પંડિત પાછા આવીને વળી ભક્તોની સાથે જમીન પર બેઠા. ઠાકુર નાની પાટ પર બેસીને વળી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (પંડિતને) – તમને આટલું કહેવાનું : આનંદ ત્રણ પ્રકારનો, વિષયાનંદ, ભજનાનંદ અને બ્રહ્માનંદ. હંમેશાં જે લઈને બધાય રહ્યા છે, કામ-કાંચનનો આનંદ, તેનું નામ વિષયાનંદ. ઈશ્વરનાં નામ-ગુણ-ગાન કરીને જે આનંદ મળે તે ભજનાનંદ. અને ભગવાનનાં દર્શનનો જે આનંદ તે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ-પ્રાપ્તિ પછી ઋષિઓને સ્વેચ્છાચાર થઈ જતો (વિધિ-નિષેધનો ખ્યાલ રહેતો નહિ).

ચૈતન્યદેવની ત્રણ પ્રકારની અવસ્થા થતી : અંતર્દશા, અર્ધ-બાહ્ય દશા અને બાહ્ય દશા. અંતર્દશામાં તેઓ ઈશ્વરનાં દર્શન કરીને સમાધિસ્થ રહેતા, જડ-સમાધિની અવસ્થા થઈ જતી. અર્ધ-બાહ્ય દશામાં જરાતરા બહારની ચેતના રહેતી. બાહ્ય અવસ્થામાં નામ-ગુણ-સંકીર્તન કરી શકતા.

હાજરા (પંડિતને) – જુઓ, આ બધા સંદેહ દૂર કરી નાખ્યા!

શ્રીરામકૃષ્ણ (પંડિતને) – સમાધિ કોને કહે? જ્યાં મનનો લય થાય ત્યાં. જ્ઞાનીને જડ-સમાધિ થાય, અહં રહે નહિ. ભક્તિ-યોગની સમાધિને ચેતન-સમાધિ કહે. એમાં સેવ્ય-સેવકનો અહં, રસ-રસિકનો અહં, આસ્વાદ્ય-આસ્વાદકનો અહં રહે. ઈશ્વર સેવ્ય, ભક્ત સેવક; ઈશ્વર રસ-સ્વરૂપ, ભક્ત રસિક; ઈશ્વર આસ્વાદ્ય, ભક્ત આસ્વાદક. ભક્ત કહેશે કે ખાંડ થવું નથી; ખાંડ ખાવાનું ગમે!

પંડિત – ભગવાન જો બધો અહં લય કરી દે તો શું થાય? જો ખાંડ કરી નાખે તો?

શ્રીરામકૃષ્ણ (હસીને) – તમારા મનની વાત ખોલીને કરો, મા કૌશલ્યા! એક વાર બરાબર સમજાવીને બોલો! (સૌનું હાસ્ય). (જો અહંનો હંમેશાં પૂરેપૂરો લય થઈ જતો હોય) તો શું નારદ, સનક, સનાતન, સનંદ, સનતકુમાર એ બધાઓની વાત શાસ્ત્રમાં નથી?

પંડિત – જી, હા, શાસ્ત્રમાં છે.

શ્રીરામકૃષ્ણ – પોતે જ્ઞાની હોવા છતાં તેઓએ હું ભક્ત એવો ભક્તનો અહં રહેવા દીધો હતો. શું તમે ભાગવત વાંચ્યું નથી?

પંડિત – થોડું વાંચ્યું છે, સંપૂર્ણ નહીં.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને પ્રાર્થના કરો. પ્રભુ તો દયામય. એ શું ભક્તની વાત સાંભળે નહિ? એ કલ્પતરુ છે. એમની પાસે જે કોઈ જે કાંઈ માગે તે તેને મળે.

પંડિત – મેં તો આ બધા વિષયોનો એટલો બધો વિચાર જ કર્યાે નથી. હવે બધુું સમજું છું.

