(માસ્ટર, બાબુરામ, નિત્યાનંદ વંશના ભક્ત, મહેન્દ્ર મુખર્જી, ગિરીશ)

ઠાકુરની ગાડી બીડન સ્ટ્રીટમાં સ્ટાર થિયેટરની સામે આવી પહોંચી. રાતના લગભગ સાડા આઠ. સાથે માસ્ટર, બાબુરામ, મહેન્દ્ર મુખર્જી અને બીજા એક બે ભક્તો. ટિકિટ ખરીદવાની તૈયારી થઈ રહી છે. એટલામાં નાટકશાળાના મેનેજર શ્રીયુત્ ગિરીશચંદ્ર ઘોષ કેટલાક કાર્યકર્તાઓની સાથે ઠાકુરની ગાડીની પાસે આવ્યા અને પ્રણામ કરીને તેમને માનપૂર્વક ઉપર લઈ ગયા. ગિરીશે પરમહંસદેવનું નામ સાંભળ્યું છે. એ ચૈતન્યલીલા નાટક જોવા આવ્યા છે, એ સાંભળીને ગિરીશ બહુ રાજી થયા. ઠાકુરને નૈઋત્ય બાજુની બોક્સમાં બેસાડવામાં આવ્યા. ઠાકુરની બાજુએ માસ્ટર બેઠા; પાછળ બાબુરામ અને એક બે ભક્તો.

સ્ટાર થિયેટર

નાટકશાળા પ્રકાશમય. નીચે અનેક માણસો. ઠાકુરની ડાબી બાજુએ ડ્રોપસીન દેખાઈ રહ્યો છે. ઘણાય બોકસમાં માણસો બેસી ગયાં છે. દરેક બોકસની પાછળ એક એક નોકર રાખેલો. તે ઊભો રહીને પંખાથી પવન નાખી રહ્યો છે. ઠાકુરને પવન નાખવા સારુ ગિરીશ એક નોકરનો બંદોબસ્ત કરી ગયા.

ઠાકુર નાટકશાળા જોઈ બાળકની પેઠે રાજી રાજી થયા છે.

શ્રીરામકૃષ્ણ (હસીને માસ્ટરને)- વાહ, અહીં બહુ મજાનું! આપણે આવ્યા તે બહુ સારુ થયું. અનેક માણસોને એકસાથે મળેલા જોઈને ઈશ્વરભાવનું ઉદ્દીપન થાય. એ વખતે હું બરાબર જોઈ શકું કે ‘ઈશ્વર જ બધું થઈ રહેલ છે!’

માસ્ટર – જી હા.

શ્રીરામકૃષ્ણ – આ જગ્યાની શું ટિકિટ પડશે?

માસ્ટર – જી, કંઈ લેશે નહિ. આપ આવ્યા છો એથી એમને ખૂબ આનંદ થયો છે.

શ્રીરામકૃષ્ણ – એ બધો ‘મા’નો મહિમા.

ડ્રોપસીન ઊપડી ગયો. એકદમ પ્રેક્ષક-વૃંદની દૃષ્ટિ રંગમંચ ઉપર પડી. આરંભમાં, પાપ અને ષડ્‌રિપુઓની સભા. ત્યાર પછી જંગલના માર્ગમાં વિવેક, વૈરાગ્ય અને ભક્તિની વાતચીત. 

ભક્તિ કહે છે : ‘ગૌરાંગે નદિયામાં જન્મ લીધો છે.’ એટલે વિદ્યાધરીઓ અને ઋષિઓ ગુપ્ત વેશે દર્શન કરવા આવી રહ્યા છે.

ધન્ય ધરા, નદિયામાં આવ્યો ગોરા…

દેખો દેખો, વિમાને વિદ્યાધરીગણ,

આવી રહે કરવા હરિ દર્શન…

દેખો પ્રેમાનંદે થઈ વિભોર,

ઋષિમુનિ આવી રહ્યા ચારે કોર…

વિદ્યાધરીઓ અને ઋષિમુનિઓ ગૌરાંગને ભગવાનનો અવતાર સમજીને સ્તુતિ કરે છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમને જોઈને ભાવમાં વિભોર થઈ રહ્યા છે. માસ્ટરને કહે છે, ‘આહા! કેવું સુંદર છે, જુઓ!

વિદ્યાધરીઓ અને ઋષિમુનિઓ ગીત ગાઈને સ્તુતિ કરે છે :

ઋષિઓ (પુરુષગણ) : કેશવ કરો કરુણા દીન પર, કુંજ-કાનનચારી,

વિદ્યાધરીઓ (સ્ત્રીગણ) : માધવ મનોમોહન, મોહન મુરલીધારી,

સર્વે : હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ મન મારા…

ઋષિઓ : વ્રજકિશોર, કાલીયહર, કાતર-ભયભંજન,

વિદ્યાધરીઓ : નયનબાંકા, બાંકાશિખિ પાંખા, રાધિકા હૃદિરંજન;

ઋષિઓ : ગોવર્ધનધારણ, વનકુસુમભૂષણ, દામોદર, કંસદર્પહારી;

વિદ્યાધરીઓ : શ્યામ રાસ-રસ-વિહારી,

સર્વે : હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, મન મારા…

વિદ્યાધરીઓએ જ્યારે ગાયું :

‘નયનબાંકા, બાંકાશિખિ પાંખા, રાધિકા-હ્યદિ-રંજન;’

ત્યારે ઠાકુર શ્રીરામકૃષ્ણ ગંભીર સમાધિમાં મગ્ન થઈ ગયા.

સમૂહ-વાદ્યો વાગી રહ્યાં છે. ઠાકુર ભાવ-મગ્ન.

Total Views: 371
ખંડ 28: અધ્યાય 4 : હાથી-બાગાનમાં ભક્તોને ઘેર - શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જીની સેવા
ખંડ 28: અધ્યાય 6 : ચૈતન્યલીલાદર્શન - ગૌરાંગપ્રેમે મતવાલા શ્રીરામકૃષ્ણ