ભક્તોમાંથી કોઈ કોઈ કાલી-મંદિરમાં દેવદર્શન કરવા ગયા. કોઈ વળી દર્શન કરીને એકલા ગંગાકાંઠે ઘાટ ઉપર બેસીને એકાન્તમાં ચૂપચાપ જપ કરી રહ્યા છે. રાતના લગભગ અગિયાર. મહાનિશા. ભરતી તરતમાં જ આવી છે. ભાગીરથી ઉત્તરવાહી. કાંઠા પરના દીવાઓના પ્રકાશમાં વચ્ચે વચ્ચે કાળું જળ દેખી શકાય છે.

રામલાલ પૂજા-પદ્ધતિ નામની પોથી હાથમાં લઈને માતાજીના મંદિરમાં એક વાર આવ્યા, પોથી મંદિરમાં મૂકી દેવા સારુ. મણિ આતુર નયને માતાજીનાં દર્શન કરી રહ્યા છે એ જોઈને રામલાલ બોલ્યા ‘અંદર આવવું છે?’ મણિ આભારી થઈને અંદર ગયા. અંદર જોયું તો માતાજીને બહુ મજાનાં શણગાર્યાં છે. મંદિરનો ઓરડો આખો પ્રકાશમય. માની સામે બે દીવીઓ. ઉપર ઝુમ્મર ટીંગાય છે. ભોંયતળિયું નૈવેદ્યભર્યા થાળોથી ભરપૂર. માનાં ચરણકમલમાં જાસુદનાં ફૂલ તથા બીલી-પત્ર. તરેહ તરેહની પુષ્પમાળાઓથી વેશકારીએ માને શણગાર્યાં છે. મણિએ જોયું કે સામે ચામર ટીંગાય છે. અચાનક તેમને યાદ આવ્યું કે ઠાકુર શ્રીરામકૃષ્ણ આ ચામર લઈને માને વાયુ ઢોળે. એટલે તે સંકોચપૂર્વક રામલાલને કહે છે, ‘આ ચામર હું એક વાર લઉં?’ 

રામલાલે અનુમતિ આપી. એટલે મણિ માને વાયુ ઢોળવા લાગ્યા. એ વખતે હજી પૂજાનો આરંભ થયો ન હતો.

જે બધા ભક્તો બહાર ગયા હતા તેઓ પાછા ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવીને એકઠા થયા છે. 

શ્રીયુત્ વેણી પાલે આમંત્રણ મોકલ્યું છે. એટલે આવતી કાલે સિંથિના બ્રાહ્મ-સમાજમાં જવાનું છે. ઠાકુરને પણ આમંત્રણ મળ્યું છે; પણ આમંત્રણ-પત્રિકામાં તારીખ લખવામાં ભૂલ થઈ ગઈ છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): વેણી પાલે આમંત્રણ તો મોકલ્યું છે, પણ આમ લખ્યું છે શા માટે, કહો જોઈએ?

માસ્ટર: જી, લખાણ બરોબર નથી. બરાબર વિચાર કરીને લખ્યું જણાતું નથી.

ઓરડાની વચ્ચે ઠાકુર ઊભા છે. બાબુરામ પાસે ઊભા છે. ઠાકુર વેણી પાલના આમંત્રણના કાગળની વાત કરે છે. બાબુરામને સ્પર્શ કરીને ઊભા છે. અચાનક સમાધિસ્થ!

ભક્તો સર્વે તેમને ઘેરીને ઊભા છે. અને આ સમાધિમગ્ન મહાપુરુષને આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. ઠાકુર સમાધિમાં, ડાબો પગ લાંબો કરીને ઊભા છે. ડોકનો ભાગ સહેજ ખેંચાયેલ, બાબુરામની ગરદનની પાછળના ભાગમાં કાનની પાસે હાથ રહ્યો છે. 

થોડી વાર પછી સમાધિ ઊતરી. હજીયે ઊભેલા. હવે ગાલ પર હાથ મૂકીને જાણે કેટલાય વિચારમાં પડી જઈને ઊભા રહ્યા. 

સહેજ હાસ્ય કરીને હવે ભક્તોને સંબોધન કરીને કહે છે.

શ્રીરામકૃષ્ણ: બધું જોયું: કોણ કેટલું આગળ વધ્યું છે એ બધું. રાખાલ, આ (મણિ), સુરેન્દ્ર, બાબુરામ, વગેરે ઘણાયને જોયા.

હાજરા: આપણું?

શ્રીરામકૃષ્ણ: હા.

હાજરા: વધારે બંધન છે?

શ્રીરામકૃષ્ણ: ના.

હાજરા: નરેન્દ્રને જોયો?