શ્રીરામકૃષ્ણ – બ્રહ્મ-જ્ઞાનની પછીયે ઈશ્વર જરા અહં રહેવા દે. એ અહં ભક્તનો અહં, વિદ્યાનો અહં. એ હોય તો એનાથી અનંતલીલાનું આસ્વાદન થાય. યાદવોએ મુશળ આખુંય ઘસી ઘસીને લગારેક રહેવા દીધું હતું. છતાં એ જ કુલ-નાશક નીવડ્યું, એનાથી જ યદુવંશનો ધ્વંસ થયો. એટલા સારુ વિજ્ઞાની આ ભક્તિનો અહં, વિદ્યાનો અહં રહેવા દે. લીલા-આસ્વાદનને માટે, લોકોપદેશને માટે.

(ઋષિઓ ભયત્રસ્ત હતા – A New Light on the Vedanta)

ઋષિઓ હતા બીકણ. તેમના મનનો ભાવ કેવો હતો, ખબર છે? હું જેમ તેમ કરીને (સંસાર-સમુદ્રને) પાર કરી જાઉં, ફરી વાર વળી કોણ આવે? પોલું ફોફાં જેવું લાકડું પોતે જેમ તેમ કરીને તર્યે જાય, પરંતુ તેના ઉપર એક પંખી બેસે તોય ડૂબી જાય. પણ નારદ વગેરે મોટાં જંગી લાકડાં. એ પોતે તો તર્યે જાય, પણ સાથે અનેક જીવજંતુઓને પણ લઈ જશે. જેમ કે સ્ટીમર (મશીનથી ચાલે તે) પોતેય પાર થઈ જાય અને બીજા ઘણાયને પાર કરીને લઈ જાય. 

નારદ વગેરે આચાર્યાે વિજ્ઞાની, બીજા ઋષિઓ કરતાં વધુ હિંમતવાન. જેમ કે કોઈ પાકો ખેલાડી હોય તે ધાર્યાે દાવ નાખી શકે. એ કહેશે કે કેટલા જોઈએ? પાંચ કે છ? દરેક વાર તેના ધાર્યા દાણા જ પડે; એવો ખેલાડી! એ વળી વચ્ચે વચ્ચે મૂછે તાવ દે!

‘જેઓ એકલા જ્ઞાની, તેઓ બીકણ. જેમ કે ચોપાટ રમનારાઓમાં જેઓ કાચા રમનારા હોય, તેઓ વિચાર કરે કે જેમ તેમ કરીને એક વાર સોગઠી ઘરમાં પહોંચે એટલે થયું. પણ વિજ્ઞાનીને કોઈ જાતનો ડર નહિ. તેણે તો ઈશ્વરનાં સાકાર નિરાકાર, બંને સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યાે હોય છે. ઈશ્વરની સાથે વાતચીત કરી હોય છે. ઈશ્વરના આનંદનો ઉપભોગ કર્યાે હોય છે. ઈશ્વરનું ચિંતન કરીને મન અખંડમાં લીન થાય એમાંય તેને આનંદ; તેમજ વળી મનનો લય ન થાય અને લીલામાં મન રહે તો તેમાંય તેને આનંદ. 

એકલો જ્ઞાની એકધારો. એ કેવળ વિચાર જ કર્યા કરે કે (બ્રહ્મ) આ નહિ, પેલું નહિ, આ બધું સ્વપ્ન જેવું. પણ મેં તો બેઉ હાથ ઊંચા કરી લીધા છે. એટલે બધુંય લઉં!

‘એક વણકર બાઈ હતી. તે ઘણે દિવસે પોતાની વેવાણને મળવા ગઈ. વેવાણ એ વખતે તરેહ તરેહના રંગીન રેશમી દોરા વણતી હતી. એ વેવાણ તો પોતાની આવેલી વેવાણને જોઈને બહુ જ હરખમાં આવી ગઈ ને કહેવા લાગી કે ઓહો વેવાણ, તમે? વેવાણ, તમે આવ્યાં છો એથી મને કેવો આનંદ થયો છે તે મુખેથી બોલ્યો જાય એમ નથી! હું તમારા સારુ જરા નાસ્તો પાણી લઈ આવું.’ એમ કહીને વેવાણ તો કંઈક ખાવાનું લેવા ગઈ. આ બાજુ તરેહ તરેહના રંગબેરંગી રેશમી દોરા જોઈને આવેલી બાઈને લોભ લાગ્યો. તેણે દોરાની એક સુંદર આંટી લઈને બગલમાં છુપાવી દીધી. પેલી વેવાણ તો ખાવાનું લઈને આવી, ને બહુ આગ્રહપૂર્વક પોતાની વેવાણને ખવરાવવા લાગી. પણ દોરાની આંટીઓ તરફ જ્યાં નજર કરી ત્યાં સમજી ગઈ કે એક આંટી દોરા આવેલી વેવાણે સરકાવી લીધા છે. એટલે તેણે એ દોરા કઢાવવા સારુ એક યુક્તિ કરી. 

એ કહે છે કે ‘વેવાણ, આપણે ઘણા દિવસે મળ્યાં, એટલે આજ તો આપણો બહુ જ આનંદનો દિવસ. મને તો બહુ જ ઇચ્છા થાય છે કે આપણે બેઉ જણીઓ નૃત્ય કરીએ.’ એટલે આવનારી બાઈ પણ કહે છે કે ‘વેવાણ, મનેય બહુ જ આનંદ થયો છે.’ એ પછી બેઉ વેવાણો નૃત્ય કરવા લાગી. વેવાણે જોયું કે આવનારી બાઈ હાથ નીચ કરીને નાચે છે. તેથી વણકર બાઈએ કહ્યું કે ‘ચાલો આપણે બેઉ હાથ ઊંચા કરીને નાચીએ; આજ તો બહુ આનંદનો દિવસ!’ પણ એ બાઈ તો એક હાથે બગલ દબાવીને એકલો બીજો હાથ ઊંચો કરીને નાચવા લાગી. પછી વેવાણે કહ્યુંઃ ‘બહેન, એક હાથ ઊંચો કરીને શું નાચો છો, આવો બેઉ હાથ ઊંચા કરીને નાચીએ! આમ જુઓ, હું બેઉ હાથ ઊંચા કરીને નાચું છું.’ પણ પેલી આવનારી બાઈ તો બગલ દાબીને હસતી હસતી માત્ર એક જ હાથ ઊંચો કરીને નાચવા લાગી. અને બોલી, ‘બાઈ, એ તો જેને જેવું આવડે!’ 

તેમ હું બગલમાં હાથ દબાવતો નથી. મેં બેઉ હાથ છોડી દીધા છે; મને બીક નથી. એટલે હું નિત્ય અને લીલા બેઉ લઉં છું.’

ઠાકુર શું એમ કહે છે કે જ્ઞાનીમાં કીર્તિની કામના, મુક્તિની કામના, એ બધું હોય. એટલે બેઉ હાથ ઊંચા કરીને નાચી શકે નહિ. નિત્ય લીલા બેઉ લઈ શકે નહિ. અને જ્ઞાનીને બીક હોય કે વખતે સંસારમાં બંધાઈ જઈશ તો? ને વિજ્ઞાનીને એ ભય નહિ.

શ્રીરામકૃષ્ણ – મેં કેશવ સેનને કહ્યું કે અહંનો ત્યાગ કર્યા વિના ચાલે નહિ. એટલે કેશવ કહે છે કે ‘તો તો પછી મહાશય, (બ્રાહ્મ) સમાજ-બમાજ રહે નહિ.’ એટલે મેં કહ્યું કે, કાચો અહં, કમજાત અહં છોડી દેવાનું કહું છું, પરંતુ પાકો અહં, બાળકનો અહં, ઈશ્વરનો દાસ અહં, વિદ્યાનો અહં, એમાં દોષ નહિ. સંસારીનો અહં અવિદ્યાનો અહં, કાચો અહં, એક મોટી લાકડીના જેવો. સચ્ચિદાનંદ-સાગરના જળના આ લાકડી જાણે કે બે ભાગ કરી રહી છે. પરંતુ ઈશ્વરનો દાસ અહં, બાળકનો અહં, વિદ્યાનો અહં, એ પાણી ઉપરની રેખા જેવો. પાણી એક, મજાનું દેખાય. માત્ર વચમાં એક રેખા, જાણે કે પાણીના બે ભાગ દેખાય, વાસ્તવિક તો એક જળ.

શંકરાચાર્યે વિદ્યાનો અહંકાર રાખ્યો હતો. લોકોને ઉપદેશ આપવા સારુ.

(બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ પછી ‘ભક્તનો અહં’ – ગોપીભાવ)

‘બ્રહ્મ-જ્ઞાનની પ્રાપ્તિ પછીયે ઘણાયની અંદર ઈશ્વર વિદ્યાનો અહં, ભક્તનો અહં રહેવા દે. હનુમાન સાકાર નિરાકાર બન્ને સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યા પછી સેવ્ય-સેવકના ભાવમાં, ભક્તના ભાવમાં રહેતા. તેમણે રામચંદ્રને કહ્યું હતું કે ‘રામ! ક્યારેક વિચાર કરું કે તમે પૂર્ણ, હું અંશ. ક્યારેક વિચાર કરું કે તમે સેવ્ય, હું સેવક અને રામ! જ્યારે તત્ત્વ-બ્રહ્મજ્ઞાન થાય, ત્યારે જોઉં છું કે તમે તે જ હું, હું તે જ તમે!’

‘યશોદા કૃષ્ણના વિરહથી બહુ જ દુઃખી થઈને રાધિકાની પાસે ગયાં. તેમનું દુઃખ જોઈને શ્રીમતીએ તેમને પોતાના સાચા સ્વરૂપમાં દર્શન દીધાં અને બોલ્યાં, ‘કૃષ્ણ ચિદાત્મા અને હું ચિત્શક્તિ; મા, તમે મારી પાસે વરદાન માગો!’ એટલે યશોદા બોલ્યાં, ‘માતાજી, મારે બ્રહ્મ-જ્ઞાન નથી જોઈતું. માત્ર એટલું વરદાન આપો કે જેથી ધ્યાનમાં સદા ગોપાળના સ્વરૂપનું દર્શન થાય, હંમેશાં કૃષ્ણના ભક્તોનો સમાગમ મળે અને ભક્તોની સેવા અને કૃષ્ણનાં નામ-ગુણ-કીર્તન હંમેશાં કરી શકું.’

‘ગોપીઓને એક વાર એવી ઇચ્છા થયેલી કે ભગવાનના ઈશ્વરી રૂપનાં દર્શન કરીએ. એ જાણીને કૃષ્ણે તેમને યમુનામાં ડૂબકી મારવાનું કહ્યું. ડૂબકી મારતાંની સાથે જ તેઓ બધી વૈકુંઠમાં હાજર! અને ત્યાં ભગવાનનાં એ ષડૈશ્વર્યપૂર્ણ સ્વરૂપનાં દર્શન થયાં. પણ તેમને એ રૂપ ગમ્યું નહિ. એટલે તેમણે કૃષ્ણને કહ્યું કે ‘અમારા ગોપાલનાં દર્શન, ગોપાલની સેવા, એ જ અમારામાં રહે; અમે બીજું કાંઈ ઇચ્છતાં નથી.’

મથુરા જતાં પહેલાં કૃષ્ણે ગોપીઓને બ્રહ્મ-જ્ઞાન દેવાની તૈયારી કરી. તેમણે કહ્યું કે ‘હું સર્વભૂત માત્રમાં અંદર બહાર વ્યાપી રહ્યો છું, તમે તે શું માત્ર એક જ રૂપ જોયા કરો છો?’ એટલે ગોપીઓ બોલી ઊઠી, ‘કૃષ્ણ, ત્યારે શું તમારે અમને છોડીને ચાલ્યા જવું છે એટલે બ્રહ્મ-જ્ઞાનનો ઉપદેશ આપો છો કે?’ 

ગોપીઓનો અંતરનો ભાવ શો, તમને ખબર છે? ‘અમે રાયના અને રાય અમારા.’

એક ભક્ત – આ ભક્તનો અહં શું તદ્દન જાય નહિ?

(Sri Ramakrishna and the Vedanta)

શ્રીરામકૃષ્ણ – એ અહં પણ ક્યારેક ક્યારેક જાય. એ વખતે બ્રહ્મ-જ્ઞાન થઈને સમાધિ થાય, મારો (અહં) પણ જાય. પરંતુ હંમેશાં નહિ. સા, રે, ગ, મ, પ, ધ, નિ એ સાત સૂર. પણ તેમાં ‘નિ’ સૂરે લાંબો વખત રહી શકાય નહિ; વળી પાછું નીચેના સૂરે ઊતરી આવવું પડે. હું કહું કે મા, મને બ્રહ્મ-જ્ઞાન આપો મા! પહેલાં પહેલાં સાકારવાદીઓ બહુ જ આવતા. ત્યાર પછી અત્યારના બ્રાહ્મ-સમાજીઓ આવવા શરૂ થયા. એ વખતે મોટે ભાગે બેહોશ થઈને સમાધિમાં રહેતો અને જ્યારે જ્યારે હોશમાં આવતો ત્યારે ત્યારે કહેતો કે ‘મા! મને બ્રહ્મ-જ્ઞાન આપો મા.’

પંડિત – અમે કહીએ તો ઈશ્વર સાંભળે?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર તો કલ્પતરુ. જે જે માગે, તેને તે આપે. પરંતુ કલ્પતરુની પાસે માગવું જોઈએ. તો જ માગણી પૂરી થાય. 

પણ એક બીજી વાત છે. પ્રભુ છે ભાવગ્રાહી. જે જેવો વિચાર મનમાં રાખીને સાધના કરે, તે પ્રમાણે જ તેને ફળ મળે. જેવો મનનો ભાવ, તેવો તેને લાભ. એક જાદુગર એક રાજાની સામે ખેલ બતાવી રહ્યો હતો. અને વચ્ચે વચ્ચે બોલતો હતો કે ‘રાજા, રૂપિયા આપો, કપડાં આપો.’ એટલામાં એક ખેલ બતાવતાં બતાવતાં તેની જીભ અવળી થઈને તાળવે ચડી ગઈ. એ સાથે જ કુંભક થઈ ગયો. પછી બોલવું નહિ, ચાલવું નહિ, કંઈ નહિ. એટલે પછી સૌએ મળીને એક ગુફા બનાવીને તેમાં તેને સમાધિ દઈ દીધી. હજાર વરસ પછી કોઈકને ખોદકામ કરતાં કરતાં એ ગુફા મળી આવી ત્યારે લોકોએ જોયું તો એક જણ સમાધિ-મગ્ન થઈને બેસી રહેલ છે. તેઓ તેને સાધુ માનીને પૂજા કરવા લાગ્યા. એટલામાં તેને હલાવતાં ચલાવતાં તેની જીભ તાળવેથી નીચે ઊતરી ગઈ. એટલે તેને ચેતના આવી અને જોરથી બોલવા લાગ્યો કે ‘લાગ નજર લાગ! રાજા, રૂપિયા આપો, કપડાં આપો! લાગ, નજર લાગ!’ 

હું રડી રડીને કહેતો કે ‘મા, તર્ક-બુદ્ધિ પર વજ્રાઘાત હો!’

પંડિત – ત્યારે આપનેય પણ (તર્ક-બુદ્ધિ) હતી ખરી?

શ્રીરામકૃષ્ણ – હા. એક વખતે હતી.

પંડિત – ત્યારે પછી કહી દો ને, કે જેથી અમારીયે જાય. આપની કેવી રીતે ગઈ?

શ્રીરામકૃષ્ણ – એમ ને એમ ગઈ એક રીતે!

Total Views: 288
ખંડ 23: અધ્યાય 2 : શાસ્ત્રપાઠ અને પાંડિત્ય મિથ્યા - તપશ્ચર્યા આવશ્યક - વિજ્ઞાની
ખંડ 23: અધ્યાય 4 : ઈશ્વર-દર્શન જીવનનો ઉદ્દેશ્ય - તેનો ઉપાય