ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામના દીવાનખાનામાં ભક્તોની મિજલસ જમાવીને બેઠા છે. આનંદમય મૂર્તિ! ભક્તોની સાથે વાતો કરી રહ્યા છે.

આજે પુનર્યાત્રા દિન, ગુરુવાર, જુલાઈ ૩, ૧૮૮૪. અષાઢ સુદ દશમ. શ્રીયુત્ બલરામને ઘેર શ્રીશ્રીજગન્નાથની સેવા છે. એક નાનો રથ પણ છે. એટલે તેમણે ઠાકુરને પુનર્યાત્રા પ્રસંગે આમંત્રણ આપ્યું છે. એ પ્રસંગે એ નાનો રથ બહારના ભાગની મેડીની ચારે બાજુની ઓસરીમાં ફેરવવામાં આવશે.

ગઈ ૨૫મી જૂન, બુધવારે, શ્રીશ્રીરથયાત્રાના દિવસે ઠાકુર શ્રીયુત્ ઈશાન મુખોપાધ્યાયને ઠનઠનિયામાં આવેલ ઘેર આમંત્રિત થઈને પધાર્યા હતા. એ જ દિવસે સાંજે કૉલેજ સ્ટ્રીટમાં ભૂધરને ઘેર પંડિત શશધરની સાથે પ્રથમ મુલાકાત થયેલી. ત્રણ દિવસ પહેલાં સોમવારે પંડિત શશધર દક્ષિણેશ્વર કાલી-મંદિરે ઠાકુરને બીજી વાર મળવા ગયેલા.

ઠાકુરના કહેવાથી બલરામે આજે શશધરને આમંત્રણ આપ્યું છે. પંડિત હિંદુ ધર્મ પર વ્યાખ્યાનો આપીને લોકોપદેશ આપે છે. એટલે શું શ્રીરામકૃષ્ણ તેની અંદર શક્તિ-સંચાર કરવા માટે આટલા ઉત્સુક થયા છે?

ઠાકુર ભક્તોની સાથે વાતો કરે છે. પાસે રામ, માસ્ટર, બલરામ, મનોમોહન, કેટલાક યુવક-ભક્તો, બલરામના પિતા વગેરે બેઠેલા છે. બલરામના પિતા ચુસ્ત વૈષ્ણવ. એ મોટે ભાગે શ્રીવૃંદાવન-ધામમાં તેમની બંધાવેલી કુંજમાં એકલા રહે, અને શ્રીશ્રી શ્યામસુંદર ઠાકોરજીની સેવાની વ્યવસ્થા કરે. વૃંદાવનમાં એ આખો દિવસ ઠાકોરજીની સેવામાં જ મશગૂલ રહે. ક્યારેક ચૈતન્ય-ચરિતામૃત વગેરે ભક્તિ-ગ્રંથો વાંચે. કદી કદી વળી ભક્તિ-ગ્રંથ લઈને તેની નકલ કરે. કોઈ વાર બેઠા બેઠા પોતે ફૂલની માળા ગૂંથે. ઉપરાંત વૈષ્ણવોને આમંત્રણ આપીને ભોજનાદિથી સેવા કરે. ઠાકુરનાં દર્શન કરાવવા માટે બલરામે પિતાને કાગળ ઉપર કાગળ લખીને કોલકાતા તેડાવ્યા છે. સાંપ્રદાયિક ભાવ બધા ધર્માેમાં, ખાસ કરીને વૈષ્ણવોમાં (જણાય). જુદા મતના અનુયાયીઓ આપસ આપસમાં વિરોધ કરે, સમન્વય કરવાનું જાણે નહિ, એ વાત ઠાકુર ભક્તોને કહી રહ્યા છે.

(બલરામના પિતાને સર્વધર્મસમન્વયનો ઉપદેશ – ભક્તમાલ, શ્રીભાગવત – પૂર્વકથા – મથુરની પાસે વૈશ્ણવચરણની રૂઢિચુસ્તતા અને શાક્તની નિંદા)

શ્રીરામકૃષ્ણ (બલરામના પિતા વગેરે ભક્તોને) – વૈષ્ણવોનો એક ગ્રંથ છે, ભક્તમાળા. મજાનું પુસ્તક, ભક્તોની બધી સારી સારી વાતો છે. પણ એકપંથિયું. એક ઠેકાણે ભગવતીને વિષ્ણુ-મંત્ર લેવડાવીને પછી છોડી છે!

‘મેં વૈષ્ણવચરણનાં ખૂબ વખાણ કરીને મથુરબાબુની પાસે બોલાવડાવ્યો. મથુરબાબુએ ખૂબ સરભરા કરી. ચાંદીનાં વાસણો કઢાવીને નાસ્તો વગેરે કરાવ્યો. ત્યાર પછી વાત નીકળતાં એણે મથુરબાબુની સામે બોલી નાખ્યું કે ‘અમારો કેશવ-મંત્ર લો નહિ ત્યાં સુધી કંઈ વળે નહિ.’ આ બાજુ મથુરબાબુ શાક્ત, ભગવતીના ઉપાસક; તેનું મોઢું લાલ થઈ ગયું. હું વળી વૈષ્ણવચરણને ચીટિયો ભરું! શ્રીમદ્ ભાગવતમાંય કહે છે કે એવી વાત કહી છે, કે કેશવ-મંત્ર લીધા વિના ભવસાગર પાર થવો એ કૂતરાની પૂંછડી પકડીને મહાસાગર પાર કરવા જેવું. બધા સંપ્રદાયના લોકો પોતાના મતને જ મોટો કરી ગયા છે!

