(ઐશ્વર્ય અને માધુર્ય – કોઈ કોઈ ઐશ્વર્યજ્ઞાનને માગે નહિ)

ઠાકુર જરા વાર બોલતા બંધ રહ્યા હતા. વળી પાછા વાતો કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર કલ્પતરુ છે. તેમની પાસે માગવું જોઈએ. પછી જે જે માગે તે તેને મળે.

ઈશ્વરે તો કેટલુંય કર્યું છે. તેના અનંત બ્રહ્માંડની, તેના અનંત ઐશ્વર્યની માહિતીની આપણે શી જરૂર? અને જો જાણવાની ઇચ્છા થાય તો પહેલાં ઈશ્વરને પ્રાપ્ત કરવો જોઈએ, ત્યાર પછી એ પોતે જ કહી દેશે.

યદુ મલ્લિકનાં કેટલાં મકાન, કેટલાં સરકારી કાગળિયાં એ બધું જાણવાની મારે શી જરૂર? મારે જરૂર તો એટલાની કે ગમે તેમ કરીને શેઠની સાથે મુલાકાત થાય. પછી એ દીવાલ ઓળંગીને થાય, કે તેમને વિનંતી કરીને અથવા ચોકીદારના ધક્કા ખાઈને. શેઠની સાથે મુલાકાત તથા વાતચીત થયા પછી તેમની પાસે શું છે, એ એક વાર પૂછીએ એટલે શેઠ પોતે જ કહી દે. વળી શેઠની સાથે વાતચીત થવાથી નોકર-ચાકર પણ સલામ કરે! (સૌનું હાસ્ય).

‘કોઈ કોઈ ભક્ત ભગવાનના ઐશ્વર્યનું જ્ઞાન ઇચ્છે નહિ. કલાલની દુકાનમાં કેટલા મણ દારૂ છે, એની આપણે શી જરૂર? મારે તો એક જ બોટલમાં થઈ જાય. ઈશ્વરના ઐશ્વર્યને જાણવાની જરૂર શી? 

જેટલો દારૂ પીધો એમાં જ મદમસ્ત!

(જ્ઞાનયોગ ઘણો કઠિન – અવતાર આદિ નિત્યસિદ્ધ)

‘ભક્તિ-યોગ, જ્ઞાન-યોગ, એ બધાય માર્ગ. ગમે તે માર્ગે જાઓ, ઈશ્વર મળશે જ. પણ ભક્તિનો માર્ગ સહેલો, જ્ઞાન-વિચારનો માર્ગ કઠણ.

કયો માર્ગ સારો વગેરેનો એટલો બધો વિચાર કરવાની શી જરૂર? વિજયની સાથે ઘણી વાર આ વાત થયેલી. વિજયને મેં કહ્યું કે એક જણ પ્રાર્થના કરતો કે ‘હે ઈશ્વર, તમે શું છો, તમે કેવા સ્વરૂપે છો તે મને બતાવી દો.’

‘જ્ઞાન-વિચારનો માર્ગ કઠણ. પાર્વતીએ ગિરિરાજને વિધવિધ ઈશ્વરીય રૂપોનાં દર્શન કરાવીને પછી કહ્યું કે ‘પિતાજી! જો બ્રહ્મ-જ્ઞાનની ઇચ્છા હોય તો સાધુ-સંગ કરો.’ 

બ્રહ્મ શું છે એ મોઢેથી બોલી શકાય નહિ. રામ-ગીતામાં છે કે કેવળ તટસ્થ લક્ષણો દ્વારા જ તેને વિશે કહી શકાય. જેમ કે ગંગા ઉપર ઘોષપાડો. ગંગા ઉપરનું કહીને ગંગાના કાંઠા પરનું ગામ જ સૂચિત કરવામાં આવે.

‘નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર કેમ ન થાય? પણ બહુ કઠણ, વિષયબુદ્ધિ લેશ પણ હોય તો થાય નહિ. ઇંદ્રિયોના વિષયો જેટલા છે; રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, એ બધાનો ત્યાગ થાય, મનનો લય થાય, ત્યારે જ અનુભવમાં આત્માનો બોધ થાય; અને અસ્તિ માત્ર જાણી શકાય.

પંડિત – અસ્તીત્યેવોપલબ્ધવ્ય। ઇત્યાદિ

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને પામવો હોય તો કોઈ એક ભાવનો આધાર લેવો જોઈએ : વીર-ભાવ, સખી-ભાવ, દાસી-ભાવ અથવા સંતાન-ભાવ.

મણિ મલ્લિક – ત્યારે પાકો થાય.

