પ્રતાપ – જેઓ (આપ) મહાશયની પાસે આવે છે તેઓની ક્રમે ક્રમે ઉન્નતિ થાય છે ને?

શ્રીરામકૃષ્ણ – હું કહું છું કે સંસાર કરવામાં દોષ શો? પણ સંસારમાં દાસીની પેઠે રહો.

(ગૃહસ્થની સાધના)

શેઠના ઘરની વાત નીકળતાં, દાસી કહેશે કે ‘અમારું ઘર.’ પણ તેનું પોતાનું ઘર તો હોય ગામડામાં. શેઠના મકાનને બતાવીને મોઢેથી કહેશે કે ‘અમારું ઘર’. પણ મનમાં સમજે કે એ ઘર મારું નથી. મારું ઘર તો ત્યાં ગામડામાં. તેવી જ રીતે શેઠના છોકરાને મોટો કરે અને કહે કે મારો હરિયો બહુ તોફાની છે, મારા હરિને મીઠાઈ ભાવે નહિ. એ મોઢેથી ‘મારો હરિયો, મારો હરિયો’ કરે ખરી, પણ અંદરથી સમજે કે હરિયો મારો નહિ. શેઠનો છોકરો.

એટલે જેઓ અહીંયાં આવે તેમને હું કહું છું કે સંસાર ભલે ને ચલાવો, તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખીને કરો. એમ જાણજો કે ઘરબાર કુટુંબ એ બધું મારું નથી, ઈશ્વરનું. મારું ઘર તો ઈશ્વરની પાસે. એ ઉપરાંત કહું કે પ્રભુનાં ચરણકમલમાં ભક્તિને માટે આતુર થઈને પ્રાર્થના કરજો!

પાછી વિલાયતની વાત નીકળી. એક ભક્ત કહે છે કે આજકાલ એમ સંભળાય છે કે વિલાયતના વિદ્વાનો ઈશ્વર છે એમ માનતા નથી.

પ્રતાપ – મોઢેથી ભલે ને ગમે તે બોલે, પણ અંદરખાનેથી તેઓમાંથી કોઈ નાસ્તિક હોય એમ મને લાગતું નથી. આ જગતના કારભારની પાછળ એક મહાશક્તિ છે એ વાત તો ઘણાયને માનવી પડી છે.

શ્રીરામકૃષ્ણ – તો બસ! શક્તિ તો માને છે ને? તો પછી નાસ્તિક શા માટે?

પ્રતાપ – એ સિવાય યુરોપના વિદ્વાનો ‘moral government’ (સત્કાર્યનો બદલો અને પાપકાર્યની સજા જગતમાં મળે છે) એ વાત પણ માને છે. બીજી ઘણીયે વાતચીત થયા પછી પ્રતાપ જવા સારુ રજા લઈને ઊઠ્યા.

શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) – વધુ શું કહું? તમને એટલું જ કહેવાનું કે હવે વાદવિવાદ, ઝઘડાની અંદર રહો મા. 

અને બીજી એક વાત. કામિની-કાંચન જ માણસને ઈશ્વરથી વિમુખ કરે, એ તરફ જવા ન દે. જુઓ ને સૌ પોતાની બૈરીનાં વખાણ કરે! (સૌનું હાસ્ય). પછી એ સારી હોય કે નરસી હોય. પૂછો કે તમારા ઘરમાં (બૈરું) કેમ છે, તો તરત જ કહેશે કે જી, બહુ સારું!

પ્રતાપ – ત્યારે હવે હું રજા લઉં!

પ્રતાપ ચાલ્યા ગયા. ઠાકુરની અમૃતમયી વાતો, કામ-કાંચનના ત્યાગની વાતો પૂરી થઈ નહિ. સુરેન્દ્રના બગીચાનાં વૃક્ષોનાં પર્ણનાં ઝૂંડો દક્ષિણની હવાના સ્પર્શથી હલી રહ્યાં હતાં અને મર્મર મર્મર શબ્દ કરી રહ્યાં હતાં. વાતો એ શબ્દની સાથે ભળી ગઈ. માત્ર એક વાર ભક્તોના હૃદયમાં આઘાત કરીને આખરે અનંત આકાશમાં લય પામી ગઈ.

પરંતુ પ્રતાપના હૃદયમાં શું એ વાતો પ્રતિધ્વનિત થઈ નહિ?

થોડીક વાર પછી શ્રીયુત્ મણિલાલ મલ્લિક ઠાકુરને કહે છે,

‘મહાશય! હવે આપ દક્ષિણેશ્વર રવાના થાઓ. આજે ત્યાં કેશવ સેનની મા અને ઘરનાં બૈરાં આપનાં દર્શન કરવા જવાનાં છે. એ લોકો આપને ત્યાં નહિ જુએ તો દુઃખી થઈને પાછાં ફરશે.’

કેટલાક મહિના પૂર્વે કેશવનો સ્વર્ગવાસ થયો છે. એટલે તેમનાં વૃદ્ધ માતુશ્રી, પત્ની અને બીજાં બૈરાં ઠાકુરનાં દર્શન કરવા જવાનાં છે.

શ્રીરામકૃષ્ણ (મણિ મલ્લિકને) – જરા ખમો બાપુ! એક તો મને ઊંઘ બૂંઘ આવી નથી! ઉતાવળ ન થઈ શકે. એ લોકો ગયાં છે તો હવે શું કરીશું? ત્યાં એ લોકો બગીચામાં હરશે ફરશે. એથી તેમને ગમશે.

જરાક વાર આરામ લઈને ઠાકુર દક્ષિણેશ્વર જવા સારુ નીકળે છે. જતી વખતે સુરેન્દ્રના કલ્યાણનું ચિંતન કરી રહ્યા છે. ઘરના બધા ઓરડામાં એક એક વાર જાય છે અને ધીમે ધીમે પ્રભુના નામનું ઉચ્ચારણ કરતા જાય છે. કશું અધૂરું રાખવાના નહિ. એટલે ઊભા ઊભા જ કહે છે કે ‘મેં એ વખતે પૂરી ખાધી ન હતી, જરા પૂરી લાવી આપો!’ પૂરી આવતાં, તેમાંથી એક જરાક કણી માત્ર લઈને ખાય છે અને કહે છે કે આમાં ઘણો અર્થ સમાયેલો છે! પૂરી ખાધી નથી એવો મનમાં વિચાર આવતાં ફરીથી આવવાની ઇચ્છા થાય! (સૌનું હાસ્ય).

મણિ મલ્લિક (હસતાં હસતાં) – સારું, તો અમે પણ આવત!

ભક્તો બધા હસી રહ્યા છે.

Total Views: 363
ખંડ 20: અધ્યાય 7 : બ્રાહ્મોસમાજ અને શ્રીરામકૃષ્ણ - પ્રતાપને ઉપદેશ
ખંડ 21: અધ્યાય 1 : શ્રીયુત્ બાબુરામ, રાખાલ, લાટુ, નિરંજન, નરેન્દ્ર વગેરેનાં ચરિત્ર