ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. સાથી મિત્રો સાથે શ્યામદાસ કીર્તનિયા મથુરા-કીર્તન ગાય છે. 

નાથ દરશન સુખે વગેરે…

સુખમય સાગર, મરુભૂમિ બને રે, વર્ષાની રાહ જોતાં ચાતક મરી ગયો રે..

તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. તેઓ નાની પાટ ઉપર પોતાને આસને બેઠા હતા. બાબુરામ, નિરંજન, રામ, મનોમોહન, માસ્ટર, સુરેન્દ્ર, ભવનાથ વગેરે ભક્તો નીચે બેઠા છે. પરંતુ કીર્તનનું ગીત બરાબર જામતું નથી.

કોન્નગરના નવાઈ ચૈતન્યને ઠાકુરે કીર્તન કરવાનું કહ્યું. નવાઈ ચૈતન્ય મનોમોહનના કાકા થાય. પેન્શન લઈને કોન્નગરમાં ગંગાતીરે સાધન ભજન કરે. ઠાકુરનાં દર્શન કરવા એ ઘણી વાર આવે.

નવાઈ ચૈતન્ય ઉચ્ચ સ્વરે સંકીર્તન કરે છે. ઠાકુર આસન છોડી દઈને નૃત્ય કરવા લાગ્યા. તરત જ નવાઈ ચૈતન્ય અને બીજા ભક્તો તેમને વીંટળાઈને કીર્તન અને નૃત્ય કરવા લાગ્યા. કીર્તન સરસ જામી ગયું. મહિમાચરણ સુધ્ધાં ઠાકુર સાથે નૃત્ય કરી રહ્યા છે. 

કીર્તન પૂરું થયું એટલે ઠાકુર પોતાની જગાએ બેઠા. હરિ-નામની પછી હવે આનંદમયી જગદંબાનું નામ લેવાય છે. ઠાકુર ભાવોન્મત્ત બનીને મા-નામ રટણ કરે છે, નામ લેતી વખતે ઠાકુરની ઊર્ધ્વ દૃષ્ટિ.

ગીત : મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા…

ગીત : ચિંતનથી ભાવનો ઉદય થાય,

(અરે) એ તો જેવો ભાવ તેવો લાભ, મૂળમાં એ શ્રદ્ધા જોઈએ.

જે છે કાલી ભક્ત, તે જીવનમુક્ત નિત્યાનંદમય;

કાલીપદ સુધા સરે, ચિત્ત જો ડૂબી રહે, (ચિત્ત જો ડૂબી રહે).

તો પૂજા, હોમ, યાગ, યજ્ઞનું નવ મૂલ્ય રહે.

ગીત : મા તારું ગાંડાનું હાટ બજાર,

કહું ગુણોની કથા કોને મા, તવ અપાર…

ગજ મૂકી, વૃષ આરોહી તું ફરતી, ગંદો આચાર;

મણિ, મુકતા મૂકી, પ્હેરે ગળે નર-શિર-હાર…

સ્મશાને મસાણે ભટકે, પરવા ન કો’ની લગાર;

રામપ્રસાદને ભવ-ચક્કરમાંથી કરવો પડશે પાર…

ગીત- ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય. વગેરે

ગીત- પોતે પોતામાં રહો મન, જાઓ ના કોઈને ઘેરે,

જે જોઈએ તે બેઠે પામીશ, શોધો પોતાના અંતઃપુરે…

ગીત – મસ્ત થયો મન-ભમરો શ્યામાપદ નીલ કમળે..

ગીત- જતન કરી હૈયે રાખો, આદરિણી શ્યામા માને,

મન તું જ દેખ, અને હું દેખું, બીજું કોઈ નવ ભાળે એને…

ઠાકુર આ ગીત ગાતાં ગાતાં ઊભા થઈ ગયા. માતાજીના પ્રેમાનંદમાં ઉન્મત્ત જેવા! ‘માનનીય શ્યામા માને હૃદયે રાખો’ એ વાત જાણે કે ભક્તોને ઉપરાઉપરી કહી રહ્યા છે. 