શ્રીરામકૃષ્ણ – હું સખી-ભાવે ઘણા દિવસ સુધી રહ્યો હતો. હું કહેતો કે ‘હું આનંદમયી બ્રહ્મમયીની દાસી. અરે સેવિકાઓ, તમે મને દાસી બનાવો. હું અભિમાન કરીને ચાલી જાઉં, એમ બોલતી બોલતી કે હું બ્રહ્મમયીની દાસી!’

‘કોઈ કોઈને સાધના કર્યા વિના પણ ઈશ્વર-પ્રાપ્તિ થાય, તેમને નિત્ય-સિદ્ધ કહે. જેઓ જપ-તપ વગેરે સાધના કરીને ઈશ્વર-પ્રાપ્તિ કરે, તેમને કહે સાધનસિદ્ધ. વળી કોઈ હોય કૃપા-સિદ્ધ. જેમ કે હજાર વરસનો અંધારો ઓરડો. તેમાં દીવો લઈ જતાં એક ક્ષણમાં જ અજવાળું થઈ જાય, તેમ. 

તે ઉપરાંત છે અચાનક સિદ્ધ! જેમ કે કોઈ ગરીબનો છોકરો કોઈ એક મોટા શ્રીમંતની નજરમાં આવી ગયો અને એ શ્રીમંત માણસે તેને પોતાની દીકરી દીધી! જુઓ એક સાથે તેને લાડી, વાડી, ગાડી, ઘરબાર, નોકર-ચાકર બધું મળી ગયું! 

તે ઉપરાંત એક છે સ્વપ્ન-સિદ્ધ. સ્વપ્નમાં દર્શન થયાં હોય!

સુરેન્દ્ર (સહાસ્ય) – ત્યારે આપણે અત્યારે સૂઈ જઈએ, પછી શેઠ (સિદ્ધ) થઈ જઈશું.

શ્રીરામકૃષ્ણ (સ્નેહપૂર્વક) – તમે શેઠ તો છો જ. ‘ક’ને કાનો લગાડવાથી જ ‘કા’ થાય. વળી પાછો બીજો એક કાનો લગાડવો નકામો. લગાડે તો એ ‘કા’ જ થાય. (સૌનું હાસ્ય).

‘નિત્ય-સિદ્ધો :એ એક જુદો જ વર્ગ. જેમ કે અરણિ-કાષ્ઠ. જરાક ઘસતાં જ અગ્નિ. તેમ વળી જંગલમાં ક્યારેક ઘસ્યા વગર પણ સળગી ઊઠે. નિત્ય-સિદ્ધ જરાક સાધના કરે ત્યાં જ ભગવાનને પ્રાપ્ત કરે. વળી સાધના કર્યા વિના પણ મેળવે. 

તોપણ નિત્ય-સિદ્ધ ભગવત્પ્રાપ્તિ કર્યા પછી સાધના કરે. જેમ કે દૂધી-પતકાળાંનાં વેલાને પહેલું ફળ દેખાય પછી ફૂલ.

પંડિત, દૂધી-પતકાળાને ફળ પહેલું આવે એ સાંભળીને હસે છે.

શ્રીરામકૃષ્ણ – અને નિત્ય-સિદ્ધ હોમા પંખી જેવા. હોમા પંખીની મા ઊંચે આકાશમાં રહે. પ્રસવ થયા પછી ઈંડું પૃથ્વી તરફ પડવા માંડે. પડતાં પડતાં ફૂટે, ને બચ્ચું બહાર આવે ને એ પડ્યા કરે. પડતાં પડતાં બચ્ચાંને પાંખો ફૂટે અને આંખો ઊઘડે. એટલે જમીન નજીક પહોંચતાં જ ઊંચે માની તરફ સીધી દોટ મૂકે, કે ‘મા ક્યાં, મા ક્યાં?’ જુઓ ને પ્રહ્લાદને ‘ક’ લખતાં જ કૃષ્ણનો ખ્યાલ આવતાં પ્રેમથી આંખમાંથી અશ્રુધારા!

ઠાકુર નિત્ય-સિદ્ધની વાતમાં અરણિ-કાષ્ઠ અને હોમા પંખીના દૃષ્ટાંત દ્વારા શું પોતાની જ અવસ્થા સમજાવી રહ્યા છે કે શું?

ઠાકુર પંડિતનો વિનયભાવ જોઈને સંતુષ્ટ થયા છે અને પંડિતના સ્વભાવ વિશે ભક્તોને કહે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – આમનો સ્વભાવ બહુ સારો. માટીની ભીંતમાં ચૂંક મારવી હોય તો કશી તકલીફ પડે નહિ. પણ કાળમીંઢ પથ્થરની દીવાલમાં મારવા જાઓ તો ચૂંકનું માથું ભાંગી જાય, છતાં પથ્થરને કંઈ થાય નહિ. એવા પણ માણસો છે કે જે હજાર વાર ઈશ્વરની વાત સાંભળે, છતાં કોઈ રીતે તેમને ચેતના થાય નહિ. જેમ કે મગરને શરીરે તલવારનો ઘા મારોને, તોય વાગે નહિ.

