ઠાકુર શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના પોતાના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં નાની પાટ ઉપર બેસીને ભજન-ગીતો સાંભળી રહ્યા છે. બ્રાહ્મ-સમાજના શ્રીયુત્ ત્રૈલોક્ય સાન્યાલ ગીત ગાઈ રહ્યા છે. 

આજ રવિવાર, ૨૦ ફાગણ સુદ પાંચમ, ૧૨૯૦ બંગાબ્દ; તારીખ બીજી માર્ચ, ઈ.સ. ૧૮૮૪. ભક્તો જમીન પર બેઠા છે અને ગીત સાંભળી રહ્યા છે. નરેન્દ્ર, સુરેન્દ્ર (મિત્ર), માસ્ટર, ત્રૈલોક્ય વગેરે ઘણાય બેઠા છે.

શ્રીયુત્ નરેન્દ્રના પિતા હાઈકોર્ટમાં વકીલ હતા. તેમનો સ્વર્ગવાસ થવાથી તેમનો પરિવાર બહુ જ કષ્ટમાં આવી પડ્યો છે. એટલે સુધી કે ક્યારેક ક્યારેક ખાવાના પણ સાંસા પડી જાય. આ બધી ચિંતાથી નરેન્દ્ર બહુ જ દુઃખી છે.

ઠાકુરનું શરીર, તેમનો હાથ ખડી ગયો ત્યારથી હજી સુધી સારું થયું નથી. હાથે ઘણાય દિવસ સુધી પાટો (BAR) બાંધી રાખવામાં આવ્યો હતો.

ત્રૈલોક્ય માનું ગીત ગાઈ રહ્યા છે. ગીતમાં કહે છે કે મા, તમારા ખોળામાં લઈને પાલવ ઢાંકીને અમને હૈયે ચાંપીને રાખો.

‘તારે ખોળે છુપાઈ રહું, (મા) નિરખી મુખ બોલું મા, મા, મા!

ડૂબી ચિદાનંદ રસે, મા મહાયોગ-નિદ્રાવેશે,

જોઉં રૂપ અનિમેષે, નયને નયને રાખી…

જોઈ કરીને ભય લાગે, પ્રાણ ડરી રડી ઊઠે,

રાખો મને હૈયે ચાંપી, સ્નેહ-પાલવથી માડી ઢાંકી (મા)…

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર પ્રેમાશ્રુ વરસાવી રહ્યા છે, અને કહે છે કે ‘આહા! કેવો ભાવ!’ ત્રૈલોક્ય ફરી ગાય છે –

ગીત (લોફા) : ‘લજ્જા-નિવારણ હરિ મારા, (જુઓ જુઓ મનોવાંછા પૂરી થાય),

ભક્તનું માન, અરે ઓ ભગવાન, તમ-વિણ બીજું કોણ રાખનાર?

તમે પ્રાણપતિ, પ્રાણાધાર, હું સદાની ખરીદેલી દાસી તમારી. (જુઓ)

ગીત (મોટું દશકશી) : 

તવ પદ સાર કરી, જાતિ કુળ પરિહરી, લાજ ભયને દીધી તિલાંજલિ.

(હવે ક્યાં હું જાઉં રે, રસ્તાની ભિખારણ થઈ),

હવે તારા પ્રેમ માટે, કલંક-ભાગી છું થઈ.

લોકો વાંકું બોલીને રે, (બહુ નિંદા મારી કરે),

(તને ચાહું માટે રે) (ઘેર બહારે નિંદા કરે).

લજ્જા શરમ મારી, હવે સોંપી પાસે તારી;

રાખો કે ત્યાગો ઇચ્છા તારી. 

(દાસીના માને માન તમારું), તમે છો હૃદયસ્વામી, 

તમારા માનમાં માન અમારું, કરો નાથ મ ઇચ્છા તારી, 

ગીત (નાનું દશકશી) : ઘરની બહાર કાઢી, ડુબાડી તમે જો હરિ!

