સંધ્યા થઈ. નોકર દક્ષિણ તરફની લાંબી ઓસરીમાં અને પશ્ચિમની ગોળ ઓસરીમાં દીવા પેટાવી ગયો. ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો અને ધૂપ કરવામાં આવ્યો. થોડી વાર પછી ચાંદો ઊગ્યો. મંદિરનું આંગણું, બગીચાનો રસ્તો, ગંગાનો કિનારો, પંચવટી, વૃક્ષોની ટોચો, વગેરે બધાં જ્યોત્સનાથી હસી ઊઠ્યાં.

ઠાકુર પોતાને આસને બેસીને ભાવ-મગ્ન થઈને માતાજીનું નામ-સ્મરણ અને ચિંતન કરે છે.

અધર આવીને બેઠા છે. ઓરડામાં માસ્ટર અને નિરંજન પણ છે. ઠાકુર અધરની સાથે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – કેમ ભાઈ, તમે ઠેઠ અટાણે આવ્યા? કેટલું કીર્તન, નૃત્ય વગેરે થઈ ગયું! શ્યામદાસનું કીર્તન, રામનો ઉસ્તાદ. પરંતુ મને એટલું બધું ગમ્યું નહિ, ઊઠવાની ઇચ્છા થઈ નહિ. એ માણસની હકીકત ત્યાર પછી સાંભળી. ગોપીદાસનો અવેજી માણસ કહેતો હતો કે એણે માથાના મોવાળા જેટલી રખાતો રાખી છે! (સૌનું હાસ્ય). તમારી નોકરી થઈ નહિ?

અધર ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, ત્રણસો રૂપિયાનો પગાર. કોલકાતા મ્યુનિસિપાલિટીના વાઈસ-ચેરમેન (ઉપાધ્યક્ષ)ની જગા માટે અરજી કરેલી. એ જગાનો પગાર મહિને હજાર રૂપિયા. એ જગા માટે અધરે કોલકાતાના ઘણાય મોટા મોટા માણસો સાથે મુલાકાત લીધેલી.

(નિવૃત્તિ સારી – ચાકરી માટે હીનબુદ્ધિવાળા વિષયીની ઉપાસના)

શ્રીરામકૃષ્ણ (માસ્ટર અને નિરંજનને) – હાજરા કહેતો’તો કે અધરને જગા મળે એ માટે તમે જરા માતાજીને કહો. અધર પણ કહેતો હતો. મેં માને જરા કહ્યું કે ‘મા, એ તમારી પાસે આવજા કરે છે, તો જો થતું હોય તો ભલે થઈ જાય.’ પરંતુ સાથે સાથે માને કહેલું કે ‘મા, શી હલકી બુદ્ધિ એની! જ્ઞાન-ભક્તિ ન માગતાં તમારી પાસે આ બધું માગે છે!’ 

(અધરને) – શા માટે તમે હલકટ માણસો પાસે આવજા કરી? આટલું આટલું તો જોયું, સાંભળ્યું! સાત કાંડ રામાયણ સુણી, અને સીતા કોની વહુ? અમુક મલ્લિક હીનબુદ્ધિનો, કંજૂસ. મારી માહેશે જવાની વાત થઈ ત્યારે ચાલતી નાવનો બંદોબસ્ત કરેલો. અને તેને ઘેર જતાં જ હૃદુને કહેતો કે ‘હૃદુ, ગાડી ઊભી રાખી છે?’

અધર – સંસાર કરવા જઈએ તો આ બધું કર્યા વગર ચાલે નહિ. તમે પણ મના તો નથી કરી!

(ઉન્માદ પછી પગારમાં સહી કરવા માટે ખજાનચીએ બોલાવ્યાની વાત)

શ્રીરામકૃષ્ણ – નિવૃત્તિ જ સારી, પ્રવૃત્તિ સારી નહિ. મારી આ (ઈશ્વર-દર્શનની) અવસ્થા પછી મને (પૂજારી તરીકેના) પગાર માટેની સહી કરવા બોલાવ્યો’તો, જેમ બધાય નોકરો ખજાનચીની પાસે જઈને સહી કરે તેમ. મેં કહ્યું કે એ મારાથી નહિ બને. હું તો કાંઈ માગતો નથી. તમારી મરજી હોય તો બીજા કોઈકને આપો. 

હું એક ઈશ્વરનો દાસ, વળી બીજા કોનો દાસ થવું?

