(વિજય, કેદાર, રામ, સુરેન્દ્ર, ચુની, નરેન્દ્ર, નિરંજન, બાબુરામ, માસ્ટર)

આજ રવિવાર, મહા-અષ્ટમી. ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં માતાજીનાં દર્શન કરવા આવ્યા છે. અધર સેનને ત્યાં શારદીય નવરાત્રિ-ઉત્સવ છે. ઠાકુરને ત્રણ દિવસનું આમંત્રણ છે. અધરને ઘેર પ્રતિમાનાં દર્શન કરતાં પહેલાં રામને ઘેર થઈને જાય છે. વિજય, કેદાર, રામ, સુરેન્દ્ર, ચુનીલાલ, નરેન્દ્ર, નિરંજન, નારાયણ, હરીશ, બાબુરામ, માસ્ટર વગેરે ઘણાય હાજર છે. બલરામ અને રાખાલ એ વખતે વૃંદાવનમાં રહે છે.

નિરંજન (સ્વામી નિરંજનાનંદ)

શ્રીરામકૃષ્ણ (વિજય અને કેદારને જોઈને): આજે મજાનો મેળ મળ્યો છે. બેઉ જણ એકસરખી ભાવનાવાળા. (વિજયને): હેં ભાઈ, શિવનાથ (ક્યાં)? આપ જરા-

વિજય: જી હાં, તેમણે સાંભળ્યું છે. મારી સાથે મેળાપ થયો નથી, પણ મેં ખબર મોકલ્યા હતા; અને તેમને ખબર મળ્યા પણ છે.

ઠાકુર શિવનાથને ઘેર ગયા હતા તેને મળવા માટે, પણ મેળાપ થયો ન હતો. પછી વિજયે ખબર મોકલ્યા હતા; પરંતુ શિવનાથ કામકાજના બોજાને લીધે હજી આવી શક્યા નથી.

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરેને): મનમાં ચાર ઇચ્છા ઊઠી છે. 

રીંગણાના ટુકડા નાખીને ઝોલ (રસવાળું શાક) ખાવું, શિવનાથની મુલાકાત લેવી, હરિ-નામની માળા લઈને ભક્તો જપ કરે એ જોવું અને આઠ આનાની ભાંગ લઈને અષ્ટમીને દિવસે તાંત્રિક સાધકો એ પીને જપ કરે એ જોવું અને તેમને પ્રણામ કરવા. 

નરેન્દ્ર સામે બેઠેલ. તેનું વય બાવીસ-ત્રેવીસ. વાત કરતાં કરતાં ઠાકુરની નજર નરેન્દ્ર ઉપર પડી. ઠાકુર ઊભા થઈ ગયા અને સમાધિસ્થ થયા. નરેન્દ્રના ગોઠણ પર એક પગ લંબાવી દઈને એ જ ભાવમાં ઊભેલા છે. સંપૂર્ણ બાહ્યભાન રહિત, ચક્ષુ પલકહીન.

(God impersonal and personal – સચ્ચિદાનંદ અને કારણાનંદમયી – રાજર્ષિ અને બ્રહ્મર્ષિ! ઈશ્વરકોટિ અને જીવકોટિ – નિત્યસિદ્ધની અવસ્થાઓ)

ઘણી વાર પછી સમાધિ ભંગ થઈ. તોય હજી સુધી સમાધિના આનંદનો નશો ઊતર્યાે નથી. ઠાકુર પોતાની મેળે વાત કરી રહ્યા છે. ભાવાવસ્થામાં જ પરમાત્માનાં નામ લે છે: ‘સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ!’ બોલું? ના, આજે કારણાનંદદાયિની! કારણાનંદમયી! સા, રે, ગ, મ, પ, ધ, નિ. ‘નિ’ સૂરે રહેવું ઠીક નહિ. એક સૂર નીચે રહીશ.

સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. મહાકારણમાં મન પહોંચે એટલે ચૂપ. ત્યાં વાતચીત કરવાનું બને નહિ.’

