શ્રીરામકૃષ્ણ – (પ્રતાપને) જુઓ, તમારા બ્રાહ્મ-સમાજનું લેક્ચર સાંભળીને લેક્ચર કરવાવાળાનો અંદરનો ભાવ સારી રીતે સમજી શકાય. એક હરિ-સભામાં મને લઈ ગયા હતા. આચાર્ય થયા હતા એક પંડિત. તેમનું નામ સમાધ્યાયી. કહે છે શું, કે ‘ઈશ્વર નીરસ, આપણે પ્રેમભક્તિ દ્વારા તેમને રસવાળા કરી લેવા પડશે!’ હું તો એ વાત સાંભળીને નવાઈ જ પામી ગયો! એ વખતે મને એક વાત યાદ આવી કે એક છોકરો કહેતો હતો કે ‘મારા મામાને ત્યાં ઘણા ઘોડા છે; આખી ગૌશાળા ભરીને ઘોડા!’ હવે જો ગૌશાળા હોય તો તેમાં કોઈ દિ’ ઘોડા રહે નહિ. ગાયો હોવાનો જ સંભવ. એવી અસંબદ્ધ વાતો સાંભળીને માણસો શું ધારે? ધારે કે ઘોડા બોડા કાંઈ નથી. (સૌનું હાસ્ય).

એક ભક્ત – ઘોડા તો નથી જ, પણ ગાયો પણ નથી. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – જુઓ તો ખરા. જે ઈશ્વર રસ સ્વરૂપ, તેને કહે છે કે નીરસ! એથી સમજી શકાય કે ઈશ્વર શી વસ્તુ છે, તેનો એણે ક્યારેય અનુભવ કર્યાે નથી!

(હું કર્તા, મારું ઘર, અજ્ઞાન – જીવનનો ઉદ્દેશ ‘ડૂબકી લગાવો’)

શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) – અને જુઓ, તમને હું કહું છું. તમે ભણેલ ગણેલ, બુદ્ધિમાન, શાંત સ્વભાવના છો; કેશવ અને તમે જાણે કે ગૌર-નિતાઈ બે ભાઈ જેવા! લેક્ચર, ચર્ચા, વાદવિવાદ, ઝઘડા એ બધું તો ઘણુંય થયું. હજુયે શું એ બધું તમને ગમે છે? હવે બધું મન ભેગું કરીને ઈશ્વરમાં લગાડો. ભગવાનમાં હવે ભૂસકો મારો!

પ્રતાપ – જી હા. એમાં કંઈ શક નહિ. એમ જ કરવું જોઈએ. પણ આ બધું કરવાનું એટલા સારુ કે તેમનું (કેશવનું) નામ રહે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – તમે કહો છો ભલે, કે તેમનું નામ રાખવા સારુ બધું કરો છો. પણ કેટલાક દિવસ પછી એ ભાવ પણ રહેવાનો નથી. એક વાત સાંભળો. 

એક જણે એક ટેકરીની ટોચ પર ઝૂંપડું બાંધ્યું હતું. ખૂબ મહેનત કરીને તે ઝૂંપડું બાંધેલું. એક દિવસે એક મોટું વાવાઝોડું થયું ત્યારે તે ઝૂંપડું હલવા લાગ્યું. એથી એને ભારે ચિંતા થઈ. ઘર બચાવવા સારુ તે કહેવા લાગ્યો કે ‘હે પવનદેવ, જુઓ બાપુ, મારું ઝૂંપડું તોડી નાખતા નહિ!’ પણ પવનદેવ સાંભળે શેના! ઝૂંપડું ડગમગવા લાગ્યું! એટલે એ માણસે એક યુક્તિ કરી. તેને યાદ આવ્યું કે હનુમાનજી પવનના પુત્ર, માટે એમનું ઘર છે, એમ કહેવા દે. એ વિચાર આવતાં જ તે જોરથી બોલી ઊઠ્યો ‘બાપુ પવનદેવ, ઘર ભાંગશો મા, આ હનુમાનજીનું ઘર છે. તમને હનુમાનજીની આણ છે.’ તોય ઘર તો ડગમગે. કોણ તેનું સાંભળે! કેટલીય વાર ‘હનુમાનનું ઘર, હનુમાનનું ઘર’ એમ બૂમો પાડવા છતાં જોયું કે કાંઈ વળ્યું નહિ. ત્યારે બોલવા લાગ્યો કે ‘બાપુ, લક્ષ્મણનું ઘર, લક્ષ્મણનું ઘર.’ એથીયે કાંઈ ન વળ્યું એટલે કહેવા લાગ્યો કે ‘બાપુ, રામનું ઘર, રામનું ઘર! જુઓ પવનદેવ ભાંગતા નહિ. તમને રામની આણ!’ પણ એથીયે કાંઈ વળ્યું નહિ. ઘર તો કડેડાટ કરતુંને પડવા લાગ્યું. હવે જીવ તો બચાવવો જોઈએ. એટલે પછી તે માણસ ઘરમાંથી બહાર નીકળી આવ્યો ને આવતાં આવતાં કહે છે, ‘જહન્નમમાં ગયું સાલું ઘર!’

