ગીત પૂરાં થયાં. હવે નરેન્દ્ર, ભવનાથ વગેરે ભક્તોની સાથે ઠાકુર વાતો કરે છે અને સહાસ્ય બોલે છે કે ‘હાજરા નાચ્યો’તો!’

નરેન્દ્ર (સહાસ્ય) – જી, જરા જરા.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – જરા જરા?

નરેન્દ્ર (સહાસ્ય) – અને બીજી એક વસ્તુ, તેની ફાંદ નાચી હતી!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એ તો એની મેળે હાલે ચાલે, ન હલાવો તોય એની મેળે હાલે. (સૌનું હાસ્ય).

શશધર જેને ઘેર ઊતર્યા છે તેને ઘેર ઠાકુરને આમંત્રણ આપવાની વાત થાય છે. 

નરેન્દ્ર – એ (ઘર-માલિક) જમાડશે?

શ્રીરામકૃષ્ણ – એનો સ્વભાવ, કહે છે કે સારો નથી. એ લુચ્ચો છે.

નરેન્દ્ર – એટલા માટે આપે જે દિવસે શશધરની સાથે પ્રથમ મુલાકાત થઈ તે દિવસે, તેના અડેલા પ્યાલામાંથી પાણી પીધું નહિ. આપે કેવી રીતે જાણ્યું કે એ માણસનું ચારિત્ર્ય સારું નથી?

(પૂર્વકથા -સિઓડમાં હૃદયના ઘરે હાજરા અને વૈષ્ણવ સાથે)

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – હાજરાને એક બીજી ઘટનાનીયે ખબર છે; ત્યાં દેશમાં, સિહોડમાં હૃદયને ઘેર.

હાજરા – એ હતો એક વૈષ્ણવ. મારી સાથે દર્શન કરવા આવ્યો’તો. તે જેવો એ આવીને બેઠો કે આ (ઠાકુર) તેની તરફ પીઠ કરીને બેઠા.

શ્રીરામકૃષ્ણ – કહે છે કે તે તેની માસીની સાથે બગડેલો, એમ પાછળથી સાંભળવામાં આવ્યું. (નરેન્દ્રને) પહેલાં તો તું કહેતો ને કે મારી આ બધી અવસ્થાઓ મનની ભ્રમણાઓ (Hallucination) છે?

નરેન્દ્ર – કોણ જાણે! હવે તો ઘણુંય જોયું. એ બધુંય સાચું પડતું આવે છે!

નરેન્દ્ર કહે છે કે ઠાકુર ભાવ-સમાધિની અવસ્થામાં માણસોનું અંતર તથા બહારનું બધુંય ચરિત્ર જોઈ શકે છે. એ બાબતની તેણે ઘણીયે વાર પરીક્ષા કરી જોઈ છે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ભક્તનો જાતિવિચાર – Caste)

ઠાકુર અને ભક્તોની ભોજન-સેવાને માટે અધરે અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરાવી છે. હવે એ તેમને જમવા પધારવાનું કહે છે.

મહેન્દ્ર અને પ્રિયનાથ (મુખર્જી ભાઈઓ)ને ઠાકુર કહે છે, ‘કેમ ભાઈ, તમે જમવા નહિ ચાલો?’

તેઓ વિનયપૂર્વક કહે છે – ‘જી, અમને રહેવા દો.’

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – આ લોકો બધુંય કરે છે, માત્ર આટલા માટે જ સંકોચ. એક બાઈના સસરા અને જેઠનું નામ હતું હરે અને કૃષ્ણ. હવે ભગવાનના નામનો જપ તો કરવો જોઈએ! પણ હરે કૃષ્ણ તો બોલાય નહિ, કારણ કે સસરા અને જેઠનું નામ! એટલે એણે જપ કરવા માંડ્યો કે –

‘ફરે ફૃષ્ઠ ફરે ફૃષ્ઠ, ફૃષ્ઠ ફૃષ્ઠ ફરે ફરે!