‘ઈશ્વર-કોટિ મહાકારણમાં જઈને પાછો ફરી શકે. અવતાર વગેરે ઈશ્વર-કોટિ. તેઓ ઉપર ચડે, તેમજ નીચે પણ આવી શકે. અગાશી ઉપર ચડે, તેમજ પગથિયાં પર થઈ નીચે ઊતરીને આવજા પણ કરી શકે. અનુલોમ અને વિલોમ. જેમ કે રાજાનો સાત-મજલી બંગલો, ત્યાં બહારનો માણસ દરવાજા સુધી જ જઈ શકે પણ રાજાનો કુંવર પોતાના બંગલામાં સાતે મજલા પર આવજા કરી શકે.’

‘કોઈ કોઈ એવી જાતની હવાઈ હોય, કે તેમાંથી એક વાર એક જાતનાં ફૂલ નીકળે, ત્યાર બાદ ઘડીક વાર પછી બીજી એક જાતનું ફૂલ નીકળે, ત્યાર બાદ બીજાં પાછાં નવી જાતનાં. એ હવાઈનું જાત જાતનાં ફૂલ કાઢવાનું પૂરું જ ન થાય.

બીજી એક જાતની હવાઈ થાય છે. તેને દીવાસળી ચાંપી એટલે તરત ભસ્સ્સ્ કરીને ભાંગી જાય. તેમ જો સાધારણ જીવ સાધના કરીને ઉપર પહોંચે, તો પછી નીચે ઊતરી આવીને ખબર આપી શકે નહિ. જીવ-કોટિને સાધ્યસાધના કરીને સમાધિ થઈ શકે. પરંતુ સમાધિ પછી તે નીચે ઊતરીને આવી શકે નહિ, કે આવીને કશા ખબર આપી શકે નહિ.

‘બીજો એક વર્ગ છે: નિત્ય-સિદ્ધોનો વર્ગ. તેઓ જન્મથી જ ઈશ્વરને ઇચ્છે. સંસારની કોઈ વસ્તુ તેમને ગમે નહિ. વેદમાં છે એક હોમા પંખીની વાત. એ પંખી ખૂબ ઊંચે આકાશમાં જ રહે. આકાશમાં એ ઇંડું મૂકે. એટલું ઊંચે રહે કે એ ઇંડું કેટલાય દિવસ સુધી પડ્યા કરે. પડતાં પડતાં એ ઇંડું ફૂટી જાય એટલે તેમાંથી નીકળેલું બચ્ચું પડ્યા કરે. ઘણાય દિવસ સુધી તે પડ્યા કરે. પડતાં પડતાં આંખો ઊઘડે અને પાંખો ફૂટે. છતાંય તે પડ્યે રાખે. એમ પડતાં પડતાં જ્યારે જમીનની નજીક આવી પહોંચે ત્યારે તેને ચૈતન્ય થાય ને એ સમજી શકે કે તે જમીનને અડક્યું કે મોત! એટલે પછી ચીં ચીં કરતુંને મા તરફ સીધેસીધું દોટ મૂકે. જમીન પર મોત નક્કી, એટલે જમીન દેખીને ડર લાગી જાય. એટલે પછી મા જોઈએ. મા ત્યાં ઊંચે આકાશમાં રહે. તેની તરફ દોટ મૂકે. બીજી કોઈ બાજુએ નજર સરખીયે નહિ.

‘અવતારની સાથે જેઓ આવે, તેઓ નિત્ય-સિદ્ધ અથવા કોઈનો છેલ્લો જન્મ.’

(વિજયને): તમારે બન્ને છે, યોગ અને ભોગ. જનક રાજાને યોગ હતો ને ભોગ પણ હતો. એટલે જનક રાજર્ષિ, રાજા અને ઋષિ બન્ને. નારદ દેવર્ષિ, શુકદેવ બ્રહ્મર્ષિ.

