(શ્રીરામકૃષ્ણને માંદગીમાં અધીરતા કેમ? – વિજ્ઞાનીની અવસ્થા)

ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી રાખાલ, રામ વગેરે ભક્તોની સાથે બેઠા છે. શરીરે સંપૂર્ણ સ્વસ્થ નથી. હજીયે હાથે પાટો બાંધેલો છે. આજે રવિવારે ૧૧ ચૈત્ર, ૧૨૯૦ (બંગાબ્દ) કૃષ્ણ એકાદશી, ૨૩ માર્ચ, ૧૮૮૪.

પોતાને માંદગી છતાં ઠાકુરે આનંદનું બજાર ભર્યું છે. ટોળાંબંધ ભક્તો આવ્યા કરે છે. હમેશાં ઈશ્વર-કથા-પ્રસંગનો આનંદ ચાલ્યા જ કરે. ક્યારેક કીર્તનનો આનંદ હોય, તો ક્યારેક વળી ઠાકુર સમાધિ-મગ્ન થઈને બ્રહ્માનંદનો ઉપભોગ કરતા હોય. ભક્તો આશ્ચર્યચકિત થઈને એ જુએ. ઠાકુર વાતો કરી રહ્યા છે.

(નરેન્દ્રના લગ્ન વિશે – ‘નરેન્દ્ર દલપતિ’)

રામ બાબુ – આર. મિત્ર (R.Mitra) ની દીકરી સાથે નરેન્દ્રનો સંબંધ થવાનો છે. દાયજામાં ઘણા રૂપિયા આપવાનું કહે છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એ રીતે (નરેન્દ્ર) એકાદ સંઘપતિ બંઘપતિ થઈ શકવાનો. એ જે બાજુએ જવાનો, ત્યાં એ ગમે તે કોઈ મહાન થઈને ઊભો રહેવાનો. (ઠાકુરે નરેન્દ્રની વાત વધારે આગળ ચાલવા દીધી નહિ.)

શ્રીરામકૃષ્ણ (રામને) – વારુ, માંદગી આવે એટલે હું આટલો અધીરો થઈ જાઉં છું શા માટે? એક વાર આને પૂછું કે ભાઈ, શેનાથી મટશે? અને વળી બીજાને પૂછું! 

વાત શું છે, તમને ખબર છે? કાં તો સૌનું માનવું જોઈએ ને નહિતર કોઈનું નહિ. 

ઈશ્વર જ વૈદ્ય-ડૉક્ટર થઈ રહેલ છે. એટલે બધા ચિકિત્સકોને માનવા જોઈએ. તેમને માણસ તરીકે માન્યે શ્રદ્ધા બેસે નહિ. 

(પૂર્વકથા – શંભુ મલ્લિક અને હલધારીની માંદગી)

શંભુને ઘોર વિકાર થઈ ગયેલો. સર્વાધિકારી ડૉક્ટર એને તપાસીને કહે કે દવાની ગરમી ચડી ગઈ છે. 

હલધારીએ હાથ બતાવ્યો. ડૉક્ટર કહે છે કે આંખો જોઉં! ‘ઓ! બરોલ વધી ગઈ છે.’ એટલે હલધારી બોલ્યો કે બરોલ ફરોલ કાંઈ નથી. 

‘મધુ ડૉક્ટરની દવા સારી.’

રામ – દવાથી ફાયદો નથી થતો. પરંતુ કુદરતને તેનું કામ કરવામાં દવા ઘણે અંશે મદદ કરે.

શ્રીરામકૃષ્ણ – દવાથી જો ફાયદો થતો ન હોય તો અફીણથી ઝાડો બંધ થઈ જાય શા માટે?

(કેશવ સેનની વાત – ‘સુલભ સમાચાર’માં ઠાકુર વિશે છપાયું)

રામ કેશવ સેનના દેહત્યાગની વાત કરે છે.

રામ – આપે તો બરાબર કહ્યું હતું કે જો સારા ગુલાબની જાત હોય તો માળી મૂળિયાં સુધ્ધાં ખુલ્લાં કરી નાખે! હિમ પડે એટલે છોડ વધુ જોરથી ખીલે. એ સિદ્ધ વચન તો ફળ્યું છે ને!

