સામે નરેન્દ્ર જમીન ઉપર બેઠો છે.

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્ય અને ભક્તોને) – દેહનાં સુખદુઃખ તો છે જ. જુઓને આ નરેન્દ્ર. તેના પિતા ગુજરી ગયા છે, ઘરે ખૂબ કષ્ટ; કમાણીનું કશું સાધન નથી. ઈશ્વર ક્યારેક સુખમાં રાખે તો ક્યારેક દુઃખમાં.

ત્રૈલોક્ય – જી, ઈશ્વરની (નરેન્દ્ર ઉપર) દયા થશે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – હવે પછી ક્યારે થવાની? કહે છે કે કાશીમાં અન્નપૂર્ણાનો દરબાર, કોઈ ભૂખ્યું સૂએ નહિ. એ ખરું. પણ કોઈ કોઈને સંધ્યાકાળ સુધી બેસી રહેવું પડે!

‘હૃદયે શંભુ મલ્લિકને કહ્યું હતું કે ‘મને થોડાક રૂપિયા આપો.’ શંભુ મલ્લિકના અંગ્રેજી (પાશ્ચાત્ય) વિચાર. તેણે કહ્યું કે ‘તમને શું કામ આપું? તમે તો કામ કરીને ખાઈ શકો છો, ગમે તેમ તોય તમે કાંઈક કમાઓ છો. પણ ખૂબ જ ગરીબ હોય એ જુદી વાત, કે પછી આંધળો, લૂલો, અપંગ હોય! એમને દેવાથી ફાયદો થાય.’ એટલે હૃદય બોલી ઊઠ્યો કે ‘મહાશય! આપ એમ કહેશો મા. મારે તમારા રૂપિયા નથી જોઈતા. ભગવાન કરે ને અમારે આંધળા, લૂલા, અપંગ, અતિ દરિદ્ર ને એ બધું થવું ન પડે. આપનેય દેવાની જરૂર નથી ને મારેય લેવાની જરૂર નથી!’

(નરેન્દ્ર અને નાસ્તિક મત – ઈશ્વરનું કાર્ય અને ભીષ્મદેવ)

ઈશ્વર નરેન્દ્ર પર હજી શા માટે દયા કરતા નથી, એથી જાણે કે માઠું લગાડીને ઠાકુર આમ કહે છે. વચ્ચે વચ્ચે ઠાકુર નરેન્દ્ર તરફ સ્નેહપૂર્વક નજર કરી રહ્યા છે.

નરેન્દ્ર – હું નાસ્તિક મત વાંચું છું.

શ્રીરામકૃષ્ણ – બે છે. અસ્તિ (ઈશ્વર છે), અને નાસ્તિ (ઈશ્વર નથી). અસ્તિ જ લેતા નથી કેમ?

સુરેન્દ્ર – ઈશ્વર તો ન્યાયપરાયણ છે; એ તો ભક્તોને સંભાળશે.

શ્રીરામકૃષ્ણ – નિયમ એવો (શાસ્ત્રમાં) છે, કે પાછલે જન્મે જેમણે દાન-બાન કર્યાં હોય તેમને જ ધન મળે. પણ તમને ખબર છે? આ સંસાર ઈશ્વરની માયા. માયાના કાર્યની અંદર અનેક ગોટાળા; કશું સમજી શકાય નહિ. 

ઈશ્વરનું કામ કાંઈ સમજાય નહિ.

‘ભીષ્મ પિતામહ બાણ-શય્યા પર સૂતા છે; પાંડવો મળવા આવ્યા છે, સાથે શ્રીકૃષ્ણ. આવીને ઘડીક પછી જુએ છે તો ભીષ્મ પિતામહ રુદન કરે છે! એ જોતાં પાંડવોએ શ્રીકૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ! શી નવાઈ! પિતામહ અષ્ટ વસુ માંહેના એક વસુ; તેમના જેવા બીજા જ્ઞાની જોવામાં આવે નહિ. એ પણ મૃત્યુને સમયે માયાથી રડી રહ્યા છે.’ શ્રીકૃષ્ણ બોલ્યા : ‘ભીષ્મ એટલા સારુ રડતા નથી; એમને પૂછો તો ખરા!’ 

