(શ્રીમુખે કથિત ચરિતામૃત – ઘોષપાડા અને કર્તાભજાઓના મત)

ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે તેમના ઓરડામાં નાની પાટ ઉપર પોતાના આસન ઉપર બિરાજેલા છે. ભક્તો સાથે બેઠેલા છે. સમય અગિયાર વાગ્યાનો હશે. ઠાકુર હજી જમ્યા નથી.

ગઈકાલે શનિવારે ઠાકુર શ્રીયુત્ અધર સેનને ઘેર ભક્તો સાથે ગયા હતા અને હરિ-નામ-કીર્તન મહોત્સવ કરીને સૌને ધન્ય કર્યા હતા. આજે અહીં શ્યામદાસનું કીર્તન થવાનું છે. ઠાકુરનો કીર્તનાનંદ જોવા માટે અનેક ભક્તોનો સમાગમ થઈ રહ્યો છે.

પ્રથમ બાબુરામ, માસ્ટર, શ્રીરામપુરનો બ્રાહ્મણ, મનોમોહન, ભવનાથ, તથા કિશોરી આવી પહોંચ્યા. ત્યાર પછી ચુનીલાલ, હરિપદ વગેરે. ત્યાર બાદ મુખર્જી ભાઈઓ, રામ, સુરેન્દ્ર, તારક, અધર, નિરંજન આવ્યા. લાટુ, હરીશ અને હાજરા આજકાલ દક્ષિણેશ્વરમાં જ રહે છે. શ્રીયુત્ રામલાલ મા કાલીની પૂજા કરે છે અને ઠાકુરની પણ સંભાળ રાખે છે. શ્રીયુત્ રામ ચક્રવર્તી રાધાકાન્તના મંદિરમાં પૂજા કરે છે. એ પણ વચ્ચે વચ્ચે આવીને ઠાકુરના ખબર-અંતર પૂછી જાય છે. લાટુ, હરીશ ઠાકુરની સેવા કરે છે. આજે રવિવાર, ૨૩ ભાદ્ર, ૧૨૯૧ બંગાબ્દ,૭મી સપ્ટેમ્બર, ૧૮૮૪. ભાદ્ર, કૃષ્ણ દ્વિતીયા.

માસ્ટરે આવીને પ્રણામ કર્યા. પછી ઠાકુર કહે છે, ‘કેમ, નરેન્દ્ર આવ્યો નહિ?’

નરેન્દ્રનાથ તે દિવસે આવી શક્યા નહિ.

શ્રીરામપુરનો બ્રાહ્મણ રામપ્રસાદના ગીતની ચોપડી લાવ્યો છે. એ ચોપડીમાંથી એ વચ્ચે વચ્ચે ગીત વાંચીને ઠાકુરને સંભળાવવાનો છે.

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મણને) – કેમ ભાઈ, જરા વાંચો ને?

બ્રાહ્મણ – ‘વસ્ત્ર પહેરો, મા વસ્ત્ર પહેરો, મા વસ્ત્ર પહેરો!’

શ્રીરામકૃષ્ણ – હવે રાખો એ બધાં અવડચવડ ગીત! એવાં ગીતો વાંચો કે જેથી ભક્તિ આવે! બ્રાહ્મણ – ‘કોણ જાણે કે કાલી કેવી, ષડ્દર્શન નવ દેખે એવી.’

(શ્રીઠાકુરના મરમી – પરમહંસ, બાઉલ અને સાંઈ)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – કાલે અધર સેનને ઘેર ભાવ-અવસ્થામાં એક પડખે જ રહેવાથી પગમાં દુઃખ થતું હતું. એથી તો બાબુરામને સાથે લઈ જાઉં છું. (એ છે) દરદી (મારો મરમી)! એમ કહીને ઠાકુર ગીત ગાય છે :

‘મનની વાત કહું શું સખી! એ કહેવાની છે રે મના,

દુઃખ સમજનાર ન હોય તો જીવ રહે ના.

મનનું માણસ હોય જે જન, ઓળખી શકાય રે તેનાં નયન,

અરે એ તો એક કે બે જન, ભાવે તરે, રસે ડૂબે,

કરે રસની વેચાણ-ખરીદી- (હોય ભાવનું માણસ જે).

