(માસ્ટર, બાબુરામ, ગોપાલ, હરિપદ, નિરંજનનો આત્મીય, રામલાલ, હાજરા)

આજે શ્રીકાલીપૂજા. શનિવાર, ૧૮મી ઑક્ટોબર; ઈ.સ. ૧૮૮૪, ૩ કાર્તિક, અમાવાસ્યા. રાતના દસ અગિયારને સમયે શ્રીશ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે છે. એટલે જલદી જલદી આવી રહ્યા છે.

માસ્ટર રાતના લગભગ આઠ વાગ્યાને સુમારે એકલા આવી પહોંચ્યા. બગીચામાં આવીને જોયું તો કાલી-મંદિરમાં મહોત્સવ શરૂ થઈ ગયો છે. વાડીની અંદર ઠેકઠેકાણે દીવા; તેમના પ્રકાશમાં દેવમંદિર સુશોભિત થઈ રહ્યું છે. વચ્ચે વચ્ચે શરણાઈ વાગી રહી છે. કર્મચારીઓ ઉતાવળે પગે મંદિરના એક સ્થાનેથી બીજે સ્થાને આવજા કરી રહ્યા છે. આજે રાસમણિના કાલીમંદિરમાં મોટો ઉત્સવ-સમારંભ થવાનો, એમ દક્ષિણેશ્વર ગામના માણસોએ સાંભળ્યું છે, વળી પાછલી રાત્રે નાટક થવાનું છે. એટલે ગામમાંથી નાનાં મોટાં, નરનારી વગેરે ઘણાં માણસો દેવદર્શન કરવા આવ્યા જ કરે છે.

સાંજે ચંડીનાં કીર્તન થયાં હતાં, રાજનારાયણનાં ચંડીનાં કીર્તન. ઠાકુરે ભક્તો સાથે પ્રેમ અને આનંદથી એ કીર્તન સાંભળ્યાં છે. અત્યારે વળી જગન્માતાની પૂજા થવાની. ઠાકુર આનંદમાં તરી રહ્યા છે.

રાત્રે આઠ વાગ્યાને સમયે પહોંચીને માસ્ટર જુએ છે તો ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. તેમની સામે જમીન ઉપર ભક્તો બેઠા છે, બાબુરામ, છોટો ગોપાલ, હરિપદ, કિશોરી, નિરંજનનો એક સંબંધી છોકરો અને અેંડેદા (આરિયાદહ)નો બીજો એક છોકરો વગેરે છે. રામલાલ અને હાજરા વચ્ચે વચ્ચે આવે છે અને જાય છે.

નિરંજનનો સંબંધી છોકરો ઠાકુરની સામે ધ્યાન કરે છે. ઠાકુરે તેને ધ્યાન કરવાનું કહ્યું છે.

માસ્ટર પ્રણામ કરીને બેઠા. થોડીવાર પછી નિરંજનના સંબંધી છોકરાએ પ્રણામ કરીને રજા લીધી. અેંડેદાનો બીજો છોકરો પણ પ્રણામ કરીને ઊભો રહ્યો, એની સાથે જવા સારુ.

શ્રીરામકૃષ્ણ (નિરંજનના સંબંધીને): પાછા તમે ક્યારે આવશો?

ભક્ત: જી, સોમવારે, એમ લાગે છે.

શ્રીરામકૃષ્ણ (આગ્રહથી): ફાનસ જોઈએ? સાથે લઈ જવું છે?

ભક્ત: જી ના. આ બગીચાની પાસે જ છે; કાંઈ જરૂર નથી.

શ્રીરામકૃષ્ણ (અેંડદાના છોકરાને)- તુંય ચાલ્યો?

છોકરો: જી. શર્દી –

શ્રીરામકૃષ્ણ: વારુ, માથે લૂગડું ઓઢીને જજે.

વળી પ્રણામ કરીને બન્ને છોકરાઓ ચાલ્યા ગયા.

Total Views: 326
ખંડ 34: અધ્યાય 12 : શ્રીરામકૃષ્ણ અને કર્મકાંડ - કર્મકાંડ કઠિન છે એટલે જ ભક્તિયોગ
ખંડ 34: અધ્યાય 14 : દક્ષિણેશ્વરમાં કાલીપૂજા મહારાત્રીએ શ્રીરામકૃષ્ણ ભજનાનંદે