‘શુકદેવ બ્રહ્મર્ષિ. શુકદેવ માત્ર જ્ઞાની નહિ, જ્ઞાનની ઘનમૂર્તિ. જ્ઞાની કોને કહે? જેને જ્ઞાન થયું હોય, સાધના કરી કરીને જ્ઞાન થયું હોય. શુકદેવ તો જ્ઞાનની મૂર્તિ. અર્થાત્ જાણે કે જ્ઞાનનો ગઠ્ઠો બંધાયેલો. એની મેળે જ જ્ઞાની થયેલ, સાધના કરીને નહિ.’

આ વાતો કરતાં કરતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ સ્વસ્થ થયા છે. હવે ભક્તોની સાથે વાતો કરી શકશે.

કેદારને ગીત ગાવાનું કહે છે. કેદાર ગાય છે:

‘‘મનની વાત કહું શું સખી! એ કહેવાની છે રે મના,

દુ:ખ સમજનાર ન હોય તો જીવ રહે ના.

મનનું માણસ હોય જે જન, 

ઓળખી શકાય રે તેનાં નયન,

અરે એ તો એક કે બે જન, ભાવે તરે, રસે ડૂબે,

એ તો અવળે પાણીએ કરે આવાગમન…

(ભાવનું માણસ તો અવળે પાણીએ કરે આવાગમન)’

ગીત: ગૌર પ્રેમ તરંગ લાગ્યો છે અંગે,

એના હિલોળે, પાખંડદલન થાયે,

આ બ્રહ્માંડ સઘળું ડૂબી જાય રે તળિયે! મન ડૂબ્યું છે તલે;

રે સખી, મારા મનને ગૌર ચાંદના પ્રેમરૂપી મગરમચ્છે ગળ્યું રે!

શું કોઈ જાણનાર છે વ્યથા, દર્દીને હાથ ગ્રહીને બહાર કાઢે.

ગીત: જે જન ન ઓળખે પ્રેમના ઘાટને રે!

ગીતો પૂરાં થયા પછી વળી ઠાકુર ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. શ્રીયુત્ કેશવ સેનનો ભત્રીજો નંદલાલ હાજર હતો. તે અને તેમના એક બે બ્રાહ્મ-સમાજી મિત્રો ઠાકુરની પાસે બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરે ભક્તોને): એક જણ દારૂની બાટલી લાવ્યો હતો. હું અડવા ગયો પણ અડી શક્યો નહિ!

વિજય: આહા!

શ્રીરામકૃષ્ણ: સહજાનંદ થયે એમને એમ જ નશો થઈ જાય, દારૂ પીવાની જરૂર પડે નહિ. માતાજીનું ચરણામૃત દેખીને જ મને નશો ચડી જાય. બરોબર જાણે પાંચ શીશા દારૂ પીધો હોય ને, તેમ!

(જ્ઞાની અને ભક્તોની અવસ્થા – જ્ઞાની અને ભક્તોના આહારના નિયમ)

‘મારી આ અવસ્થામાં બધે વખતે બધું ખાવું ચાલે નહિ.’

નરેન્દ્ર: ખાવાપીવા સંબંધે તો યદૃચ્છા-લાભ જ સારો.

શ્રીરામકૃષ્ણ: ખાસ અવસ્થામાં એ થાય. જ્ઞાનીને માટે કશાનો દોષ નહિ. ગીતાના મત પ્રમાણે જ્ઞાની પોતે ખાય નહિ, કુંડલિનીને આહુતિ આપે.

‘પણ ભક્તને માટે એમ નથી. મારી અત્યારની અવસ્થા એવી છે કે બ્રાહ્મણે રાંધીને ભગવાનને ભોગ ધરાવ્યો ન હોય તો હું ખાઈ ન શકું.’

‘અગાઉ એવીયે અવસ્થા થઈ હતી કે દક્ષિણેશ્વરની પેલી પાર સ્મશાનમાંથી બળતાં મડદાંની જે ગંધ આવતી, તે ગંધ નાકની અંદર ખેંચી લેતો; એવી તે મીઠી લાગતી. પણ અત્યારે સહુ કોઈનું ખાઈ શકતો નથી.’

