(પૂર્વકથા ૧૮૫૭ – કાલીમંદિરની પ્રતિષ્ઠા પછી જ્ઞાનીપાગલદર્શન – હલધારી)

શ્રીરામકૃષ્ણ – શ્રીમતીને હતો પ્રેમોન્માદ. તેમ વળી ભક્તિનો ઉન્માદ છે. જેમ કે હનુમાનનો. સીતા અગ્નિપ્રવેશ કરે છે એ જોઈને તે રામને મારવા દોડેલા! તેમજ વળી જ્ઞાનોન્માદ છે. એક પાગલ જેવા જ્ઞાનીને જોયો હતો કાલીમંદિરની પ્રતિષ્ઠા થયા બાદ તરત. માણસો કહેતા કે એ રામમોહન રાયના બ્રાહ્મસમાજનો એક સભ્ય હતો. એક પગમાં ફાટેલું જોડું, હાથમાં વાંસનો દંડૂકો અને એક માટીનું વાસણ તથા આંબાનું નાનું ડાળખું. જઈને તેણે ગંગામાં ડૂબકી મારી. ત્યાર પછી કાલીમંદિરમાં ગયો. એ વખતે હલધારી કાલીમંદિરમાં બેઠેલો. મંદિરમાં જઈને મસ્ત થઈને સ્તુતિ કરવા લાગ્યો, 

‘ક્ષ્રૌં ક્ષ્રૌં ખટ્વાંગધારિણીમ્’ વગેરે. 

કૂતરાની પાસે જઈને તેનો કાન પકડીને તેની સાથે તેનું એઠું ખાવા લાગ્યો. કૂતરું કાંઈ બોલ્યું નહિ. મારીયે એ વખતે એવી અવસ્થા શરૂ થઈ ગઈ હતી. હું હૃદયને ગળે વળગીને બોલી ઊઠ્યો, ‘અરે હૃદુ! મારીયે શું એ દશા થવાની?’ 

એ વખતે મારી ઉન્માદ અવસ્થા. નારાયણ શાસ્ત્રીએ આવીને જોયું તો હું એક વાંસડો ખભે લઈને ફર્યા કરું છું! એ જોઈને એ માણસોને કહેવા લાગ્યો ‘અરે, યે ઉન્મત્ત હૈ!’ એ અવસ્થામાં જાતપાતનો વિચાર જરાય રહેતો નહિ. એક જણ જાતે હલકા વર્ણનો, તેની સ્ત્રી ભાજી રાંધીને મોકલતી તે હું ખાતો.

‘કાલીમંદિરમાં બધા કંગાલો ખાઈ રહ્યા પછી મેં તેમનાં એઠાં પાંદડાં માથા પર અને મોઢે લગાડ્યાં. એ જોઈને હલધારી તાડૂકી ઊઠ્યો, ‘અરે, તેં આ કર્યું શું? ભિખારીઓનું એઠું તે ખાધું? હવે તારાં છોકરાંછૈયાં વરશે કેમ કરીને?’ એ સાંભળીને મને ગુસ્સો આવ્યો. આમ તો હલધારી મારાથી મોટો, ફઈનો દીકરો ભાઈ થાય. પણ મોટો થયો તેથી શું? તરત જ મેં તેને ફટકાર્યું, ‘અરે સાલા! તું ગીતા-વેદાંત વાંચે છે ને? તું શિખવાડે છે ને, કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા? અને તું ધારે છે કે મારે વળી છોકરાંછૈયાં થવાનાં, કેમ? તારા ગીતા-વેદાંતનું મોઢું બાળ!’ 

(માસ્ટરને) જુઓ એકલા ભણ્યે કાંઈ વળે નહિ. તબલાં વગેરે વાજિંત્રોના બોલ માણસો મોઢેથી મજાના બોલી શકે, પણ હાથમાં ઉતારવા બહુ કઠણ.’

ઠાકુર વળી પોતાના જ્ઞાનોન્માદની અવસ્થાનું વર્ણન કરે છે.

(પૂર્વકથા – મથુરની સાથે નવદ્વીપમાં – ઠાકુર શ્રી ચિનુશાંખારીના પગ પકડવા ગયા)

મથુરબાબુની સાથે કેટલાક દિવસ સુધી નૌકામાં હવા ખાવા ગયો હતો. એ મુસાફરીમાં નવદ્વીપ પણ જવાનું થયું હતું. નૌકામાં જોયું તો ખારવાઓ રાંધી રહ્યા છે, અને હું તેમની પાસે જઈને ઊભો છું. એ જોઈને મથુરબાબુ બોલ્યા કે ‘બાબા, ત્યાં શું કરો છો?’ હું હસીને બોલ્યો, ‘ખારવાઓ રાંધે છે મજાનું!’ મથુરબાબુ સમજી ગયા કે બાબા આ વખતે એવી અવસ્થામાં છે કે માગીને પણ ખાય. એટલે તે બોલી ઊઠ્યા કે, ‘બાબા, આ બાજુ ચાલ્યા આવો, અહીં ચાલ્યા આવો!’