(પંડિતાઈ કરતાં સાધના સારી – વિવેક)

પંડિત – મગરને પેટમાં જ બરછો મારવો જોઈએ. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને) – ઢગલાબંધ શાસ્ત્રો વાંચવાથી શું વળે? ફે-લા-જ-ફી! (Philosophy)! (સૌનું હાસ્ય).

પંડિત (હસીને) – ખરેખર ફેલાજફી જ!

શ્રીરામકૃષ્ણ – લાંબી લાંબી વાતો કર્યે શું વળે? બાણ મારતાં શીખવું હોય તો પહેલાં કેળને વીંધતાં શીખવું જોઈએ. ત્યાર પછી બરુ, ત્યાર પછી દીવાની વાટ, ત્યાર પછી ઊડતું પંખી. 

એટલા માટે પ્રથમ સાકારમાં મન સ્થિર થવું જોઈએ. 

તેમ વળી ત્રિગુણાતીત ભક્ત પણ છે, નિત્યભક્ત; જેવા કે નારદ વગેરે. એ ભક્તિમાં ચિન્મય શ્યામ, ચિન્મય  ધામ, ચિન્મય સેવક; નિત્ય ઈશ્વર, નિત્ય ભક્ત, નિત્ય ધામ. 

જેઓ ‘નેતિ નેતિ’ એમ જ્ઞાનવિચાર કરે, તેઓ અવતારમાં માને નહિ. હાજરા મજાનું કહે છે કે અવતાર ભક્તને માટે જ, જ્ઞાનીને માટે નહિ. તેઓ તો સોઽહમ્ થઈને જ બેઠા છે.

ઠાકુર અને ભક્તો બધા જરા વાર ચૂપ રહ્યા છે. હવે પંડિત વાતો કરે છે. 

પંડિત – હેં જી. (મારામાંનો) આ નિષ્ઠુર ભાવ કેમ કરીને જાય? હાસ્ય જોઈને માંસપેશી (muscles), સ્નાયુ (nerves) યાદ આવે. શોક જોઈને અમુક જાતની જ્ઞાનતંતુઓ (nervous system) ની રચના યાદ આવે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એટલા સારુ નારાયણ શાસ્ત્રી કહેતો કે શાસ્ત્ર ભણ્યાનો એક દોષ એ, કે તર્ક-ચર્ચા ને એ બધું માણસમાં લાવી મૂકે.

પંડિત – જી, શું એનો કાંઈ ઉપાય નહિ? જરા ઔષધ –

શ્રીરામકૃષ્ણ – છે, વિવેક. એક ગીતમાં છે કે :

‘વિવેક નામે તેનો બેટો, 

તત્ત્વ-કથા તેને પૂછજે.’

વિવેક, વૈરાગ્ય, ઈશ્વર-અનુરાગ, એ જ ઉપાય. જો વિવેક ન હોય તો તેની વાતોમાં ઢંગધડો ન હોય. સમાધ્યાયી પંડિત વેદની કેટલીયે વ્યાખ્યા કરીને છેવટે કહે કે ‘ઈશ્વર નીરસ!’ એક જણ કહેતો હતો કે મારા મામાને ત્યાં આખી ગૌશાળા ભરીને ઘોડા છે. ગૌશાળામાં તે કાંઈ ઘોડા હોય? 

(હસીને) તમે માવાના જાંબુની પેઠે તળાઈને લાલ થઈ ગયા છો. હવે બે ચાર દિવસ ભક્તિ-રસમાં ડૂબ્યા રહો તો તમારે માટે ય સારું ને બીજાઓને માટે ય સારું! માત્ર બે ચાર દિવસ.

પંડિત (જરા હસીને) – જાંબુ બળીને કોલસા થઈ ગયાં છે!

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના, ના. બરાબર તળાઈને વાંદા જેવો રંગ થઈ ગયો છે.

હાજરા – મજાનાં તળાઈ ગયાં છે, હવે રસ ભરાશે સારી રીતે!

(પૂર્વકથા – તોતાપુરીનો ઉપદેશ – ગીતાનો અર્થ – વ્યાકુળ બનો)

શ્રીરામકૃષ્ણ – વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી જાય. નાગાજી  મને ઉપદેશ આપતા કે ગીતા દસ વાર બોલવાથી જે થાય, તે જ ગીતાનો સાર! એટલે કે ‘ગીતા ગીતા’ દસ વાર બોલતાં બોલતાં, ‘ત્યાગી’ ‘ત્યાગી’ થઈ જાય.

