શ્રીરામકૃષ્ણ – સિદ્ધિ હોવી એ એક મોટી ઉપાધિ. નાગાજીએ મને શીખવ્યું હતું કે એક સિદ્ધ જણ સમુદ્રને કાંઠે બેઠો હતો. એટલામાં એક મોટું તોફાન ઊઠ્યું. એ તોફાનથી તેને કષ્ટ થવા લાગ્યું. એટલે એ બોલી ઊઠ્યો કે ‘તોફાન શાંત થઈ જાઓ!’ એનું વચન મિથ્યા ન થાય. આ બાજુએ એક વહાણ બધાય સઢ ચડાવીને જતું હતું. તોફાન અચાનક શાંત થતાંની સાથે જ વહાણ ઊંધું વળી જઈને ડબ કરતુંને ડૂબી ગયું. એ સાથે આખું વહાણ ભરીને માણસો બેઠા હતા તે પણ ડૂબી ગયા. હવે આટલા બધા માણસો ડૂબી જવાથી જે પાપ થયું તે બધું પેલા સિદ્ધને લાગ્યું. એ પાપે તેની સિદ્ધિયે ગઈ ને ઉપરથી નરકે મળ્યું!’

‘એક સાધુને ખૂબ સિદ્ધિ મળી હતી, અને એ માટે અહંકાર પણ થયો હતો. પરંતુ એ સાધુ હતો સારો માણસ, તે તપસ્યા પણ કરતો. એટલે ભગવાન ગુપ્ત વેશે એક સંન્યાસીનું રૂપ ધારણ કરીને એક દિવસ તેની પાસે આવ્યા. આવીને કહે છે : ‘મહારાજ! સાંભળ્યું છે કે આપની પાસે ખૂબ સિદ્ધિ છે!’ પેલા સાધુએ સંન્યાસીની ખાતરબરદાસ્ત કરીને તેમને બેસાડ્યા. એટલામાં એક હાથી ત્યાં થઈને નીકળ્યો. એટલે આગત સંન્યાસી બોલ્યા કે ‘અચ્છા મહારાજ! આપ ધારો તો આ હાથીને મારી શકો?’ સાધુએ જવાબ દીધો કે ‘ઐસા હો સકતા હૈ.’ એમ કહીને ધૂળની ચપટી મંત્રીને હાથીના શરીર ઉપર નાખી કે તરત તે તરફડીને મરી ગયો. એ જોઈને સંન્યાસીએ કહ્યું, ‘વાહ! આપની શી શક્તિ! આવડો મોટો હાથી મારી નાખ્યો!’ સાધુ હસવા લાગ્યો. વળી સંન્યાસી બોલ્યા, ‘વારુ, મહારાજ! આપ એ હાથીને પાછો જીવતો કરી શકો?’ સાધુએ જવાબ દીધો, ‘વો ભી હો સકતા હૈ.’ એમ કહીને વળી ધૂળ મંત્રીને હાથી ઉપર છાંટી કે તરત જ હાથી તરફડ કરતો ને ઊભો થઈ ગયો. એ જોઈને સંન્યાસીએ કહ્યું, ‘વાહ મહારાજ! શી આપની શક્તિ! પરંતુ એક વાત પૂછું : ‘આ જે હાથીને મારી નાખ્યો ને પાછો તેને જીવતો કર્યાે તેમાં તમારું શું વળ્યું? તમારી પોતાની શી ઉન્નતિ થઈ? એથી શું આપ ભગવાનને પામ્યા?’ એમ કહીને સંન્યાસી અંતર્ધાન થઈ ગયા.

‘ધર્મની સૂક્ષ્મ ગતિ.’ જરા સરખીયે કામના મનમાં હોય તો ભગવાનને પામી શકાય નહિ. સોયમાં દોરો પરોવવો હોય તો દોરાને છેડે જરાક સરખીયે ફણગી હોય તો દોરો નાકામાં ન જાય.’

‘શ્રીકૃષ્ણ અર્જુનને કહેતા કે ‘ભાઈ, મારી પ્રાપ્તિ કરવી હોય તો અષ્ટ સિદ્ધિ માંહેની એક સિદ્ધિયે હોય તો ન ચાલે. 

વાત એટલી કે સિદ્ધિ હોય તો અહંકાર આવે, ને ઈશ્વરને ભૂલી જવાય.’

‘એક બાબુ આવ્યો હતો, ત્રાંસી આંખવાળો. કહે કે આપ પરમહંસ છો, બહુ સારું. આપે જરા મારા માટે સ્વસ્તિવાચન કરવું પડશે. જુઓ તો શી હલકી બુદ્ધિ! કહેવું ‘પરમહંસ’, ને પાછું સ્વસ્તિવાચન કરાવવું! સ્વસ્તિવાચન કરીને રોગ મટાડવો એય એક સિદ્ધિ. અહંકાર હોય ત્યાં સુધી ઈશ્વરપ્રાપ્તિ ન થાય. અહંકાર શેના જેવો ખબર છે? જાણે કે ઊંચી ટોચ. વરસાદનું પાણી તેના ઉપર ટકે નહિ, ઢળી જાય. નીચી જમીનમાં પાણી એકઠું થાય, અને ત્યાં અંકુર ફૂટે ને પછી વૃક્ષ ઊગે ને ત્યાર પછી તેમાં ફળ આવે.’

(Love to all  – બધાને ચાહવાથી અહંકાર જાય અને ત્યારે જ ઈશ્વરપ્રાપ્તિ થાય)

‘એટલા માટે હાજરાને કહ્યું કે હું જ એક સમજ્યો છું ને બીજા બધા મૂર્ખ એવી ભાવના રાખો મા. સૌને ચાહવા. કોઈ પારકું નથી. સર્વ ભૂતમાં એ હરિ જ છે; તેમના વિનાનું કાંઈયે નથી. પ્રહ્લાદને ભગવાને કહ્યુંઃ ‘તું કંઈક વરદાન લે.’ પ્રહ્લાદ બોલ્યોઃ ‘આપનાં દર્શન પામ્યો, હવે મને બીજા કશાની ઇચ્છા નથી.’ પણ ભગવાન એમ છોડે તેમ ન હતા. એટલે પ્રહ્લાદ બોલ્યો કે ‘પ્રભો! જો વરદાન આપવું જ હોય તો એ વરદાન આપો કે જેઓએ મને કષ્ટ આપ્યું છે, તેમનો એ અપરાધ માફ થઈ જાય!’ 

એનો અર્થ એ કે હરિએ જ એક રૂપે કષ્ટ આપ્યું. હવે એ લોકોને શિક્ષા આપવાથી હરિને જ કષ્ટ થાય.’

Total Views: 382
ખંડ 28: અધ્યાય 1 : રાખાલ, નારાયણ, નિત્યગોપાલ અને છોટા ગોપાલનો સંવાદ
ખંડ 28: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણનો જ્ઞાનોન્માદ અને જાતિવિચાર