આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નોબતખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના મધુર આલાપ કાઢી રહ્યા છે. હાથમાં ટોપલીઓ લઈને માળીઓ તથા છાબડીઓ લઈને પૂજારી બ્રાહ્મણો પુષ્પો ચૂંટવા આવી રહ્યા છે. માની પૂજા થવાની છે. 

શ્રીરામકૃષ્ણ ઘણા જ વહેલા, અંધારું હતું ત્યારે જાગ્યા છે. ભવનાથ, બાબુરામ, નિરંજન અને માસ્ટરે રાત ત્યાં જ ગાળી છે. તેઓ ઠાકુરની ઓસરીમાં સૂતા હતા. તેઓ નેત્ર ખોલીને જુએ છે તો ઠાકુર મતવાલા થઈને નૃત્ય કરી રહ્યા છે! અને બોલી રહ્યા છે, ‘જય જય દુર્ગે! જય જય દુર્ગે!’

ઠાકુર બરાબર બાળક જેવા, કમરે કપડું નહિ. માનું નામ લેતાં લેતાં ઓરડાની અંદર નાચતા ફરે છે. 

થોડી વાર પછી વળી બોલે છે, ‘સહજાનંદ! સહજાનંદ.’ છેવટે ગોવિંદનું નામ વારંવાર લે છે, ‘પ્રાણ, હે ગોવિંદ, મમ જીવન!’

ભક્તો ઊઠીને બેઠા છે. એક નજરે ઠાકુરના ભાવ જોયા કરે છે. હાજરા પણ કાલી-મંદિરે રહે છે. ઠાકુરના ઓરડાની દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાં તેમનું આસન છે. લાટુ પણ છે. એ ઠાકુરની સેવા કરે. રાખાલ એ વખતે વૃંદાવનમાં છે. નરેન્દ્ર અવારનવાર ઘેરથી આવીને દર્શન કરે. આજે નરેન્દ્ર આવવાના છે.

ઠાકુરના ઓરડાની ઉત્તર બાજુની નાની ઓસરીમાં ભક્તો સૂતા હતા. ઠંડીના દિવસો છે એટલે આડશ કરી લીધી હતી. સૌ મુખ ધોઈ આવ્યા પછી ઠાકુર આ ઉત્તર તરફની ઓસરીમાં એક ચટાઈ પર આવીને બેઠા. ભવનાથ અને માસ્ટર પાસે બેઠા છે. બીજા ભક્તો પણ અવારનવાર આવીને બેસે છે.

(જીવકોટિ સંશયાત્મા – Sceptice – ઈશ્વરકોટિનો સ્વત: સિદ્ધ વિશ્વાસ)

શ્રીરામકૃષ્ણ (ભવનાથને): ખબર છે, જેઓ જીવ-કોટિ હોય, તેમનામાં શ્રદ્ધા સહેજે આવે નહિ. ઈશ્વર-કોટિમાં શ્રદ્ધા સ્વત:સિદ્ધ. પ્રહ્લાદ ‘ક’ લખવા જતાં એકદમ પ્રેમથી રડી પડ્યા, કૃષ્ણનો ખ્યાલ આવી ગયો. જીવનો સ્વભાવ જ સંશયાત્મક બુદ્ધિ. તેઓ કહેશે: ‘હા એ ખરું, પ-અ-ણ-’.

હાજરા કોઈ રીતે માને નહિ કે બ્રહ્મ અને શક્તિ, શક્તિ અને શક્તિમાન અભિન્ન. જ્યારે નિષ્ક્રિય, ત્યારે તેને બ્રહ્મ કહું; જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે, ત્યારે હું શક્તિ કહું; પરંતુ એક જ વસ્તુ: અભિન્ન. અગ્નિ બોલતાં જ દાહક-શક્તિ આપોઆપ સમજાય; દાહક-શક્તિ બોલતાં જ અગ્નિ યાદ આવે. એકને મૂકીને બીજાનો વિચાર કરી શકાય નહિ.’

‘ત્યારે પ્રાર્થના કરી કે ‘મા, હાજરા અહીંયાંનો (મારો) મત ઉલટાવી દેવાનો પ્રયાસ કરે છે. કાં તો તેને સમજાવી દે, નહિતર અહીંયાંથી તેને રવાના કરી દે.’ ત્યાર પછી બીજે દિવસે એ પાછો આવીને કહેશે કે ‘હા, માનું છું.’ પછી કહે કે ‘વિભુ સર્વ જગાએ છે.’

ભવનાથ (હસતાં હસતાં): હાજરાની એ વાતથી આપને એટલું બધું દુ:ખ થયું હતું?

શ્રીરામકૃષ્ણ: મારી અવસ્થા બદલાઈ ગઈ છે. હવે માણસો સાથે જીભાજોડી કરી શકતો નથી. હાજરાની સાથે વાદવિવાદ કરું એવી અવસ્થા મારી હવે નથી. યદુ મલ્લિકના બગીચામાં હૃદુએ કહ્યું, ‘મામા, મને અહીં રાખવાની શું તમારી ઇચ્છા નથી?’ મેં કહ્યું ‘ના, હવે મારી એ અવસ્થા નથી; હવે તારી સાથે જીભાજોડી કરવાનું મારાથી બને નહિ.’

