હાજરા મહાશય આવીને બેઠા. આડીઅવળી વાતો પછી ઠાકુરે હાજરાને કહ્યું, ‘જુઓ, કાલે રામને ઘેર તો આટલા બધા માણસો બેઠા હતા: વિજય, કેદાર, વગેરે. તો પણ નરેન્દ્રને જોઈને આટલો ભાવ થયો શા માટે? કેદારમાં મેં જોયું કે કારણાનંદભાવ.’

આગલે દિવસે મહા-અષ્ટમીને દિવસે, ઠાકુર કોલકાતામાં દુર્ગા-પ્રતિમાનાં દર્શન કરવા ગયા હતા. અધરને ઘેર પ્રતિમા દર્શન કરવા જતાં પહેલાં રામને ઘેર થઈને ગયા હતા. ત્યાં ઘણા ભક્તો એકઠા થયા હતા. નરેન્દ્રને જોઈને ઠાકુર સમાધિમાં આવી ગયા હતા. નરેન્દ્રના ઘૂંટણ ઉપર પગ લંબાવી દીધો હતો અને ઊભા ઊભા સમાધિ થઈ હતી.

જોતજોતામાં નરેન્દ્રનાથ આવીને હાજર. એટલે તો પછી ઠાકુરના આનંદની અવધિ રહી નહિ. નરેન્દ્રનાથે ઠાકુરને પ્રણામ કર્યા. પછી એ જ ઓરડામાં ભવનાથ વગેરેની સાથે જરા વાતચીત કરે છે. પાસે માસ્ટર. ઓરડામાં લાંબી ચટાઈ પાથરેલી. નરેન્દ્રનાથ વાતો કરતાં કરતાં પેટ પર લાંબા પડીને ચટાઈ પર સૂતેલ છે. અચાનક તેને જોતાં જોતાં ઠાકુર સમાધિસ્થ થયા. જઈને તેની પીઠ ઉપર બેઠા. સમાધિસ્થ.

ભવનાથ ગીત ગાય છે:

મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા,

એ બે ચરણ વિના મારું મન, બીજું કશું હવે જાણે ના.

ઠાકુરની સમાધિ ઊતરી જાય છે અને ઠાકુર ગાય છે:

ક્યારે કયે રંગે રહો મા શ્યામા, સુધાતરંગિણી!

વળી ઠાકુર ગાય છે:

બોલો રે શ્રી દુર્ગાનામ, 

(અરે મારા મારા મન રે)

નમો નમો નમો ગૌરી, નમો નારાયણી-

દુ:ખી દાસ પર કરો દયા, તમે છો યામિની,

તમે દિવસ, તમે સંધ્યા, તમે જ એ યામિની,

ક્યારેક પુરુષ થાઓ મા, ક્યારેક કામિની –

રામરૂપે ધરો ધનુષ મા, કૃષ્ણરૂપે બંસી,

ભુલાવ્યું મા શિવનું મન, થઈને તમે મુક્તકેશી-

દશ મહાવિદ્યા તમે મા, દશ અવતાર,

કોઈ પણ રીતે આ વેળા, મને કરો મા, પાર-

યશોદાએ પૂજ્યાં હતાં, જાસૂદ, બિલ્વ-દળે;

મનોવાંછા પૂર્ણ કરી, કૃષ્ણ આપી ખોળે-

ગમે ત્યાં રહું હું મા, રહું ઘોર વને,

રાત દિન મન રહે, તવ લાલ ચરણે…

ગમે ત્યાં મરું હું મા, વિપત્તિ છેવટે,

અંતકાળે જીભ મારી, શ્રી દુર્ગા દુર્ગા રટે-

જો કહો કે જાઓ જાઓ, મા! જવું મારે કોની પાસે,

અમૃત જેવું ‘તારા’ નામ, છે બીજા કોની પાસે?-

જો કહો છોડ છોડ, મા, હું નથી છોડવાનો,

ઝમઝમતું ઝાંઝર બની, તારે પગે વાગવાનો –

જ્યારે બિરાજશો ઓ મા! તમે સદાશિવની પાસે,

જય શિવ, જય શિવ, બજું હું ચરણે.

ચરણોમાં નામ લખતાં જો ચરણે ખરોચ આવે,

નામ લખી રાખું તારું ધરતી પરે, 

તમે રાખો ચરણ તવ પરે,

સમળી થઈને મા તું, આકાશે ઊડીશ જ્યારે,

મીન થઈને હું રહીશ જળે, નખથી ઊંચકી લેજે ત્યારે –

નખ-આઘાતથી બ્રહ્મમયી, જ્યારે મરી જાયે પ્રાણી,

કૃપા કરી આપો માતા, રાતા પગ શિવરાણી!-

પાર કરો ઓ મા કાલી, કાળની કામિની,

તારવાને બે ચરણ, તમે કર્યા છે તરણી –

તમે સ્વર્ગ, તમે મર્ત્ય, તમે છો પાતાળ,

તમમાંથી હરિ બ્રહ્મા, દ્વાદશ ગોપાળ,

ગૌલોકે સર્વમંગલા, વ્રજે કાત્યાયિની

કાશીમાં મા અન્નપૂર્ણા, અનંત-રૂપિણી –

‘દુર્ગા દુર્ગા દુર્ગા’ બોલી જે કો’ રસ્તે ચાલ્યો જાય,

શૂલ હાથે શૂલપાણિ રક્ષા તેની કરતા જાય –

Total Views: 357
ખંડ 31: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર, ભવનાથ વગેરેની સાથે
ખંડ 31: અધ્યાય 3 : ભવનાથ, નરેન્દ્ર વગેરેની વચ્ચે શ્રીરામકૃષ્ણની સમાધિ અને નૃત્ય