ઠાકુર હવે પાછા ફરે છે. બાબુરામને કહે છે કે ‘અરે ચાલ!’

માસ્ટર પણ સાથે આવ્યા.

સંધ્યા થઈ છે. ઓરડાની પશ્ચિમ બાજુની ગોળ ઓસરીમાં આવીને ઠાકુર બેઠા છે; ભાવ-અવસ્થા, અર્ધ-સમાધિ! પાસે બાબુરામ અને માસ્ટર.

આજકાલ ઠાકુરને સેવાની અગવડ ઊભી થઈ છે. રાખાલ આજકાલ ત્યાં રહેતા નથી. બીજા કોઈ કોઈ છે. પરંતુ તેઓ ઠાકુરને બધી અવસ્થામાં સ્પર્શ કરી શકતા નથી, ઠાકુર સંકેત કરીને બાબુરામને કહે છે : હ-અ-ન; રા-અ. (હ-અડી શકતો નથી; રાખાલ અડી શકે.) આ અવસ્થામાં બીજા કોઈનો સ્પર્શ સહન થતો નથી, માટે તું રહે તો સારું.’

(ઈશ્વરલાભ અને કર્મત્યાગ – નવી હાંડી – ગૃહસ્થભક્ત અને લંપટસ્ત્રી)

પંડિત દેવમંદિરોમાં દર્શન કરીને ઠાકુરના ઓરડામાં પાછા આવ્યા છે. ઠાકુર પશ્ચિમની ગોળ ઓસરીમાંથી કહે છે કે તમે જરા નાસ્તો કરો! પંડિત કહે છે કે મેં સાયંસંધ્યા કરી નથી! એ સાંભળતાંની સાથે જ ઠાકુરે ભાવમાં આવી જઈને ગીત ઉપાડ્યું અને ઊભા થઈ ગયા.ઃ

ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…

દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,

મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય…

ઠાકુર પ્રેમમગ્ન થઈને વળી કહે છે કે સંધ્યા વગેરે કેટલા દિવસ સુધી? જ્યાં સુધી ૐ બોલતાં બોલતાં મન ઈશ્વરમાં લીન ન થાય ત્યાં સુધી.

પંડિત – ત્યારે પ્રથમ નાસ્તો કરું; ત્યાર પછી સંધ્યા કરું.

શ્રીરામકૃષ્ણ – હું તમારા નિત્ય-નિયમમાં અડચણ નાખવા નથી માગતો. સમય થાય નહિ ત્યાં સુધી કર્મનો ત્યાગ સારો નહિ. ફળ પાકે એટલે ફૂલ એની મેળે ખરી પડે. કાચી અવસ્થામાં નાળિયેરીનાં પાનને ન ખેંચી કાઢવાં, એથી ઝાડને નુકસાન થાય.

સુરેન્દ્ર ઘેર જવાની તૈયારી કરે છે. મિત્રમંડળને બોલાવે છે, પોતાની ગાડીમાં લઈ જવા સારુ.

સુરેન્દ્ર – મહેન્દ્ર બાબુ, ચાલો છો?

ઠાકુર હજીયે ભાવ અવસ્થામાં છે. પૂરેપૂરા સ્વસ્થ થયા નથી. એ અવસ્થામાં તેઓ સુરેન્દ્રને કહે છે કે તમારો ઘોડો ખેંચી શકે એથી વધુ માણસો લેશો મા! સુરેન્દ્ર પ્રણામ કરીને ચાલ્યા ગયા.

પંડિત સંધ્યા કરવા ગયા. માસ્ટર અને બાબુરામ કોલકાતા પાછા ફરવાના છે એટલે ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર હજીયે ભાવ અવસ્થામાં છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – બોલી શકાતું નથી, જરા ખમો.

માસ્ટર બેઠા; ઠાકુર શું કહે છે એની રાહ જુએ છે. ઠાકુરે બાબુરામને ઇશારત કરીને બેસવાનું કહ્યું. બાબુરામે માસ્ટરને કહ્યું ‘જરાક બેસો.’ ઠાકુર કહે છે કે ‘જરા પવન નાખો.’ બાબુરામ પવન નાખે છે. માસ્ટર પણ તેમ કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને સ્નેહપૂર્વક) – હમણાં હમણાં અગાઉની જેમ આવતા કેમ નથી? 

માસ્ટર – જી ખાસ કાંઈ કારણ નથી. ઘેર કામકાજ હતું.

શ્રીરામકૃષ્ણ – બાબુરામ (આધ્યાત્મિકતામાં) કયા વર્ગનો છે એનો કાલે પત્તો મળ્યો છે. એટલે જ એને અહીં રાખવા માટે એટલું કહું છું. પંખી સમય થાય એટલે ઈંડું ફોડે. વાત એમ છે કે આ યુવક-ભક્તો શુદ્ધ આત્માઓ છે. હજુ સુધી કામ-કાંચનની અંદર પડ્યા નથી. શું કહો છો?

માસ્ટર – જી હા, હજી સુધી કશો ડાઘ લાગ્યો નથી.

શ્રીરામકૃષ્ણ – નવી દોણી; તેમાં દૂધ રાખવાથી બગડે નહિ.

માસ્ટર – જી હા.

