આજ રથયાત્રા. બુધવાર, ૨૫મી જૂન, ઈ.સ. ૧૮૮૪. અષાડ સુદ બીજ. ઠાકુર શ્રીરામકૃષ્ણ આમંત્રિત થઈને કોલકાતામાં ઈશાનને ઘેર સવારમાં પધાર્યા છે. ઠનઠનિયામાં ઈશાનનું ઘર છે. અહીં આવીને ઠાકુરે સાંભળ્યું કે પંડિત શશધર નજીકમાં કૉલેજ સ્ટ્રીટમાં ચેટર્જીને ઘેર ઊતર્યા છે. પંડિતને મળવાની પરમહંસદેવની ખૂબ ઇચ્છા. બપોર પછી પંડિતને ઘેર જવાનું નક્કી થયું. 

અંદાજે દસેક વાગ્યાનો સમય. શ્રીરામકૃષ્ણ ઈશાનના નીચેના દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠા છે. ઈશાનના પરિચિત ભાટપાડાના એક બે બ્રાહ્મણો પણ છે. તેમાંથી એક જણ ભાગવત વાંચનારો પંડિત. ઠાકુરની સાથે હાજરા અને બીજા પણ એક બે ભક્તો આવ્યા છે. શ્રીશ વગેરે ઈશાનના છોકરાઓ પણ હાજર છે. એક ભક્ત, શક્તિના ઉપાસક આવેલ છે. તેમના કપાળમાં સિંદૂરનું તિલક. ઠાકુર આનંદમય. સિંદૂરનું તિલક જોઈને હસતાં હસતાં કહે છે, ‘આ તો માર્કાે મારેલા!’

કેટલીક વાર પછી નરેન્દ્ર અને માસ્ટર તેમને કોલકાતાને ઘેરથી આવ્યા. તેઓ ઠાકુરને પ્રણામ કરીને તેમની પાસે બેઠા. ઠાકુરે માસ્ટરને કહ્યું હતું કે ‘હું અમુક દિવસે ઈશાનને ત્યાં જવાનો છું. ત્યાં તમે પણ આવજો અને નરેન્દ્રને સાથે તેડતા આવજો.’

ઠાકુર માસ્ટરને કહે છે, ‘તે દિવસે તમારે ઘેર જતો હતો. તમારો અડ્ડો કઈ જગાએ છે?

માસ્ટર – જી, હાલ શ્યામપુકુર તેલીપાડામાં, સ્કૂલની પાસે.

શ્રીરામકૃષ્ણ – આજે સ્કૂલે ગયા નથી?

માસ્ટર – જી, આજ રથ-યાત્રાની રજા.

નરેન્દ્રને પિતૃ-વિયોગ પછી ઘરમાં બહુ જ દુઃખ છે. નરેન્દ્ર પિતાના સૌથી મોટા પુત્ર. નાનાં નાનાં ભાઈબહેન છે. પિતા વકીલ હતા; પણ પાછળ કંઈ પૈસો મૂકી જઈ શક્યા નથી. વહેવાર ચલાવવા માટે નરેન્દ્ર નોકરી ધંધા સારુ પ્રયાસ કરી રહ્યા છે. ઠાકુરે નરેન્દ્રને નોકરી મેળવી આપવા ઈશાન વગેરે ભક્તોને કહી રાખ્યું છે. ઈશાન કોમ્પ્ટ્રોલર જનરલની ઓફિસમાં મુખ્ય અધિકારી હતા. નરેન્દ્રના ઘરનું દુઃખ સાંભળીને ઠાકુર હંમેશાં ચિંતાતુર રહે છે.

શ્રીરામકૃષ્ણ (નરેનને) – મેં ઈશાનને તારી વાત કરી છે. ઈશાન ત્યાં (દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં) એક દિવસ આવ્યા હતા ને, એટલે કહ્યું હતું. તેમનો ઘણાયની સાથે પરિચય છે.

