શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરે ભક્તોને) – અને સંસારમાં રહેવું હોય તો સત્યનો ખૂબ આગ્રહ જોઈએ. સત્યથી જ ભગવાનને પામી શકાય. મારો સત્યવચનનો આગ્રહ હવે તો જરાક ઓછો થયો છે, અગાઉ તો બહુ જ હતો. જો કહું કે ‘નહાવું છે,’ તો ગંગામાં ઊતરું, મંત્રોચ્ચાર કરું, માથા પર પાણી ઢોળું, તોય સંદેહ રહેતો કે કદાચ પૂરેપૂરું નહાવાયું નહિ હોય તો? ‘અમુક જગાએ શૌચ જવું છે, એમ બોલું તો ત્યાં જ જવું જોઈએ. અમે રામને ત્યાં ગયા કોલકાતામાં. ત્યાં બોલી જવાયું કે ‘હું પૂરી ખાવાનો નથી’. પણ જ્યારે ખાવા બેઠો ત્યારે વળી ભૂખ લાગી ગઈ. પણ પૂરી ખાવાનો નથી એમ બોલ્યો હતો, એટલે પછી મીઠાઈથી જ પેટ ભર્યું; પૂરી ખવાઈ નહિ! (સૌનું હાસ્ય). 

પરંતુ હવે આગ્રહ જરાક ઓછો થયો છે. શૌચની હાજત લાગી ન હોય, પણ ‘શૌચ જવું છે,’ એમ બોલાઈ ગયું હોય. હવે શું થાય? એ વખતે રામ (રામ ચેટર્જી : શ્રીરાધાકાન્તનો પૂજારી)ને પૂછ્યું કે ‘હવે શું કરવું?’ તેણે કહ્યું કે જવાની જરૂર નહિ. ત્યારે વિચાર કર્યાે કે બધુંય નારાયણ. રામ પણ નારાયણ, ત્યાર પછી એની વાત ન સાંભળવી શું કરવા? હાથી નારાયણ ખરો, પણ મહાવત પણ નારાયણ! તો પછી મહાવત જ્યારે કહે છે કે હાથીની નજીક આવશો મા, ત્યારે મહાવતની વાત ન સાંભળવી શું કરવા? એમ વિચાર કરીને પહેલાં કરતાં આગ્રહ જરાક ઓછો થયો છે.

(પૂર્વકથા – વૈષ્ણવચરણનો ઉપદેશ – નરલીલામાં શ્રદ્ધા રાખો)

‘હવે જોઉં છું કે મારી અવસ્થા વળી બદલાય છે. ઘણા દિવસો પહેલાં વૈષ્ણવચરણે કહેલું કે માણસની અંદર જ્યારે ઈશ્વર-દર્શન થાય ત્યારે પૂર્ણ જ્ઞાન થાય. હવે હું જોઉં છું કે ઈશ્વર જ જુદે જુદે રૂપે ફરી રહ્યો છે, ક્યારેક સાધુરૂપે, ક્યારેક કપટીરૂપે, ક્યારેક લુચ્ચારૂપે સુધ્ધાં. એટલે કહું છું કે સાધુરૂપી નારાયણ, કપટીરૂપી નારાયણ, લુચ્ચારૂપી નારાયણ.

‘હવે ચિંતા થાય છે કે સૌ કોઈને કેમ કરીને ખવડાવવાનું બને? સૌ કોઈને ખવડાવવાની ઇચ્છા થાય છે. એટલે એક જણને અહીં રાખીને ખવડાવું છું.

પ્રાણકૃષ્ણ (માસ્ટરને જોઈને સહાસ્ય) – બહુ સારા માણસ! (શ્રીરામકૃષ્ણને)- મહાશય, હોડીમાંથી ઊતર્યે છૂટકો કર્યાે!

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – શું થયું હતું?

પ્રાણકૃષ્ણ – ભાઈ હોડીમાં બેઠા હતા. થોડાક મોજાં જોઈને કહે છે ‘મને ઉતારી મૂકો.’ (માસ્ટરને) – પછી આવ્યા કેવી રીતે?

