મણિલાલ મલ્લિક જૂના બ્રાહ્મ-સમાજી. ભવનાથ, રાખાલ, માસ્ટર વગેરે વચ્ચે વચ્ચે બ્રાહ્મ-સમાજમાં જતા. શ્રીરામકૃષ્ણ ૐકારની વ્યાખ્યા, યથાર્થ બ્રહ્મ-જ્ઞાન, અને બ્રહ્મ-દર્શન પછીની અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – શબ્દ-બ્રહ્મ; ઋષિમુનિઓ એ શબ્દ-બ્રહ્મની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરતા. સિદ્ધ થયે એ શબ્દ સાંભળી શકાય. નાભિમાંથી એ એની મેળે ઊઠે છે; અનાહત શબ્દ.

‘એક મત પ્રમાણે એવું છે કે એકલો શબ્દ સાંભળ્યે શું વળે? દૂરથી શબ્દ-કલ્લોલ સંભળાય. એ શબ્દ-કલ્લોલ પકડી પકડીને જવાથી સમુદ્રે પહોંચી શકાય. જ્યારે કલ્લોલ છે ત્યારે સમુદ્ર પણ છે. અનાહત શબ્દ પકડી પકડીને જવાથી તેનું પ્રતિપાદ્ય જે બ્રહ્મ, તેની પાસે પહોંચી શકાય. એને જ પરમ પદ (યત્ર નાદો વિલીયતે તદ્વિષ્ણોઃ પરમં પદં, સદા પશ્યન્તિ સૂરયઃ।) કહ્યું છે. ‘અહં’ હોય ત્યાં સુધી એનું દર્શન થાય નહિ. જ્યાં ‘હું ય’ નહિ, ‘તું ય’ નહિ; ‘એક’ પણ નહિ, ‘અનેક’ પણ નહિ; ત્યાં જ આ દર્શન!

(જીવાત્મા અને પરમાત્માનો યોગ અને સમાધિ)

‘ધારો કે સૂર્ય છે અને પાણીથી ભરેલા દશ ઘડા છે. દરેક ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે. પહેલાં દેખાય છે એક સૂર્ય અને દશ પ્રતિબિંબ-સૂર્ય. જો નવ ઘડા ફોડી નાખવામાં આવે તો બાકી રહે એક સૂર્ય અને એક પ્રતિબિંબ-સૂર્ય. એ એક એક ઘડો જાણે કે એક એક જીવ. પ્રતિબિંબ-સૂર્ય પકડી પકડીને ખરા સૂર્યની પાસે જઈ શકાય. જીવાત્માથી પરમાત્માએ પહોંચી શકાય. જીવ (જીવાત્મા) જો સાધન-ભજન કરે તો પરમાત્માનું દર્શન કરી શકે. પણ છેલ્લો ઘડો ફોડી નાખ્યા પછી બાકી શું રહે, એ મોઢેથી બોલી શકાય નહિ.

‘જીવ પ્રથમ અજ્ઞાની હોય. તેને ઈશ્વરનું ભાન નહિ, પણ વિવિધતાનું ભાન, અનેક વસ્તુનું ભાન હોય. જ્યારે જ્ઞાન થાય ત્યારે તેને ભાન થાય કે ઈશ્વર સર્વ ભૂતોમાં છે. જેમ કે પગમાં કાંટો વાગ્યો હોય, તો બીજો એક કાંટો લાવીને એ કાંટાને કાઢવાનો. એટલે કે જ્ઞાન-કાંટા વડે અજ્ઞાન-કાંટાને કાઢી નાખવો.

‘તેમ પાછું વળી વિજ્ઞાન થયે બેઉ કાંટા ફેંકી દેવાના, અજ્ઞાન-કાંટો અને જ્ઞાન-કાંટો બંને. ત્યારે ઈશ્વરની સાથે રાતદિન વાતચીત, બોલવાનું વગેરે થાય, એકલાં દર્શન જ નહિ.

