એક બે મિત્રોની સાથે ઠાકોરભાઈ આવી પહોંચ્યા અને સૌએ ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકોરભાઈની ઉંમર સત્તાવીશ અઠ્ઠાવીશ હશે. વરાહનગરમાં રહે. બ્રાહ્મણ પંડિતના પુત્ર, હરિ-કથા કરવાનો અભ્યાસ કરે છે. સંસારનું ધોંસરું ગળામાં આવ્યું છે. એક વાર વૈરાગ્ય આવતાં કેટલાક દિવસ સુધી ગૂમ થઈ ગયા હતા. હજીયે સાધન ભજન કરે.

શ્રીરામકૃષ્ણ – તમે શું પગે ચાલીને આવો છો?તમારું ઘર ક્યાં?

ઠાકોરભાઈ – જી હા; ઘર વરાહનગરમાં.

શ્રીરામકૃષ્ણ – અહીં શું કામ આવ્યા છો?

ઠાકોરભાઈ – જી, આપનાં દર્શન કરવા આવવાનું થયું છે. ભગવાનને સ્મરું છું પણ વચ્ચે વચ્ચે મને અશાન્તિ થાય છે શા માટે? બે ચાર દિવસ મજાના આનંદમાં જાય, પણ ત્યાર પછી અશાન્તિ થઈ આવે. શા માટે?

(કારીગર – મંત્રમાં શ્રદ્ધા, હરિભક્તિ, જ્ઞાનનાં બે લક્ષણ)

શ્રીરામકૃષ્ણ – સમજ્યો, બરાબર બેઠું નથી. કારીગર દાંતે દાંતો બેસાડી દે તો થાય. જરાક ક્યાંક અટક્યું છે.

ઠાકોરભાઈ – જી, એવી જ સ્થિતિ થઈ છે.

શ્રીરામકૃષ્ણ – મંત્ર લીધો છે?

ઠાકોરભાઈ – જી, મળ્યો છે.

શ્રીરામકૃષ્ણ – મંત્રમાં શ્રદ્ધા છે?

ઠાકોરભાઈના મિત્ર કહે છે કે આમને ગીતો સારાં ગાતાં આવડે છે. ઠાકુર કહે છે કે એકાદું ગાઓ ને ભાઈ!

ઠાકોરભાઈ ગાવા લાગે છે :

‘પ્રેમ-ગિરિ-કંદરે યોગી થઈ રહીશું,

આનંદ-ઝરણ પાસે યોગ-ધ્યાન કરીશું…

તત્ત્વ-ફળ આહારીને, 

જ્ઞાનસુધા નિવારીને,

વૈરાગ્ય-કુસુમો લઈ ચરણોને પૂજીશું…

ટાળવા વિરહ-તૃષા, 

કૂપ-જળ છોડી મૃષા,

હૃદય-કળશ લઈ શાંતિ-જળ ભરીશું…

કદિ ભાવ-શૃંગ પરી,

 પદામૃત પાન કરી;

હસીશું, રડીશું તેમ નાચીશું, ગાઈશું…

શ્રીરામકૃષ્ણ – આહા! મજાનું ગીત! આનંદ-ઝરણ! તત્ત્વ-ફળ! હસીશું, રડીશું તથા નાચીશું, ગાઈશું! 

તમારી અંદરથી આવતું ગીત આવું મજાનું લાગે છે, ત્યારે પછી શું! 

સંસારમાં રહીએ એટલે સુખદુઃખ તો છે જ. જરા તરા અશાન્તિ હોય જ. 

કાજળની કોટડીમાં રહ્યે જરાક કાળાશ લાગે જ.

ઠાકોરભાઈ – જી, હવે શું કરવું એ કહી દો.

શ્રીરામકૃષ્ણ – બે હાથથી તાલી દેતાં દેતાં સવારે સાંજે હરિનામ લેજો, ‘હરિ બોલ’ ‘હરિ બોલ’ ‘હરિ બોલ, એમ બોલતાં બોલતાં, અને હજી એક વાર આવજો, મારો હાથ જરા મટે એટલે!

