૨૪ ચૈત્ર, ૧૨૯૦ બંગાબ્દ, શુક્લ દસમી, શનિવાર, ૫મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૪. પ્રાતઃકાલ; આઠ વાગ્યા છે. માસ્ટર દક્ષિણેશ્વરે આવીને જુએ છે તો શ્રીરામકૃષ્ણ હસતે ચહેરે ઓરડામાં નાની પાટ ઉપર બિરાજેલા છે. જમીન પર કેટલાક ભક્તો બેઠેલા છે. તેમાં એક શ્રીયુત્ પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાય. પ્રાણકૃષ્ણ જનાઈના મુખર્જી વંશમાં જન્મેલા. 

કોલકાતામાં શ્યામપુકુરમાં તેમનું મકાન. મેકેન્ઝી લોયલ્સ એકસચેંજ નામની લિલામ કંપનીના તે મેનેજર. પોતે હતા ગૃહસ્થાશ્રમી, પણ વેદાન્ત-ચર્ચા પર બહુ જ પ્રીતિ. પરમહંસદેવ પર ખૂબ શ્રદ્ધા-ભક્તિ રાખતા અને અવારનવાર આવીને તેમનાં દર્શન કરતા. એ અરસામાં એક દિવસ ઠાકુરને પોતાને ઘેર તેડી જઈને મહોત્સવ પણ કર્યાે હતો. એ બાગબજારના ગંગાઘાટે રોજ વહેલી સવારે ગંગાસ્નાન કરવા જતા અને હોડીની સગવડ મળે કે સીધા દક્ષિણેશ્વર આવી શ્રીરામકૃષ્ણનાં દર્શન કરતા. આજે પણ એવી રીતે હોડી ભાડે કરી હતી. માસ્ટર પણ તેમાં બેઠા હતા. હોડી કાંઠેથી જરા આગળ વધી કે ગંગાના પાણીમાં મોજાં ઊઠવા લાગ્યાં. એટલે માસ્ટર બોલી ઊઠ્યા, ‘મને ઉતારી દો.’ પ્રાણકૃષ્ણ અને તેના મિત્રો ઘણું ઘણું સમજાવવા લાગ્યા, પણ માસ્ટર કોઈ રીતે એકના બે ન થયા. તેમણે કહ્યું કે ‘મને ઉતારી જ દેવો પડશે; હું પગે ચાલીને દક્ષિણેશ્વર આવીશ!’ આખરે નછૂટકે પ્રાણકૃષ્ણે તેમને ઉતારી દીધા.

માસ્ટરે પહોંચીને જોયું તો તેઓ થોડીક વાર પહેલાં પહોંચ્યા છે અને ઠાકુરની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. માસ્ટર જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કરીને એક બાજુએ બેઠા.

(અવતારવાદ – Humanity and Divinity of Incarnation)

શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણને) – પરંતુ ઈશ્વરનો માણસમાં વધુ પ્રકાશ.  અવતાર કેમ કરીને થાય? જેનામાં ક્ષુધા, તૃષા, વગેરે બધા જીવના ધર્માે રહ્યા છે, કદાચ રોગ, શોક પણ હોય, તો તેનો જવાબ એ કે ‘પંચભૂતમાં પડે તો બ્રહ્મ સુધ્ધાં રડે!’ 

જુઓ ને, રામચંદ્ર સીતાના શોકથી આકુળ-વ્યાકુળ થઈને રડવા લાગ્યા હતા! વળી હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાને વરાહ-અવતાર લીધો હતો. હિરણ્યાક્ષનો વધ તો થઈ ગયો, પણ નારાયણ સ્વધામે જવા રાજી નહિ! વરાહ થઈને બેઠા છે. કેટલાંક કચ્ચાં-બચ્ચાં થયાં છે, અને તેમની સાથે એક રીતે મોજમાં રહે છે. દેવતાઓ કહેવા લાગ્યા, ‘આ શું થયું? પ્રભુ તો પાછા સ્વધામમાં આવવા ઇચ્છતા નથી!’

એટલે સર્વે દેવતાઓ સાથે મળીને ગયા શંકરની પાસે, અને બધી હકીકત રજૂ કરી. એટલે શંકર ત્યાં જઈને વૈકુંઠમાં પાછા પધારવા વરાહ ભગવાનને ખૂબ સમજાવવા લાગ્યા. પરંતુ ભગવાન તે પર કાન ન દેતાં શાંતિથી બચ્ચાંને ધવરાવવા લાગ્યા. (સૌનું હાસ્ય). 

એટલે શંકરે ત્રિશૂલથી વરાહ-શરીર ફાડી નાંખ્યું. એ સાથે જ નારાયણ હસતા હસતા સ્વધામમાં પધારી ગયા.

પ્રાણકૃષ્ણ (શ્રીરામકૃષ્ણને) – મહાશય, અનાહત શબ્દ એટલે શું?

શ્રીરામકૃષ્ણ – અનાહત શબ્દ નિરંતર એની મેળે થયા કરે છે. એ છે પ્રણવનો ધ્વનિ, પરબ્રહ્મમાંથી આવે છે. યોગીઓ તેને સાંભળી શકે, વિષયાસક્ત જીવ સાંભળી શકે નહિ. યોગી જાણી શકે કે એ ધ્વનિ એક બાજુએ નાભિમાંથી ઊઠે છે, અને બીજી બાજુએ એ ક્ષીર-સાગરમાં સૂતેલા નારાયણ પરબ્રહ્મમાંથી ઊઠે છે.

(પરલોક વિશે શ્રીયુત્ કેશવ સેનનો પ્રશ્ન)

પ્રાણકૃષ્ણ – મહાશય, પરલોક એ શું?

શ્રીરામકૃષ્ણ – કેશવ સેને પણ એ પ્રશ્ન પૂછ્યો હતો. જ્યાં સુધી માણસ અજ્ઞાની હોય, એટલે કે જ્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ, ત્યાં સુધી જન્મ લેવો પડે. પરંતુ જ્ઞાન-પ્રાપ્તિ થઈ જાય પછી આ સંસારમાં આવવું પડે નહિ, પૃથ્વી પર કે બીજા કોઈ લોકમાં જવું પડે નહિ.

‘કુંભારો હાંડલાં તડકે સૂકવવા મૂકે એ તમે જોયું હશે. તેમાં પાકાં હાંડલાં પણ હોય અને કાચાં પણ હોય. ક્યારેક કોઈ ગાય બાય તેની ઉપર થઈને ચાલી જાય તો કેટલાંક હાંડલાં ભાંગી જાય. તેમાં જે પાકાં હાંડલાં ભાંગી જાય તે બધાં કુંભાર ફેંકી દે. તે કામમાં આવે નહિ. પણ કાચાં હાંડલાં જે ભાંગ્યાં હોય તે બધાં કુંભાર વીણી લે. લઈને ફરી પાણી નાખી ગૂંદીને તેનો પીંડો બનાવીને ચાકડે ચડાવે અને તેમાંથી પાછાં નવાં હાંડલાં તૈયાર કરે. તેમ જ્યાં સુધી ઈશ્વર-દર્શન થયું નથી, ત્યાં સુધી કુંભારના હાથમાં પડવું પડે. એટલે કે ફરી ફરીને આ સંસારમાં આવવું પડે.

‘રંધાયેલા દાણા વાવ્યે શું વળે? તેમાંથી ઝાડ ઊગે નહિ. તેમ મનુષ્ય જ્ઞાનાગ્નિથી સિદ્ધ થાય તો તેના દ્વારા નવી સૃષ્ટિ થાય નહિ. તે મુક્ત થઈ જાય.’

(વેદાંત અને અહંકાર – વેદાંત અને અવસ્થાત્રય સાક્ષી – જ્ઞાન અને વિજ્ઞાન)

‘પુરાણના મત પ્રમાણે ભક્ત જુદો, ભગવાન જુદા; હું જુદો, તમે જુદા. શરીર જાણે કે વાસણ. આ શરીરરૂપી વાસણની અંદર મન, બુદ્ધિ, અહંકારરૂપી જળ રહેલું છે. બ્રહ્મ સૂર્યસ્વરૂપ. એ બ્રહ્મ-સૂર્યનું પ્રતિબિંબ આ જળમાં પડેલું છે. એટલે ભક્ત ઈશ્વરીય રૂપનાં દર્શન કરે! 

