શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે પોતાના પૂર્વ પરિચિત ઓરડામાં જમીન પર બેઠા છે. પાસે પંડિત શશધર. જમીન પર ચટાઈ પાથરેલી છે. તેની ઉપર ઠાકુર, પંડિત શશધર અને કેટલાક ભક્તો બેઠેલા છે. કેટલાક ભક્તો ભોંય પર જ બેઠા છે. સુરેન્દ્ર, બાબુરામ, માસ્ટર, હરીશ, લાટુ, હાજરા, મણિ મલ્લિક વગેરે ભક્તો હાજર છે. ઠાકુર પંડિત પદ્મલોચનની વાત કરી રહ્યા છે. પદ્મલોચન બર્દવાનના રાજાના સભાપંડિત હતા. સમય બપોર પછીનો, લગભગ ચાર વાગ્યાનો. 

આજ સોમવાર, ૩૦મી જૂન, ઈ.સ. ૧૮૮૪. ૧૭ અષાઢ શુક્લા અષ્ટમી (બંગાબ્દ). છ દિવસ પહેલાં શ્રીશ્રીરથયાત્રાને દિવસે પંડિત શશધરની સાથે ઠાકુરની કોલકાતામાં મુલાકાત અને વાતચીત થઈ હતી. આજે ફરી પંડિત ઠાકુરનાં દર્શને આવ્યા છે, સાથે શ્રીયુત્ ભૂધર ચટ્ટોપાધ્યાય અને તેમના મોટા ભાઈ. કોલકાતામાં તેમને જ ઘરે પંડિત શશધર ઊતર્યા છે.

પંડિત જ્ઞાન-માર્ગના અનુયાયી. ઠાકુર તેમને સમજાવી રહ્યા છે કે જે નિત્ય તેની જ લીલા, જે અખંડ સચ્ચિદાનંદ, તેણે જ લીલા સારુ વિવિધ રૂપ ધારણ કર્યાં છે. ઈશ્વરની વાત કરતાં કરતાં ઠાકુરની બાહ્ય સંજ્ઞાનો લોપ થવા લાગ્યો. ભાવમાં મગ્ન બનીને પંડિતને કહેવા લાગ્યા. કહે છે : ‘બાપુ! બ્રહ્મ અટલ, અચલ, સુમેરુવત્. પણ જેને ‘અચલ’ કહેવાય તેની ‘ચલ’ અવસ્થા પણ છે.

ઠાકુર પ્રેમાનંદમાં મસ્ત થયા છે અને ગંધર્વને શરમાવે એવા કંઠે ગીત ગાય છે : 

ગીત પછી ગીત ગાતા જાય છે :

ગીત : ‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન…

ગીત : ‘મા, શું જેવા તેવાની છોકરીની છોકરી છે?

જેનો નામ જપ કરીને શિવ હલાહલ ખાઈને પણ જીવે,

સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય, જેના કટાક્ષથી થાયે,

જે અનંત બ્રહ્માંડને પૂરી રાખે ઉદરે,

જેનાં ચરણનું શરણ લઈને દેવતા વિપદથી બચે,

દેવાધિદેવ મહાદેવ જેમનાં ચરણમાં પડે રે!

ગીત : મા શું કેવળ શિવની રે સતી!

જેને કાલના કાલ પણ કરે પ્રણતિ,

દિગંબર વેશે શત્રુનાશે મહાકાલ હૃદયે સ્થિતિ,

રે મન, કહો રે! એ છે કેવું! મારે લાતો નાથની છાતી,

પ્રસાદ કહે, માની લીલા, જાણે કે મોટી ડાકાતિ,

મન સાવધાન બની કર જતન, થશે તમારી શુદ્ધ મતિ.

ગીત : સુરાપાન કરું નહીં હું, સુધા પીઉં જય કાલી બોલી,

ભાવાવેશે માને જોઈને, પીધેલ એને પીધેલ કહે,

ગુરુમંત્ર બીજ ગોળ લઈને જપ-પ્રવૃત્તિનો મસાલો કરી

જ્ઞાન પાત્રમાં ઉકાળ્યો એને, પાગલ થઈને પાન કરું,

મૂલમંત્ર સારગર્ભ તારા નામે શોધન કરું,

પ્રસાદ કહે આવી સુરા પીએ કોઈ ચતુર્વર્ગ મળે સોઈ.