શ્રીરામકૃષ્ણ – કોણ જાણે બાપુ, એટલી બધી ગણતરી કંઈ કરી ન હતી; તમે જ બધા કહો છો.

રામ – એ લોકોએ (બ્રાહ્મ-સમાજીઓએ) આપના વિશે સુલભ-સમાચારમાં છાપીને પ્રસિદ્ધ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ – છાપી દેવું ને પ્રસિદ્ધ કરવું? એ તે શું! અત્યારથી જ પ્રસિદ્ધ કરવું શા માટે? હું તો ખાઉં, પીઉં ને મજા કરું. હું બીજું કંઈ જાણું નહિ! 

કેશવ સેનને મેં કહ્યું, ‘તમે શું કામ છાપ્યું?’ તો એ કહે કે તમારી પાસે માણસો આવે એટલા સારુ.’

(ઈશ્વરની શક્તિ દ્વારા લોકશિક્ષણ – હનુમાનસિંગની કુસ્તીનું દર્શન)

શ્રીરામકૃષ્ણ (રામ વગેરેને) – માણસની શક્તિ વડે લોક-કલ્યાણ ન થાય. ઈશ્વરની શક્તિ ન હોય તો અવિદ્યાને જીતી ન શકાય.

‘બે જણ મલ્લ કુસ્તી લડ્યા હતા, હનુમાનસિંગ અને બીજો એક પંજાબી મુસલમાન. મુસલમાન હતો એક જાડો તગડો. કુસ્તીના દિવસ પહેલાં પંદર દિવસથી એ માંસ, ઘી વગેરે ખૂબ ખાતો. બધાંએ ધાર્યું કે એ જ જીતવાનો.

‘આ બાજુ હનુમાનસિંગ મેલો ઘેલો. તેણે કેટલાક દિવસ પહેલાંથી જ આહાર ઓછો કરી નાખ્યો અને બજરંગ-બલી હનુમાનજીના નામનો જપ કરવા લાગ્યો. જે દિ’ કુસ્તી થવાની તે દિ’ તો તેણે સાવ ઉપવાસ કર્યાે! સૌએ ધાર્યું કે એ જરૂર હારવાનો. પરંતુ એ જીત્યો! જેણે પંદર દિવસથી ખૂબ ખાધા કર્યું’તું તે જ હાર્યાે!

‘છાપામાં છાપ છાપ કર્યે શું વળવાનું? જેના દ્વારા લોકહિત થવાનું હોય તેની શક્તિ ઈશ્વર પાસેથી આવે. અને ત્યાગી ન હોય તો લોકોપદેશ થાય નહિ.

(બાલ્ય – કામારપુકુરમાં લાહાબાબુના મકાનમાં સાધુઓનો પાઠશ્રવણ)

‘પરંતુ હું તો મૂર્ખાેામ!’ (સૌનું હાસ્ય).

એક ભક્ત – તો પછી આપના મોઢેથી વેદ, વેદાન્ત, એ ઉપરાંતેય કેટલુંય બધું બહાર આવે છે કેમ કરીને?

શ્રીરામકૃષ્ણ (હસીને) – પણ નાનપણમાં લાહા બાબુને ઘેર (કામારપુકુરમાં) સાધુઓ જે વાંચતા તે બધું સમજી શકતો. થોડું ઘણું કદાચ ન સમજાય. કોઈ પંડિત આવીને જો સંસ્કૃતમાં વાતચીત કરે તો સમજી શકું, પણ હું પોતે સંસ્કૃતમાં બોલી ન શકું. 

(પાંડિત્ય એ જ શું જીવનનો ઉદ્દેશ? મૂર્ખ અને ઈશ્વરની કૃપા)

વાત એમ છે કે ‘ઈશ્વરને મેળવવો એ જ જીવનનો હેતુ. લક્ષ્ય-વેધ કરતી વખતે અર્જુન બોલ્યો કે હું બીજું કંઈ જોઈ શકતો નથી, માત્ર એ પંખીની આંખો જ જોઈ શકું છું. આજુબાજુના રાજાઓને પણ દેખતો નથી, ઝાડ પણ દેખતો નથી, પંખીને સુધ્ધાં દેખતો નથી.

ભગવાનને મેળવ્યા એટલે પત્યું! ભલેને સંસ્કૃત ન જાણ્યું!’