‘(અમુક) મલ્લિકે, મને જમવાનું મોડું થતું એટલે, મારે સારુ એક રસોઈયો રાખેલો. એક મહિને એક રૂપિયો પગાર આપેલો. ત્યાર પછી મને જ શરમ આવી. પેલો બોલાવવા મોકલે એટલે તરત જવું પડતું! પોતાની મેળે જાઉં એ જુદી વાત. 

હીનબુદ્ધિ માણસોની તાબેદારી, સંસારમાં આ બધું તો છે. ઉપરાંતેય કેટલું?

(પૂર્વકથા – ઉન્માદ પછી શ્રીઠાકુરની પ્રાર્થના – સંતોષ – Contentment)

‘જેવી આ અવસ્થા થઈ કે પરિસ્થિતિ જોઈને માને તરત કહું કે ‘મા’ મારું તમારા તરફ જ મોઢું ફેરવી દો! સુધામુખીનું રાંધણું; હવે નહીં ભાઈ, હવે નહીં, ખાધા પછી આવે છે રોવું! (સૌનું હાસ્ય).

(બાલ્ય – કામારપુકુરમાં ડેપ્યુટી ઈશ્વર ઘોષાલનાં દર્શનની વાત)

શ્રીરામકૃષ્ણ – જેની નોકરી કરો છો તેની જ કર્યા કરો. માણસો તો પચાસ કે સો રૂપિયા સારુ વલખાં મારે છે; જ્યારે તમને તો ત્રણસો મળે છે! અમારા દેશમાં એક ડેપ્યુટી (મેજિસ્ટ્રેટ)ને જોયો હતો. તેનું નામ ઈશ્વર ઘોષાલ. માથા પર તાજ. બધા એનાથી ધ્રૂજે! નાનપણમાં જોયો’તો. ડેપ્યુટી એ શું ઓછી વાત?

‘જેની નોકરી કરો છો તેની જ કર્યા કરો. એક જણની નોકરી કરતાં જ મન પરાધીન થઈ જાય, તો આ તો પાંચ જણની!

(ચાકરીની નિંદા, શંભુ અને મથુરનો ઐશ્વર્ય પ્રત્યે આદર – 

નરેન્દ્ર હેડમાસ્ટર)

‘એક સ્ત્રી એક મુસલમાન ઉપર આસક્ત થઈ. તેણે તેને મળવા માટે બોલાવ્યો. મુસલમાન સાધુ પ્રકૃતિનો હતો. તેણે કહ્યું કે મારે પેશાબ કરવો છે તે મારો બદનો લઈ આવું. તે સ્ત્રી કહે કે અહીંયાં જ કરી લો, હું હમણાં બદનો આપું છું. પેલો કહે કે એ ન ચાલે. મેં જે બદના પાસે એક વાર એબ ઉઘાડી કરી તે જ બદનો વાપરું, વળી બીજા નવા બદના પાસે કેમ બેશરમ બનવું? એમ કહીને તે ચાલ્યો ગયોે. એ કુલટાનેય ભાન આવ્યું. નવા બદનાનો અર્થ ઉપપતિ, તે તુરત સમજી ગઈ!

નરેન્દ્રનાથ પિતાના અકાળ અવસાનથી બહુ જ દુઃખમાં આવી પડ્યા છે. પોતાની મા અને ભાઈઓના ભરણપોષણને માટે તે કામધંધો શોધી રહ્યા છે. 

શ્રીયુત્ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની બૌબજાર સ્કૂલમાં તેણે કેટલાક દિવસ હેડ માસ્તરની નોકરી કરી હતી.

અધર – વારુ, નરેન્દ્રે નોકરી કરવી કે નહિ?

શ્રીરામકૃષ્ણ – હા, તેણે કરવી. તેને મા અને ભાઈઓ છે!

અધર – વારુ, નરેન્દ્રને પચાસ રૂપિયામાંય ચાલે, ને સો રૂપિયામાંય ચાલે. તો નરેન્દ્રે સો રૂપિયા માટે પ્રયાસ કરવો કે નહિ?

શ્રીરામકૃષ્ણ – સંસારીઓ પૈસાને બહુ મહવ આપે. તેમને લાગે કે એવી વસ્તુ બીજી થવાની જ નથી! 

શંભુ મલ્લિક કહેતો કે ‘આ બધી મારી સંપત્તિ ઈશ્વરનાં ચરણકમળમાં મૂકીને જાઉં, એ એક ઇચ્છા છે.’ ભગવાન શું સંપત્તિ ઇચ્છે? એ તો ઇચ્છે જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય.