ગીત : ‘શ્યામા ધન શું સૌ કોઈ પામે, અબોધમન કઠિન કામ એ ન જાણે,

મન કરવા કાલીનાં લાલ ચરણે, શિવનાં સાધનોય ઓછાં પડે…

ઠાકુરની ભાવ અવસ્થા જરા ઓછી થઈ છે. તેમનું ગીત અટક્યું. જરા ચૂપ રહ્યા છે. ઊઠીને નાની પાટ પર બેઠા. 

પંડિત ગીત સાંભળીને મોહિત થયા છે. અતિ નમ્રતાથી એ ઠાકુરને કહે છે કે હજી ગીત ગવાશે કે? 

ઠાકુર જરા વાર પછી ફરીથી ગાય છે :

ગીત : શ્યામા-પદ-આકાશમાંહી મન-પતંગ ઊડતો હતો,

પાપ-વાયુ લાગીને ગોથું ખાઈને પડી ગયો…

ગીત : આ વેળા મેં સારું વિચાર્યું રે, સારા ભાવિક પાસે ભાવ શીખ્યો રે,

જે દેશમાં રજની નહિ એ દેશનું એક માણસ મળ્યું રે!

મારે તો દિવસ કેવો ને કેવી સંધ્યા, સંધ્યાને વંધ્યા કરી રે.

ગીત : અભય-પદે પ્રાણ સોંપ્યા છે, હવે ક્યાં યમનો ભય રાખ્યો છેે!…

કાલી નામ મહા-મંત્ર, આત્મ-શિર-શિખાએ બાંધ્યો છે;

દેહ વેચીને ભવ-બજારે, શ્રીદુર્ગા-નામ ખરીદી લાવ્યો છું…

‘શ્રી દુર્ગા-નામ ખરીદી લાવ્યો છું’ એ સાંભળતાં પંડિત આંસુ સારે છે. ઠાકુર વળી ગાય છે :

ગીત : ‘કાલી-નામ કલ્પતરુ, હૃદયે રોપણ કર્યું છે,

યમ આવ્યે હૈયું ખોલી, દાખવવાને બેઠો રહ્યો છું…

દેહની અંદર છ જણ કુજન, તેમને ઘરની બહાર કાઢ્યા છે,

રામપ્રસાદ કહે દુર્ગા બોલીને, પ્રયાણ-તૈયારી કરી બેઠો છે…

ગીત : પોતે પોતામાં રહો મન, જાઓ ના કોઈને ઘેરે;

જે જોઈએ તે બેઠે પામીશ, શોધો પોતાના અંતઃપુરે…

ઠાકુર ગીત ગાઈને કહે છે : ‘મુક્તિ કરતાં ભક્તિ મોટી.’

ગીત : હું મુક્તિ દેવા નારાજ નહિ, શુદ્ધ ભક્તિ દેવા રાજી નાહિ,

મારી ભક્તિ પામે જો કોઈ, પહોંચી શકે નવ તેને કોઈ,

તે તો સેવા પામે થઈ ત્રિલોકમાં જયી.

સુણો ચંદ્રાવલી, ભક્તિ-કથા કહું, મુક્તિ મળે ક્યારેક, ભક્તિ મળે નહિ,

ભક્તિને કારણે પાતાળ-ભવને બલિને દ્વારે દ્વારપાળ થાઉં.

શુદ્ધ ભક્તિ છે એક વૃંદાવનમાં ગોપગોપી વિણ અન્ય નવ જાણે,

ભક્તિને કારણે નંદ-ભવને પિતા ગણી નંદના પાટલા ઉઠાવું.

Total Views: 423
ખંડ 22: અધ્યાય 7 :
ખંડ 23: અધ્યાય 2 : શાસ્ત્રપાઠ અને પાંડિત્ય મિથ્યા - તપશ્ચર્યા આવશ્યક - વિજ્ઞાની