વિજય હજી એ વખતે પણ સાધારણ બ્રાહ્મ-સમાજના અનુયાયી અને પગારદાર ઉપદેશક હતા. પરંતુ આજકાલ એ બ્રાહ્મ-સમાજના બધા નિયમો માનીને ચાલી શકતા નથી. એ સાકારવાદીઓની સાથે પણ ભળે છે. એ બધાને લીધે સાધારણ બ્રાહ્મ-સમાજના મોવડીઓ સાથે તેમનો મતભેદ થયો છે. બ્રાહ્મ-સમાજના અનુયાયીઓમાંથી ઘણાય તેમના ઉપર નારાજ થયા છે. ઠાકુર અચાનક વિજયને ઉદ્દેશીને બોલે છે.

શ્રીરામકૃષ્ણ (વિજયને, હસતાં હસતાં) – તમે સાકારવાદીઓની સાથે હળો-મળો છો, એટલા માટે સંભળાય છે કે તમારી બહુ નિંદા થઈ છે! જે ભગવાનનો ભક્ત હોય તેની બુદ્ધિ કુટસ્થ હોવી જોઈએ; જેવી કે લુહારની કાૅઢ માંહેની એરણ. તેના પર હથોડીના ઘા પડ્યા જ કરે, પણ એરણને તેની જરાય અસર થાય નહિ. તેમ નરસા માણસો તમને કેટલુંય સંભળાવીને તમારી નિંદા કરશે, પણ જો તમે અંતઃકરણથી ભગવાનને ઇચ્છતા હો તો તમે બધું સહન કરજો. દુષ્ટ લોકોની વચ્ચે રહીનેય શું ઈશ્વર-ચિંતન થાય નહિ? જુઓ ને, ઋષિમુનિઓ જંગલની અંદર રહીને ઈશ્વર-ચિંતન કરતા ને? ચારે બાજુ વાઘ, રીંછ, વગેરે જાતજાતનાં હિંસક જાનવરો. નઠારા લોકોનો વાઘ-રીંછના જેવો સ્વભાવ, દોડી આવીને નુકસાન કરે. 

આવા કેટલાકથી સાવચેત રહેવું. પહેલાં તો મોટો માણસ. તેની પાસે પૈસા, માણસો વગેરે હોય, તેના મનમાં આવે તો તે તમારું નુકસાન કરી શકે. એવાની સામે સાવચેત રહીને વાતચીત કરવી. કાં તો એ જે કહે તેમાં હા ભણ્યે જવી જોઈએ. ત્યાર પછી કૂતરું. કૂતરું જ્યારે દોડી આવે, કે હાઉ હાઉ કરતું ને ભસતું આવે ત્યારે ઊભા રહીને મોઢેથી બૂચ બૂચ એમ બૂચકારો કરીને તેને શાંત કરવું જોઈએ. ત્યાર પછી સાંઢ. એ શિંગડું મારવા આવે તો તેનેય મોઢાનો અવાજ કરીને શાંત કરવો જોઈએ. ત્યાર પછી દારૂ પીધેલો માણસ. તેને જો ખીજવી દો તો એ સાત પેઢીની સંભળાવે : ‘તારા બાપનું આમ ને તારા બાપનું તેમ,’ એમ કહીને ગાળો દે. તેને પણ કહેવું જોઈએ, ‘કાં કાકા, કેમ છો?’ તો એ બહુ રાજી થાય. તો એ તમારી પાસે બેસીને હુક્કો પીએ!

‘નરસું માણસ જોતાં વેંત હું સાવચેત થઈ જાઉં. જો કોઈ આવીને કહે કે, અલ્યા એય! હોકો બોકો છે?’ તો હું કહું કે ‘હા, છે.’

‘કોઈ કોઈનો સાપના જેવો સ્વભાવ. તમે જાણતાય ન હો ને તમને કરડે. એ કરડને સંભાળી લેતાં બહુ જ વિચાર કરવો પડે. નહિતર તમને જ એવો ગુસ્સો આવી જાય કે ઊલટું તેનું બૂરું કરવાની ઇચ્છા થાય. માટે અવારનવાર સત્સંગની બહુ જ જરૂર. સત્સંગ કરીએ તો જ સત્ અસત્‌નો વિચાર આવે.

