થોડી વાર સુધી એ અવસ્થામાં રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ જરાક સહજ સ્થિતિમાં આવીને ભાવ-અવસ્થામાં બ્રાહ્મ-ભક્તોને ઉપદેશ આપે છે. એ ઈશ્વરી ભાવ ખૂબ ગાઢ છે. વક્તા જાણે કે મતવાલા થઈને કાંઈક બોલી રહ્યા છે. ભાવ ધીરે ધીરે ઊતરતો આવે છે. આખરે પહેલાં જેવી બરાબર સહજ અવસ્થા.

(હું સિદ્ધિ પીશ – ગીતા અને અષ્ટસિદ્ધિ – ઈશ્વરપ્રાપ્તિ એટલે શું?)

શ્રીરામકૃષ્ણ (ભાવાવેશમાં): મા! કારણાનંદ ન જોઈએ. સિદ્ધિ (ભાંગ) પીશ. 

સિદ્ધિ એટલે ઈશ્વર-પ્રાપ્તિ. અષ્ટ-સિદ્ધિ માંહેની કોઈ સિદ્ધિ નહિ. એ (અણિમા, લઘિમા વગેરે) સિદ્ધિઓની વાત શ્રીકૃષ્ણે અર્જુનને કહી હતી કે ‘જો ભાઈ, અષ્ટ-સિદ્ધિ માંહેની એક પણ સિદ્ધિ કોઈની પાસે છે, એમ જો જોવામાં આવે તો જાણવું કે એ વ્યક્તિ મને પામશે નહિ.’ કારણ કે સિદ્ધિ હોય તો જરૂર અહંકાર આવે અને અહંકાર લેશમાત્ર રહે તો ભગવાનને પામી શકાય નહિ.

બીજું એક છે: – પ્રવર્તક, સાધક, સિદ્ધ, સિદ્ધોનો સિદ્ધ. જે વ્યક્તિ હજી તરતમાં જ ઈશ્વરની આરાધનામાં પ્રવૃત્ત થયેલ છે તે પ્રવર્તક વર્ગનો. પ્રવર્તક ચંદન લગાવે, તિલક કાઢે, માળા પહેરે; બહારનો આચાર ખૂબ રાખે.

સાધક એથી આગળ વધ્યો છે. તેનામાં લોકોને દેખાડવાનો ભાવ ઓછો થઈ જાય. સાધક ઈશ્વરને મેળવવા માટે આકુળવ્યાકુળ થાય. અંતરથી ભગવાનને સ્મરે, તેમનું નામ લીધા કરે, સરળ અંત:કરણથી પ્રભુને પ્રાર્થના કરે. સિદ્ધ કોણ? જેનામાં નિશ્ચયપૂર્વક ધારણા બંધાઈ ગઈ છે કે ઈશ્વર છે, અને તે જ બધું કરે છે; જેણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે. સિદ્ધોનો સિદ્ધ કોણ? જેણે ભગવાનની સાથે વાતચીત કરી છે, એકલાં દર્શન નહિ. કોઈએ પિતૃભાવે, કોઈએ વાત્સલ્ય-ભાવે, તો કોઈએ મધુર, કોઈએ સખ્ય-ભાવે, ભગવાનની સાથે વાતચીત કરી છે.

‘લાકડાંમાં અગ્નિ ચોક્કસ છે એવી શ્રદ્ધા; અને લાકડાંમાંથી અગ્નિ સળગાવી, ભાત રાંધી, ખાઈને શાંતિ અને તૃપ્તિ મેળવવી એ બે જુદી વસ્તુઓ.’

‘ઈશ્વરીય અવસ્થાની હદ બાંધી શકાય નહિ. એનાથીયે વધુ, એનાથીયે વધુ છે.’

(વિષયીના ઈશ્વર – વ્યાકુળતા અને ઈશ્વરપ્રાપ્તિ – દૃઢ બનો)

શ્રીરામકૃષ્ણ (ભાવાવેશમાં): આ બધા છે બ્રહ્મજ્ઞાનીઓ, નિરાકારવાદી; તે મજાનું. 

(બ્રાહ્મ-ભક્તોને) ગમે તે એકમાં મક્કમ થાઓ, કાં તો સાકારમાં ને કાં તો નિરાકારમાં. તો જ ઈશ્વર-પ્રાપ્તિ થાય, નહિતર નહિ. દૃઢ થાય તો સાકારવાદી પણ ઈશ્વરને પ્રાપ્ત કરશે, નિરાકારવાદી પણ કરશે. પુરણપોળી સીધી ખાઓ કે આડી ખાઓ, મીઠી જ લાગવાની. (સૌનું હાસ્ય).

‘પણ દૃઢ થવું જોઈએ. વ્યાકુળ થઈને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. સંસારીનો ઈશ્વર કેવો હોય, ખબર છે? જેમ કે દેરાણી-જેઠાણીનો કજિયો સાંભળીને છોકરાં રમતાં રમતાં એકબીજાને કહે કે ‘ભગવાનના સમ’, તેવો. અથવા જેમ કોઈ ટાપટીપવાળો બાબુ, પાન ચાવતાં ચાવતાં, મજાની લાકડી હાથમાં લઈને બગીચામાં ફરતાં ફરતાં એકાદું ફૂલ તોડીને ભાઈબંધને કહે કે ‘ઈશ્વરે કેવું ‘બ્યુટીફૂલ’ (સુંદર) ફૂલ બનાવ્યું છે!’ તેવો. પરંતુ સંસારી લોકોનો આ ઈશ્વરી ભાવ પણ ક્ષણિક, જાણે કે તપાવેલી લોઢી પર પાણીનો છાંટો. 

ગમે તે એક ઉપર દૃઢ થવું જોઈએ. ડૂબકી મારો. ડૂબકી માર્યા વિના સમુદ્રની અંદરનાં રત્ન મળે નહિ. પાણીની ઉપર ઉપર તર્યા કર્યે રત્ન મેળવી શકાય નહિ.

એમ કહીને ઠાકુર શ્રીરામકૃષ્ણ જે ગીતથી કેશવ સેન વગેરે ભક્તોનાં મન મુગ્ધ કરતા તે ગીત એવા જ મધુર કંઠે ગાય છે. સૌને લાગે છે કે જાણે સ્વર્ગધામ યા વૈકુંઠમાં બેઠા છીએ. ગીત:

ડૂબ ડૂબ ડૂબ, રૂપસાગરે મારા મન,

તલાતલ પાતાલ શોધ્યે, મળશે રે પ્રેમ-રત્ન-ધન…

Total Views: 352
ખંડ 35: અધ્યાય 1 : સિંથિના બ્રાહ્મ-સમાજની ફરીથી મુલાકાત અને વિજયકૃષ્ણ વગેરે બ્રાહ્મસમાજ-ભક્તવૃંદને ઉપદેશ અને તેની સાથે આનંદ
ખંડ 35: અધ્યાય 3 : બ્રાહ્મભક્તો સાથે - બ્રાહ્મસમાજ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન