ત્રૈલોક્ય: મહાશય, આ લોકોને સમય ક્યાં છે? અંગ્રેજોની, શેઠિયાઓની નોકરી કરવી પડે છે.

ત્રૈલોક્ય

શ્રીરામકૃષ્ણ (સબ જજ પ્રત્યે): વારુ, તો પછી ઈશ્વરને મુખત્યારનામું આપી દો. સારા માણસ પર જો કોઈ ભરોસો રાખે તો તે માણસ શું તેનું બૂરું કરે? પ્રભુ ઉપર સાચા અંત:કરણથી બધો ભાર મૂકી, તમે નિશ્ચિંત થઈને બેસી રહો. તેમણે જે કામ કરવા આપ્યું છે તે જ કરો.

બિલાડીનાં બચ્ચાંમાં હિસાબી બુદ્ધિ ન હોય (ખૂબ વિશ્વાસુ હોય છે). માત્ર ‘મા, મા’ કર્યા કરે. તેની મા જો તેને ચૂલાની આગમણમાં રાખે તો તે ત્યાં પડ્યું રહે, માત્ર મ્યાઉં મ્યાઉં કરીને માને બોલાવે, તેમજ મા જ્યારે શેઠના બિછાનામાં મૂકી આવે ત્યારે પણ તેની એ જ રીત; મા મા કરે.

સબ જજ: અમે તો ગૃહસ્થ; કેટલા દિવસ સુધી આ બધાં કર્તવ્યો કરવાં જોઈએ?

શ્રીરામકૃષ્ણ: તમારે કર્તવ્ય છે જ. છોકરાંઓને મોટાં કરવાં, સ્ત્રીનું ભરણપોષણ કરવું, તમારી પરલોક-પ્રાપ્તિ પછી સ્ત્રીના ભરણપોષણની વ્યવસ્થા કરી રાખવી. એટલું જો ન કરો તો તમે નિર્દય. શુકદેવ વગેરેએ દયા રાખી હતી. જેનામાં દયા નથી તે માણસ જ નથી.

સબ જજ: સંતાન-પ્રતિપાલન ક્યાં સુધી?

શ્રીરામકૃષ્ણ: ઉંમર લાયક થાય ત્યાં સુધી. પક્ષીનું બચ્ચું મોટું થઈને જ્યારે પોતાનો ભાર પોતે ઉપાડી શકે ત્યારે તેની મા તેને ચાંચ મારે, પાસે આવવા ન દે. (સૌનું હાસ્ય).

સબ જજ: સ્ત્રી પ્રત્યે કર્તવ્ય શું?

શ્રીરામકૃષ્ણ: તમે જીવતા હો એ દરમ્યાન તેને ધર્મની વાતો કહેવી ને ભરણપોષણ કરવું. જો સતીસ્ત્રી હોય તો તમારી પરલોક-પ્રાપ્તિ પછી પણ તેના ભરણપોષણની વ્યવસ્થા કરી જવી જોઈએ.

‘તો પણ, તમને જો જ્ઞાનોન્માદ થાય તો પછી કર્તવ્ય રહે નહિ. ત્યારે આવતી કાલને માટેય તમે ચિંતા ન કરો તો ઈશ્વર પોતે કાળજી રાખે. જ્ઞાનોન્માદ થાય તો તમારા કુટુંબને માટે ભગવાન કાળજી રાખે. જ્યારે કોઈ જમીનદાર સગીર વયનો છોકરો મૂકીને મરી જાય ત્યારે તેની સંભાળનો ભાર ટ્રસ્ટીઓ લે. આ બધી તો કાયદાની વાતો, તમે તો એ બધું જાણો!’

સબ જજ: જી હા.

વિજય ગોસ્વામી: આહા! આહા! કેવી સરસ વાત! જે અનન્ય-ચિત્ત થઈને પ્રભુનું ચિંતન કરે, જે પ્રભુના પ્રેમમાં પાગલ, તેનો ભાર ભગવાન પોતે જ ઉપાડે. સગીરને તરત ટ્રસ્ટી મળી જાય. અહા! ક્યારે એવી અવસ્થા આવશે? જેમની થાય તેઓ કેવા ભાગ્યશાળી!

ત્રૈલોક્ય: મહાશય, સંસારમાં રહીને શું યથાર્થ જ્ઞાન થાય ખરું? ઈશ્વરપ્રાપ્તિ થાય ખરી?

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં): કેમ ભાઈ, તમે તો દૂધમાં ને દહીંમાં બન્નેમાં છો ને શું? (સૌનું હાસ્ય). ઈશ્વરમાં મન રાખીને સંસારમાં છો ને? સંસારમાં રહીને ઈશ્વર-પ્રાપ્તિ કેમ ન થાય? જરૂર થાય.

(સંસારમાં જ્ઞાનીનું લક્ષણ – ઈશ્વરપ્રાપ્તિનાં લક્ષણ – જીવન્મુક્ત)

ત્રૈલોક્ય: સંસારમાં રહીને જેને જ્ઞાન-પ્રાપ્તિ થઈ હોય તેનાં લક્ષણ શાં?

શ્રીરામકૃષ્ણ: હરિનામ લેતાં આંખમાંથી અશ્રુધારા, અને પ્રભુપ્રેમથી રોમાંચ, પ્રભુનું મધુર નામ સાંભળતાં જ શરીરે રોમાંચ થાય અને આંખમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલે.