આપો તવ શ્રીચરણે સ્થાન, (સદાને માટે) દિને દિને પ્રેમમધુ,

પાઓ મારા પ્રાણબંધુ, પ્રેમદાસનો કરો ઉદ્ધાર.

ઠાકુર વળી પ્રેમાશ્રુ સારતાં સારતાં જમીન પર આવીને બેઠા. અને રામપ્રસાદના ભાવનું ગીત ગાવા લાગ્યા :

‘યશ, અપયશ, કુરસ, સુરસ, સકળ રસ તમારા, (ઓ મા)

રસે રહીને ઓ મા, રસભંગ કરો શાને રસેશ્વરી!’

શ્રીઠાકુર ત્રૈલોક્યને કહે છે કે, આહા! તમારાં કેવાં ગીત! તમારાં ગીત બરાબર ભાવને અનુરૂપ! દરિયે ગયો હોય તે જ દરિયાનું પાણી લાવીને બતાવી શકે.

વળી ત્રૈલોક્ય ગાય છે-

(હરિ) ‘પોતે નાચો, પોતે ગાઓ, પોતે બજાવો તાલે તાલે;

માણસ તો સાક્ષી-ગોપાલ વૃથા મારું મારું બોલે.

બાજીગરનું પૂતળું જેવું, જીવ કેરું જીવન તેવું,

દેવતા થઈ શકે માણસ, તમારે જો માર્ગે ચાલે.

દેહ-યંત્રમાં તમે યંત્રી, અંતર-રથમાં તમે રથિ,

જીવ કેવળ પાપનો ભાગી, પોતાની સ્વાધીનતાને ફળે.

સર્વના મૂલાધાર તમે, પ્રાણના પ્રાણ હૃદય-સ્વામી,

અસાધુને સાધુ કરો, તમે નિજ પુણ્ય બળે.

(The Absolute identical with the Phenomenal World – નિત્ય-લીલાયોગ – પૂર્ણ જ્ઞાન કે વિજ્ઞાન)

ગીત પૂરું થયું, ઠાકુર હવે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્ય અને બીજા ભક્તોને) – હરિ જ સેવ્ય, હરિ જ સેવક; એ ભાવ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ. પ્રથમ ‘નેતિ નેતિ’ કરીને હરિ જ સત્ય અને બીજું બધું મિથ્યા એવું જ્ઞાન થાય. ત્યાર પછી એ જુએ કે હરિ જ બધું થઈ રહેલા છે. ઈશ્વર જ માયા, જીવ, જગત આ બધું થઈ રહ્યા છે. અનુલોમ થઈને પછી વિલોમ. આ છે પુરાણનો મત. જેમ કે એક બીલું છે. તેમાં અંદરનો ગરભ, બીજ અને છોડું છે. ઉપરનું છોડું અને બીજ ફેંકી દઈએ તો માત્ર ગરભ, સારવસ્તુ મળે. પણ બીલાનું વજન કેટલું એ જાણવું હોય તો છોડાં, બીજ છોડી દીધે ચાલે નહિ. એટલા માટે જીવે જગતનો ત્યાગ કરીને પ્રથમ સચ્ચિદાનંદે પહોંચવું જોઈએ. ત્યાર પછી સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરીને જુએ તો એ સચ્ચિદાનંદ જ આ બધું જીવ, જગત થઈ રહેલ છે. ગરભ જે વસ્તુમાંથી થયો છે, બીજ અને છોડાંય તે જ વસ્તુમાંથી બન્યાં છે. જેમ કે છાશ, તેમાંથી જ માખણ અને જેમાંથી માખણ તેમાંથી જ છાશ.

‘પણ કોઈ એમ કહી શકે કે સચ્ચિદાનંદ જ આ બધું થઈ રહેલ છે તો પછી એ આટલા બધા કઠણ કેમ કરીને થયા? આ જગતને દાબો તો ખૂબ કઠણ લાગે છે! તો તેનો જવાબ એ કે રજ અને વીર્ય એટલા તરલ પદાર્થ, પરંતુ તેમાંથી જ આવડો મોટો જીવ, માણસ તૈયાર થાય છે! ઈશ્વરથી બધું જ થઈ શકે. 

એક વાર અખંડ સચ્ચિદાનંદે પહોંચીને ત્યાર પછી ઊતરી આવીને આ બધું જોવાનું.

(ઈશ્વર સિવાય સંસાર નથી – યોગી અને ભક્તના પ્રભેદ)

ઈશ્વર જ બધું થઈ રહેલ છે. સંસાર કાંઈ ઈશ્વરની બહાર નથી. ગુરુ પાસે વેદ ભણી રહ્યા પછી રામને વૈરાગ્ય આવ્યો. તેમણે કહ્યું કે સંસાર જો સ્વપ્નવત્, તો પછી તેનો ત્યાગ કરવો જ સારો. એ સાંભળીને દરશથને બહુ જ બીક લાગી. તેમણે રામને સમજાવવા સારુ ગુરુ વશિષ્ઠ મુુનિને મોકલ્યા. વશિષ્ઠે રામને કહ્યું કે રામ, તમે સંસારત્યાગ કરવાનું કહો છો, તે શા માટે? તમે મને પહેલાં સમજાવો કે સંસાર ઈશ્વર સિવાયનો છે? જો તમે મને સમજાવી શકો કે ઈશ્વરમાંથી સંસાર થયો નથી, તો તમે સંસારત્યાગ કરી શકો. એટલે રામ ચૂપ થઈ ગયા. કશો જવાબ આપી શક્યા નહિ.

‘અંતે સર્વ તત્ત્વોનો આકાશ તત્ત્વમાં લય થાય. વળી પાછું સૃષ્ટિ વખતે આકાશ તત્ત્વમાંથી મહત્ તત્ત્વ, મહત્ તત્ત્વમાંથી અહંકાર એ પ્રમાણે ક્રમે ક્રમે બધી સૃષ્ટિ થાય છે. અનુલોમ અને વિલોમ. ભક્ત બધુંય સ્વીકારે. ભક્ત અખંડ સચ્ચિદાનંદનેય સ્વીકારે, તેમજ વળી જીવ-જગતનેય સ્વીકારે.

‘પરંતુ યોગીનો રસ્તો જુદો. એ પરમાત્માએ પહોંચીને ફરીથી પાછો આવે નહિ.એનો પરમાત્મા સાથે યોગ થઈ જાય.

‘એક જરાક જેટલાની અંદર (મૂર્તિ આદિમાં જ) ઈશ્વરને જુએ તેનું નામ ખંડ જ્ઞાની. એ માને કે એટલાની બહાર ઈશ્વર નથી.

‘ભક્તો ત્રણ કોટિના. સૌથી નીચલી કોટિનો ભક્ત કહેશે કે ઈશ્વર ત્યાં, અર્થાત્ આકાશની તરફ એ બતાવી દે. મધ્યમ કોટિનો ભક્ત કહેશે કે ઈશ્વર હૃદયમાં અંતર્યામીરૂપે રહેલ છે. અને ઉત્તમ ભક્ત કહેશે કે ઈશ્વર જ આ સર્વ કાંઈ થઈ રહેલ છે; જે કાંઈ જોઈએ છીએ એ બધું ઈશ્વરનું એક એક સ્વરૂપ. નરેન્દ્ર પહેલાં મજાક કરીને કહેતો કે જો ઈશ્વર જ બધું થઈ રહેલ હોય, તો તો પછી ઈશ્વર જ લોટો, ઈશ્વર જ વાટકો! (સૌનું હાસ્ય).

