુકાનો વગેરે.

(ઈશ્વર-દર્શનના ઉપાય)

જયગોપાલ – ઈશ્વરની કૃપા શી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનાં નામગુણ-કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને વિષય-ચિંતન બને તેટલું તજી દેવું જોઈએ. તમે ખેતી કરવાને માટે ખેતરમાં કેટલીયે મહેનત કરીને પાણી તો લાવો છો, પરંતુ કાણામાંથી બધું નીકળી જાય છે. ધોરિયો કરીને પાણી લાવવાની મહેનત બધી માથે પડે છે!

‘ચિત્તશુદ્ધિ થાય, વિષયાસક્તિ ચાલી જાય, તો ઈશ્વર માટેની આતુરતા આવે, તો તમારી પ્રાર્થના ઈશ્વરની પાસે પહોંચે. ટેલિગ્રાફનો તાર જો તૂટેલો હોય તો તારના સમાચાર પહોંચે નહિ.

‘હું આકુળવ્યાકુળ થઈને એકલો એકલો રડતો; ‘ક્યાં છો નારાયણ’ એમ કહીને રોતો. રોતાં રોતાં બેહોશ થઈ જતો, મહાવાયુમાં લીન.

‘યોગ કેવી રીતે થાય? જેમ ટેલિગ્રાફનો તાર તૂટેલો ન હોય તો થાય, તેમ. વિષયો પરની આસક્તિનો સંપૂર્ણ રીતે ત્યાગ.

‘કશીય કામના, વાસના રાખવી નહિ. કામના, વાસના હોય તો એને સકામ ભક્તિ કહે. નિષ્કામ ભક્તિને કહે અહેતુકી ભક્તિ. તમે ચાહો કે ન ચાહો, તોય હું તમને ચાહું. એનું નામ અહેતુકી.

‘મૂળ વાત આ, કે ઈશ્વરને ચાહવો. ખૂબ પ્રેમ આવે તો ઈશ્વરનાં દર્શન થાય. સતી સ્ત્રીનો પોતાના પતિ ઉપર પ્રેમ, માનો પોતાનાં સંતાન ઉપર પ્રેમ, અને વિષયી પુરુષનો વિષય ઉપરનો પ્રેમ; એ ત્રણે પ્રેમ એકઠા થાય એવો ગાઢ પ્રેમ જો  ઈશ્વર ઉપર આવે તો ઈશ્વર-દર્શન થાય.

જય ગોપાલ સંસારી માણસ; એટલે શું શ્રીરામકૃષ્ણ એના જ ઉપયોગનો આ બધો ઉપદેશ આપી રહ્યા છે?

Total Views: 323
ખંડ 18: અધ્યાય 9 : દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, રામ, કેદાર વગેરે ભક્તો સાથે - વેદાંતવાદી સાધુ સાથે બ્રહ્મજ્ઞાનની ચર્ચા
ખંડ 19: અધ્યાય 2 : જ્ઞાનપથ અને વિચારપથ - ભક્તિ-યોગ અને બ્રહ્મ-જ્ઞાન