‘શાક્તોય વૈષ્ણવોને ઉતારી પાડવાનો પ્રયાસ કરે. વૈષ્ણવો કહેશે કે શ્રીકૃષ્ણ ભવ-નદીના સુકાની, ભવ-નદી પાર કરાવી દે! એટલે શાક્તો કહેશે, એ તો ખરું જ, મા રાજરાજેશ્વરી શું પોતે આવીને પાર કરવા બેસે? આ કૃષ્ણને રાખી દીધો છે પાર કરાવવા સારુ!’ (સૌનું હાસ્ય).

(પૂર્વકથા – ઠાકુરની જન્મભૂમિનાં દર્શન ૧૮૮૦ – ફુલુઈ શ્યામબજારમાં વણકર વૈષ્ણવોનો અહંકાર – સમન્વયનો ઉપદેશ)

(શ્રીરામકૃષ્ણ છેલ્લી વારનાં જન્મભૂમિદર્શન સમયે ૧૮૮૦ના વર્ષમાં ફુલુઈ શ્યામબજારમાં હૃદયની સાથે પધાર્યા હતા; નટવર ગોસ્વામી, ઈશાન મલ્લિક, સદય બાબાજી, વગેરે ભક્તવૃંદ સાથે સંકીર્તન કર્યું હતું.)

‘વળી પોતપોતાના મત માટેનો અહંકાર કેટલો? અમારે ત્યાં, દેશમાં શ્યામબજાર વગેરે બધી જગાઓએ વણકરો છે. તેઓમાંથી અનેક વૈષ્ણવ છે. તેઓ લાંબી લાંબી વાતો કરે. કહેશે કે ‘આ શ્રીમાન કયા વિષ્ણુને માને? પાતા વિષ્ણુને? (એટલે કે જે પાલન કરે છે તેને?) એને તો અમે અડીએ પણ નહિ! કયા શિવ? અમે તો આત્મારામ શિવને, આત્મારામેશ્વર શિવને માનીએ! કોઈ કહેશે કે ‘તમે સમજાવી દો ને કે કયા હરિને માનો છો!’ એટલે વળી કોઈ કહેશે કે ‘ના, અમે વળી શા માટે કહીએ, ત્યાંથી જ થવા દો ને!’ આ બાજુ જુઓ તો ચલાવે સાળ ને પાછા વળી વાતો આવી બધી લાંબી લાંબી કરે!

(લાલાબાબુની રાણી કાત્યાયિનીની ખુશામત કરનાર રતિની માની રૂઢિચુસ્તતા)

‘રતિની મા, રાણી કાત્યાયિનીની ‘જી હાં જી હાં’ (કરનારી)! વૈષ્ણવચરણની મંડળી માંહેની એક ચુસ્ત વૈષ્ણવ. અહીં ખૂબ આવ જા કરતી. ભક્તિનો ડોળ કરે કેટલો! પણ જેવો મને મા કાલીનો પ્રસાદ ખાતાં જોયો કે તરત ભાગી!’

‘જેણે સમન્વય કર્યાે છે, એ જ ખરો માણસ. ઘણાય માણસો એકપંથિયા. પરંતુ હું તો જોઉં છું કે બધા એક. શાક્ત, વૈષ્ણવ, વેદાન્ત, એ બધા મતો એ એક (સત્ય પરમાત્મા) ને જ માટે છે. જે નિરાકાર, તે જ સાકાર, તેનાં જ વિવિધ રૂપો.

‘નિર્ગુણ મેરા બાપ, સગુણ માહતારી,

કિસકો નિંદું, કિસકો વંદું, દોનો પલ્લાં ભારી.’

‘જેની વાત વેદમાં છે, તેની જ વાત તંત્રોમાં છે, પુરાણોમાંય તેની જ વાત છે. એ જ એક સચ્ચિદાનંદની વાત છે. જે નિત્ય, એ જ લીલા.

‘વેદમાં કહ્યું છે, ૐ સચ્ચિદાનંદ બ્રહ્મ. તંત્રોમાં કહ્યું છે, ૐ સચ્ચિદાનંદ : શિવઃ.. શિવઃ કેવલઃ, કેવલઃ શિવઃ. પુરાણોમાં કહ્યું છે, ૐ સચ્ચિદાનંદઃ કૃષ્ણઃ. એ જ એક સચ્ચિદાનંદની વાત વેદ, પુરાણ, તંત્રોમાં છે. અને વૈષ્ણવ શાસ્ત્રોમાંય છે કે કૃષ્ણ જ કાલી થયા હતા!

Total Views: 383
ખંડ 23: અધ્યાય 6 :
ખંડ 24: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણની પરમહંસ અવસ્થા - બાળકવત્-ઉન્માદવત્