(પૂર્વકથા – કેશવને ઉપદેશ – નિર્જનમાં સાધના – જ્ઞાનનાં લક્ષણ)

સબ-જજ: મહાશય, સંસારનો શું ત્યાગ કરવો જોઈએ?

શ્રીરામકૃષ્ણ: ના, તમારે ત્યાગ શું કામ કરવો જોઈએ? સંસારમાં રહીને પણ ઈશ્વર-પ્રાપ્તિ થઈ શકે. પરંતુ શરૂઆતમાં કેટલાક દિવસ એકાંતમાં રહેવું પડે. એકાંતમાં રહીને ઈશ્વરની સાધના કરવી પડે. ઘરની નજીકમાં એકાદું એવું સ્થાન રાખવું, કે જ્યાંથી ઘેર આવીને જમી કરીને તુરત પાછા જઈ શકાય. કેશવ સેન, પ્રતાપ વગેરે કહેતા હતા કે મહાશય, અમારું તો જનક રાજાના જેવું! મેં કહ્યું, જનક રાજા એમ મોઢે બોલવાથી જ થઈ જવાતું નથી. જનક રાજાએ શરૂઆતમાં નિર્જન સ્થાનમાં રહીને નીચે માથે, ઊંચે પગે કેટલીય તપસ્યા કરી હતી. તમે પણ કંઈક કરો, તો જ જનક-રાજા થઈ શકો. અમુક માણસ સર્ સર્ કરતોને ખૂબ અંગ્રેજી લખી શકે છે, તે શું તેને એકદમ જ લખતાં આવડી ગયું કે? એ ગરીબનો છોકરો, પહેલાં કોઈ મોટા માણસને ત્યાં રહેતો, તેમની રસોઈ કરતો, ને તેથી પોતાને ખાવા મળતું. મહામહેનતે તે ભણ્યો, અને તેથી જ તો એ અત્યારે સર્‌ર્‌ સર્‌ર્‌ કરીને લખી શકે છે.

‘કેશવ સેનને એ પણ કહ્યું હતું કે નિર્જન સ્થળમાં ગયા વિના કઠણ રોગ મટે કેમ કરીને? રોગ છે પિત્ત-વિકાર. તેમાં વળી જે ઓરડામાં વિકારનો રોગી, તે જ ઓરડામાં આંબલી, અથાણાં અને ટાઢા પાણીનું માટલું! તો એ રોગ મટે કેમ કરીને? અથાણાં, આંબલી – આમ જુઓ, બોલતાં બોલતાં જ મારા મોઢામાં પાણી છૂટ્યું! (સૌનું હાસ્ય): સામે હોય તો શું થાય, તે તો સૌ જાણો છો! પુરુષને માટે સ્ત્રીઓ અથાણાં- આંબલી જેવી. 

ભોગવાસના, એ ટાઢા પાણીનું માટલું. વિષય- તૃષ્ણાનો અંત નહિ, અને વિષયો રોગીના ઓરડામાં! એથી શું વિકાર રોગ મટે? માટે કેટલાક દિવસ જુદા થઈને રહેવું જોઈએ કે જ્યાં અથાણાં- આંબલી ન હોય, પાણીનું માટલું ન હોય. ત્યાર પછી નીરોગી થઈને પાછો ઓરડામાં આવે તો બીક નહિ. તેમ ભવગત્પ્રાપ્તિ કરીને સંસારમાં આવીને રહે તો કામ-કાંચન કશું કરી શકે નહિ. ત્યારે જનકની પેઠે નિર્લિપ્ત થઈ શકાય. પરંતુ પ્રથમ અવસ્થામાં સાવચેત રહેવું જોઈએ. ખૂબ એકાંતમાં રહીને સાધના કરવી જોઈએ. પીપળાનું ઝાડ જ્યારે નાનું હોય, ત્યારે ચારે બાજુ વાડ કરી લેવી જોઈએ; નહિતર ગાય, બકરું ખાઈ જાય. પરંતુ મોટું થયા પછી વાડની જરૂર રહે નહિ. પછી ભલેને હાથી બાંધી દો, તોય તે ઝાડને કશું કરી શકે નહિ. જો એકાંત સ્થાનમાં સાધના કરી, ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ પ્રાપ્ત કરી, બળ વધારી, પછી ઘેર જઈને સંસાર કરો તો કામ-કાંચન તમને કંઈ કરી શકવાનાં નથી.

‘એકાંતમાં દહીં જમાવીને માખણ કાઢવું જોઈએ. જ્ઞાન, ભક્તિરૂપી માખણ જો એક વાર મનરૂપી દૂધમાંથી કાઢવામાં આવે તો પછી તેને સંસારરૂપી પાણીમાં રાખીએ તોય અલિપ્ત રહીને તર્યા કરે. પરંતુ મનને કાચી અવસ્થામાં, દૂધની સ્થિતિમાં સંસારરૂપી પાણીમાં રાખો, તો દૂધ-પાણી એક થઈ જાય. તે વખતે મન અલિપ્ત રહીને તરી શકે નહિ.

ઈશ્વર-પ્રાપ્તિ માટે, સંસારમાં રહીને એક હાથે ઈશ્વરનાં ચરણકમલ પકડી રાખજો, ને બીજે હાથે કામ કરજો. જ્યારે કામમાંથી નવરાશ મળે, ત્યારે બન્ને હાથે ઈશ્વરનાં ચરણકમલ પકડી રાખજો. એ વખતે એકાંતમાં રહેજો અને કેવળ પ્રભુનું ચિંતન અને સેવા કરજો.

સબ-જજ (આનંદમાં આવી જઈને): મહાશય, આ બહુ સરસ વાત! એકાંતમાં સાધના કરવી જોઈએ એ વાત અમે ભૂલી જઈએ ને મનમાં માની બેસીએ કે એકદમ જનક રાજા થઈ પડ્યા છીએ! (શ્રીરામકૃષ્ણ અને સૌનું હાસ્ય). સંસારત્યાગની જરૂર નહિ, ઘેર બેઠાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય, એ વાત સાંભળીને મને શાંતિ અને આનંદ થયો!

શ્રીરામકૃષ્ણ: તમારે ત્યાગ શું કરવા કરવો જોઈએ? યુદ્ધ જ્યારે કરવું જ પડે, ત્યારે કિલ્લામાં રહીને જ કરવું સારું; ઇન્દ્રિયોની સાથે યુદ્ધ, ભૂખ, તરસ એ બધાંની સાથે યુદ્ધ કરવું પડે. એ યુદ્ધ સંસારમાં રહીને જ સારું. તેમાંય વળી આ કળિયુગ! અન્ન ઉપર જ પ્રાણનો આધાર. ઘર છોડો ને કદાચ ખાવાનું જ ન મળ્યું! ત્યારે ઈશ્વર-બીશ્વર બધું ઊડી જાય. એક જણ એની સ્ત્રીને કહે કે ‘હું તો સંસાર છોડીને ચાલ્યો.’ એની પત્ની જરા સમજુ હતી. તે બોલી કે ‘શું કરવા તમારે બહાર ભટકતા ફરવું? જો પેટના રોટલા સારુ દશ ઘેર ભટકવું ન પડે તો જાઓ, પણ જો ભટકવું પડે તો આ એક ઘર જ સારું!’

‘તમારે ત્યાગ શું કામ કરવો? ઘેર ઊલટી વધારે સગવડ. ખાવા સારુ ચિંતા ન કરવી પડે; સહવાસ પોતાની સ્ત્રી સાથે, એમાં દોષ નહિ. શરીરને જ્યારે જે જોઈએ તે પાસે જ મળી રહે. માંદા પડ્યે સેવા કરનારું માણસ પાસે જ મળી આવે. 

જનક, વ્યાસ, વસિષ્ઠ વગેરે જ્ઞાન પ્રાપ્ત કરીને સંસારમાં રહ્યા હતા. તેઓ બેવડી તલવાર ફેરવતા, એક જ્ઞાનની અને એક કર્મની.

સબ-જજ: મહાશય! જ્ઞાન થયું છે એ કેમ કરીને જાણવું?

શ્રીરામકૃષ્ણ: જ્ઞાન થયે ઈશ્વર દૂર ન દેખાય. જ્ઞાન થયા પછી ઈશ્વર ‘તે’ એમ ન લાગે. એ પછી ઈશ્વર ‘આ’ ‘આ’ ‘અહીં’ એમ લાગે. હૃદયની અંદર તેને જોઈ શકાય. તે સૌની અંદર છે. જે શોધે તે પામે.

સબ-જજ: મહાશય! હું પાપી, કેમ કરીને કહું કે ઈશ્વર મારી અંદર છે?

(બ્રાહ્મસમાજ, ખ્રિસ્તીધર્મ અને પાપવાદ)

શ્રીરામકૃષ્ણ: આ એક તમારું, પાપ અને પાપ! એ બધો લાગે છે કે ખ્રિસ્તી મત! મને એક ચોપડી (બાઇબલ) આપી. મેં જરા તે સાંભળી. તો એમાં કેવળ આ એક જ વાત, પાપ અને પાપ! મેં પ્રભુનું નામ લીધું છે, ઈશ્વર, રામ કે હરિ બોલ્યો છું, અને મારામાં વળી પાપ? એવી શ્રદ્ધા હોવી જોઈએ! નામ-માહાત્મ્યમાં શ્રદ્ધા હોવી જોઈએ.

સબ-જજ: મહાશય! એ શ્રદ્ધા આવે કેવી રીતે?

શ્રીરામકૃષ્ણ: પ્રભુમાં અનુરાગ રાખો. તમારા જ ગીતમાં છે, કે ‘પ્રભુ, વિણ અનુરાગ, કર્યે યજ્ઞયાગ, તમને શું શકાય જાણી?’ જેનાથી આવો અનુરાગ, આવો ઈશ્વરમાં પ્રેમ આવે, તેને માટે પ્રભુ પાસે એકાંતમાં વ્યાકુળ થઈને પ્રાર્થના કરો અને રુદન કરો. સ્ત્રી માંદી પડ્યે, પૈસાની નુકસાની થયે કે ધંધા માટે માણસ ઘડો ભરીને રડે; ઈશ્વર સારુ કોણ રડે છે, કહો જોઈએ?

Total Views: 341
ખંડ 35: અધ્યાય 3 : બ્રાહ્મભક્તો સાથે - બ્રાહ્મસમાજ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન
ખંડ 35: અધ્યાય 5 : મુખત્યારનામું આપો - ગૃહસ્થનું કર્તવ્ય કેટલા દિવસ?