શ્રીરામકૃષ્ણ: જોયો નથી. પણ હજીયે કહી શકું; જરાક બંધનમાં પડ્યો છે. પરંતુ બધાને (ઈશ્વર-પ્રાપ્તિ) થઈ જશે એમ જોયું. 

(મણિની સામે જોઈને) જોયું કે બધા પોતાને છુપાવીને રહેલા છે. 

ભક્તો આશ્ચર્યચકિત થઈને નવાઈમાં ગરકાવ! દેવવાણીની પેઠે આ અદ્ભુત સમાચાર સાંભળી રહ્યા છે!

શ્રીરામકૃષ્ણ: પરંતુ આને (બાબુરામને) અડીને એ પ્રમાણે થયું!

હાજરા: ફર્સ્ટ (First – પહેલું) કોણ?

ઠાકુર શ્રીરામકૃષ્ણ મૂંગા રહ્યા. થોડીક વાર પછી બોલ્યા, ‘નિત્યગોપાલના જેવા થોડાક જો હોત!’ 

વળી વિચારમાં પડી ગયા છે. હજીયે એ જ ભાવે ઊભા છે. 

વળી કહે છે, ‘અધર સેન જો કામકાજ ઓછું કરી નાખે તો – પણ પાછી વળી બીક લાગે છે કે સાહેબ વઢે. જો કહે કે ‘યે ક્યા હય’, તો?’ (સૌનું જરા હાસ્ય). 

ઠાકુર પોતાના આસન પર જઈને ફરી બેઠા. ભક્તો જમીન પર બેઠા. બાબુરામ અને કિશોરી ઝટઝટ નાની પાટ ઉપર જઈને ઠાકુરનાં ચરણ પાસે બેસીને એક પછી એક પગની સેવા કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ (કિશોરી તરફ જોઈને): આજે તો ખૂબ સેવા!

રામલાલે આવીને જમીન પર માથું મૂકીને પ્રણામ કર્યા; ખૂબ ભક્તિ-ભાવથી ચરણ-રજ લીધી. માની પૂજા કરવા જાય છે. 

રામલાલ (ઠાકુરને): ત્યારે હું જાઉં છું.

શ્રીરામકૃષ્ણ: ૐ કાલી, ૐ કાલી! સંભાળજે, સાવધાનીથી પૂજા કરજે! વળી બલિ પણ થશે.

મહાનિશા. પૂજાનો આરંભ થઈ ગયો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પૂજા જોવા આવ્યા છે. માની પાસે જઈને માનાં દર્શન કરે છે. કેટલીક વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં પાછા આવ્યા.

કોઈ કોઈ ભક્ત રાતના બે વાગ્યા સુધી મા કાલીના મંદિરમાં બેઠા હતા. હરિપદે મંદિરમાં આવીને કહ્યું કે ‘ચાલો, ઠાકુર બોલાવે છે.’ ખાવાનું તૈયાર. ભક્તોએ દેવતાનો પ્રસાદ લીધો ને જેને જ્યાં ફાવ્યું ત્યાં જરા સૂઈ ગયા.

પ્રભાત થયું; મંગલા-આરતી થઈ ગઈ છે. માની સન્મુખે સભામંડપમાં કીર્તન-લીલા ભજવાય છે. માતાજી કીર્તન-લીલા જુએ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના મોટા પાકા ચોગાનમાં થઈને કીર્તન-લીલા સાંભળવા આવી રહ્યા છે. મણિ સાથે આવે છે ઠાકુરની રજા લેવા સારુ.

શ્રીરામકૃષ્ણ: કેમ, તમે અત્યારે જાઓ છો?

મણિ: આપ આજે સાંજે સિંથિ બ્રાહ્મ-સમાજમાં જવાના છો, તે મારી પણ ત્યાં આવવાની ઇચ્છા છે. એટલે તે પહેલાં એક વાર ઘેર જઈ આવું.

વાત કરતાં કરતાં મા કાલીના મંદિરની પાસે આવી પહોંચ્યા. નજીકમાં સભામંડપમાં કીર્તન-લીલા થઈ રહી છે. મણિ પગથિયાની નીચે જમીન પર માથું મૂકીને ઠાકુરને ચરણે વંદના કરે છે.

ઠાકુર બોલ્યા, ‘વારુ આવજો, અને નહાવાનાં સાદાં બે પંચિયાં મારા માટે લેતા આવજો.’

Total Views: 371
ખંડ 34: અધ્યાય 14 : દક્ષિણેશ્વરમાં કાલીપૂજા મહારાત્રીએ શ્રીરામકૃષ્ણ ભજનાનંદે
ખંડ 35: અધ્યાય 1 : સિંથિના બ્રાહ્મ-સમાજની ફરીથી મુલાકાત અને વિજયકૃષ્ણ વગેરે બ્રાહ્મસમાજ-ભક્તવૃંદને ઉપદેશ અને તેની સાથે આનંદ