વેદાન્ત (દર્શન) પ્રમાણે બ્રહ્મ જ વસ્તુ, બીજું બધું માયા, સ્વપ્નવત્, અવસ્તુ. અહંરૂપી એક લાકડી સચ્ચિદાનંદ-સાગરની વચ્ચે પડી છે. (માસ્ટરને) તમે આ વાત સાંભળી રાખો.

‘અહંરૂપી લાકડી ઉઠાવી લેતાં એક જ એ સચ્ચિદાનંદ સમુદ્ર જ. અહંરૂપી લાકડી હોય એટલે બે દેખાય, જાણે કે આ બાજુએ પાણીનો એક ભાગ અને પેલી બાજુએ પાણીનો બીજો ભાગ. બ્રહ્મ-જ્ઞાન થાય એટલે સમાધિ થાય. એ વખતે આ અહં લુછાઈ જાય.’

તોય લોકોને ઉપદેશ આપવા માટે શંકરાચાર્યે ‘વિદ્યાનો અહંકાર’ રાખ્યો હતો. 

(પ્રાણકૃષ્ણને) – પરંતુ જ્ઞાનીનાં લક્ષણો છે. કોઈ કોઈ મનમાં માની લે કે હું જ્ઞાની થઈ ગયો છું. પણ જ્ઞાનીનાં લક્ષણ શું? જ્ઞાની કોઈનું નુકસાન કરે નહિ. બાળકના જેવો થઈ જાય. લોખંડનું ખડગ પણ જો પારસમણિને અડી જાય તો તે સોનાનું થઈ જાય. પણ એનાથી પછી મારવાનું કામ થાય નહિ. તેમ બહારથી કદાચ દેખાય કે જ્ઞાનીમાં ગુસ્સો છે, કે અહંકાર છે, પરંતુ વાસ્તવિક રીતે જ્ઞાનીમાં ક્રોધનો, આ અહંકારનો આકાર માત્ર દેખાય, પરંતુ ખરેખરો ક્રોધ ન હોય, તેમ અહંકાર ન હોય.

દૂરથી બળેલ દોરડાને જુઓ તો સમજાય કે બરાબર એક ગૂંચળું દોરી પડી છે. પરંતુ બાજુમાં જઈને ફૂંક મારો તો ઊડી જાય. જ્ઞાનીમાં ક્રોધ અને અહંકારનો આકાર માત્ર રહે. ખરેખર ક્રોધ અને અહંકાર નહિ.

‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ કરીને નાચી ઊઠે ને જોરથી રડવા માંડે. પણ ઘડીક પછી પોતે જ એ બધું ભાંગી નાખે. ઘડીક પહેલાં લૂગડાં માટે કેવી મમતા! કહેશે કે ‘મારા બાપુએ દીધું છે, હું નહિ દઉં!’ પણ એક પૂતળી આપો તો એ ફોસલાઈ જાય, ને લૂગડું ફેંકી દઈને ચાલ્યું જાય.’

‘એ બધાં જ્ઞાનનાં લક્ષણ. ક્યારેક જુઓ તો ઘરમાં ખૂબ ઠાઠમાઠ : કોચ, પલંગ, ફોટા, ગાડી, ઘોડો વગેરે. પણ તે જ માણસ વળી એ બધું છોડીને કાશી ચાલ્યો જાય!’

‘વેદાન્ત મત પ્રમાણે જાગૃત અવસ્થા પણ જરાય સાચી નહિ. એક કઠિયારો ઊંઘમાં સ્વપ્ન જોતો હતો. એવામાં એક જણાએ તેની ઊંઘ ઉડાડી દીધી. એટલે નારાજ થઈને બોલી ઊઠ્યો કે ‘શું કામ તેં મારી ઊંઘ તોડી? હું રાજા થયો હતો ને સાત દીકરાનો બાપ થયો હતો! છોકરા બધા લેખનવાચન અને અસ્ત્ર-વિદ્યા શીખી રહ્યા હતા. હું સિંહાસન પર બેસીને રાજ્ય ચલાવી રહ્યો હતો. શું કામ તેં મારો સુખનો સંસાર ભાંગી નાખ્યો?’ એટલે પેલાએ જવાબ આપ્યો કે ‘અરે ભલા માણસ, એ તો સ્વપ્નું હતું! એમાં તે શું વળ્યું?’ એટલે કઠિયારો બોલ્યો કે ‘જા જા હવે, તને શું ખબર પડે? મારું કઠિયારો થવાનું જેવું સાચું, સ્વપ્નમાં રાજા થવાનું પણ તેવું જ સાચું. કઠિયારો થવાનું જો સાચું હોય, તો સ્વપ્નમાં રાજા થવાનું પણ તેવું જ સાચું.’ 

