આશરે ચારેક વાગ્યે ઠાકુર ઘોડાગાડીમાં બેઠા. શરીર અતિશય કોમળ. બહુ જ સંભાળપૂર્વક શરીરને જાળવવું પડે. એટલે રસ્તા ઉપર ચાલતાં તેમને કષ્ટ થાય. મોટે ભાગે ગાડી વિના જરા સરખુંય ચાલી શકે નહિ. ગાડીમાં બેસતાં જ ભાવ-સમાધિમાં મગ્ન થયા! એ વખતે ઝરમર ઝરમર વરસાદ આવે છે. વર્ષાકાળ, આકાશમાં વાદળાં, રસ્તામાં કાદવ, ભક્તો ગાડીની પાછળ પગે ચાલતા જઈ રહ્યા છે. તેમણે જોયું તો રથ-યાત્રાને અંગે છોેકરાઓ તાડનાં પાંદડાંનાં પિપૂડાં વગાડી રહ્યા છે.
ગાડી મકાનની સામે બારણા પાસે ઊભી રાખવામાં આવી. ઘર-માલિક અને તેનાં સગાઓએ આવીને સ્વાગત કર્યું.
ઉપર જવા માટે દાદરો, ત્યાર પછી દીવાનખાનું. ઉપર ચઢતાં જ શ્રીરામકૃષ્ણે જોયું કે શશધર પંડિત તેમનું સ્વાગત કરવા આવી રહ્યા છે. પંડિતને જોઈને એમ લાગ્યું કે તે યુવાવસ્થા પાર કરીને પ્રૌઢાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે. શરીરનો વર્ણ ઊજળો, ગોરો કહીએ તો કહી શકાય. ગળામાં રુદ્રાક્ષની માળા. તેમણે અતિ વિનયપૂર્વક ભક્તિ-ભાવથી ઠાકુરને પ્રણામ કર્યા. ત્યાર પછી ઓરડામાં લઈ જઈને તેમને બેસાડ્યા. ભક્તો પાછળ પાછળ જઈને બેઠા.
બધાની ઉત્સુકતા એવી કે ઠાકુરની પાસે બેસે અને તેમના મુખથી નીકળતા કથામૃતનું પાન કરે. નરેન્દ્ર, રાખાલ, માસ્ટર, રામ અને બીજા કેટલાક ભક્તો હાજર છે. હાજરા પણ શ્રીરામકૃષ્ણની સાથે દક્ષિણેશ્વર કાલી-મંદિરેથી આવેલ છે.
ઠાકુર પંડિતને જોતાં જોતાં ભાવ અવસ્થામાં આવી ગયા. થોડી વાર પછી એ જ અવસ્થામાં હસતાં હસતાં પંડિતની સામું જોઈને કહે છે કે ‘સારું સારું!’ પછી બોલે છે, ‘વારુ, તમે કેવી રીતે લેક્ચર આપો?’
શશધર – મહાશય, હું શાસ્ત્રની વાતો સમજાવવાનો પ્રયાસ કરું છું.
શ્રીરામકૃષ્ણ – કલિયુગને માટે ઉપાય નારદીય ભક્તિ. શાસ્ત્રમાં જે બધાં કર્માે કરવાની વાત છે એને માટે સમય ક્યાં? આજકાલના તાવમાં દશમૂલ-પાચન ને એવાં બધાં ચૂર્ણાે ન ચાલે. દશમૂલ-પાચન તૈયાર થાય અને દરદીને અપાય તે પહેલાં તો રોગી ખલાસ થઈ જાય! આજકાલ ‘ફિવર-મિક્ષ્ચર!’ કર્માે કરવાનું જો કહો તો આગળ પાછળનું બાદ કરીને કરવાનું કહેવું. હું લોકોને કહું કે તમારે ‘આપો ધનન્યા’ને એ બધું એટલું લાંબું બોલવાની જરૂર નથી. તમે લોકો ગાયત્રી જપ કરો એટલે બસ. કર્માે કરવાની વાત ખાસ જો કહેવી જ હોય તો ઈશાનના જેવા કર્મકાંડી એક બે જણને કહી શકો.
(વિષયી લોકો અને લેક્ચર)
‘હજાર લેક્ચર આપો ને, પણ સંસારમાં રચ્યાપચ્યા હોય તેને કંઈ કરી શકવાના નથી. કાળમીંઢ પથ્થરની દીવાલમાં શું ચૂંક મારી શકાય? ચૂંકનું માથું ભાંગી જાય તોય દીવાલને કાંઈ ન થાય. તલવારનો ઘા માર્યે મગરને શું થાય? સાધુનું તુંબડું ચારે ધામ ફરી આવ્યું, પણ હતું તેવું જ કડવું! તમારાં લેક્ચરથી સંસારી લોકોમાં ખાસ કંઈ સુધારો થતો નથી. એ પણ તમે ધીમે ધીમે જાણી શકશો. વાછડું એકદમ ઊભું રહી શકે નહિ. વચ્ચે વચ્ચે પડી જાય, પાછું ઊભું થાય, ત્યારે જ ઊભું રહેતાં અને ચાલતાં શીખે.
(નવો અનુરાગ અને વિચાર – ઈશ્વરલાભ થતાં કર્મત્યાગ –
યોગ અને સમાધિ)
કોણ ભક્ત, કોણ સંસારી એ તમે ઓળખી શકતા નથી. પણ એમાં તમારો દોષ નથી. તોફાન શરૂ થાય ત્યારે કયું આંબલીનું ઝાડ, કયું આંબાનું ઝાડ એ ઓળખી શકાય નહિ.
ઈશ્વર-દર્શન ન થાય ત્યાં સુધી કોઈ એકદમ કર્મત્યાગ કરી શકે નહિ. સંધ્યા વગેરે કર્માે કેટલા દિવસ? જેટલા દિવસ ઈશ્વરનું નામ લેતાં અશ્રુપાત અને રોમાંચ ન થાય ત્યાં સુધી. એક વાર ‘ૐ રામ’ બોલતાં જો આંખમાં પાણી આવે તો જરૂર જાણજો કે તમારાં કર્માે પૂરાં થયાં છે. એ પછી સંધ્યા વગેરે કર્માે કરવાનાં રહે નહિ.
ફળ બેસે એટલે ફૂલ ખરી જાય; ભક્તિરૂપી ફળ, કર્મરૂપી ફૂલ. ગૃહસ્થ માણસના ઘરની વહુને મહિના રહે એટલે ઝાઝું કામ કરી શકે નહિ. તેની સાસુ દિવસે દિવસે તેનું કામ ઓછું કરી નાખે, દશમો મહિનો બેસે ત્યારે સાસુ લગભગ કામ કરવા દે નહિ. અને બાળક આવ્યા પછી વહુ માત્ર એ છોકરાને તેડીને હેરવ્યા ફેરવ્યા કરે. પછી તેને કામ કરવું ન પડે. સંધ્યાનો ગાયત્રીમાં લય થાય, ગાયત્રીનો પ્રણવ (ૐ કાર)માં લય થાય, પ્રણવનો સમાધિમાં લય થાય; જેમ કે ઘંટનો શબ્દ ટ-અ-અ-મ્. યોગી નાદ-ભેદ કરીને પરબ્રહ્મમાં લીન થાય; સંધ્યા વગેરે કર્માેનો સમાધિમાં લય થાય. એવી રીતે જ્ઞાનીઓનો કર્મત્યાગ થાય.’