માસ્ટર (સહાસ્ય) – પગે ચાલીને. (ઠાકુર હસવા લાગ્યા).

(સંસારી લોકો માટે વિષયકર્મત્યાગ કઠિન – પંડિત અને વિવેક)

પ્રાણકૃષ્ણ (ઠાકુરને) – મહાશય, હવે એમ થાય છે કે નોકરી મૂકી દઉં. નોકરીને લીધે બીજું કાંઈ સાધન-ભજન થતું નથી. (સામેના સજ્જનને બતાવીને) આમને કામ શિખવાડું છું; પછી હું મૂકી દઈશ. એટલે એ કામ સંભાળી લેશે. મારાથી હવે બનતું નથી.

શ્રીરામકૃષ્ણ – હાં, મોટી ઉપાધિ! હવે કેટલાક દિવસ એકાંતમાં ઈશ્વર-ચિંતન કરો તો બહુ સારું. પણ તમે ભલે ને કહો કે છોડી દેવું છે, છોડી દેવું છે! કેપ્ટન પણ એમ જ કહેતા. સંસારી માણસો કહે ભલે, પણ કરી શકે નહિ.

એવા કેટલાય પંડિતો પડ્યા છે, જે કેટલીય જ્ઞાનની વાતો બોલે. પણ એ બધું મોઢેથી બોલવાનું જ, આચરણમાં કાંઈ નહિ. જેમ કે ગીધ ખૂબ ઊંચું ઊડે, પણ નજર ઉકરડા પર, એટલે કે કામિની-કાંચન ઉપર, સંસાર ઉપર આસક્તિ. જો સાંભળું કે પંડિતમાં વિવેક-વૈરાગ્ય છે, તો જરા અંજાઉં-ડરું, નહિતર કૂતરાં બકરાં જેવો લાગે.

પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી અને માસ્ટરને કહ્યું ‘આપ આવો છો?’ માસ્ટર બોલ્યા, ‘ના, આપ જાઓ!’ પ્રાણકૃષ્ણ હસવા લાગ્યા અને બોલ્યા, હવે તમે ફરીથી હોડીમાં આવવાના હતા કેમ? (સૌનું હાસ્ય).

માસ્ટરે પંચવટીની પાસે જરા ફરીને ઠાકુર જે ઘાટે સ્નાન કરતા તે ઘાટે સ્નાન કર્યું. ત્યાર પછી શ્રીભવતારિણી અને શ્રીરાધાકાન્તનાં દર્શન કરીને પ્રણામ કર્યા. તે વિચાર કરે છે કે સાંભળ્યું હતું કે ઈશ્વર નિરાકાર તો પછી આ પ્રતિમાની સામે શા માટે પ્રણામ? ઠાકુર શ્રીરામકૃષ્ણ સાકાર દેવ-દેવીને માને એટલા સારુ? હું તો ઈશ્વર સંબંધે કશું જાણતો નથી કે સમજતો નથી. ઠાકુર જ્યારે માને છે ત્યારે હું તે વળી કઈ વાડીનો મૂળો, કે ન માનું! માનવું જ જોઈએ.

માસ્ટર ભવતારિણીનાં દર્શન કરે છે. તેમણે જોયું તો માતાજીના ડાબી બાજુના બે હાથમાં નર-મુંડ અને તલવાર. જમણા બે હાથમાં વરદાન અને અભય. એક બાજુ ભયંકરા, બીજી બાજુએ મા ભક્ત-વત્સલા; બંને ભાવનો સમાવેશ. ભક્તની પાસે, તેના દીન-હીન જીવોની પાસે મા દયામયી, સ્નેહમયી. તેમ વળી એ પણ ખરું કે મા ભયંકરી, કાલ-કામિની! એક જ આધારે શા માટે બે ભાવ, તે મા જ જાણે!

ઠાકુરની આ વ્યાખ્યા માસ્ટર યાદ કરી રહ્યા છે. અને વિચાર કરે છે કે સાંભળ્યું છે કે કેશવચંદ્ર સેને ઠાકુરની પાસે કાલીને માની છે. આ જ શું માટીની મૂર્તિને આધારે ચિન્મયી દેવી? કેશવ એ વાત કરતા.