ખાઈ શકું નહિ ભલે, પણ વળી એકાદ વાર ખવાઈયે જાય. કેશવ સેનને ઘેર નવ-વૃંદાવન નાટક જોવા માટે મને લઈ ગયા હતા. ત્યાં પૂરી-શાક લાવ્યા. તે ધોબી લાવ્યો હતો કે હજામ લાવ્યો હતો એ ખબર નથી. (સૌનું હાસ્ય). મજાનું ખાધું. રાખાલ કહે કે જરા ખાઈ લો.

(નરેન્દ્રને): તારું હવે (જ્ઞાન-પ્રાપ્તિ) થશે. તું આમાંય (વહેવારમાંય) છો અને એમાંય (જ્ઞાનમાંય) છો. તું બધું ખાઈ શકીશ.

(ભક્તોને): ‘ડુક્કરનું માંસ ખાઈનેય જો ઈશ્વર ઉપર પ્રેમ રહે, તો તે માણસ ધન્ય! અને હવિષ્યાન્ન રાંધીને ભલે ખાય પણ જો કામિની-કાંચનમાં મન રહે તો તેને ધિક્કાર!

(પૂર્વકથા – પ્રથમ ઉન્માદે બ્રહ્મજ્ઞાન અને જાતિભેદબુદ્ધિત્યાગ – કામારપુકુર ગમન – ધની લુહારણ, રામલાલના પિતા – ગોવિંદરાય પાસે અલ્લાહ મંત્ર)

‘મને લુહારના ઘરની દાળ ખાવાની ઇચ્છા થઈ હતી. નાનપણથી જ લુહારો કહેતા કે ‘બ્રાહ્મણોને વળી રાંધતાં શું આવડે?’ એટલે પછી એક દિવસ લુહારના ઘરની દાળ ખાધી; પણ એમાં લુહારના ઘરની લુહારિયા લુહારિયા ગંધ આવતી હતી ખરી. (સૌનું હાસ્ય). (પરમહંસદેવ તેમની જનોઈ વખતે પ્રથમ ભિક્ષા દેનારી ધની લુહારણને ઘેર ગયા હતા.)

‘ગોવિંદરાય સૂફીની પાસેથી મેં ‘અલ્લાહ’ મંત્ર લીધો. બાબુના બંગલામાં ડુંગળી નાખીને ભાત બનાવ્યો હતો તે થોડોક ખાધો. મણિ મલ્લિકના વરાહનગરના બગીચામાં શાક ખાધું, પણ કેવી એક જાતની ઘૃણા આવી!’

‘દેશમાં ગયો હતો, રામલાલના પિતા ડરી ગયા. એને લાગ્યું કે આ તો જેના તેના ઘરમાં ખાશે. એવો પણ ભય લાગ્યો કે કદાચ એને નાતબહાર મૂકી દેશે. એટલે હું ત્યાં વધુ દિવસ ન રહી શક્યો, પાછો આવી ગયો.’

(વેદ, પુરાણ, તંત્ર મતમાં શુદ્ધાચાર કેવો?)

‘વેદ-પુરાણમાં શુદ્ધ આચારની વાત છે. વેદ-પુરાણમાં જે ન કરવાનું કહી ગયા છે કે ‘કરશો મા, કરવાથી અનાચાર થાય,’ તંત્રોમાં વળી બરાબર તેને જ સારું કહેવામાં આવ્યું છે. 

મારી શી અવસ્થાઓ ગઈ છે! મોઢું પહોળું કરતો આકાશ પાતાળને અડે એટલું અને મા એમ કહેતો, જાણે કે માને પકડી લાવું છું! જાણે કે જાળ નાખીને માછલાંને સરર સરર કરીને તાણી લાવવાં! ગીતમાં છે ને? કે:

આ વેળા કાલી તને ખાઉં, (ખાઉં ખાઉં તને, પણ વારી જાઉં;)

તારા-ગંડ-યોગમાં મારો જનમ –

ગંડ-યોગમાં જન્મે જે, થાય શું માતાભક્ષી બાળક તે,

આ વેળા તમે ખાઓ કે હું ખાઉં, બેમાંથી એક કરી જાઉં…

હાથે કાલી, મુખે કાલી, સર્વાંગે કાલી લગાવું;

જમ આવે બાંધવા જ્યારે, એ જ કાળી તેને મોઢે દઉં.