‘જેણે દૂધની વાત માત્ર સાંભળી છે એ અજ્ઞાન, જેણે દૂધને જોયું છે તેને દૂધ વિશે જ્ઞાન થયું છે. પણ જે દૂધ પીને હૃષ્ટપુષ્ટ થયો છે તેને વિજ્ઞાન થયું છે.

હવે ઠાકુર ભક્તોને જાણે કે પોતાની અવસ્થા સમજાવી દે છે. વિજ્ઞાનીની અવસ્થાનું વર્ણન કરીને જાણે કે પોતાની જ અવસ્થા વર્ણવી રહ્યા છે.

(શ્રીરામકૃષ્ણની અવસ્થા – શ્રીમુખે કહેલી – ઈશ્વર-દર્શન 

પછીની અવસ્થા)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – જ્ઞાની સાધુ અને વિજ્ઞાની સાધુ એમાં ભેદ છે. જ્ઞાની સાધુની બેસવાની રીત જુદી. એ જાણે કે મૂછે તાવ દઈને બેસે. કોઈ આવે તો પૂછે, ‘કેમ શેઠ, તમારે કાંઈ પૂછવાનું છે?’

‘જે ઈશ્વરને હંમેશાં દેખે છે, એની સાથે વાતો કરે છે (વિજ્ઞાની), એનો સ્વભાવ જુદો. એ ક્યારેક જડની પેઠે, તો ક્યારેક પિશાચની પેઠે, તો કદી બાળકની સમાન, તો કદી પાગલની પેઠે વર્તે.

‘ક્યારેક સમાધિ-મગ્ન થઈને બાહ્યભાન રહિત થઈ જાય, જડ જેવો થઈ જાય.

એ બધું બ્રહ્મમય દેખે એટલે પિશાચની પેઠે વર્તે. પવિત્ર-અપવિત્રનું તેને ભાન રહે નહિ. કાં તો શૌચ કરતાં કરતાં બોર ખાતો હોય નાનાં છોકરાંની પેઠે. સ્વપ્નદોષ પછી અશુદ્ધિ મનમાં રહે નહિ, વીર્યથી જ શરીર થયું છે એ વિચારથી. વિષ્ટા-મૂત્રનું જ્ઞાન નહિ; બધું બ્રહ્મમય.

‘તેમ વળી પાગલની પેઠે. તેના રંગઢંગ જોઈને માણસો માને કે તે ગાંડો છે.

‘વળી ક્યારેક બાળક સમાન. તેને કોઈ પાશ નહિ, લજ્જા, ઘૃણા, સંકોચ વગેરે.

‘ઈશ્વર-દર્શન પછીની એ અવસ્થા. જેમ કે લોહચુંબકના પહાડની પાસે થઈને જહાજ ચાલ્યું જાય છે; ત્યાં જહાજનાં સ્ક્રૂ, ચૂંકો, ખીલા વગેરે અળગાં થઈને નીકળી જાય. ઈશ્વર-દર્શન પછી કામ, ક્રોધ વગેરે રહે નહિ.’

‘મા કાલીના મંદિર પર જ્યારે વીજળી પડી હતી, ત્યારે જોયું’તું કે તે સ્ક્રૂનાં માથાં ઊડી ગયાં છે.’

‘જેણે ઈશ્વર-દર્શન કર્યું હોય, તેનાથી પછી છૈયાં-છોકરાંને જન્મ આપવો બની શકે નહિ, સૃષ્ટિનું કામ થાય નહિ. સંસાર-વ્યવહારનાં કામકાજ થાય નહીં. કાચો ચણો વાવ્યે રોપ ઊગે, પણ બાફેલો ચણો વાવવાથી રોપ ઊગે નહિ.