(સમાધિસ્થ પુરુષ (શ્રીરામકૃષ્ણ)ને લોટા-વાટકાની ખબર)

હવે માસ્ટર ઠાકુરની પાસે આવીને બેઠા. તેમણે સ્નાન કરી લીધું છે જાણીને ઠાકુરે તેમને ફળ-મૂલાદિનો પ્રસાદ આપ્યો. તે તેમણે ગોળ ઓસરીમાં બેસીને ખાધો. પણ પીવાના પાણીનો લોટો ઓસરીમાં જ ભૂલી ગયા. અને જલદી જલદી ઓરડામાં આવીને જેવા ઠાકુરની પાસે બેસવા જાય છે ત્યાં ઠાકુર બોલ્યા, ‘લોટો લાવ્યા નહિ?’ માસ્ટર- જી હાં, લાવું છું.

શ્રીરામકૃષ્ણ – વાહ!

માસ્ટર શરમાઈ ગયા. ઓસરીમાં જઈ લોટો લાવીને ઓરડાની અંદર રાખ્યો. 

માસ્ટરનું ઘર કોલકાતામાં. ઘરમાં કંકાસ હોવાથી શ્યામપુકુરમાં બીજું મકાન ભાડે રાખ્યું છે. એ મકાનની નજીક જ પોતાની નોકરીની જગા. તેમની પૈતૃક સંપત્તિના ઘરમાં તેમના પિતા અને ભાઈઓ રહે છે. ઠાકુરની ઇચ્છા કે માસ્ટર ઘેર જઈને પોતાના બાપની સાથે રહે, કારણ કે સંયુક્ત કુટુંબની વચ્ચે રહેવાથી ઈશ્વર-ચિંતન કરવાની ઘણી સગવડ રહે. વચ્ચે વચ્ચે ઠાકુર તેમને એ પ્રકારે જવાનું કહેતા છતાં પણ કમનસીબે માસ્ટર પોતાને ઘેર ગયા ન હતા. આજે ઠાકુરે એ મકાનની વાત પાછી ઉપાડી.

શ્રીરામકૃષ્ણ – કેમ, હવે તમે તમારે પોતાને ઘેર જશો ને?

માસ્ટર – મને એ ઘરમાં રહેવાની કોઈ રીતે ઇચ્છા થતી નથી.

શ્રીરામકૃષ્ણ – શું કામ? તમારા બાપાએ તો એ મકાન તોડાવી સમરાવીને નવું કર્યું છે.

માસ્ટર – એ ઘરમાં હું બહુ જ હેરાન થયો છું. મને ત્યાં જવાનું કોઈ રીતે મન થતું નથી.

શ્રીરામકૃષ્ણ – તમને બીક કોની?

માસ્ટર – સૌની.

શ્રીરામકૃષ્ણ (ગંભીર અવાજે) – એ જેમ તમને હોડીમાં બેસવાની બીક લાગે છે તેમ.

દેવતાઓને ભોગ ધરાવાઈ ગયો. આરતી થાય છે અને કાંસિયાં, ઘંટ વાગી રહ્યાં છે. કાલી-મંદિર આનંદે પરિપૂર્ણ. આરતીનો શબ્દ સાંભળીને ગરીબ, સાધુ, ફકીર બધાય અતિથિશાળામાં દોડી દોડીને આવી રહ્યાં છે. કોઈના હાથમાં પાતળ તો કોઈના હાથમાં થાળી-લોટો. સૌએ પ્રસાદ લીધો. આજે માસ્ટરે પણ ભવતારિણીનો પ્રસાદ લીધો.

Total Views: 329
ખંડ 19: અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ સાથે પ્રાણકૃષ્ણ, ‘માસ્ટર’, ‘રામ’, ‘ગિરીન્દ્ર’ અને ગોપાલ
ખંડ 19: અધ્યાય 23 : શ્રી કેશવચંદ્ર સેન અને નવવિધાન - નવવિધાનમાં સાર છે