(ઈશ્વર-દર્શનથી સંશય જાય – કર્મત્યાગ થાય – વિરાટ શિવ)

‘પરંતુ ઈશ્વરનાં દર્શન થાય તો બધા સંશય ટળી જાય. સાંભળવું એક વાત અને પ્રત્યક્ષ જોવું એ બીજી વાત. એકલા સાંભળવાથી પૂરેપૂરો સોળ આના વિશ્વાસ બેસે નહિ. સાક્ષાત્કાર થાય તો પછી વિશ્વાસમાં કાંઈ ઊણપ રહે નહિ.

‘ઈશ્વર-દર્શન કરવાથી કર્મ-ત્યાગ થાય. એ પ્રમાણે જ મારું પૂજા કરવાનું બંધ થયું. હું કાલી મંદિરમાં પૂજા કરતો. અચાનક માએ બતાવી દીધું કે બધું ચિન્મય! આચમની, પંચપાત્ર, તરભાણું, વેદી, ઘરનું બારસાખ એ સર્વ ચિન્મય! માણસ, જીવજંતુ, બધું ચિન્મય! એટલે પછી ફૂલ લઈને ઉન્માની પેઠે ચારે બાજુ વરસાવવા લાગ્યો! જે કંઈ જોઉં તેની પૂજા કરું!

એક દિવસ પૂજા વખતે શિવના મસ્તક પર વજ્ર (માટીના બનાવેલા શિવલિંગના મસ્તકે જે ગોળાકાર નાનું માટીનું પીંડ સ્થાપેલું હોય એને વજ્ર કહે છે) ચડાવવા જાઉં છું; એટલામાં બતાવી દીધું કે આ બ્રહ્માંડરૂપી વિરાટ મૂર્તિ જ શિવ! ત્યારથી શિવની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું બંધ થઈ ગયું. ફૂલ ચૂંટવા જાઉં છું તો અચાનક બતાવી દીધું કે જુદાં જુદાં ઝાડ જાણે ફૂલના એક એક ગજરા!

(કાવ્યરસ અને ઈશ્વર-દર્શનનો પ્રભેદ – ‘ન કવિતાં વા જગદીશ’)

ત્રૈલોક્ય – આહા! ઈશ્વરની રચના કેવી સુંદર!

શ્રીરામકૃષ્ણ – ના ભાઈ! ખરેખર એકાએક પ્રત્યક્ષ બતાવ્યું! ગણતરી કરીને નહિ. એકદમ પ્રત્યક્ષ દેખાડી દીધું કે એક એક ફૂલઝાડ જ જાણે કે એક ગજરો, એ વિરાટ-મૂર્તિ શિવની ઉપર શોભી રહેલ છે. તે દિવસથી ફૂલ ચૂંટવાનું બંધ થઈ ગયું. માણસને પણ હું બરાબર એ જ પ્રમાણે જોઉં. જાણે કે ઈશ્વર જ માનવદેહ લઈને હાલતો ચાલતો ફરી રહ્યો છે! જેમ કે સાગરનાં મોજાંની ઉપર એક ઓશીકું તર્યે જાય છે. ઓશીકું આમતેમ ડગમગતું ચાલ્યું જાય છે. મોજાંનો ધક્કો લાગતાં એક વાર ઊંચું થાય છે. વળી પાછું મોજાંની સાથે નીચે આવી પડે છે.