‘જેણે ઈશ્વર-દર્શન કર્યું હોય, તેનો ‘અહં’ એક નામ માત્ર રહે. એ અહં વડે કશુંય ખોટું કામ થાય નહિ. એ તો અહંનું નામ માત્ર હોય. જેમ કે નાળિયેરના તાડછાંનો દાગ. તાડછું (નાળિયેરની આંખો) પડી ગયું હોય, પછી કેવળ દાગ માત્ર રહે, તેમ.

(ઈશ્વર-દર્શન પછી ‘અહં’ – શ્રીરામકૃષ્ણ અને કેશવ સેન)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – મેં કેશવ સેનને કહ્યું કે ‘હું પણાનો ત્યાગ કરો, હું કર્તા, હું માણસોને ઉપદેશ આપું છું એ ભાવનાનો. કેશવે કહ્યું, ‘મહાશય, તો તો પછી અમારો સમાજ બમાજ રહે નહિ.’ મેં કહ્યું, ‘કમજાત અહં’નો ત્યાગ કરો. ‘ઈશ્વરનો દાસ હું, ઈશ્વરનો ભક્ત હું’ એવા હું પણાનો ત્યાગ કરવાનો નહિ. ‘કમજાત હું’ હોય, એટલે ‘ઈશ્વરનો હું’ રહે નહિ.

‘કોઠારમાં કોઠારી હોય ત્યાં સુધી ઘરનો માલિક કોઠારની જવાબદારી લે નહિ.

(શ્રીરામકૃષ્ણ – મનુષ્યલીલા અને અવતારતત્ત્વ)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – જુઓ, આ હાથે વાગ્યું છે તેને લીધે મારો સ્વભાવ બદલાતો જાય છે. પરમાત્મા હવે માણસની અંદર ઈશ્વરનો વિશેષ પ્રકાશ બતાવી આપે છે. એ જાણે કહી રહ્યો છે કે હું માણસની અંદર રહ્યો છું. 

તમે માણસોની સાથે આનંદ કરો. શુદ્ધ ભક્તની અંદર ઈશ્વરનો વધુ પ્રકાશ. તેથી નરેન્દ્ર, રાખાલ વગેરેને માટે આટલો આતુર થાઉં છું. તળાવને કિનારે નાના નાના ખાડા હોય, ત્યાં માછલાં, કરચલાં વગેરે આવીને ભેગાં થાય. તેવી રીતે માણસની અંદર ઈશ્વરનો પ્રકાશ વધુ!

‘એવું છે કે શાલિગ્રામથીયે મોટો માણસ, નરનારાયણ.’

‘પ્રતિમામાં ઈશ્વર પ્રગટ થાય અને માણસમાં થાય નહિ?’

‘ઈશ્વર નર-લીલા કરવાને માટે માણસની અંદર અવતીર્ણ થાય. જેમ કે રામચંદ્ર, શ્રીકૃષ્ણ, ચૈતન્યદેવ. અવતારનું ચિંતન કરવાથી જ ઈશ્વરનું ચિંતન કર્યું ગણાય.’

બ્રાહ્મ-સમાજી ભક્ત ભગવાનદાસ આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ભગવાનદાસને) – ઋષિઓનો ધર્મ સનાતન ધર્મ,અનંતકાળ સુધી એ છે અને રહેશે. આ સનાતન ધર્મની અંદર નિરાકાર, સાકાર બધી જાતની પૂજાઓ છે; જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ બધુંય છે. બીજા જે બધા ધર્માે, હાલના આધુનિક ધર્માે, તે થોડાક દિવસ રહેશે ને પાછા લુપ્ત થઈ જશે.

Total Views: 273
ખંડ 19: અધ્યાય 16 : દક્ષિણેશ્વરમાં મણિલાલ વગેરે ભક્તો સાથે
ખંડ 19: અધ્યાય 18 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, રામ, નિત્યગોપાલ, અધર, માસ્ટર, મહિમાચરણ વગેરે ભક્તો સાથે