પ્રાણકૃષ્ણ જ્ઞાન જ્ઞાન કરે, એટલે એમ લાગે છે કે શ્રીરામકૃષ્ણ જ્ઞાનીની અવસ્થાનું વર્ણન કરતા હતા. હવે ઠાકુર વિજ્ઞાનીની અવસ્થા કહી બતાવે છે. એથી શું ઠાકુર પોતાની જ અવસ્થાનું સૂચન કરી રહ્યા છે?

શ્રીરામકૃષ્ણ – ‘નેતિ નેતિ’ કરીને આત્મામાં પહોંચવું એનું નામ જ્ઞાન. ‘નેતિ નેતિ’ વિચાર કરીને સમાધિસ્થ થવાય તો આત્મામાં પહોંચી શકાય. 

વિજ્ઞાન એટલે કે વિશેષરૂપે જાણવું. કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે, તો કોઈએ દૂધ પીધું છે. જેણે માત્ર સાંભળ્યું છે તે અજ્ઞાની. જેણે દૂધ જોયું છે તે જ્ઞાની. જેણે દૂધ પીધું છે તેને જ વિજ્ઞાન થયું છે, એટલે કે વિશેષરૂપે જ્ઞાન થયું છે. તેમ ઈશ્વર-દર્શન કરીને તેમની સાથે વાતચીત કરવી જાણે કે તે પોતાના પરમ આત્મીય હોય તેમ, એનું જ નામ વિજ્ઞાન.

‘પ્રથમ ‘નેતિ નેતિ’ વિચાર કરવો પડે. એટલે કે બ્રહ્મ પંચભૂત નહિ, દશ ઇન્દ્રિયો નહિ; મન, બુદ્ધિ, અહંકાર નહિ, તે સર્વ તત્ત્વોથી અતીત. અગાશી ઉપર ચડવું હોય તો બધાં પગથિયાંનો એક પછી એક  ત્યાગ કરીને ચડવું જોઈએ. કારણ કે પગથિયાં કાંઈ અગાશી નથી. પરંતુ અગાશી ઉપર પહોંચી ગયા પછી દેખાય કે જે વસ્તુમાંથી અગાસી બની છે, – ટ, ચૂનો, રેતી – એ જ વસ્તુમાંથી પગથિયાં પણ બન્યાં છે. જે પરબ્રહ્મ છે તે આ જીવ, જગત, ચોવીસ તત્ત્વ થઈ રહેલ છે. જે આત્મા, તે જ પંચભૂત થઈ રહેલ છે. જમીન આટલી કઠણ કાં, જો આત્મામાંથી ઉત્પન્ન થઈ છે તો? તેનો જવાબ એ કે તેમની ઇચ્છાથી બધુંય થઈ શકે. રજ-વીર્યમાંથી કેમ કઠિન હાડ-માંસનો દેહ તૈયાર થાય છે! સમુદ્ર-ફીણ કેટલાં કઠણ હોય છે!

(ગૃહસ્થને શું વિજ્ઞાન થઈ શકે – સાધના જોઈએ)