(ઠાકુરે શરીર કેમ ધારણ કર્યું? – ઠાકુરની ઇચ્છા)

‘શરીર બે દિવસને માટે; ઈશ્વર જ સત્ય. શરીર તો ઘડીક છે ને ઘડીકમાં નથી. ઘણાય દિવસ પહેલાં જ્યારે પેટના દર્દથી હું ખૂબ પીડાતો હતો ત્યારે હૃદયે કહ્યું, ‘મામા, માને એક વાર કહો ને, કે જેથી આરામ થઈ જાય!’ રોગ મટાડવા માટે મા પાસે માગણી કરતાં મને શરમ આવી. એટલે બોલ્યો કે ‘મા, સુસાઈટીમાં (Asiatic Society – સંગ્રહ-સ્થાનમાં) જેવું માણસનું હાડપિંજર (Skeleton) જોયું હતું, તારથી હાડકાં બાંધેલા માણસની આકૃતિ, મા, એ પ્રકારે સાંધા ભેગા કરીને શરીર જરા ઠીક કરી આપો કે જેથી તમારાં નામ-ગુણ-ગાન, કીર્તન કરી શકાય!’

‘જીવવાની ઇચ્છા શા માટે? રાવણનો વધ થયા પછી રામ-લક્ષ્મણે લંકામાં પ્રવેશ કર્યાે. રાવણના મહેલમાં જઈને જુએ છે તો રાવણની મા નિકષા તેમને જોઈને નાસવા લાગી. એથી નવાઈ પામીને લક્ષ્મણે પૂછ્યું કે ‘રામ! આ વૃદ્ધ નિકષાનો આખો વંશ નાશ પામી ગયો તોય પ્રાણ ઉપર આટલી આસક્તિ?’ એટલે રામે નિકષાને બોલાવીને કહ્યું કે ‘તું ગભરાઈશ નહિ. તું કહે જોઈએ, કે શા માટે તું નાસવા લાગી?’ એટલે નિકષાએ જવાબ આપ્યો કે ‘હે રામ! હું નાસી જતી હતી તે જીવવાની આસક્તિને લીધે નહિ. હું જીવતી હતી એટલે તો તમારી આટલી લીલા જોઈ શકી. જો હજીયે જીવું તો એથીયે વધારે કેટલી લીલા જોઈ શકું? એટલે જીવતા રહેવાની ઇચ્છા છે!’

‘વાસના ન હોય તો શરીર ધારણ થાય નહિ.’

(હસતાં હસતાં) મારામાં એક ઇચ્છા હતી. મેં માને કહ્યું હતું કે ‘મા, કામ-કાંચન-ત્યાગીઓની સોબત આપો.’ એ ઉપરાંત કહ્યું હતું કે ‘તમારા જ્ઞાનીઓ અને ભક્તોનો સંગ કરવાની ઇચ્છા છે, એટલે જરા શક્તિ આપો, કે જેથી ચાલી શકું, અહીંતહીં જઈ શકું.’ પણ ચાલવાની શક્તિ આપી નહિ!

ત્રૈલોક્ય (હસીને) – હવે શું ઇચ્છા મટી છે?

શ્રીરામકૃષ્ણ (હસીને) – જરાક બાકી છે! (સૌનું હાસ્ય).

‘શરીર બે દિવસને માટે. મારો હાથ જ્યારે ભાંગી ગયો, ત્યારે માને કહ્યું કે ‘મા, બહુ દુઃખે છે!’ ત્યારે માએ દેખાડી દીધી એક ગાડી અને તેનો હાંકનાર. ગાડીના એક બે સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. હાંકનાર જેમ ચલાવે છે તેમ ગાડી ચાલે છે. ગાડીની પોતાની શક્તિ નહિ.’

તો પછી શરીરની સંભાળ લઉં છું શા માટે? ઈશ્વરને સારુ. આનંદ કરવા માટે. ઈશ્વરનાં નામ-ગુણ-કીર્તન કરવા માટે. તેના જ્ઞાની, ભક્તોને જોઈને મળવા માટે.

Total Views: 353
ખંડ 19: અધ્યાય 13 : શ્રીયુત્ મણિલાલ વગેરેને ઉપદેશ - નરલીલા
ખંડ 19: અધ્યાય 15 : નરેન્દ્ર વગેરે સાથે - નરેન્દ્રનાં સુખદુઃખ - દેહનાં સુખદુઃખ