શ્રીરામકૃષ્ણ – બાબુરામના અહીં રહેવાની જરૂર ઊભી થઈ છે. મારી એવી અવસ્થા છે ને, એટલે આ બધા શુદ્ધાત્માઓ પાસે રહે એ જરૂરનું છે. એ કહે છે કે ક્રમશઃ આવીને રહીશ. નહિતર ધાંધલ થાય, ઘેર બધાં બૂમાબૂમ કરે. હું કહું છું કે શનિ, રવિવારે આવીને રહેવું.

આ બાજુ પંડિત સંધ્યા કરીને પાછા આવ્યા છે. તેમની સાથે ભૂધર અને તેમના મોટા ભાઈ. (ભૂધરના મોટા ભાઈએ એકાકી અને અતિ પવિત્ર ભાવમાં કાશીધામમાં પોતાનું જીવન વિતાવ્યું હતું. ઠાકુરનું હંમેશાં ચિંતન કરતા.) પંડિત હવે નાસ્તો કરવાના છે. ભૂધરના મોટા ભાઈ કહે છે, ‘અમારું શું થશે? આપ જરા કહી આપોને કે અમારા માટે ઉપાય શો?’

શ્રીરામકૃષ્ણ – તમે મુમુક્ષુ. વ્યાકુળતા હોય તો જરૂર ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. શ્રાદ્ધનું અન્ન ખાશો મા. સંસારમાં વંઠેલ સ્ત્રીની પેઠે રહેજો. વંઠેલી સ્ત્રી ઘરનું બધું કામકાજ ખૂબ ધ્યાન દઈને કરે; પરંતુ તેનું મન પોતાના જારની પાસે રાતદિવસ રહ્યા કરે. તેમ તમે ઘરસંસારનું કામકાજ ભલે કરો, પરંતુ મન હમેશાં ઈશ્વર તરફ રાખજો.

પંડિત નાસ્તો કરે છે. ઠાકુર કહે છે કે આસન પર બેસીને ખાઓ.

નાસ્તો કરી રહ્યા પછી ઠાકુર પંડિતને કહે છે કે તમે તો ગીતા ભણ્યા છો; જેને બધા ગણે, માને, તેનામાં ઈશ્વરની વિશેષ શક્તિ છે, ખરું ને?’

પંડિત – યદ્ યદ્ વિભૂતિમત્ સત્ત્વં શ્રીમદુર્જિતમેવ વા।

શ્રીરામકૃષ્ણ – તમારી અંદર જરૂર ઈશ્વરની શક્તિ છે.

પંડિત – જી; જે વ્રત લીધું છે તે ખંતપૂર્વક કર્યે જાઉં? 

ઠાકુર જાણે કે દબાણમાં આવી જઈને કહે છે કે ‘હા થઈ જશે.’ પણ ત્યાર પછી તરત જ બીજી વાતોથી એ વાતને જાણે કે દાબી દીધી.

શ્રીરામકૃષ્ણ – શક્તિને માનવી જોઈએ. વિદ્યાસાગરે કહ્યું કે ઈશ્વરે શું કોઈકને વધુ ને કોઈકને ઓછી શક્તિ આપી છે? મેં કહ્યું કે જો એમ ન હોય તો એક માણસ એકલો સો માણસોને કેમ કરીને મારી શકે? ક્વિન (રાણી) વિક્ટોરિયાનું આટલું બધું માન, કીર્તિ શા માટે, જો શક્તિ ન હોય તો? મેં કહ્યું કે તમે એ માનો કે નહિ? ત્યારે કહે કે ‘હા, માનું.’

પંડિત જવાની રજા લઈને ઊઠ્યા અને તેમણે જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા. તેમની સાથેના મિત્રોએ પણ પ્રણામ કર્યા.

ઠાકુર કહે છે કે ફરી પાછા આવજો. ગંજેરી ગંજેરીને જોઈને રાજી થાય; કદાચ રસ્તામાં ભેટી જ પડે, જો કે બીજાને જોઈને મોઢું સંતાડે. ગાય પણ પોતાનું માણસ જોઈને અંગ ચાટે, બીજાને શિંગડે ચડાવે! (સૌનું હાસ્ય).

પંડિત ગયા પછી ઠાકુર હસીને બોલે છે : પંડિત ભાવથી તરબોળ (ડાઈલ્યુટ) થઈ ગયો છે, એક દિવસમાં જ! જોયું ને, કેવો વિનયી! અને બધી વાત માને.

અષાડ સુદ સાતમ. પશ્ચિમની ઓસરીમાં ચંદ્રનો પ્રકાશ આવી ગયો છે. ઠાકુર હજી ત્યાં બેઠા છે. માસ્ટર પ્રણામ કરે છે; ઠાકુર સ્નેહથી કહે છે, ‘જવું છે?’

માસ્ટર – જી, ત્યારે હું હવે રજા લઉં.

શ્રીરામકૃષ્ણ – એમ થાય છે કે એક દિવસ બધાને ઘેર એક વાર જઈ આવું; તમારે ત્યાં પણ એક વાર જઈ આવું; કેમ?

માસ્ટર – જી, તો તો બહુ સારું.

Total Views: 272
ખંડ 23: અધ્યાય 5 : કાલી-બ્રહ્મ, બ્રહ્મ અને શક્તિ અભિન્ન - સર્વધર્મ સમન્વય
ખંડ 24: અધ્યાય 1 :