પૂછ્યું એટલે ભીષ્મ બોલ્યા કે ‘કૃષ્ણ! ઈશ્વરનું કાર્ય કશું સમજી શક્યો નહિ. હું એટલા માટે રડું છું કે સાક્ષાત્ નારાયણ સાથે સાથે ફરી રહ્યા છે છતાં પાંડવોની આપદાઓનો અંત નથી! એ વાતનો જ્યારે વિચાર કરું છું ત્યારે જોઉં છું કે ઈશ્વરનું કાર્ય કશું સમજી શકાય નહિ.’

(શુદ્ધ આત્મા એક માત્ર અટલ – સુમેરુ સમાન)

‘મને ઈશ્વરે બતાવ્યું હતું કે પરમાત્મા, કે જેને વેદમાં શુદ્ધ આત્મા કહે છે તે જ કેવળ એક માત્ર મેરુ સમા અચલ, નિર્લેપ અને સુખદુઃખથી પર. તેની માયાનાં કાર્યમાં ઘણોય ગોટાળો, આમાંથી તે અને તેમાંથી પેલું, એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહીં.

સુરેન્દ્ર (સહાસ્ય) – પૂર્વ જન્મમાં દાન કરે તો આ જન્મમાં પૈસા મળે! તો તો પછી આપણે દાન કરવું ઉચિત.

શ્રીરામકૃષ્ણ – જેની પાસે પૈસા હોય તેમણે દાન કરવું ઉચિત. (ત્રૈલોક્યને) જયગોપાલ સેનની પાસે રૂપિયા છે. તેણે દાન કરવું ઉચિત. એ જે નથી કરતો એ નિંદાની વાત. કોઈ કોઈ માણસો પૈસો હોય તોય કંજૂસ હોય. પૈસો કોણ ખાશે એનું કાંઈ ઠેકાણું નહિ!

તે દિવસે જયગોપાલ અહીં આવ્યો હતો, તેની પોતાની ગાડીમાં. ગાડીમાં ફૂટેલાં ફાનસ, જાણે કે પાંજરાપોળમાંથી આવેલો ઘોડો, ઇસ્પિતાલમાંથી આવેલો દરવાન; અને અહીંને માટે લઈ આવેલો બે સડેલાં દાડમ! (સૌનું હાસ્ય).

સુરેન્દ્ર – જયગોપાલ બાબુ છે બ્રાહ્મ-સમાજના. અત્યારે તો કેશવ બાબુના બ્રાહ્મ-સમાજમાં એના જેવો બીજો નથી. વિજય ગોસ્વામી, શિવનાથ અને બીજા બાબુઓએ એક સાધારણ બ્રાહ્મ-સમાજ કાઢ્યો છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – ગોવિંદ અધિકારી પોતાની રામલીલાની મંડળીમાં સારા માણસો રાખતો નહિ, વધુ પગાર દેવો પડે એ બીકથી. (સૌનું હાસ્ય).

કેશવના એક શિષ્યને તે દિવસે જોયો. કેશવને ઘેર નાટક થતું હતું. જોયું તો એ એક છોકરાને કાખમાં તેડીને નાચે છે! વળી સાંભળ્યું કે લેક્ચર આપે છે! પોતાને કોણ સમજાવે એનું ઠેકાણું નહિ.

ત્રૈલોક્ય ગાય છે –

‘ચિદાનંદ-સિંધુ-નીરમાં પ્રેમાનંદ લહરી…

ગીત સમાપ્ત થયું એટલે શ્રીરામકૃષ્ણ ત્રૈલોક્યને કહે છે કે ‘આ ગીત ગાઓ તો ભાઈ, ‘મને દે મા પાગલ કરી.’

Total Views: 364
ખંડ 19: અધ્યાય 14 : દક્ષિણેશ્વરના મંદિરમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે
ખંડ 19: અધ્યાય 16 : દક્ષિણેશ્વરમાં મણિલાલ વગેરે ભક્તો સાથે