મનનું માણસ મળશે ક્યાં રે, ફાટેલ કફની બગલમાં રે,

અરે એ મુખથી બોલે નહિ, 

ભાવનું માણસ તો અવળે પાણીએ કરે આવાગમન.

(મનનું માણસ તો અવળે પાણીએ કરે આવાગમન)’

‘આ બધાં બાઉલનાં ગીત! એ ઉપરાંત પણ છે :

‘દરવેશ ઊભો રહે, શોખનું કમંડલ ધારી, ઊભો રહે, તારું રૂપ નિહાળું…’

‘શાક્ત-મતમાં સિદ્ધને કહે કૌલ. વેદાંત-મતમાં કહે પરમહંસ. બાઉલ-વૈષ્ણવોના મત પ્રમાણે કહે સાંઈ. ‘સાંઈથી પર નાંઈ (નહિ).’

‘બાઉલ સિદ્ધ થયે સાંઈ થાય. ત્યારે તેને બધું સમાન. અર્ધીક માળા ગાયનાં હાડકાંની ને અર્ધીક માળા તુલસીની. ‘હિંદુને નીર (ગંગાજળ) ને મુસલમાનને પીર.’ 

(આલેખ – હવાના ખબર – પીઠ – રસનું કામ – કડાઈ ઊતરવી)

સાંઈઓ કહે ‘આલેખ, આલેખ.’ વેદ-મતમાં કહે બ્રહ્મ. એ લોકો કહે આલેખ.

જીવો વિશે કહે, આલેખમાંથી આવે ને આલેખમાં જાય. એટલે કે જીવાત્મા અવ્યક્તમાંથી આવીને તેમાં જ લય પામે. તેઓ કહેશે કે ‘હવાના ખબર જાણો છો?’ એટલે કે કુંડલિની જાગ્રત થયે ઈડા-પિંગલા-સુષુમ્ણાની અંદર થઈને જે મહાવાયુ ચડે, તેના ખબર જાણો છો?

પૂછે કે કયે પીઠે છો? છ પીઠ એટલે ષટ્ચક્ર. જો કહે કે પાંચમાએ છે, તો તેનો અર્થ એ કે મન વિશુદ્ધ ચક્રે ચડ્યું છે. (માસ્ટરને) – ત્યારે થાય નિરાકાર દર્શન, જે પ્રમાણે ગીતમાં છે તેમ. 

એમ કહીને ઠાકુર જરા સૂર કાઢીને બોલે છે :

‘ભવદારા ભયહરા નામ સુણ્યું છે તારું…

તેથી ઊંચે તો રહ્યું છે મા, અંબુજે આકાશ,

એ આકાશ રુદ્ધ થયે, સર્વ કંઈ છે આકાશ.’

(પૂર્વકથા – બાઉલ અને ઘોષપાડાના કર્તાભજાનું આગમન)

‘એક બાઉલ આવેલો. મેં તેને પૂછ્યું, ‘તમારું રસનું કામ બધું થઈ ગયું છે? કડાઈ ઊતરી છે?’ રસને જેમ જેમ ઉકાળો તેમ તેમ ‘રિફાઇન’ (શુદ્ધ) થાય. પહેલાં હોય શેરડીનો રસ, ત્યાર પછી થાય ગોળ, ત્યાર પછી થાય રસી, ત્યાર પછી ખાંડ, ત્યાર પછી ગાંગડા-સાકર; એમ બધું ક્રમે ક્રમે વધુ ‘રિફાઇન’ થાય. 

કડાઈ ઊતરશે ક્યારે? એટલે કે સાધના પૂરી થશે ક્યારે? જ્યારે ઇન્દ્રિયોનો જય થાય ત્યારે. જેમ જળોના મોઢા ઉપર ચૂનો લગાડ્યે જળો એની મેળે ઊખડીને પડી જાય, તેવી રીતે ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. રમણીની સંગે રહે, પણ ન કરે રમણ. 