વિજય – ફુરસદ નથી મળતી. અમે અહીંયાં નોકરીમાં બંધાયા છીએ.

શ્રીરામકૃષ્ણ – તમે લોકો તો આચાર્ય. બીજાને ફુરસદ મળે, પણ આચાર્યને ફુરસદ ન મળે. કારભારી એક તાલુકાને કાબૂમાં લાવે એટલે તેને બીજે ઠેકાણે વ્યવસ્થા કરવા મોકલે. એટલે તમને ફુરસદ ન હોય. (સૌનું હાસ્ય).

વિજય (હાથ જોડીને) – આપ જરા આશીર્વાદ આપો.

શ્રીરામકૃષ્ણ – એ બધી અજ્ઞાનની વાતો. આશીર્વાદ ઈશ્વર આપે!

(ગૃહસ્થ બ્રહ્મજ્ઞાનીને ઉપદેશ – ગૃહસ્થાશ્રમ અને સંન્યાસ)

વિજય – જી, આપ કંઈક ઉપદેશ આપો!

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મ-સમાજના ઓરડામાં ચારે બાજુ નજર કરીને, સહાસ્ય) – એક રીતે આ મજાનું. દૂધમાં ને દહીંમાં. દૂધમાંય છે અને દહીંમાંય છે. (સૌનું હાસ્ય). હું વધુ આગળ જઈને બળી ગયો છું. (સૌનું હાસ્ય). નકસની (ચોપાટ જેવી) રમત જાણો છો ને? તેમાં જરૂર હોય તેથી વધારે હાથ કરવાથી બળી જાય. એ એક જાતની ગંજીફાની રમત છે. જેઓ જરૂર કરતાં ઓછાએ રહે, પાંચે રહે, સાતે રહે, દસે રહે, તેઓ શાણા. હું વધારે હાથ કરવાથી બળી ગયો છું.

‘કેશવ સેને તેમને ઘેર લેક્ચર આપ્યું. હું સાંભળતો હતો. ઘણાય માણસો બેઠા હતા. ચકની પાછળ બૈરાં પણ હતાં. કેશવ કહે કે ‘હે ઈશ્વર, તમે આશીર્વાદ આપો કે અમે ભક્તિ-નદીમાં એકદમ ડૂબી જઈએ.’

‘મેં હસીને કેશવને કહ્યું કે ‘જો તમે ભક્તિ નદીમાં ડૂબી જાઓ તો પછી ચક પાછળ જેઓ બેઠાં છે તેમની શી દશા થાય? માટે એક કામ કરો. અવારનવાર ડૂબકી મારવી અને અવારનવાર કાંઠે આવવું. એકદમ ઊંડી ડૂબકી મારીને છેક તળીએ જાઓ મા.’ એ વાત સાંભળીને કેશવ અને બધા ખડખડાટ હસવા લાગ્યા.

‘તે એનો વાંધો નહિ. અંતરથી જો ઇચ્છા હોય તો સંસારમાંય ઈશ્વર-પ્રાપ્તિ કરી શકાય. ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન. અને ‘હે ઈશ્વર, ‘તમે’ અને ‘તમારું’ એ જ્ઞાન.

‘સંસારમાં રહો તો મોટા માણસના ઘરની કામવાળીની પેઠે રહો. એ શેઠના ઘરનું બધુંય કામ કરે. છોકરાં મોટાં કરે. શેઠનાં છોકરાંને કહેશે કે ‘મારો હરિ.’ પણ મનમાં મનમાં બરાબર જાણે કે આ ઘરેય મારું નથી ને આ છોકરોય મારો નથી. વળી તે શેઠના ઘરનું બધું કામ કરે, પણ તેનું મન પોતાને ઘેર ગામડામાં પડ્યું હોય. તેવી રીતે સંસારનું બધું કામ કરો, પણ મન ઈશ્વર તરફ રાખો. અને જાણવું કે ઘરબાર, સ્ત્રી, પુત્ર એ બધાં આપણાં નથી પણ એ બધાં ઈશ્વરનાં; હું તો માત્ર તેનો દાસ. 