વિજ્ઞાનીની અવસ્થા થાય તો પછી સંસારમાં પણ રહી શકાય. એ પછી સારી રીતે અનુભવ થાય કે પરમાત્મા જ જીવ, જગત થઈ રહેલ છે, તે સંસારથી જુદો નથી. જ્ઞાન-પ્રાપ્તિ પછી રામચંદ્ર જ્યારે સંસારમાં રહેવું નથી એમ કહેવા લાગ્યા ત્યારે દશરથે વસિષ્ઠ મુનિને સમજાવવા માટે બોલાવ્યા. વસિષ્ઠે આવીને કહ્યું કે ‘રામ, જો સંસાર ઈશ્વરની બહાર હોય તો તમે તેનો ત્યાગ કરી શકો’. રામચંદ્રે જોયું કે બરાબર, ઈશ્વર સિવાય બીજું કશુંય નથી. એટલે ચૂપ થઈ ગયા. પછી તેમનાથી સંસાર ત્યાગ થઈ શક્યો નહિ.’ (પ્રાણકૃષ્ણને) વાત એવી કે દિવ્યચક્ષુ જોઈએ. મન શુદ્ધ થાય ત્યારે જ એ દિવ્યચક્ષુ આવે. જુઓ ને કુમારી-પૂજા! મળમૂત્ર કરતી નાનકડી છોકરી! મેં તેને ખરેખર જોઈ કે સાક્ષાત્ ભગવતી! એક બાજુએ સ્ત્રી હોય ને બીજી બાજુએ નાની બાળકી સૂતી હોય. પુરુષ બન્નેને વહાલ કરે, પણ જુદે જુદે ભાવે, એ જ બતાવે છે કે મનને લઈને જ બધી વાત. શુદ્ધ મનમાં એક જાતનો ભાવ આવે. એવું મન થાય તો સંસારમાં ઈશ્વર-દર્શન થાય. માટે જ સાધના જોઈએ.

સાધના જોઈએ… એટલું જાણજો કે સ્ત્રીઓ પ્રત્યે પુરુષને સહેજે આસક્તિ થાય. સ્ત્રીઓને સ્વભાવથી જ પુરુષ ગમે; પુરુષને સ્વભાવથી જ સ્ત્રી ગમે. એટલે બન્ને જણાં જલદી પડી જાય. 

પરંતુ ગૃહસ્થાશ્રમમાં એ બાબતની ખૂબ સગવડ. ખાસ જરૂર પડી તો પોતાની સ્ત્રી સાથે સહવાસ કરી લીધો! (હસતાં હસતાં) માસ્ટર, હસો છો કેમ?

માસ્ટર (સ્વગત) – સંસારી માણસ એકદમ સર્વસ્વનો ત્યાગ કરી શકે નહિ. એટલે ઠાકુર આટલી છૂટ આપે છે. શું સોળે સોળ આના બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમમાં રહીને સાવ અસંભવ? 

(હઠયોગીનો પ્રવેશ).

પંચવટીમાં એક હઠયોગી કેટલાક દિવસથી આવેલ છે. તે એકલું દૂધ પીને રહે, અફીણ ખાય અને હઠયોગ કરે. રોટલા બોટલા ખાય નહિ. તેને અફીણ અને દૂધના પૈસાનો અભાવ. ઠાકુર જ્યારે પંચવટી તરફ ગયા હતા ત્યારે હઠયોગીની સાથે વાતચીત કરી આવ્યા હતા. હઠયોગીએ રાખાલને કહ્યું હતું કે પરમહંસજીને કહેજો કે મારી કંઈક વ્યવસ્થા કરી આપે. ઠાકુરે કહેવડાવ્યું હતું કે ‘કોલકાતાના બાબુઓ આવશે ત્યારે કહી જોઈશ.’

હઠયોગી (ઠાકુરને) – આપ રાખાલ સે ક્યા બોલા થા?

શ્રીરામકૃષ્ણ – હાં, કહ્યું હતું કે જોઈશ, જો કોઈ બાબુ કાંઈ આપે તો. પણ ક્યાં? (પ્રાણકૃષ્ણ વગેરેને) તમે લોકો આવાને ‘Like’ (પસંદ) કરો નહિ!

પ્રાણકૃષ્ણ ચૂપ બેસી રહ્યા. (હઠયોગીનું ગમન).

ઠાકુરની કથા ચાલે છે.

Total Views: 291
ખંડ 19: અધ્યાય 20 : મહિમાચરણનું પાંડિત્ય - મણિ સેન, અધર અને મિટિંગ (Meeting)
ખંડ 19: અધ્યાય 22 : શ્રીરામકૃષ્ણ અને સત્યકથા - નરલીલામાં શ્રદ્ધા રાખો