નાટક ચાલી રહ્યું છે. જગન્નાથ મિશ્રને ઘેર અતિથિ આવ્યો છે. બાળક નિમાઈ આનંદથી સમવયસ્ક બાળકોની સાથે ગીત ગાતો ફરી રહ્યો છે.

‘ક્યાં મારું વૃંદાવન, ક્યાં યશોદા માઈ…

ક્યાં મારા નંદ પિતા, ક્યાં બલરામ ભાઈ…

ક્યાં મારી ધવલી-શ્યામળી, ક્યાં મારી મોહનમુરલી;

શ્રીદામ સુદામ ગોપગણોને, ક્યાં શોધું ભાઈ…

ક્યાં મારો યમુના તટ, ક્યાં મારો બંસીવટ,

ક્યાં મારી ગોપનારી, ક્યાં છે રાધા પ્યારી…

અતિથિ આંખો બંધ કરીને ભગવાનને અન્ન-નિવેદન કરી રહ્યા છે. નિમાઈ દોડી જઈને એ અન્ન ખાઈ જાય છે. અતિથિ તે ભગવાન છે એમ સમજી ગયો, અને દશાવતાર-સ્તોત્રનો પાઠ કરીને તેમને પ્રસન્ન કરે છે. મિશ્ર અને શચી પાસેથી રજા લેતી વખતે તે વળી ગીત ગાઈને સ્તુતિ કરે છે :

‘જય નિત્યાનંદ, ગૌરચંદ્ર, જય ભવતારણ;

અનાથ-ત્રાણ, જીવ-પ્રાણ, ભીત-ભયવારણ…

યુગે યુગે રંગ, નવ લીલા નવ-રંગ;

નવ તરંગ, નવ પ્રસંગ, ધરાભાર ધારણ…

તાપ-હારિ, પ્રેમ-વારિ વિતરો રાસ-રસ-વિહારિ;

દીન-આશ, કલુશ-નાશ દુષ્ટ-ત્રાસ-કારણ…’

સ્તુતિ સાંભળતાં સાંભળતાં ઠાકુર વળી ભાવમાં વિભોર થાય છે.

નવદ્વીપનો ગંગાકિનારો. ગંગાસ્નાન પછી બ્રાહ્મણો, સ્ત્રી-પુરુષો ઘાટે બેસીને પૂજા કરી રહ્યાં છે. નિમાઈ દેવતાનું નૈવેદ્ય ઝૂંટવીને ખાઈ જાય છે. એક બ્રાહ્મણ બહુ જ ગુસ્સે થઈને બોલી ઊઠે છે : ‘અરે એય દુષ્ટ! વિષ્ણુ-પૂજનનું નૈવેદ્ય ઝૂંટવીને ખાઈ જાય છે? તારો સર્વનાશ થશે, તોય નિમાઈ તે ઝૂંટવી લે છે અને નાસી જવા લાગે છે. સ્ત્રીઓને એ છોકરા પર બહુ જ પ્રેમ. નિમાઈ ચાલ્યો જાય છે એ જોઈને તેમનાથી રહેવાયું નહિ. તેઓ મોટે અવાજે બોલાવવા લાગી : ‘નિમાઈ પાછો આવ, પાછો આવ.’ પણ નિમાઈ સાંભળતો નથી.

ચૈતન્ય મહાપ્રભુ

તેઓમાંથી એક સ્ત્રી નિમાઈને પાછો બોલાવવાનો મહામંત્ર જાણતી હતી. તે ‘હરિ બોલ, હરિ બોલ,’ બોલવા લાગી. તરત નિમાઈ ‘હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ,’ બોલતો બોલતો પાછો ફરે છે.

મણિ ઠાકુરની પાસે બેઠા છે. તે બોલી ઊઠ્યા, ‘આહા!’

ઠાકુર વધારે વખત સ્થિર રહી શક્યા નહિ. ‘આહા!’ બોલતાં બોલતાં મણિની સામે જોઈને પ્રેમાશ્રુ સારે છે.

શ્રીરામકૃષ્ણ (બાબુરામ અને માસ્ટરને) – જુઓ, જો મને ભાવ કે સમાધિ થાય, તો તમે ધાંધલ કરતા નહિ. આ બધા માણસો ઢોંગ માનશે.

નિમાઈનો ઉપનયન-સંસ્કાર. નિમાઈએ સંન્યાસીનો સ્વાંગ ધારણ કર્યાે છે. શચી અને પાડોશનાં બૈરાં આજુબાજુ ઊભેલાં છે. નિમાઈ ગીત ગાઈને ભિક્ષા માગે છે :

‘દે રે ભિક્ષા દે, નવીન યોગી ફરું છું રડી રડી રે,

અરે વ્રજવાસી, તમોને હું ચાહું, આવ્યો તમ પાશી, જુઓ ઉપવાસી…

જુઓ મા શ્રીદ્વારે યોગી બોલે રાધે રાધે, વેળા વીતી, જવું મારે આઘે,

એકાકી રહું માતા યમુનાને તીરે, અશ્રુનીર ભળે નદી નીરે,

વહે ધારા મૃદુ નાદે ધીરે ધીરે…

સૌ ચાલ્યા ગયા. નિમાઈ એકલો છે. દેવતાઓ બ્રાહ્મણ-બ્રાહ્મણીના વેશમાં તેનું સ્તવન કરી રહ્યા છે :

પુરુષ ગણ- ચંદ્ર-કિરણ અંગે, નમો વામન-રૂપ ધારી;

સ્ત્રી ગણ- ગોપીજન મનોમોહન મંજુ કુંજચારી.

નિમાઈ- જય રાધે, શ્રીરાધે.

પુરુષ ગણ- વ્રજ-બાલક સંગ, મદન-માનભંગ.

સ્ત્રી ગણ- ઉન્માદિની વ્રજકામિની ઉન્માદ-તરંગ.

પુરુષ ગણ- દૈત્ય-દલન નારાયણ, સુરગણ-ભયહારિ

સ્ત્રી ગણ- વ્રજવિહારી, ગોપ-નારી-માન-ભિખારી.

નિમાઈ- જય રાધે, શ્રીરાધે!

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ થયા.

પડદો પડ્યો. સમૂહ-વાદ્યો વાગી રહ્યાં છે.

(સંસારી લોકો બે બાજુ સંભાળવાનું કહે છે – ગંગાદાસ અને શ્રીવાસ)

અદ્વૈતના ઘરની સામે શ્રીવાસ વગેરે વાતો કરી રહ્યા છે. મુકુંદ મધુર કંઠે ગીત ગાય છે :

‘હવે ઊંઘો નહિ મન,

માયા-નશામાં ક્યાં સુધી રહેશો અચેતન?…

કોણ તમે, શા કાજે આવ્યા, પોતાને તો ભૂલી ગયા.

જુઓ રે નયન ખોલી, ત્યજો કુસ્વપ્ન…

રહો છો અનિત્ય- ધ્યાને, નિત્યાનંદ દેખો પ્રાણે,

ત્યાગી અંધકાર, દેખો તરુણ તપન…

મુકુંદ છોકરો બહુ જ સુકંઠ. ઠાકુર શ્રીરામકૃષ્ણ મણિની પાસે તેની પ્રશંસા કરે છે.

નિમાઈ ઘેર છે. શ્રીવાસ મળવા આવ્યા છે. પ્રથમ શચીને મળ્યા. શચી રડવા લાગી. કહે છે, ‘દીકરો મારો ગૃહસ્થ-ધર્મમાં મન દેતો નથી. 

ારથી ગયો છે વિશ્વરૂપ, 

પ્રાણ મમ કાંપે નિરંતર, 

વખતે થાય નિમાઈ સંન્યાસી.’

એ વખતે નિમાઈ આવે છે. શચી શ્રીવાસને કહે છે :

‘આહા દેખો દેખો પાગલની પેઠે,

છાતી ભીંજી જાય બધી અશ્રુ નીરે,

કહો કહો, આ ભાવ કેમ જાયે? –

નિમાઈ શ્રીવાસને જોઈને તેમના પગ પકડીને રુદન કરી રહ્યા છે અને બોલે છે :

‘ક્યાં પ્રભુ, ક્યાં છે મને કૃષ્ણ-ભક્તિ?

અધમ મમ આ જિંદગી વ્યર્થ મેં ગુમાવી…

બોલો પ્રભુ, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યાં પામું?

આપો ચરણ-રજ, જેથી વનમાળીને પામું…

શ્રીરામકૃષ્ણ માસ્ટર તરફ જોઈને વાત કહેવા જાય છે, પણ કહી શકતા નથી, ગદ્ગદ સ્વર, ગાલ આંખનાં અશ્રુથી ભીંજાઈ ગયા છે. તે એકનજરે જોઈ રહ્યા છે કે નિમાઈ શ્રીવાસના પગ પકડી રહ્યા છે, અને કહી રહ્યા છે કે ‘ક્યાં પ્રભુ, કૃષ્ણ-ભક્તિ તો આવી નહિ!’ 

આ બાજુ નિમાઈ પાઠશાળામાં વિદ્યાર્થીઓને ભણાવી શકતા નથી. ગંગાદાસની પાસે નિમાઈ ભણ્યા હતા. એ નિમાઈને સમજાવવા આવેલા છે. શ્રીવાસને કહે છે : ‘શ્રીવાસ ઠાકુર! અમેય તો બ્રાહ્મણ, વિષ્ણુપૂજન કરીએ. પણ તમે લોકોએ મળીને તો, જોઉં છું કે સંસાર ધૂળ-રાખ કર્યાે.’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આ સંસારી માણસનો ઉપદેશ. આ પણ કરો ને તે પણ કરો. સંસારી માણસ જ્યારે ઉપદેશ દે, ત્યારે બેઉ બાજુ સંભાળવાનું કહે.

માસ્ટર – જી હાં.

ગંગાદાસ નિમાઈને વળી સમજાવે છે, ‘અરે એ નિમાઈ, તમને તો શાસ્ત્રોનું જ્ઞાન છે. તમે મારી સાથે વાદ કરો. સંસાર-ધર્મ કરતાં બીજો કયો ધર્મ શ્રેષ્ઠ છે, એ મને સમજાવો. તમે ગૃહસ્થ; ગૃહસ્થના જેવું વર્તન ન કરતાં બીજું વર્તન શા માટે કરો છો?’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જોયું કે? બેઉ બાજુ રાખવાનું કહે છે!

માસ્ટર – જી હાં.

નિમાઈ કહે છે, ‘હું જાણી જોઈને સંસાર-ધર્મની ઉપેક્ષા કરું છું એમ નથી. ઊલટું મારી તો ઇચ્છા છે કે બધું બરાબર જળવાય. પરંતુ 

પ્રભુ! ‘શો હેતુ, એ કશું નવ જાણું, 

પ્રાણ ખેંચાય હું શું કરું, શું કરું? 

ઇચ્છું હું રહું કિનારે, 

કિંતુ કિનારે રહી શકું ના રે…

‘દોડે પ્રાણ સમજાવ્યો નવ ફરે, 

સદા ચાહે ઝંપલાવવા અફાટ સાગરે…’ 

શ્રીરામકૃષ્ણ – આહા!

Total Views: 293
ખંડ 28: અધ્યાય 5 : થિયેટરમાં ચૈતન્યલીલા - શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ
ખંડ 28: અધ્યાય 7 : નાટ્યાલયમાં નિત્યાનંદ વંશ અને શ્રીરામકૃષ્ણનું ઉદ્દીપન