હવે તો ઠાકુર જાણે કે ખૂબ પીધેલની જેમ ઉન્મત્ત થયા છે. નાચતાં નાચતાં વળી ગીત ગાય છે :

‘શ્યામા મા શું મારી કાલી રે! 

કાળરૂપી દિગંબરી હૃદયપદ્મને કરે ઉજ્જવળ રે.’

ઠાકુર ગાતાં ગાતાં બહુ જ ડોલે છે એ જોઈને નિરંજન તેમને ઝાલી રાખવા ગયો. ઠાકુર હળવે અવાજે, ‘એય સાલા, અડીશ નહિ!’ કહીને તેને અટકાવે છે. ઠાકુર નાચી રહ્યા છે એ જોઈને ભક્તોય ઊભા થઈ ગયા. ઠાકુર માસ્ટરનો હાથ ઝાલીને બોલી ઊઠ્યા, ‘એઈ સાલા નાચ!’

(વેદાંતવાદી મહિમાચરણનું પ્રભુ સાથે સંર્કીતનમાં નૃત્ય અને 

ઠાકુરનો આનંદ)

ઠાકુર પોતાની જગાએ બેઠા છે. ભાવના ઊભરાથી ગદ્ગદ મતવાલા!

ભાવ કંઈક શાંત થયે બોલે છે :  ૐ ૐ, ૐ ૐ, ૐ ૐ, કાલી! વળી બોલે છેઃ ‘હોકો પીવો છે.’ ભક્તો ઘણાખરા ઊભેલા છે. મહિમાચરણ ઊભા ઊભા ઠાકુરને પંખો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – આપ સહુ બેસો.

‘તમે વેદમાંથી કંઈક સંભળાવો. મહિમાચરણ બોલે છે – ‘જય યજવમાન’ ઇત્યાદિ. વળી મહાનિર્વાણ-તંત્રમાંથી સ્તુતિ બોલે છે :-

ૐ નમસ્તે સતે તે જગત્કારણાય,

નમસ્તેચિતે સર્વલોકાશ્રયાય

નમોડદ્વૈતતત્ત્વાય મુક્તિપ્રદાય,

નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય।।

ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં,

ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશમ્।

ત્વમેકં જગત્કર્તૃપાતૃપ્રહર્તૃ

ત્વમેકં પરં નિશ્ચલં નિર્વિકલ્પમ્।।

ભયાનાં ભયં ભીષણં ભીષણાનાં,

ગતિઃ પ્રાણિનાં પાવનં પાવનાનામ્।।

મહોચ્ચૈઃ પદાનાં નિયન્તૃ ત્વમેકં,

પરેષાં પરં રક્ષણં રક્ષણાનામ્।।

વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો,

વયં ત્વાં જગત્સાક્ષીરૂપં નમામઃ।

સદેકં નિધાનં નિરાલમ્બમીશં

ભવામ્ભોધિપોતં શરણ્યં વ્રજામઃ।।

ઠાકુર હાથ જોડીને સ્તુતિ સાંભળી રહ્યા. પાઠ પૂરો થયો. ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ભક્તોએ પણ પ્રણામ કર્યા.

એટલામાં અધરે કોલકાતાથી આવીને ઠાકુરને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આજે ખૂબ આનંદ આવ્યો! મહિમ ચક્રવર્તી આ બાજુ ખેંચાતા આવે છે. હરિ-નામમાં જે આનંદ, તે કેવો છે જોયો ને?

માસ્ટર – જી હાં.

મહિમાચરણ જ્ઞાન-ચર્ચા કરે. પરંતુ એમણે આજે હરિનામ-સંકીર્તન કર્યું અને કીર્તન વખતે નૃત્ય પણ કર્યું, એથી ઠાકુર આનંદિત થયા છે.

સંધ્યા થવા આવી છે. ઘણાખરા ભક્તો ઠાકુરને એક પછી એક પ્રણામ કરીને રજા લે છે.

Total Views: 266
ખંડ 27: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ અને સર્વ-ધર્મ-સમન્વય
ખંડ 27: અધ્યાય 4 : પ્રવૃત્તિ કે નિવૃત્તિ - અધરનું કર્મ - વિષયીની ઉપાસના અને નોકરી