ઈશાને ઠાકુરને આમંત્રણ આપીને તેડાવ્યા છે. એ પ્રસંગે કેટલાક મિત્રોને પણ આમંત્રણ આપીને તેડાવ્યા છે. ગીત-કીર્તન થવાનું છે, એટલે પખવાજ, તબલાં, તંબૂરો મગાવવામાં આવ્યાં છે. ઘરમાંથી એક માણસે પખવાજને લગાડવા માટે એક વાટકીમાં મેંદાનો લોટ લાવી આપ્યો. 

સમય અગિયારેક વાગ્યાનો. ઈશાનની ઇચ્છા, કે નરેન્દ્ર ગીત ગાય!

શ્રીરામકૃષ્ણ (ઈશાનને) – હજી તો મેંદો? ત્યારે તો (ભોજનને) હજી ઘણીયે વાર!

ઈશાન (હસતાં હસતાં) – જી ના, એટલી વાર નથી. ભક્તો કોઈ કોઈ હસે છે. ભાગવતના પંડિત પણ હસીને એક કૌતુકભર્યાે શ્લોક બોલે છે. શ્લોક બોલીને પછી પંડિત તેની વ્યાખ્યા કરે છે : દર્શન વગેરે શાસ્ત્રો કરતાં કાવ્ય મનોહર, જ્યારે કાવ્ય-પાઠ થાય અથવા લોકો કાવ્યનું શ્રવણ કરે ત્યારે વેદાંત, સાંખ્ય, ન્યાય, પાતંજલ એ બધા દર્શન-ગ્રંથો શુષ્ક લાગે. કાવ્ય કરતાં ગીત મનોહર, સંગીતથી પાષાણ હૃદયવાળો માણસ પણ ગળી જાય. પરંતુ જો કે સંગીતનું એટલું બધું આકર્ષણ, છતાંય જો સુંદર સ્ત્રી પાસે થઈને ચાલી જાય તો કાવ્ય પણ પડ્યું રહે, સંગીત સુધ્ધાં ગમે નહિ, અને બધુંય મન એ સ્ત્રીની તરફ ચાલ્યું જાય. પણ જ્યારે ભૂખ લાગે ત્યારે કાવ્ય, ગીત, નારી એ કાંઈ ગમે નહિ, અન્નચિન્તા ચમત્કારા!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – આ ભાઈ તો રસિક!

પખવાજ બંધાયું. 

નરેન્દ્ર ગીત ગાય છે.

ગીત જરા શરૂ થતાં ન થતાં જ ઠાકુર ઉપરના દીવાનખાનામાં આરામ કરવા સારુ ચાલ્યા ગયા. સાથે માસ્ટર અને શ્રીશ. દીવાનખાનું રસ્તાની ઉપર. ઈશાનના સસરા ક્ષેત્રનાથ ચેટર્જી મહાશયે આ બેઠકખાનું અને મકાન બંધાવી આપ્યું હતું.

માસ્ટરે શ્રીશનો પરિચય આપ્યો. તેમણે કહ્યું, આ ભાઈ વિદ્વાન અને અતિશય શાંત સ્વભાવના. નાનપણથી જ એ મારી સાથે ભણતા હતા. અત્યારે તો વકીલાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – આવા માણસે વકીલાત કરવી!

માસ્ટર – ભૂલથી તેનાથી એ લાઈન લેવાઈ ગઈ છે.

શ્રીરામકૃષ્ણ – મેં ગણેશ વકીલને જોયો છે. ત્યાં (દક્ષિણેશ્વર કાલીમંદિરમાં) શેઠિયાઓની સાથે વચ્ચે આવે છે. પેલી કીર્તનિયા પન્ના પણ આવે છે. એટલી સુંદર નથી, પણ ગાય છે સારું. પણ મને ખૂબ માને, સરલ.

શ્રીરામકૃષ્ણ (શ્રીશને) – તમને સાર શું લાગે છે?

શ્રીશ – ઈશ્વર છે અને તે જ બધું કરી રહેલ છે. પણ તેના ગુણો (Attributes)નો આપણે જે ખ્યાલ બાંધીએ, એ બરાબર નહિ. માણસ તેના વિશે શી ધારણા કરી શકે? અનંત કાંડ!

શ્રીરામકૃષ્ણ – બગીચામાં કેટલાં ઝાડ, ઝાડમાં કેટલી ડાળીઓ, એ બધા હિસાબનું તમારે કામ શું? તમે બગીચામાં કેરી ખાવા આવ્યા છો, તે કેરી ખાઈને જાઓ. ઈશ્વર ઉપર ભક્તિ, પ્રેમ મેળવવા માટે જ મનુષ્ય જન્મ! તમે કેરી ખાઈને ચાલ્યા જાઓ. 

તમે મદ્ય પીવા આવ્યા છો, દારૂની દુકાનમાં કેટલો દારૂ છે એ જાણવાની તમારે શી જરૂર? એક ગ્લાસ મળી જાય તો તમારું થઈ જાય.

તમારે ઈશ્વરનું અનંત કાર્ય જાણવાની જરૂર શી?

‘ઈશ્વરના ગુણો, કરોડો વરસ સુધી વિચાર કરવા છતાં કંઈ જાણી શકાય નહિ.’

ઠાકુર જરાક બોલતા બંધ રહ્યા. પાછા વાત કરે છે. ભાટપાડાનો એક બ્રાહ્મણ પણ બેઠેલ છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – સંસારમાં કંઈ નથી. આમનો ઘરસંસાર તો સારો છે એટલે. નહિતર જો છોકરા ચારિત્ર્યહીન, ગંજેરી કે દારૂડિયા, ઉચ્છૃંખલ, એવા હોત તો દુઃખનો પાર ન રહેત. આ તો સૌનાં ઈશ્વર તરફ મન, વિદ્યાનો સંસાર. એવું મોટે ભાગે નજરે ન ચડે. એવાં તો માત્ર બે ચાર ઘર જોયાં. નહિ તો કેવળ ઝઘડા, કંકાસ, ઈર્ષ્યા, એ ઉપરાંત રોગ, શોક, ગરીબાઈ. એ બધું જોઈને હું બોલ્યો : ‘મા, હવે જલદી બીજે રસ્તે વાળો. જુઓ ને, નરેન્દ્ર કેવી મુશ્કેલીમાં પડી ગયો છે! બાપ મરી ગયો છે, ઘરમાં ખાવાના વાંધા, નોકરી ધંધા સારુ આટલાં ફાંફાં મારે છે, પણ ઠેકાણે પડતો નથી. હવે શું કરે છે તે જુઓ. 

વારુ માસ્ટર, તમે અગાઉ એટલા બધા આવતા ને હવે કેમ નથી આવતા? સ્ત્રીની સાથે પ્રીત વધી છે કે શું? 

તે એમાં એનોય શો દોષ? ચારે બાજુ કામ-કાંચન! એટલે હું માને કહું છું કે મા! જો કોઈ વાર શરીર ધારણ કરવું પડે તો સંસારી કરશો મા!

ભાટપાડાનો બ્રાહ્મણ – કેમ? ગૃહસ્થ-ધર્મની પણ પ્રશંસા કરી છે!

શ્રીરામકૃષ્ણ – હા. પણ બહુ કઠણ. 

ઠાકુર વાત બદલે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – અરે આપણે કેવું ખોટું કર્યું! એ લોકો ત્યાં ગાય છે, નરેન્દ્ર ગાય છે, અને આપણે બધા અહીં ભાગી આવ્યા!

Total Views: 413
ખંડ 21: અધ્યાય 1 : શ્રીયુત્ બાબુરામ, રાખાલ, લાટુ, નિરંજન, નરેન્દ્ર વગેરેનાં ચરિત્ર
ખંડ 22: અધ્યાય 2 : કલિયુગમાં ભક્તિ-યોગ - કર્મયોગ નહિ