(પ્રતાપને) કેશવનું નામ તમારે રાખવું નહિ પડે. જે કાંઈ થયું છે તે જાણજો કે ઈશ્વરની ઇચ્છાથી જ થયું છે ને તેની ઇચ્છાથી જ જાય છે. તેમાં તમે શું કરવાના? તમારું તો કર્તવ્ય, કે ઈશ્વરમાં જ બધું મન પરોવો. પ્રભુ-સેવાના સાગરમાં ભૂસકો મારો. 

એમ કહીને ઠાકુર પોતાના અતિ મધુર કંઠે ગીત ગાવા લાગ્યા :

ડૂબ ડૂબ ડૂબ રૂપ-સાગરે મારા મન,

તલાતલ પાતાલ શોધ્યે મળશે રે પ્રેમ-રત્નધન…

(પ્રતાપને) ગીત સાંભળ્યું? લેક્ચર, ઝઘડા એ બધાં તો ઘણાંય થયાં. હવે ડૂબકી મારો. વળી આ સમુદ્રમાં ડૂબકી માર્યે મરવાની બીક નહિ. આ તો અમૃતનો સાગર. એમ ન સમજો કે એથી માણસ ચસકેલ થઈ જાય. એમ ન માનો કે ઈશ્વર ઈશ્વર બહુ કરવાથી માણસ પાગલ થઈ જાય. મેં નરેન્દ્રને કહ્યું હતું કે –

પ્રતાપ – મહાશય, નરેન્દ્ર કોણ?

શ્રીરામકૃષ્ણ – એ છે એક છોકરો. મેં નરેન્દ્રને કહ્યું કે જો, ઈશ્વર રસનો સાગર. તને શું એવી ઇચ્છા ન થાય કે એ રસના સાગરમાં ડૂબકી મારું? એમ ધાર કે એક થાળી ભરીને રસ છે ને તું માખી થયો છે, તો ક્યાં બેસીને રસ ખાઈશ? 

નરેન્દ્ર કહે છે કે હું થાળીની કિનારી પર બેસીને મોં લંબાવીને ખાઉં. મેં પૂછ્યું કે એમ કેમ? કિનારી પર બેસીને શું કામ? એટલે તેણે કહ્યું કે વધુ આઘે જાઉં તો ડૂબી જાઉં, ને જીવ જાય! 

ત્યારે મેં કહ્યું કે બાપુ! સચ્ચિદાનંદ સાગરમાં એ બીક નથી. આ તો અમૃતનો સાગર. આ સાગરમાં ડૂબકી માર્યે મોત થાય નહિ. માણસ અમર થાય! ઈશ્વરમાં પાગલ થવાથી માણસ ચસકેલ થાય નહિ.

(ભક્તોને) – ‘હું’ અને ‘મારું’ એનું નામ અજ્ઞાન. રાસમણિએ કાલી-મંદિર કર્યું એમ જ માણસો કહે. કોઈ એમ કહેતું નથી કે એ ઈશ્વરે કર્યું. કહેશે કે બ્રાહ્મ-સમાજી અમુક માણસ કરી ગયા. એમ કોઈ કહે નહિ કે ઈશ્વરની ઇચ્છાથી એ થયો છે. ‘મેં કર્યું છે’ એનું નામ અજ્ઞાન. 

‘હે ઈશ્વર, તમે કર્તા અને હું અકર્તા; તમે યંત્રી, હું યંત્ર એનું નામ જ્ઞાન. હે ઈશ્વર, મારું કાંઈ નહિ. આ કાલી-મંદિર મારું નહિ. આ સમાજ મારો નહિ. એ બધી તમારી ચીજો. આ સ્ત્રી, પુત્ર, પરિવાર એ બધું કાંઈયે મારું નહિ. બધું તમારું. એનું નામ જ્ઞાન. 

‘મારી ચીજ, મારી ચીજ’ ગણીને એ બધી ચીજોને ચાહવી એનું નામ માયા, સહુને ચાહવું એનું નામ દયા. માત્ર બ્રાહ્મ-સમાજના લોકોને ચાહવા કે માત્ર કુટુંબ-પરિવારને ચાહવો એનું નામ માયા. માત્ર પોતાના દેશના લોકોને ચાહવા એનું નામ માયા. બધા દેશના લોકોને ચાહવા, બધા ધર્મના લોકોને ચાહવા એ દયાથી થાય, ભક્તિથી થાય.

‘માયાથી માણસ બદ્ધ થાય, ભગવાનથી વિમુખ થાય. દયાથી ઈશ્વર-પ્રાપ્તિ થાય. શુકદેવ, નારદ વગેરેએ દયા રાખેલી.

Total Views: 351
ખંડ 20: અધ્યાય 6 : વિલાયતમાં કાંચનપૂજા - જીવનનો ઉદ્દેશ્ય કર્મ કે ઈશ્વરલાભ?
ખંડ 20: અધ્યાય 8 : પ્રતાપને ઉપદેશ - બ્રાહ્મસમાજ અને કામિનીકાંચન