એ લોકો ઘણું ખરું રાધા-તંત્રના મત પ્રમાણે ચાલે. પંચ તત્ત્વો લઈને સાધના કરે. પૃથ્વી-તત્ત્વ, જળ-તત્ત્વ, અગ્નિ-તત્ત્વ, વાયુ-તત્ત્વ, આકાશ-તત્ત્વ, મળ, મૂત્ર, રજ, વીર્ય એ બધાં તત્ત્વો. એ બધી સાધના અતિશય ગંદી સાધના; જેમ કે જાજરૂને દરવાજે થઈને ઘરમાં આવવું!

‘એક દિવસ હું ઓસરીમાં જમતો’તો. ત્યાં એક જણ ઘોષપાડાના પંથનો આવ્યો. આવીને કહે છે કે ‘તમે ખાઓ છો, કે બીજાને ખવરાવો છો?’ એટલે કે જે સિદ્ધ થાય, તે જોઈ શકે કે અંતરમાં ભગવાન છે.

‘આ સંપ્રદાયમાં જેઓ સિદ્ધ થાય, તેઓ બીજા સંપ્રદાયના લોકોને કહેશે ‘જીવ’. બીજા સંપ્રદાયનું માણસ હોય તો વાત કરે નહિ. કહેશે કે અહીંયાં ‘જીવ’ છે.’

(પૂર્વકથા – જન્મભૂમિદર્શન – સરી પાથારને ઘેર હૃદયની સાથે)

‘અમારે ગામ એ સંપ્રદાયની એક વ્યક્તિને જોઈ છે, સરી (સરસ્વતી) પાથાર. એ એક બાઈ માણસ. એ સંપ્રદાયના માણસો પોતાના સંપ્રદાયવાળાને ઘેર એકબીજાને ત્યાં જમે, પરંતુ બીજા સંપ્રદાયવાળાને ઘેર જમે નહિ. મલ્લિકના ઘરવાળાં એ સરી પાથારને ઘેર જઈને જમ્યાં, છતાંય હૃદુને ઘેર જમ્યાં નહિ. કહે કે તેઓ તો ‘જીવ!’ (હાસ્ય).

‘હું એક દિવસ એ સરીને ઘેર હૃદુની સાથે ફરવા ગયો હતો. સરસ મજાનું તુલસી-વન ત્યાં બનાવ્યું છે. મને ચણામમરા આપેલા. મેં થોડાક ખાધા. હૃદયે ખૂબ ખાધે રાખ્યા, ત્યાર પછી તેને પેટમાં દુખાવો!’

‘એ લોકો સિદ્ધ અવસ્થાને કહે છે ‘સહજ અવસ્થા.’ એ સંપ્રદાયમાં એક પ્રકારના માણસો છે, તેઓ વળી ‘સહજ, ’ ‘સહજ’ કરીને બૂમ પાડે.’

‘સહજ’ – અવસ્થાનાં બે લક્ષણો. પ્રથમ એ કે અંગે કૃષ્ણ-ગંધ રહે નહિ. બીજું કમળ ઉપર ભ્રમર બેસે પણ મધુ પીએ નહિ. ‘કૃષ્ણ-ગંધ’ અંગે નહિ એનો અર્થ એ કે ઈશ્વરીય ભાવ બધો અંદર જ. બહાર કશુંય ચિહ્ન નહિ, હરિ-નામ સુધ્ધાં મોઢેથી નહિ. બીજાનો અર્થ : કામિનીમાં આસક્તિ નહિ, જિતેન્દ્રિય.

‘એ લોકો દેવ-પૂજા, પ્રતિમા-પૂજા વગેરે બધું ‘Like’ કરે નહિ (ગમે નહિ). તેમને તો જીવંત મનુષ્ય જોઈએ. એટલે તો એમના એક વર્ગના માણસોને કહે ‘કર્તા-ભજા.’ એટલે કે જેઓ કર્તાને, ગુરુને ઈશ્વર સમજીને ભજે, પૂજા કરે.’

Total Views: 327
ખંડ 26: અધ્યાય 2 : ભાવાવસ્થામાં અંર્તદૃષ્ટિ - નરેન્દ્રાદિને નિમંત્રણ
ખંડ 27: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ અને સર્વ-ધર્મ-સમન્વય