‘(દક્ષિણેશ્વરના દેવ-મંદિરનાં) ઘરેણાં ચોરાઈ ગયાં ત્યારે મથુરબાબુ કહે કે ‘અરે દેવતા! તમે તમારાં ઘરેણાં સાચવી શક્યા નહિ? હંસેશ્વરીએ કેવાં બચાવી લીધેલાં!’

(સંન્યાસી માટે કઠિન નિયમો – મથુરનો આખો તાલુકો લખી 

દેવા વિશે ચર્ચા)

 એક આખો તાલુકો મારે નામે લખી દેવાનું મથુરબાબુ બોલેલા. મેં કાલી-મંદિરમાંથી એ સાંભળ્યું. મથુરબાબુ અને હૃદુ એક સાથે મળીને મસલત કરતા હતા. મેં આવીને મથુરબાબુને કહ્યું કે ‘જુઓ, એવું કરશો મા! એથી મને મોટું નુકસાન થશે!’

અધર – જે વાત કરો છો તેવા તો સૃષ્ટિના પ્રારંભથી માંડીને તે આજ સુધી છ સાત માણસો માંડ થયા હશે!

શ્રીરામકૃષ્ણ – ત્યાગી પુરુષો તો છે જ! ઐશ્વર્ય ત્યાગ કરતાં જ લોકો જાણી શકે. એવું પણ છે કે લોકોને ખબર ન પડે. પશ્ચિમ તરફ શું એવા નથી?

અધર – કોલકાતાની અંદર એકને જાણું છું : દેવેન્દ્રનાથ ટાગોર.

શ્રીરામકૃષ્ણ – શી વાત કરો છો? એણે જેવા ભોગ ભોગવ્યા છે એવા બીજા કોણે ભોગવ્યા છે? જ્યારે મથુરબાબુની સાથે હું એને ઘેર ગયેલો, ત્યારે જોયું કે નાનાં નાનાં છોકરાં અનેક, ડૉક્ટર આવ્યો છે, ને દવા લખી આપે છે. જેને આઠ છોકરા ને છોકરીઓ, એ ભગવાનનું નામ ન લે તો પછી કોણ લે? આટલું આટલું ઐશ્વર્ય ભોગવ્યા પછીયે જો એ ભગવાનનું ભજન ન કરત તો માણસો કહેત કે ધિક્કાર છે!

નિરંજન – દ્વારકાનાથ ટાગોરનું દેણું બધું તેમણે ચૂકવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ – હવે રહેવા દે એ બધી વાત! ત્રેવડ છતાંય જે બાપનું દેણું ચૂકવે નહિ એ તે કાંઈ માણસ છે?

પણ બીજા સંસારીઓ વહેવારમાં સાવ ડૂબેલા રહે, તેમની સરખામણીમાં એ ઘણા સારા. બીજાને તેમની પાસેથી શીખવાનું મળે. પણ ખરેખરો ત્યાગી ભક્ત અને સંસારી ભક્ત એ બેમાં ઘણો તફાવત. ખરેખરો સંન્યાસી, ખરેખરો ત્યાગી ભક્ત હોય મધમાખી જેવો. મધમાખી ફૂલ વિના બીજે ક્યાંય બેસે નહિ, ફૂલ-મધુ સિવાય બીજું કાંઈ ખાય નહિ. સંસારી ભક્ત હોય સાધારણ માખી જેવો. તે મીઠાઈ ઉપરે બેસે, અને સડેલા ઘા ઉપરેય બેસે. મજાનો ઈશ્વરી ભાવમાં રહેલો હોય, પણ પાછો વળી કામિની-કાંચન સાથે મા બની જાય.

‘ખરેખરો ત્યાગી ભક્ત ચાતકના જેવો. ચાતક સ્વાતિ નક્ષત્રના વરસાદના જળ સિવાય બીજું કાંઈ પીએ નહિ! સાત સમુદ્ર, સર્વ નદીઓ જલે ભરપૂર હોય; ચાતક બીજું પાણી પીએ નહિ! તેમ ખરો ત્યાગી કામિની-કાંચનને અડે નહિ, કામિની-કાંચન પાસે રાખે નહિ; વળી પાછી આસક્તિ જન્મે તો?

Total Views: 344
ખંડ 27: અધ્યાય 3 : ભક્તો સાથે સંકીર્તનાનંદે - ભક્તો સાથે નૃત્ય
ખંડ 27: અધ્યાય 5 : ચૈતન્યદેવ, ઠાકુર શ્રીરામકૃષ્ણ અને લોકમાન