ફરે રામ, ફરે રામ, રામ રામ ફરે ફરે!’

અધર નાતે હતા સોની. એટલે બ્રાહ્મણ ભક્તોમાંથી કોઈ કોઈ પહેલાં પહેલાં તેમને ઘેર ભોજન લેવામાં આનાકાની કરતા. થોડા દિવસ પછી જ્યારે તેઓએ જોયું કે ખુદ ઠાકુર શ્રીરામકૃષ્ણ એને ત્યાં જમે છે, ત્યારે પછી તેમની ભૂલ ભાંગી.

રાતના નવ વાગવા આવ્યા. નરેન્દ્ર, ભવનાથ વગેરે ભક્તોની સાથે ઠાકુર આનંદથી જમ્યા. હવે દીવાનખાનામાં આવીને ઠાકુર જરા આરામ લે છે. અને દક્ષિણેશ્વર પાછા જવાની તૈયારી ચાલે છે.

આવતી કાલે રવિવારે ઠાકુરના આનંદને માટે મુખર્જીભાઈઓએ દક્ષિણેશ્વરમાં કીર્તનની વ્યવસ્થા કરી છે. શ્યામદાસ કીર્તનકાર કીર્તન ગાવાના છે. એ શ્યામદાસની પાસે ભક્ત રામ પોતાને ઘેર કીર્તન શીખે છે. 

ઠાકુર નરેન્દ્રને આવતી કાલે દક્ષિણેશ્વર આવવાનું કહે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – કાલે ત્યાં આવજે! કેમ, આવીશ ને?

નરેન્દ્ર – વારુ, પ્રયાસ કરીશ.

શ્રીરામકૃષ્ણ – ત્યાં નહાજે, જમજે. 

(માસ્ટરની સામે જોઈને) આ પણ ભલે ત્યાં આવે. તમારો મંદવાડ હવે તો મટ્યો છે ને? હવે પથ્ય (હળવું ભોજન) ઉપર તો નથી ને?

માસ્ટર – જી ના. હું યે આવીશ.

નિત્યગોપાલ વૃંદાવનમાં છે. ચુનીલાલ કેટલાક દિવસ પહેલાં જ વૃંદાવનથી પાછા આવ્યા છે. ઠાકુર તેમની પાસેથી નિત્યગોપાલના ખબર પૂછે છે. ઠાકુર હવે દક્ષિણેશ્વર જવા તૈયાર થયા. માસ્ટરે જમીન પર નમીને ઠાકુરનાં શ્રીચરણકમળને મસ્તક વડે સ્પર્શ કરીને પ્રણામ કર્યા.

ઠાકુર સ્નેહપૂર્વક કહે છે : ‘ત્યારે આવજો!’

(નરેન્દ્ર વગેરે પ્રતિ સ્નેહ સાથે) – નરેન્દ્ર, ભવનાથ આવજો.

નરેન્દ્ર, ભવનાથ વગેરે ભક્તોએ નમીને ઠાકુરને પ્રણામ કર્યા. તેમના અપૂર્વ કીર્તનાનંદનું અને કીર્તનમાં ભક્તોની સાથે કરેલા અદ્ભુત નૃત્યનું સ્મરણ કરતાં કરતાં સર્વે પોતપોતાના ઘર તરફ જવા લાગ્યા.

આજે ભાદરવા વદ એકમ. રાત્રિ જ્યોત્સ્નામયી, જાણે કે હસી રહી છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ ભવનાથ, હાજરા વગેરે ભક્તોની સાથે ગાડીમાં બેસીને દક્ષિણેશ્વર તરફ જઈ રહ્યા છે.

Total Views: 338
ખંડ 26: અધ્યાય 1 : નરેન્દ્ર વગરે ભક્તોની સાથે કીર્તનાનંદે - સમાધિમંદિરે
ખંડ 27: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં રામ, બાબુરામ, માસ્ટર, ચુનિ, અધર, ભવનાથ, નિરંજન વગેરે ભક્તો સાથે