(હૃદયને એ વખતે કાલીમંદિરના બગીચામાં આવવાનો હુકમ ન હતો. માલિકો તેના ઉપર નારાજ થયા હતા. હૃદયની ઇચ્છા હતી કે ઠાકુર માલિકોને કહીને પાછો તેને નોકરીમાં રખાવી દે. હૃદય ઠાકુરની ખૂબ સેવા કરતો; પરંતુ કડવાં વેણ પણ એવાં જ બોલતો. ઠાકુર ખૂબ સહન કરતા. ક્યારેક ક્યારેક હૃદય શ્રીરામકૃષ્ણનો ખૂબ તિરસ્કાર કરતો.)

(પૂર્વકથા – કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણ – જગત ચૈતન્યમય – બાળસહજ વિશ્વાસ)

‘જ્ઞાન અને અજ્ઞાન કોને કહે? જ્યાં સુધી ઈશ્વર દૂર, એવું લાગતું હોય ત્યાં સુધી અજ્ઞાન; જ્યારે અહીં અહીં એવું લાગે ત્યારે જ્ઞાન.’

‘જ્યારે બરાબર જ્ઞાન થાય, ત્યારે બધી વસ્તુઓ ચૈતન્યમય લાગે. હું શિવુની સાથે વાતો કરતો. શિવુ એ વખતે તદ્દન નાનો, ચાર પાંચ વરસનો હશે. ત્યારે હું કામારપુકુરમાં હતો. વાદળ ગડગડે ને વીજળી ચમકારા કરે. શિવુ કહે છે કે, ‘કાકા, આમ જુઓ તો, ચકમકથી દેવતા પાડે છે.’ (સૌનું હાસ્ય). એક દિવસ જોઉં છું તો શિવુ એકલો, પતંગિયું પકડવા જાય છે. પાસે ઝાડનું પાંદડું હલતું હતું. એટલે પાંદડાંને કહે છે, ‘ચૂપ, ચૂપ, મારે પતંગિયું પકડવું છે!’ બાળક બધું ચૈતન્યમય જુએ. સરલ વિશ્વાસ, બાળક જેવી શ્રદ્ધા ન હોય તો ભગવાનને પામી શકાય નહિ. ઓહ! મારી શી શી અવસ્થાઓ થઈ હતી. એક દિવસે ઘાસના અગોચરમાંથી કંઈક કરડ્યું હતું એટલે બીક લાગી કે વખતે સાપ કરડ્યો હશે તો? ત્યારે હવે શું કરવું? મેં સાંભળ્યું હતું કે સાપ જો ફરીથી કરડે, તો પાછો ઝેર ચૂસી લે. એટલે તરત ત્યાં બેસીને ખાડો શોધવા લાગ્યો, કે જેથી વળી પાછો સાપ કરડે. એમ કરી રહ્યો છું ત્યાં એક જણે કહ્યું કે ‘ત્યાં શું કરો છો?’ મારું કહેવું બધું સાંભળીને તેણે કહ્યું કે અગાઉ જ્યાં કરડ્યો હોય બરાબર એ જ જગાએ પાછો કરડવો જોઈએ. એટલે પછી ઊઠીને હું ચાલ્યો આવ્યો. મને લાગે છે કે વીંછી કરડ્યો હશે.

‘બીજે એક દિવસે રામલાલની પાસેથી સાંભળ્યું કે શરદ ઋતુનું હીમ બહુ સારું. કોઈ એક જગાએ શ્લોકમાં છે, એમ રામલાલ બોલેલો. એટલે હું કોલકાતાથી ગાડીમાં બેસીને આવતી વખતે આખે રસ્તે ડોકું ગાડીની બરાબર બહાર રાખીને આવ્યો કે જેથી વધુ હિમ લાગે. પછી થઈ શરદી! (સૌનું હાસ્ય).

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ઔષધ)

હવે ઠાકુર ઓરડાની અંદર આવીને બેઠા. તેમના બન્ને પગ જરાતરા સૂજેલા જેવા લાગતા હતા. તેમણે ભક્તોને હાથ લગાડીને જોવાનું કહ્યું, કે આંગળી દબાવ્યે ખાડો પડે છે કે નહિ. જરા જરા ખાડો પડતો લાગ્યો; પણ બધાય કહેવા લાગ્યા કે ‘ખાસ કંઈ નથી.’

શ્રીરામકૃષ્ણ (ભવનાથને): તું સિંથિના મહેન્દ્ર (વૈદ્ય)ને બોલાવી આવજે. એ કહેશે ત્યારે મારા જીવને શાંતિ થશે.

ભવનાથ (હસીને): આપને દવા ઉપર ખૂબ શ્રદ્ધા, અમને એટલી બધી નહિ.

શ્રીરામકૃષ્ણ: દવા પણ ઈશ્વરની જ. ઈશ્વર જ એકરૂપે વૈદ્ય. ગંગાપ્રસાદે કહ્યું ‘આપે રાતે પાણી ન પીવું, મેં એ વચન વેદવાક્ય પ્રમાણે પકડી રાખ્યું છે. કારણ કે હું જાણું કે એ સાક્ષાત્ ધન્વંતરી!’

Total Views: 294
ખંડ 30: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે
ખંડ 31: અધ્યાય 2 : નરેન્દ્ર, ભવનાથ વગેરે વચ્ચે સમાધિસ્થ