કાલી-મંદિરની સામે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ચારે બાજુ બેઠા છે. તેઓ અત્યાર સુધી આશ્ચર્યચકિત થઈને તેમના શ્રીમુખની વાણી સાંભળી રહ્યા હતા.

હવે ઠાકુર ઊઠ્યા. તેમણે મંદિરની સામે ઓટલા ઉપર આવીને જમીન પર માથું મૂકીને માને પ્રણામ કર્યા. ભક્તો બધા તેમની પાસે ઝટઝટ આવીને તેમને ચરણે નમી પડ્યા. સૌ તેમની ચરણરજના ભિખારી. સૌએ ચરણવંદના કરી લીધા પછી ઠાકુર ઓટલા પરથી ઊતરે છે અને માસ્ટરની સાથે વાતો કરતાં કરતાં પોતાના ઓરડા તરફ આવી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ગીત ગાતાં ગાતાં માસ્ટરને)-

આ વેળા મેં સારું વિચાર્યું રે, સારા ભાવિક પાસે ભાવ શીખ્યો રે,

કહે પ્રસાદ ભક્તિમુક્તિ બંને માથે ધરી રે! 

(મેં) કાલીબ્રહ્મ-મર્મ જાણીને ધર્માધર્મ ત્યજ્યા રે!

ધર્માધર્મ શું, ખબર છે? અહીં ધર્મનો અર્થ વિધિવાદીય ધર્મ, જેમ કે દાન કરવાં, શ્રાદ્ધ, ગરીબોને જમાડવા એ બધાં.

આ પ્રકારના ધર્મને જ કર્મકાંડ કહેલો છે. એ માર્ગ બહુ જ કઠણ. નિષ્કામ કર્માે કરવાં જ કઠણ. એટલા સારુ ભક્તિ-માર્ગનો આશ્રય લેવાનું કહ્યું છે.

‘એક જણના ઘરે શ્રાદ્ધ હતું. તે અનેક ગરીબોને પણ જમાડતો હતો. એક કસાઈ ગાયને ખેંચીને લઈ જતો હતો કતલ કરવા સારુ. ગાય ખૂબ જોર કરી રહી હતી એટલે કસાઈ હાંફી ગયો હતો. એટલે તેણે વિચાર્યું કે શ્રાદ્ધવાળાને ત્યાં જઈને ભિખારીઓ ભેગો જમવા બેસી જાઉં; ખાઈને જરા જોર આવશે એટલે ગાયને ખેંચીને લઈ જાઉં. તેણે એમ જ કર્યું. એટલે પછી જ્યારે ગાયને કાપવામાં આવી, ત્યારે જેણે શ્રાદ્ધ કર્યું હતું તેને ય ગોહત્યાનું પાપ લાગ્યું. 

એટલે કહું છું કે કર્મકાંડ કરતાં ભક્તિ-માર્ગ સારો.’

ઠાકુર ઓરડામાં પ્રવેશ કરે છે. સાથે માસ્ટર. ઠાકુર ગીત ગણગણે છે. જે નિવૃત્તિ-માર્ગ કહ્યો, તેનો જ વિચાર ઊઠે છે.

ઠાકુર મનમાં ગણગણે છે:

‘અવશેષે રાખો છો મા, આ હાડમાળા, ભાંગનો ગોળો!’

ઠાકુર નાની પાટ પર બેઠા. અધર, કિશોરી અને બીજા ભક્તો આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): મેં ઈશાનને જોયો. એનામાં કંઈ થયું નથી? વાત શી કરો છો? પાંચ પાંચ મહિના થયાં પુરશ્ચરણ કરે છે! એની જગાએ બીજો માણસ હોત તો મોટી ઊથલપાથલ મચાવત.

અધર – અમારી સામે એને એટલું બધું કહ્યું એ ઠીક ન થયું.

શ્રીરામકૃષ્ણ: એમાં શું? એ તો જાપક માણસ, એમાં એને શું? 

થોડી વાર વાતચીત પછી ઠાકુર અધરને કહે છે, ‘ઈશાન ખૂબ દાનવીર, અને જુઓ જપતપ ખૂબ કરે છે.’

થોડોક વખત ઠાકુર ચૂપ રહ્યા છે. ભક્તો જમીન પર બેઠા બેઠા એકી નજરે જોઈ રહ્યા છે.

અચાનક ઠાકુર અધરને ઉદ્દેશીને કહે છે, ‘આપને યોગ અને ભોગ બન્ને છે.’

Total Views: 315
ખંડ 34: અધ્યાય 11 : શ્રીરામકૃષ્ણનો બધી કામનાનો ત્યાગ - કેવળ ભક્તિકામના
ખંડ 34: અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલીપૂજા મહારાત્રીમાં ભક્તો સાથે