એટલામાં મહિમાચરણે આવીને ઠાકુરને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – આહા, આમણે એક સરસ ગીત ગાયું છે. જરા ગાઓ તો ભાઈ, એ ગીત ફરી એક વાર.

ઠાકોરભાઈએ વળી પાછું ગાયું : ‘પ્રેમ-ગિરિ-કંદરે .. વગેરે.

ગીત પૂરું થયું એટલે ઠાકુર મહિમાચરણને કહે છે, ‘તમે પેલો શ્લોક એક વાર બોલો તો, પેલો હરિ-ભક્તિવાળો.

મહિમાચરણ નારદ-પંચરાત્રમાંથી એક શ્લોક બોલે છે :

અંતર્બહિર્યદિ હરિસ્તપસા તતઃ કિમ્। 

નાન્તર્બહિર્યદિ હરિસ્તપસા તતઃ કિમ્।।

આરાધિતો યદિ હરિસ્તપસા તતઃ કિમ્।

નારાધિતો યદિ હરિસ્તપસા તતઃ કિમ્।।

શ્રીરામકૃષ્ણ – એ પણ બોલો, લભ લભ હરિ ભક્તિમ્

મહિમાચરણ – વિરમ વિરમ બ્રહ્મન્ કિં તપસ્યાસુ વત્સ।

વ્રજ વ્રજ દ્વિજ શીા્રં શંકરં જ્ઞાનસિંધુમ્।।

લભ લભ હરિભક્તિં વૈષ્ણવોક્તાં સુપક્વામ્।

ભવનિગડનિબન્ધચ્છેદનીં કર્તરીં ચ।।

શ્રીરામકૃષ્ણ – શંકર હરિભક્તિ આપશે.

મહિમા – પાશમુક્તઃ સદાશિવઃ।

શ્રીરામકૃષ્ણ – લજ્જા, ઘૃણા, ભય, સંકોચ એ બધા પાશ; શું કહો છો?

મહિમાચરણ – જી હા, છુપાવવાની ઇચ્છા, પ્રશંસાથી સંકોચ થવો.

શ્રીરામકૃષ્ણ – જ્ઞાનનાં બે લક્ષણ : પહેલું લક્ષણ કૂટસ્થ-બુદ્ધિ. હજાર દુઃખ, કષ્ટ, વિપદ, વિઘ્નો ભલે ને આવે, તોય નિર્વિકાર; જેમ કે લુહારની કોઢમાંની એરણ કે જેની ઉપર હથોડાના ઘા પડે. અને બીજું : પુરુષાકાર-મનનું જોર. કામ, ક્રોધ મારું બૂરું કરે છે તો તેમનો એકદમ ત્યાગ. કાચબો જો હાથપગ એક વાર અંદર સંકોચી લે તો પછી તેના કાપીને કટકા કરો તોય બહાર કાઢે નહિ.

(તીવ્ર, મંદ અને મર્કટ વૈરાગ્ય)

(ઠાકોરભાઈ વગેરેને) – ‘વૈરાગ્ય બે પ્રકારનો : તીવ્ર વૈરાગ્ય અને મંદ વૈરાગ્ય. મંદ વૈરાગ્ય : થાય છે, એવો ધીમા ત્રિતાલ જેવો. તીવ્ર વૈરાગ્ય સજાવેલા અસ્ત્રાની ધાર જેવો, માયાપાશ કચ કચ કરીને કાપી નાખે.

‘એક ખેડૂત કેટલાય દિવસથી મહેનત કર્યા કરે છે, પણ તળાવનું પાણી કાંઈ ખેતરમાં આવતું નથી. મનમાં જોર નહિ!

બીજો એક ખેડૂત બે ચાર દિવસ કામ કરીને ‘આજ તો પાણી ખેતરમાં પહોંચે તો જ જંપું’ એમ પ્રતિજ્ઞા કરે છે. એનું નાહવા-ખાવાનું બધું બંધ, આખો દિ’ મહેનત કરીને સંધ્યાકાળે જ્યારે પાણી ખળ ખળ કરતુંને ખેતરમાં આવવા લાગ્યું, ત્યારે પછી આનંદ. પછી ઘેર જઈને સ્ત્રીને કહે કે (શરીરે લગાવવા) તેલ દે અને નહાવાનું પાણી કાઢ. પછી નાહી, ખાઈ, નિશ્ચિંત થઈને ઊંઘ!