‘પણ હવે એમ બને નહિ. હવે એ અવસ્થા નથી. હવે તો રસોઈ રાંધનારો જાતનો બ્રાહ્મણ જોઈએ, પાછો આચારવિચાર પાળનારો જોઈએ. પછી ભગવાનને ભોગ ધરાય. ત્યાર પછી એ પ્રસાદ હું ખાઈ શકું.’

‘મારી કેવી કેવી અવસ્થાઓ ગઈ છે! દેશમાં ચિનુશાંખારીને અને બીજા સમાન ઉંમરનાઓને કહેતો કે ‘અરે તમારે પગે પડું, એક વાર ‘હરિબોલ’ બોલો! એમ કહીને સૌને પગે પડવા જાઉં. એટલે ચીનુ બોલ્યો કે ‘અરે, તને અત્યારે પહેલવહેલો ઈશ્વરાનુરાગ છે, એટલે બધા સરખા લાગે છે. તોફાન શરૂ થાય ને જ્યારે ખૂબ ધૂળ ઊડે, ત્યારે આ આંબાનું ઝાડ, આ આંબલીનું ઝાડ બધાં એક જ લાગે. આ આંબાનું અને આ આંબલીનું એમ જુદું જુદું ઓળખી શકાય નહિ.’

(શ્રીરામકૃષ્ણનો મત શું છે, સંસાર કે સર્વત્યાગ? કેશવ સેનનો સંદેહ)

એક ભક્ત – આ ભક્તિનો ઉન્માદ, પ્રેમનો ઉન્માદ, કે જ્ઞાનનો ઉન્માદ સંસારી માણસને થાય તો પછી તેનું કેમ ચાલે?

શ્રીરામકૃષ્ણ (સંસારી ભક્તોને જોઈને) – યોગી બે પ્રકારના. વ્યક્ત યોગી અને ગુપ્ત યોગી. સંસારમાં હોય તે ગુપ્ત યોગી. તેને કોઈ ઓળખી શકે નહિ. સંસારીને માટે મનથી ત્યાગ, બહારનો ત્યાગ નહિ.

રામ – આ આપની છોકરાં સમજાવવાની વાત. સંસારમાં જ્ઞાની થઈ શકે, વિજ્ઞાની થઈ શકે નહિ.

શ્રીરામકૃષ્ણ – છેવટે વિજ્ઞાની થાય તો ભલે થાય. પરાણે સંસાર ત્યાગ કરવો સારો નહિ.

રામ – કેશવ સેન કહેતા હતા કે ‘એમની (શ્રીરામકૃષ્ણની) પાસે લોકો એટલા બધા જાય છે શા માટે? એક દિવસ કરડશે, ત્યારે ભાગી આવવું પડશે.

શ્રીરામકૃષ્ણ – કરડું શું કામ? હું તો માણસોને કહું કે, ‘આ પણ કરો ને તે પણ કરો; સંસાર પણ કરો અને ઈશ્વરને પણ સ્મરો. બધું ત્યાગવાનું તો કહેતો નથી. (હસતાં હસતાં) કેશવ સેને એક દિવસ લેક્ચર દીધું. તેમાં બોલ્યા કે ‘હે ઈશ્વર! એવું કરો કે જેથી અમે ભક્તિનદીમાં ડૂબકી મારી શકીએ, અને ડૂબકી મારીને સચ્ચિદાનંદ સાગરમાં જઈ પડીએ.’ ઉપર ચકની આડે બૈરાં બધાં બેઠાં હતાં. મેં કેશવને કહ્યું, ‘તમે બધા એકદમ ડૂબકી મારી જાઓ એ કેમ કરીને ચાલે? તો પછી આમની (બૈરાંની) દશા શી થાય? માટે વચ્ચે વચ્ચે કાંઠે આવો. વળી ડૂબકી મારો, વળી આવો.’ કેશવ સેન અને બધા હસવા લાગ્યા.

હાજરા કહે કે તમને રજોગુણી માણસો બહુ ગમે, કે જેમની પાસે પૈસાટકા, માન મરતબો ખૂબ હોય. જો એમ હોય તો હરીશ, નોટો (લાટુ) એ બધાને કેમ ચાહું છું? નરેન્દ્રને પણ કેમ ચાહું છું? તેને તો ભાતમાં ભેળવવા મીઠુંય મળતું નથી!’

શ્રીરામકૃષ્ણ ઓરડાની બહાર આવ્યા, અને માસ્ટરની સાથે વાતો કરતાં કરતાં ઝાઉતલા તરફ (શૌચ) જાય છે. એક ભક્ત પાણીનો લોટો અને પંચિયું લઈને સાથે જાય છે. આજે કોલકાતા ચૈતન્ય-લીલા નાટક જોવા જવાનું છે, એ વાત થઈ રહી છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, પંચવટી પાસે) – રામ બધી રજોગુણી વાત કરે છે. એટલા બધા પૈસા ખર્ચ કરીને બેસવાની શી જરૂર?

બોક્સની ટિકિટ લેવાની જરૂર નથી, એમ ઠાકુર કહી રહ્યા છે.

Total Views: 340
ખંડ 28: અધ્યાય 2 : નાગાજીનો ઉપદેશ - ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્નરૂપ અષ્ટસિદ્ધિ
ખંડ 28: અધ્યાય 4 : હાથી-બાગાનમાં ભક્તોને ઘેર - શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જીની સેવા