હું મનથી ત્યાગ કરવાનું કહું, સંસાર છોડી દેવાનું કહું નહિ. અનાસક્ત થઈને સંસારમાં રહીને, આંતરિક રીતે ઈશ્વરને ચાહવાથી તેને પ્રાપ્ત કરી શકાય. 

(બ્રાહ્મસમાજ અને ધ્યાનયોગ – Yoga-Subjective and Objective)

(વિજયને) હુંય આંખ મીંચીને ધ્યાન કરતો. ત્યાર પછી વિચાર આવ્યો કે આમ કર્યે જ (આંખ બંધ કર્યે જ) શું ઈશ્વર છે, ને આમ કર્યે (આંખ ઉઘાડી રાખ્યે) શું ઈશ્વર નથી? આંખ ઉઘાડીનેય હું તો જોઉં છું કે ઈશ્વર સર્વ ભૂતોમાં રહ્યો છે. માણસ, જીવજંતુ, ઝાડપાન, સૂર્ય, ચંદ્રની અંદર, જળમાં, સ્થળમાં, સર્વ ભૂતોમાં ઈશ્વર છે.

(શિવનાથ – શ્રીયુત્ કેદાર ચેટર્જી)

‘હું શા માટે શિવનાથને ચાહું છું? જે ઘણા દિવસ સુધી ઈશ્વર-ચિંતન કરે, તેની અંદર સાર હોય, તેની અંદર ઈશ્વરની શક્તિ હોય. તેમજ વળી જે સારું ગાય, સારું બજાવે, કોઈ પણ એક વિદ્યા બહુ સારી રીતે જાણે, તેની અંદર પણ સાર હોય, ઈશ્વરની શક્તિ હોય. આ ગીતાનો મત. (યદ્યદ્વિભૂતિમત્ સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા। તાદેવાવગચ્છ ત્વં મમ તેજાેંઽશસંભવમ્।। જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બલશાલી -શક્તિયુક્ત- હોય, તે તે મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે, એમ તું જાણ. ગીતા – ૧૦.૪૧) ચંડીમાં છે કે જે ખૂબ સુંદર હોય તેની અંદર પણ સાર છે, ઈશ્વરની શક્તિ છે. (વિજયને) આહા! કેદારનો સ્વભાવ કેવો થયો છે! આવતાંની સાથે હરિ-પ્રેમથી રુદન કરે. તેની બન્ને આંખો હંમેશાં જાણે ધ્યાનથી રતુમડી થઈ રહી છે.’

વિજય – ત્યાં કેવળ આપની જ વાતો અને એ આપની પાસે આવવા સારુ આતુર! (પરમભક્ત કેદારનાથ ચેટર્જી સરકારી કામકાજ માટે ત્યારે ઢાકામાં રહેતા હતા. શ્રીવિજય ગોસ્વામી જ્યારે વચ્ચે વચ્ચે ઢાકા જતા ત્યારે તેમને મળતા. એ બંને ભક્ત. પરસ્પરનાં દર્શન કરીને આનંદ માણતા હતા.)

થોડીક વાર પછી ઠાકુર ઊઠ્યા. બ્રાહ્મ-ભક્તોએ તેમને નમસ્કાર કર્યા. ઠાકુરે પણ તેમને નમસ્કાર કર્યા. પછી ઠાકુર ગાડીમાં બેઠા. અધરને ત્યાં દુર્ગા માતાજીનાં દર્શન કરવા જાય છે.

Total Views: 376
ખંડ 29: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ સાધારણ બ્રાહ્મ-સમાજના મંદિરમાં
ખંડ 30: અધ્યાય 1 : મહા-અષ્ટમી દિવસે રામના ઘરે શ્રીરામકૃષ્ણ