‘ઉપાય : વિવેક, વૈરાગ્ય, અને ઈશ્વરમાં અનુરાગ. કેવો અનુરાગ? ઈશ્વર સારુ પ્રાણ આકુળ-વ્યાકુળ થાય, જેમ ગાય આકુળ-વ્યાકુળ થઈને વાછરડાની પાછળ દોડે.

પંડિત – વેદમાં બરાબર એમ જ છે. ગાય જેમ વત્સને માટે ભાંભરે તેવી આતુરતાથી, હે પ્રભો! અમે તમને પુકારીએ.

શ્રીરામકૃષ્ણ – આતુરતાની સાથે ઈશ્વર માટે રુદન કરો. અને વિવેક-વૈરાગ્ય લાવીને જો કોઈ સર્વત્યાગ કરી શકે તો સાક્ષાત્કાર થાય. 

જો તેવી વ્યાકુળતા આવે તો ઉન્માદ-અવસ્થા થાય. પછી જ્ઞાન-માર્ગે રહો કે ભક્તિ-માર્ગે. દુર્વાસા ઋષિને જ્ઞાનોન્માદ થયો હતો.

‘સંસારીના જ્ઞાનમાં અને સર્વત્યાગીના જ્ઞાનમાં ઘણો તફાવત. સંસારીનું જ્ઞાન દીવાના પ્રકાશની પેઠે માત્ર ઘરની અંદરનું જ દેખાડે. પોતાનાં શરીર અને ઘરબાર કુટુંબ-કબીલા સિવાય તેને બીજું કાંઈ સમજાય નહિ. સર્વત્યાગીનું જ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું. એ પ્રકાશમાં ઘરની અંદર-બહાર બધું દેખી શકાય. ચૈતન્યદેવનું જ્ઞાન સૌરજ્ઞાન, સૂર્યનો પ્રકાશ. વળી તેની અંદર ભક્તિ-ચંદ્રનો શીતળ પ્રકાશ પણ હતો. બ્રહ્મ-જ્ઞાન અને પ્રેમ-ભક્તિ બન્ને હતાં. 

ઠાકુર ચૈતન્યદેવની અવસ્થાનું વર્ણન કરીને શું પોતાની જ અવસ્થા કહી બતાવે છે કે શું?

(જ્ઞાનયોગ – ભક્તિયોગ – કળિયુગમાં નારદીય ભક્તિ)

શ્રીરામકૃષ્ણ – અભાવ-મુખી ચૈતન્ય અને ભાવ-મુખી ચૈતન્ય! ભાવ-ભક્તિનો એક માર્ગ છે; અને અભાવનો પણ એક માર્ગ છે. તમે અભાવની વાત કરો છો. પણ ‘એ અતિ કઠણ સ્થાન ભાઈ, જ્યાં ગુરુ શિષ્યનો મેળાપ નહિ!’ જનક રાજાની પાસે શુકદેવ બ્રહ્મ-જ્ઞાનનો ઉપદેશ લેવા ગયા. જનકે કહ્યું કે ગુરુ-દક્ષિણા અગાઉથી દેવી પડશે. બ્રહ્મ-જ્ઞાન થઈ ગયા પછી તો તમે ગુરુ-દક્ષિણા આપવાના નહિ! કારણ કે એ પછી ગુરુ-શિષ્યનો ભેદ રહે નહિ!

‘ભાવ, અભાવ એ બધાય માર્ગ. અનંત મત અનંત પથ. પરંતુ એક વાત છે. કલિયુગમાં નારદીય ભક્તિ, આ વિધાન! આ માર્ગમાં પ્રથમ ભક્તિ, ભક્તિ પાક્યે ભાવ, ભાવથી ઊંચો મહાભાવ અને પછી પ્રેમ. મહાભાવ અને પ્રેમની અવસ્થા જીવ-કોટિને થાય નહિ. જેને તે થઈ હોય, તેને વસ્તુ-લાભ એટલે કે ઈશ્વર-પ્રાપ્તિ થઈ છે જાણવી.

પંડિત – જી, કહેવા બેસીએ, તો તો કેટલીયે વાતો કહી સમજાવવું પડે.

શ્રીરામકૃષ્ણ – તમે માથું પૂછડું બાદ કરીને કહેજો.

Total Views: 428
ખંડ 23: અધ્યાય 3 : જ્ઞાન અને વિજ્ઞાન - ઠાકુર અને વેદોક્ત ઋષિગણ
ખંડ 23: અધ્યાય 5 : કાલી-બ્રહ્મ, બ્રહ્મ અને શક્તિ અભિન્ન - સર્વધર્મ સમન્વય