અને ભક્તોની સાથે ઈશાનને ઘેર પાછા આવ્યા. સંધ્યા હજી થઈ નથી. ઈશાનના નીચેના દીવાનખાનામાં આવીને બેઠા. ભક્તો કોઈ કોઈ છે. ભાગવતનો પંડિત, ઈશાન, ઈશાનના દીકરાઓ હાજર છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – શશધરને કહ્યું કે ઝાડવે ચડ્યા વિના જ ઝૂમખાં લેવા ઇચ્છો છો – જરા વધારે સાધનભજન કરો, ત્યાર પછી લોકોને ઉપદેશ આપો.

ઈશાન – બધા મનથી ઇચ્છે છે કે હું લોકોપદેશ આપીશ. આગિયો મનમાં માને કે હું જગતને પ્રકાશ આપું છું. તે જોઈને એક જણ બોલ્યો કે અરે આગિયા! તું વળી જગતને શું પ્રકાશ દેવાનો હતો? અરે એય, તું તો ઊલટો અંધકારને વધુ ગાઢ બનાવે છે!

શ્રીરામકૃષ્ણ (જરા હસીને) – પણ એકલો પંડિત નથી; જરા વિવેક-વૈરાગ્ય પણ છે. 

ભાટપાડાનો ભાગવતનો પંડિત હજી સુધી બેઠેલ છે. ઉંમર ૭૦-૭૫ હશે. તે ઠાકુરને એક નજરે જોઈ રહ્યો છે.

ભાગવતનો પંડિત (શ્રીરામકૃષ્ણને) – આપ તો મહાત્મા!

શ્રીરામકૃષ્ણ – એ નારદ, પ્રહ્લાદ, શુકદેવ વગેરેને કહી શકો. હું તો તમારા સંતાન જેવો.

‘તો પણ એક રીતે કહી શકો, એવું છે કે ભગવાન કરતાં ભક્ત મોટો. કારણ કે ભક્ત ભગવાનને હૃદયમાં લઈને ફરે! (સૌને આનંદ). ભક્ત ‘મને દેખે નાનો, પોતાને દેખે મોટો.’ યશોદા શ્રીકૃષ્ણને બાંધવા ગયાં હતાં. યશોદાને ખાતરી કે હું કૃષ્ણને ન સંભાળું તો તેને કોણ સંભાળે? ક્યારેક ભગવાન લોહચુંબક બને અને ભક્ત સોય બને. ભગવાન આકર્ષણ કરીને ભક્તને ખેંચી લે. તો વળી ક્યારેક ભક્ત લોહચુંબક બને ને ભગવાન સોય બને. ભક્તનું આકર્ષણ એવું કે તેના પ્રેમથી મુગ્ધ થઈને ભગવાન તેની પાસે જઈ પહોંચે!’

ઠાકુર દક્ષિણેશ્વર જવા તૈયાર થયા. નીચેના દીવાનખાનાની દક્ષિણ બાજુની ઓસરીમાં આવીને ઊભા છે. ઈશાન વગેરે ભક્તો પણ ઊભા છે. ઈશાનને વાતવાતમાં ઘણોય ઉપદેશ આપે છે.

શ્રીરામકૃષ્ણ (ઈશાનને) – જે સંસારમાં રહીનેય ભગવાનને સ્મરે તે તો વીર ભક્ત. ભગવાન કહે છે કે જેણે સંસાર છોડી દીધો છે તે તો મને ભજે જ, મારી સેવા કરે જ; તેમાં એની બહાદુરી શી? એ જો મારું સ્મરણ ન કરે તો સૌ તેને છીઃ છીઃ કહે. પણ જે સંસારમાં રહીને પણ મારું સ્મરણ કરે, વીસ મણનો પથ્થર માથે લેવા છતાં જે મને યાદ કરે, તે જ ધન્ય, એ જ બહાદુર, એ જ વીર પુરુષ!

ભાગવતનો પંડિત – શાસ્ત્રમાં પણ એ જ વાત છે. ધર્મવ્યાધની કથા અને પતિવ્રતાની કથા. પેલા તપસ્વીએ માની લીધેલું કે મેં કાગડી-બગલીને ભસ્મ કરી નાખ્યાં એટલે હું ખૂબ ઊંચી અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો છું. તે પતિવ્રતાને ઘેર ભિક્ષા લેવા ગયો. એ પતિવ્રતાની પોતાની સ્વામી ઉપર એટલી ભક્તિ કે રાત દિવસ સ્વામીની સેવા કરે. સ્વામી બહારથી આવતાં પાણી લઈને પગ ધોવા હાજર થતી; ને એટલે સુધી કે પોતાના માથાના વાળથી પતિના પગ લૂછતી. પેલો અતિથિ તપસ્વી ભિક્ષા મળવામાં વાર લાગે છે એ જોઈને ચિડાઈને ગુસ્સાથી બોલી ઊઠ્યો કે, તમારું સારું નહિ થાય! એ સાંભળતાં ઘરમાંથી પતિવ્રતા બોલી ઊઠી કે ‘અહીં કાંઈ કાગડી-બગલી ભસ્મ કરવાની નથી, મહારાજ! જરા થોભો, હું મારા સ્વામીની સેવા કરીને હમણાં તમને ભિક્ષા આપું છું.’

ત્યાંથી એ તપસ્વી ધર્મવ્યાધ નામના એક ખાટકી પાસે બ્રહ્મ-જ્ઞાન સારુ ગયો. એ ખાટકી પશુઓનું માંસ વેચતો, પણ માબાપને ઈશ્વરનાં સ્વરૂપ સમજીને રાતદિવસ તેમની સેવા કરતો. બ્રહ્મ-જ્ઞાન સારુ તેની પાસે ગયેલો તપસ્વી તો તેને જોઈને નવાઈ પામ્યો ને વિચારમાં પડી ગયો કે આ ખાટકી માંસ વેચવાનો ધંધો કરે છે ને સંસારી માણસ છે, એ વળી મને શું બ્રહ્મ-જ્ઞાન આપવાનો હતો! પણ એ ખાટકી પૂર્ણ-જ્ઞાની!

હવે ઠાકુર ગાડીમાં બેસવા જાય છે. બાજુમાં આવેલા ઈશાનના સસરાના મકાનના દરવાજામાં ઊભા છે. ઈશાન અને ભક્તો પાસે ઊભા છે, ઠાકુરને ગાડીમાં બેસાડીને વિદાય આપવા સારુ. ઠાકુર વળી વાતચીતને બહાને ઈશાનને ઉપદેશ આપે છે કે ‘કીડીની પેઠે સંસારમાં રહેવું. આ સંસારમાં નિત્ય અને અનિત્ય બેઉ ભેગાં ભળી ગયાં છે. રેતી અને ખાંડ એક થઈ ગયાં છે. કીડી થઈને ખાંડ ખાંડ લઈ લેવી.’

‘જળ અને દૂધ ભેગાં થઈ રહ્યાં છે, ચિદાનંદ-રસ અને વિષય-રસ. હંસની પેઠે દૂધ લઈને જળ છોડી દેવું. 

અને જળ-કૂકડીની પેઠે રહેવું. અને કાદવી માછલીની પેઠે રહેવું. કાદવમાં રહે પણ તેનું શરીર જુઓ તો ઊજળું સાફ! ગોલમાલ (ગરબડ) માં માલ છે; ગોલ (ગોટાળો) મૂકીને માલ (સાર) લેવો!’

ઠાકુર ગાડીમાં બેસીને દક્ષિણેશ્વર જવા નીકળે છે.

Total Views: 427
ખંડ 22: અધ્યાય 6 : વિદાય
ખંડ 23: અધ્યાય 1 : કાલી-બ્રહ્મ - બ્રહ્મ અને શક્તિ અભિન્ન