ખાઉં ખાઉં કરું મા હું, પેટમાં નાખું નહિ રે હું;

આ હૃદયપદ્મ માંહે બેસારું, મનમાનસથી પૂજા કરું.

જો કહો કે કાલી ખાધે, કાળને હાથે માર્યાે જાઉં;

મને ભય નહિ એ માટે, કાલી કહી કાળને થાપ દઉં-

ડાકણ જોગણી લઈ, શાકભાજી બનાવી ખાઉં;

મુંડમાલા તારી તાણી લઉં, ખાટા શાકનો વઘાર દઉં.

કાલીનો બેટો શ્રીરામપ્રસાદ, સારી રીતે એમ જણાવું;

કાં મંત્રસાધન ને કાં દેહનું પતન, એ બેમાંથી એક થવાનું –

‘મારી ઉન્મત્ત જેવી અવસ્થા થઈ હતી. એવી વ્યાકુળતા!’

નરેન્દ્રનાથ ગીત ગાવા લાગ્યા:

‘મને દે મા પાગલ કરી’ (બ્રહ્મમયી), હવે નહિ કામ જ્ઞાન વિચાર્યે…

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર વળી સમાધિ-મગ્ન થયા.

સમાધિભંગ થયા પછી ઠાકુર ગિરિ-રાણી મેનકાનો ભાવ પોતામાં આરોપિત કરીને આગમની-ગીત ગાય છે. તેમાં ગિરિ-રાણી કહે છે, ‘પુરવાસીઓ, શું મારી ઉમા આવી?’ ઠાકુર પ્રેમોન્મત થઈને ગીત ગાય છે.

ગીત પછી ઠાકુર ભક્તોને કહે છે કે આજે મહા-અષ્ટમી છે ને? મા આવ્યાં છે ને, એટલે આટલું ઉદ્દીપન થાય છે.

કેદાર: પ્રભુ, આપ જ પધાર્યા છો, મા શું આપથી જુદાં? ઠાકુરે બીજી બાજુએ નજર કરીને એમને એમ પોતાના ખ્યાલથી ગીત ઉપાડ્યું:

‘થયો જેના સારુ પાગલ, તેને પામ્યો ક્યાં?

બ્રહ્મા પાગલ, વિષ્ણુ પાગલ, તેમજ પાગલ શિવ,

ત્રણ પાગલોએ યુક્તિ કરીને, ભાંગિયું નવદ્વીપ…

બીજો એક પાગલ જોઈને આવ્યો, વૃંદાવનની માંય,

રાઈને રાજા શણગારીને, પોતે કોટવાલ થાય…

બીજો એક પાગલ દેખી આવ્યો નવદ્વીપને પંથે,

રાધા-પ્રેમ-સુધા પીવા પ્યાલી ચંબુ હાથે…

વળી ભાવમાં મસ્ત થઈને ઠાકુર ગીત ગાય છે:

‘ક્યારે કયે રંગે રહો મા શ્યામા, સુધાતરંગિણી!

તમે રંગે ભંગે અપાંગે અંગે ભંગ દીઓ જનની! …

કૂદે ઠેકે કંપે ધરા, અસિધરા કરાલિની!

(તમે) ત્રિગુણા, ત્રિપુરા, તારા, ભયંકરા કાલકામિની;

સાધકની વાંછા પૂર્ણ કરે, નાનારૂપ ધારિણી;

કદી કમળે કમળે રહો મા પૂર્ણબ્રહ્મ સનાતની.’

ઠાકુર ગીત ગાય છે. એટલામાં અચાનક ‘હરિબોલ, હરિબોલ’ કહેતાં કહેતાં વિજય ઊભા થઈ ગયા. ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ ભાવમાં મસ્ત થઈને વિજય વગેરે ભક્તો સાથે નૃત્ય કરવા લાગ્યા.

Total Views: 363
ખંડ 29: અધ્યાય 2 : વિજય ગોસ્વામીને ઉપદેશ
ખંડ 30: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે