(શ્રીરામકૃષ્ણ સમાધિ મંદિરમાં)

બ્રાહ્મ-ભક્તો સિંથિના બ્રાહ્મ-સમાજમાં ફરીવાર એકઠા થયા છે. શ્રીકાલીપૂજાને બીજે દિવસે કારતક સુદ એકમ, ૧૯ ઑક્ટોબર, ૧૮૮૪. (બંગાબ્દ, ૪ કારતક, રવિવાર) આ વખતે શરદ મહોત્સવ. શ્રીયુત્ વેણીમાધવ પાલના મનોહર ઉદ્યાનગૃહમાં ફરીથી બ્રાહ્મ-સમાજનું અધિવેશન ભરાયું. સવારની ઉપાસના વગેરે થઈ ગયાં છે. શ્રીશ્રીપરમહંસદેવ લગભગ સાડા ચાર વાગ્યાને સુમારે આવી પહોંચ્યા. તેમની ગાડી બગીચાની અંદર આવીને ઊભી રહી. એ સાથે જ ભક્તો ગોળાકારમાં તેમને ઘેરી વળવા લાગ્યા. પહેલા ઓરડામાં સમાજની વેદીની રચના કરવામાં આવી છે. સામે જ ઓસરી. એ ઓસરીમાં ઠાકુર બેઠા. તરત જ ભક્તો ચારે બાજુએ તેમની ફરતે બેઠા. વિજય, ત્રૈલોક્ય તથા બીજા ઘણા બ્રાહ્મ-ભક્તો હાજર છે. તેઓમાં બ્રાહ્મ-સમાજના એક સબ-જજ પણ છે.

મહોત્સવને અંગે સમાજગૃહની વિવિધ પ્રકારે શોભા કરવામાં આવી છે. ક્યાંક રંગબેરંગી ધજાપતાકા; વચ્ચે વચ્ચે મકાન ઉપર કે બારીઓમાં નયન-મનોહર, સુંદર વૃક્ષોનો આભાસ ઉત્પન્ન કરે તેવી રીતે ગોઠવેલાં પલ્લવો. સામે પેલા પૂર્વપરિચિત સરોવરના સ્વચ્છ જળમાં શરદનું આસમાની ભોમંડળ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. બગીચાના લાલ લાલ રસ્તાઓની બંને બાજુએ ફળફૂલનાં વૃક્ષોની હાર. આજે ઠાકુરના શ્રીમુખથી નીકળેલ વેદધ્વનિ ભક્તો ફરીથી સાંભળી શકવાના છે. આ ધ્વનિ આર્ય ઋષિઓના મુખેથી વેદરૂપે એક વખતે બહાર આવ્યો હતો, એ ધ્વનિ ફરી એક વાર નરરૂપધારી પરમ સંન્યાસી, બ્રહ્મ-ગત-પ્રાણ, જીવોનાં દુ:ખે દુ:ખી, ભક્તવત્સલ, ભક્તાવતાર, હરિપ્રેમમાં વિહ્વળ ઈશુને મુખે તેના બાર શિષ્યો, પેલા નિરક્ષર માછીમારોએ સાંભળ્યો હતો, તે ધ્વનિ પુણ્યક્ષેત્ર કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના મુખથી શ્રીમદ્ ભગવદ્ગીતા રૂપે એક વખત બહાર આવ્યો હતો, સારથિ-વેશધારી માનવસ્વરૂપી સચ્ચિદાનંદની પાસેથી એ મેઘગંભીર ધ્વનિની વચ્ચે વિનયનમ્ર વ્યાકુળ ગુડાકેશ અર્જુને આ કથામૃતનું પાન કર્યું હતું:

કવિં પુરાણમનુશાસિતારમણોરણીયાંસમનુસ્મરેદ્ય:।

સર્વસ્ય ધાતારમચિંત્યરૂપમાદિત્યવર્ણં તમસ: પરસ્તાત્।।

પ્રયાણકાલે મનસાચલેન ભકત્યા યુક્તો યોગબલેન ચૈવ।

ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્ સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્।।

યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગા:।

યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે।।

(ગીતા અ. ૮; શ્લો. ૯-૧૦-૧૧)

ઠાકુર શ્રીરામકૃષ્ણે આસન ઉપર બેસીને બ્રાહ્મ-સમાજની સુંદર-રચિત વેદી તરફ દૃષ્ટિ પડતાં તરત જ મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વેદી પરથી શ્રીભગવાનની કથા થાય, એટલે તેઓશ્રી જુએ છે કે વેદીક્ષેત્ર એ પુણ્યક્ષેત્ર. તેઓશ્રી જુએ છે કે અહીં ભગવાન અચ્યુતની કથા થાય, એટલે ત્યાં સર્વ તીર્થાેનો સમાગમ થયો છે. અદાલત જોતાં જેમ મુકદ્દમો યાદ આવે અને ન્યાયાધીશ યાદ આવે તેવી રીતે આ હરિકથાનું સ્થાન જોઈને તેમને ભગવાનનું ઉદ્દીપન થયું છે. શ્રીયુત્ ત્રૈલોક્ય ગીત ગાઈ રહ્યા છે. શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ભાઈ! પેલું ગીત તમારું બહુ મજાનું – ‘દે મા પાગલ કરી’- એ ગાઓ ને!

ત્રૈલોક્ય ગાય છે –

મને દે મા પાગલ કરી (બ્રહ્મમયી)

ગીત સાંભળતાં સાંભળતાં શ્રીરામકૃષ્ણનો ભાવ બદલાયો. એકદમ સમાધિસ્થ. ‘ઉપેક્ષ્ય મહત્ તત્ત્વ, ત્યજી ચતુર્વિંશતિ તત્ત્વ, સર્વ તત્ત્વાતીત તત્ત્વ દેખે પોતે પોતાને.’ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર એ સમસ્ત જાણે કે ભૂંસાઈ ગયાં છે. માત્ર દેહ પૂતળા જેવો પડ્યો છે. એક દિવસ ભગવાન પાંડવનાથ (શ્રીકૃષ્ણ)ની એવી અવસ્થા જોઈને શ્રીકૃષ્ણમય અંતરાત્મા એવા યુધિષ્ઠિર વગેરે પાંડવગણ રડી ઊઠ્યા હતા. તે વખતે આર્ય-કુલ-ગૌરવ ભીષ્મદેવ શરશય્યામાં સૂતાં સૂતાં અંતિમ કાળે ભગવાનના ધ્યાનમાં મગ્ન હતા. કુરુક્ષેત્રનું યુદ્ધ તરતમાં જ સમાપ્ત થયું હતું. સહેજે રડવાના દિવસો. શ્રીકૃષ્ણની એ સમાધિ-અવસ્થાને સમજી ન શકતાં પાંડવો રડી પડ્યા હતા. તેમને લાગ્યું હતું કે ભગવાને દેહત્યાગ કર્યાે.

Total Views: 340
ખંડ 34: અધ્યાય 15 : કાલીપૂજાની રાત્રે સમાધિસ્થ - સાંગોપાંગ સંબંધે દૈવવાણી
ખંડ 35: અધ્યાય 2 : હરિકથા પ્રસંગે - બ્રાહ્મસમાજમાં નિરાકારવાદ