‘એક જણને એની ઘરવાળી કહે કે ‘મારા અમુક સગાને સંસાર ઉપર ખૂબ વૈરાગ્ય આવ્યો છે; તમને તો જરાય નથી. તેની સોળ બૈરીઓ છે, તેમાંથી એક એક કરીને એ બધીનો ત્યાગ કરે છે; તમને તો કાંઈ ન થયું!

‘તેનો ઘરવાળો નદીએ નહાવા જતો હતો, ખાંધે હતું પંચિયું. એ બોલ્યો : ‘અરે ગાંડી! એ તારો સગો ત્યાગ કરી શકવાનો નથી, એમ એક એક કરીને શું કંઈ ત્યાગ થાય? ત્યાગ તો હું કરી શકું. એ આમ જો, હું આ ચાલ્યો!’

‘એ માણસ ઘરની વ્યવસ્થા કર્યા વિના, એ જ નહાવા જવાની સ્થિતિમાં જ ખાંધે પંચિયું અને ઘર છોડીને નીકળી ગયો. એનું નામ તીવ્ર વૈરાગ્ય.

‘બીજા એક પ્રકારનો વૈરાગ્ય છે. એને કહે છે મર્કટ વૈરાગ્ય. સંસારની બળતરાથી ત્રાસી જઈને ભગવાં પહેરીને કાશી ચાલ્યો ગયો. કેટલાક દિવસ સુધી કશા સમાચાર નહિ. ત્યાર પછી એક દિવસે ઘેર કાગળ આવે કે ‘તમે ચિન્તા કરશો નહિ, મને અહીં એક નોકરી મળી ગઈ છે!’

‘સંસારની બળતરા તો છે જ! સ્ત્રી કજિયાળી, કંઈ ન સાંભળે તેવી. પગાર વીસ રૂપરડી! છોકરાંને સારું ખવડાવી, પહેરાવી ન શકે, ભણાવી ન શકે, ભીંત પડી ગઈ હોય, છાપરામાંથી પાણી ચૂતું હોય, સમારાવવાના પૈસા ન હોય વગેરે!

‘એટલે આ છોકરાઓ અહીં આવે ત્યારે હું પહેલાં પૂછી લઉં કે ‘તારે ઘેર કોણ કોણ છે?’

(મહિમાને) – તમારે લોકોને સંસાર-ત્યાગ કરવાની શી જરૂર? સાધુઓને કેટલું કષ્ટ! એક જણની સ્ત્રી તેને કહે કે ‘તમે સંસાર-ત્યાગ કરવાનું કહો છો તે શા માટે? આઠ ઘેર ભટકી ભટકીને ભીખ માગવી પડે, તેના કરતાં આ એક ઘેર ખાવા મળે છે એ શું ખોટું?’

‘સદાવ્રત શોધતાં શોધતાં સાધુ રસ્તાથી ત્રણ ગાઉ દૂર જઈ પહોંચે! મેં જોયું છે કે જગન્નાથ પુરીનાં દર્શન કરીને સીધે રસ્તે થઈને સાધુ ચાલ્યો આવે છે. પણ સદાવ્રત લેવા જવા સારુ તેને સીધો રસ્તો છોડીને લાંબે જવું પડે. એના કરતાં આ તો મજાનું, કિલ્લામાં રહીને લડવાનું! ખુલ્લા મેદાનમાં ઊભા રહીને લડવામાં ઘણીયે આફત. ગોળા-ગોળી અંગ ઉપર આવી પડે!

‘પરંતુ કેટલોક વખત નિર્જન જગાએ જઈ, જ્ઞાન પ્રાપ્ત કરીને પછી સંસારમાં આવીને રહેવું જોઈએ. જનક જ્ઞાન પ્રાપ્ત કરીને સંસારમાં રહ્યા હતા. જ્ઞાન થયા પછી ગમે ત્યાં રહો, એમાં શું?

મહિમાચરણ – મહાશય, માણસ શા માટે વિષયોમાં મુગ્ધ થઈ જતો હશે?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના વિષયોની અંદર રહે એટલે! ઈશ્વરનું દર્શન કરે તો પછી મુગ્ધ થાય નહિ. પતંગિયું જો એક વાર પ્રકાશને જુએ, તો પછી અંધકાર તેને ગમે નહિ.

(ઊર્ધ્વરેતા, ધૈર્ય-રેતા અને ઈશ્વરલાભ – સંન્યાસીના કઠિન નિયમ)

‘ઈશ્વરને પામવો હોય તો વીર્યનું રક્ષણ કરવું જોઈએ. શુકદેવ વગેરે ઊર્ધ્વરેતા. એમને કદી વીર્ય-પાત થયો ન હતો.

બીજો એક છે ધૈર્ય-રેતા. અગાઉ વીર્યપાત થયો છે, પણ પછીથી વીર્યધારણ! બાર વરસ સુધી ધૈર્યપૂર્વક વીર્ય-રક્ષણ કરી શકે તો એક ખાસ પ્રકારની શક્તિ જન્મે. અંદર એક નવી નાડી ખૂલી જાય. તેનું નામ મેધા નાડી. એ નાડી ખૂલી ગયે, બધું યાદ રહે, બધું જાણી શકે.

‘વીર્યપાતથી બળનો ક્ષય થાય. સ્વપ્ન-દોષથી જે વીર્ય-સ્ખલન થાય તેમાં દોષ નહિ. એ અન્નદોષ અથવા વધુ પડતા રાત્રિ-ભોજનને લીધે પણ થાય. એ ગયા પછીયે જે રહે તેટલાથીયે હેતુ સિદ્ધ થઈ શકે. જે બાકી રહે તે ખૂબ ઊંચા પ્રકારનું રહે. તે છતાંય સ્ત્રીસંગ કરવો ઉચિત નથી.

અંતે જે રહે તે વિશુદ્ધ (Refine) થઈને રહે. લાહાબાબુને ત્યાં ગોળનાં મોટાં મોટાં હાંડલાં હતાં. હાંડલાની નીચે એક કાણું પાડતા. એક વર્ષ પછી જોતા તો દાણા થઈ જતું – ખાંડની જેમ. જે રસ નીકળવાનો હતો એ બધો પેલા કાણા દ્વારા નીકળી ગયો.

‘સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ સંન્યાસીને માટે. તમને સંસારીને જે સંગ થયો છે તેમાં દોષ નહિ. પણ સંન્યાસીએ તો સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધાં જોવાં નહિ. સાધારણ માણસોથી એટલું બધું પાળી શકાય નહિ. સા રે ગ મ પ ધ ની; એમાં ‘ની’ સૂર લાંબો વખત ખેંચી શકાય નહિ.

‘સંન્યાસીને માટે વીર્યપાત ઘણો જ ખરાબ. એટલે તેમણે સાવચેત રહેવું કે જેથી સ્ત્રીરૂપ દર્શન ન થાય. ભક્ત-સ્ત્રીઓ હોય તોય ત્યાંથી ચાલ્યા જવું. સ્ત્રીઓનું રૂપ જોવુંય ખરાબ. જાગ્રત અવસ્થામાં નહિ તો સ્વપ્નમાં વીર્યપાત થાય.’

‘સંન્યાસી પોતે જિતેન્દ્રય હોય તોય લોકોપદેશ માટે સ્ત્રીઓ સાથે વધુ પડતી વાતો ન કરે. ભક્ત-સ્ત્રી હોય તો પણ તેની સાથે બહુ વાતોનાં ગપ્પાં ન મારે.