‘ઈશ્વરની કૃપા પંડિત, મૂર્ખ, તેનાં સર્વ સંતાનો ઉપર છે. જે કોઈ તેને પામવા સારુ આતુર થાય તે બધાની ઉપર છે! બાપનો બધાં સંતાનો ઉપર સરખો સ્નેહ હોય. 

એક બાપને પાંચ છોકરાં. બે-એક છોકરાં ‘બાપુજી’ કહીને બોલાવી શકે. તો કોઈ વળી ‘બાપા’ એટલું જ કહીને બોલાવે, તો કોઈ વળી ‘પા’ એટલો જ ઉચ્ચાર કરી શકે, આખો શબ્દ બોલી ન શકે. તો શું જે છોકરું ‘બાપુજી’ બોલી શકે તેના ઉપર બાપનો વધુ સ્નેહ હોય, જે ‘પા’ બોલે તેના કરતાં? બાપ જાણે, કે એ બિચારાં નાનાં બાળક, ‘બાપુજી’ એમ બરાબર બોલી શકતાં નથી! (See, Max Muller’s Hibbert Lectures)

(ઠાકુર શ્રીરામકૃષ્ણનું નરલીલામાં મન)

શ્રીરામકૃષ્ણ – આ હાથ ખડી ગયા પછી મારા મનની અવસ્થા બદલાતી જાય છે. નર-લીલા તરફ મન બહુ વળે છે, ઈશ્વર મનુષ્ય થઈને ખેલ કરી રહેલ છે!

‘માટીની પ્રતિમામાં ઈશ્વરની પૂજા થાય અને માણસમાં થાય નહિ?

‘એક સોદાગર, લંકાની પાસે તેનું વહાણ ડૂબી જવાથી તણાતો તણાતો લંકાને કિનારે આવી પડેલો. રાજા વિભીષણના માણસો તેના હુકમથી તેને વિભીષણની પાસે લઈ ગયા. તેને જોતાં, ‘આહા, આ તો મારા રામચંદ્રના જેવી જ મૂર્તિ! એ જ નરરૂપ!’ એમ કહેતાંકને વિભીષણ આનંદમાં મગ્ન થઈ ગયા. અને એ માણસને વસ્ત્ર-આભૂષણ પહેરાવીને પૂજા-આરતી કરવા લાગ્યા.

‘આ વાત મેં જ્યારે પહેલવહેલી સાંભળી, ત્યારે મને જે આનંદ થયેલો તે કહ્યો જાય નહિ.’

(પૂર્વકથા – વૈષ્ણવચરણ – ફુલુઈ શ્યામબજારના કર્તાભજાઓની વાત)

‘વૈષ્ણવચરણને પૂછ્યું એટલે તેણે કહ્યું કે જેને ચાહે, તેને જો ઇષ્ટદેવતા તરીકે ગણે તો ઈશ્વરમાં ઝટ મન જાય. (એ સંપ્રદાયમાં) પૂછે, ‘તું કોને ચાહે છે?’ ‘અમુક પુરુષને.’ ‘ત્યારે એને જ તારા ઇષ્ટ તરીકે જાણ.’ અમારે ત્યાં કામારપુકુર – શ્યામબજારમાં મેં કહ્યું : ‘એવો પંથ મારો નહિ, મારો તો (સર્વ સ્ત્રી પ્રત્યે) માતૃભાવ. ’ જોયું તો તેઓ વાતો લાંબી કરે, પણ પાછા વ્યભિચાર કરે. એ પંથની સ્ત્રીઓએ મને પૂછ્યું : ‘અમારી મુક્તિ શું થવાની નહિ?’ મેં કહ્યું કે ‘થાય, જો એક જણમાં જ ભગવાન તરીકેની નિષ્ઠા હોય તો. પાંચ જણની સાથે રહ્યે થાય નહિ.’

રામ – કેદાર બાબુ, એમ લાગે છે કે કર્તાભજાઓને ત્યાં ગયા હતા?

શ્રીરામકૃષ્ણ – એ પાંચ ફૂલનું મધ ચૂસે.

(‘હલધારીના બાપુ’ – ‘મારા બાપુ’ – વૃંદાવનમાં પાછી ફરતી ગાયના ધણનાં દર્શન કરીને થયેલ ભાવ)

શ્રીરામકૃષ્ણ (રામ, નિત્યગોપાલ વગેરેને) – ‘આ જ મારા ઇષ્ટ’ એવી સોળે સોળ આના શ્રદ્ધા આવ્યે ઈશ્વરની પ્રાપ્તિ થાય, દર્શન થાય.

‘આગળના માણસોમાં શ્રદ્ધા ખૂબ હતી. હલધારીના બાપુમાં શી શ્રદ્ધા હતી! 

એક વખતે એ પોતાની દીકરીને ઘેર જતા હતા. રસ્તામાં મોગરાનાં ફૂલ અને બીલીનાં પાન સુંદર મજાનાં ઊગેલાં જોયાં. એટલે દેવસેવા સારુ એ બધાં ચૂંટીને લઈને બે ત્રણ ગાઉનો ફેરો કરીને પાછા પોતાને ઘેર આવ્યા!

‘એક વાર એ બધા રામલીલા જોવા ગયેલા. ત્યાં કૈકેયીએ રામને વનવાસમાં જવાનું કહ્યું. હલધારીના બાપુય રામલીલા જોવા આવેલા. તે એકદમ ઊભા થઈ ગયા અને જેણે કૈકેયીનો પાઠ લીધો હતો તેની પાસે જઈ ને ‘દુષ્ટા!’ એમ કહીને દીવો ઉપાડીને તેનું મોઢું બાળવા ગયેલા! 

સ્નાન કરી રહ્યા પછી જ્યારે પાણીમાં ઊભા ઊભા – રક્તવર્ણં ચતુર્મુખં’- વગેરે બધું બોલીને ધ્યાન કરતા, ત્યારે તેમનાં નેત્રો અશ્રુજળથી ભરાઈ જતાં.

‘મારા બાપુજી જ્યારે ચાખડીઓ પહેરીને ગામની બજારમાંથી નીકળતા, ત્યારે દુકાનદારો બધા ઊભા થઈ જતા! કહેતા કે ‘મહારાજ પધારે છે!’

‘એ જ્યારે હાલદાર-પુકુર તળાવમાં સ્નાન કરતા, ત્યારે લોકો તળાવમાં નહાવા ઊતરવાની હિંમત કરતા નહિ. પહેલાં પૂછી જોતા કે ‘મહારાજ સ્નાન કરી ગયા છે?’ 

‘રઘુવીર! રઘુવીર!’ બોલતા, અને એમની છાતી લાલ થઈ જતી.

‘મનેય એ પ્રમાણે થતું. વૃંદાવનમાં ફિરતી ગોઠડી (ગોવાળ સાથે સાંજના પાછું આવતું ગાયોનું ધણ) જોઈને, ભાવ-સમાધિમાં શરીર આખું એવું થઈ ગયેલું. 

એ વખતના લોકોમાં શ્રદ્ધા ખૂબ હતી. ક્યારેક તો માતાજી કાલીરૂપે નાચતાં અને સાધક હાથથી તાલી બજાવતો રહેતો, એવી વાતોય સંભળાય છે.’

(પંચવટીમાં હઠયોગી)

ત્યાં પંચવટીવાળી ઓરડીમાં એક હઠયોગી આવેલ છે. અેંડેદહના કૃષ્ણકિશોરનો પુત્ર રામપ્રસન્ન અને બીજાય કેટલાક માણસો એ હઠયોગીને ખૂબ માને. પરંતુ તેનો, અફીણ અને દૂધનો, મહિને પચીસ રૂપિયા ખરચો. એટલે રામપ્રસન્ને ઠાકુરને કહી રાખેલું કે ‘આપને ત્યાં કેટલાય ભક્તો આવે છે. તો એ લોકોને કહી રાખજો, એટલે હઠયોગીને માટે થોડાક રૂપિયા ભેગા થઈ જાય.’

ઠાકુરે કેટલાક ભક્તોને કહ્યું, ‘પંચવટીમાં જરા હઠયોગીને જોઈ આવોને કે માણસ કેવો છે એ!’

Total Views: 310
ખંડ 19: અધ્યાય 17 :
ખંડ 19: અધ્યાય 19 : ઠાકોરદાદા અને મહિમાચરણને ઉપદેશ