‘સંન્યાસીને માટે જાણે કે નિર્જળા એકાદશી! એ સિવાય પણ બે જાતની અગિયારશ છે. એક ફળમૂળ ખાઈને કરાતી, ને બીજી રાજગરાની પૂરીઓ, બરફી, શિંગોડાનો શીરો વગેરેનું ફરાળ કરીને કરાતી! (સૌનું હાસ્ય). 

એ શીરા, પૂરી, બરફીના ફરાળ પછીયે પાછી સાંજ સારુ ચાર પૂરી દૂધમાં પલાળી રાખે! (સૌનું હાસ્ય). 

(હસીને) તમારા લોકોથી નિર્જળા એકાદશી થઈ શકે નહિ.

(પૂર્વકથા – કૃષ્ણકિશોરની એકાદશી – રાજેન્દ્ર મિત્ર)

‘કૃષ્ણકિશોરને જોયો, તેણે અગિયારશને દિવસે શીરો, પૂરી વગેરે ખૂબ ખાધું. મેં હૃદુને કહ્યું, ‘અરે હૃદુ, મનેય કૃષ્ણકિશોરની જેવી અગિયારશ કરવાનું મન થાય છે. (સૌનું હાસ્ય). એટલે મેંય એક દિવસે કરી. ખૂબ પેટ ભરીને ખાધું. ત્યાર પછી બીજે દિવસે કંઈ ખાઈ શકાયું નહિ! (સૌનું હાસ્ય).

જે કેટલાક ભક્તો પંચવટીમાં હઠયોગીને જોવા ગયા હતા, તેઓ પાછા આવ્યા. શ્રીરામકૃષ્ણ તેમને કહે છે, ‘કેમ ભાઈ, કેવો લાગ્યો? તમારો ગજ લઈને માપી જોયો ને?’ 

ઠાકુરે જોયું કે ભક્તોમાંથી લગભગ કોઈ એ હઠયોગીને પૈસા આપવા રાજી નહિ.

શ્રીરામકૃષ્ણ – સાધુને પૈસા આપવાની વાત આવતાં જ માણસને પછી એ સાધુ ગમે નહિ.

‘રાજેન્દ્ર મિત્ર, તેને આઠસો રૂપિયાનો મહિને પગાર. તે પ્રયાગમાં કુંભ મેળો જોઈને આવ્યો હતો. મેં તેને પૂછ્યું,‘કેમ ભાઈ, મેળામાં કેવાક સાધુઓ જોયા?’ રાજેન્દ્ર કહે, ‘ક્યાં, એવા ખાસ સાધુઓ તો કંઈ જોયા નહિ. એક જણને જોયો ખરો, પરંતુ એય પૈસા લેતો’તો!’

‘મને વિચાર આવે કે સાધુઓને જો કોઈ પૈસા ન આપે તો એ બિચારા ખાય શું? અહીં તો ભેટ-પૂજા દેવી પડે નહિ એટલે બધા આવે. મને મનમાં થાય કે ‘આહા, આ લોકોને પૈસા બહુ જ ગમે છે. તો એ લોકો એ રાખીને જ ભલે રાજી થાય.’

ઠાકુર જરા આરામ કરે છે. એક ભક્ત નાની પાટની ઉત્તર બાજુએ બેસીને તેમની ચરણસેવા કરી રહ્યો છે. ઠાકુર એ ભક્તને ધીમે ધીમે કહે છે : ‘જે નિરાકાર, તે જ સાકાર. સાકારરૂપ પણ માનવું. કાલી-રૂપનું ચિંતન કરતાં કરતાં સાધક કાલી-રૂપે જ દર્શન પામે. ત્યાર પછી સાધક જુએ કે રૂપ અખંડમાં લીન થઈ જાય છે. જે અખંડ સચ્ચિદાનંદ, તે જ કાલી.’

Total Views: 334
ખંડ 19: અધ્યાય 18 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, રામ, નિત્યગોપાલ, અધર, માસ્ટર, મહિમાચરણ વગેરે ભક્તો સાથે
ખંડ 19: અધ્યાય 20 : મહિમાચરણનું પાંડિત્ય - મણિ સેન, અધર અને મિટિંગ (Meeting)