‘જ્યાં સુધી વિષયાસક્તિ હોય, કામ-કાંચનનો લોભ હોય ત્યાં સુધી દેહભાવના જાય નહિ. વિષયાસક્તિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ આત્મજ્ઞાનની તરફ આગળ વધતું જવાય અને દેહભાવના ઓછી થાય. વિષયાસક્તિ બિલકુલ નીકળી જાય તો આત્મજ્ઞાન થાય. ત્યારે આત્મા જુદો અને દેહ જુદો એમ લાગે. નારિયેળની માંહેનું પાણી સુકાય નહિ ત્યાં સુધી તેની અંદરનું ટોપરું અને કાચલી જુદાં પાડવાં મુશ્કેલ. પણ અંદરનું પાણી સુકાઈ જાય તો પછી અંદર ટોપરું ખડખડ થાય, કાચલીમાંથી જુદું પડી જાય. એને નારિયેળનો ગોટો કહે.

‘ઈશ્વર-પ્રાપ્તિ થાય તેનું લક્ષણ એ કે એ વ્યક્તિ નારિયેળના ગોટા જેવી થઈ જાય. તેની દેહાત્મબુદ્ધિ ચાલી જાય. દેહનાં સુખદુ:ખથી એને પોતાને સુખદુ:ખ ન લાગે. એ વ્યક્તિ દેહનું સુખ ઇચ્છે નહિ, જીવન્મુક્ત થઈને ફરે.

‘કાલીભક્ત જીવન્મુક્ત, નિત્યાનંદમય.’

‘જ્યારે દેખાય કે ઈશ્વરનું નામ લેતાં જ અશ્રુ અને રોમાંચ થાય છે ત્યારે જાણવું કે કામ-કાંચન પરથી આસક્તિ ગઈ છે અને ઈશ્વર-પ્રાપ્તિ થઈ છે. દિવાસળી જો સૂકી હોય તો જરાક ઘસતાંવેંત ફર્‌ર્‌ કરતીને સળગી ઊઠે. પણ જો તે ભીંજાયેલી હોય તો પચાસ સળીઓ ઘસો ને તોય કાંઈ ન વળે, માત્ર સળીઓ નકામી જાય. વિષયરસમાં રચ્યાપચ્યા રહીએ, કામ-કાંચન-રસમાં મન ભીંજાયેલું રહે તો ઈશ્વરનું ઉદ્દીપન થાય નહિ. હજાર પ્રયાસ કરો ને, પણ બધી મહેનત નકામી. વિષયરસ સુકાય એટલે તરત જ ઉદ્દીપન થાય.

(ઉપાય વ્યાકુળતા – એ તો પોતાની સગી માતા)

ત્રૈલોક્ય: વિષયરસ સુકાવવાનો ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ: વ્યાકુળ થઈને માને બોલાવો. માનાં દર્શન થતાં વિષયરસ સુકાઈ જશે. કામ-કાંચન પરની આસક્તિ બધી દૂર ચાલી જશે. જગન્માતા પોતાની સગી મા છે, એવી ભાવના થાય તો અબઘડી દર્શન થાય. એ કંઈ કહેવાની મા નથી. એ તો આપણી સગી મા છે. વ્યાકુળ થઈને તેની પાસે હઠ કરો. નાનો છોકરો જ્યારે પતંગ લેવા સારુ માનો છેડો પકડીને પૈસો માગે ત્યારે મા બીજાં બૈરાં સાથે વાતો કરતી હોય એટલે પહેલાં તો મા કોઈ રીતે પૈસો આપે નહિ. કહેશે: ‘ના, એ ના કહી ગયા છે, આવશે તો કહી દઈશ. પતંગ લીધા ભેગો જ હમણાં પડીશ આખડીશ.’ છતાં છોકરો રોવાનું શરૂ કરે ને કોઈ રીતે માને નહિ, ત્યારે મા બીજાં બૈરાંને કહે: ‘બેન જરા ખમજો. આ રોયાને એક વાર શાંત કરી આવું!’ એમ કહીને કેડેથી ચાવી લઈને કડાક કડાક કરતી પેટી ઉઘાડીને એક પૈસો ફેંકી દે. તેમ તમે પણ માની પાસે હઠ કરો. તે જરૂર દર્શન દેશે. મેં શીખોનેય આ વાત કરી હતી. એ લોકો દક્ષિણેશ્વર કાલીમંદિરે દર્શન કરવા આવ્યા હતા. મા કાલીના મંદિરની સામે બેસીને વાત થયેલી. તેઓ કહે કે ઈશ્વર દયામય. મેં કહ્યું, શેનો દયામય? એટલે તેમણે કહ્યું કે કેમ મહારાજ? ઈશ્વર હંમેશાં આપણને સંભાળે છે, આપણને ધર્મ-અર્થ એ બધું આપે છે, ભરણપોષણ કરે છે. મેં કહ્યું, જો કોઈને છોકરાંછૈયાં થાય તો તેમને સંભાળવાનો, તેમને ખવડાવવાનો પિવડાવવાનો ભાર બાપ ન લે તો શું સામી શેરીના માણસો આવીને લે?

સબ-જજ: મહાશય, ત્યારે શું ઈશ્વર દયામય નથી?

શ્રીરામકૃષ્ણ: નથી શું કરવા? આ તો એક વાત કહી. કહેવાનો મતલબ એ કે ઈશ્વર આપણો અતિ નિકટનો, આપણો પોતાનો. તેના ઉપર આપણું જોર ચાલે. આપણા પોતાના માણસને એવું પણ કહી શકાય કે ‘નહિ કેમ દે, સાલા!’

Total Views: 403
ખંડ 35: અધ્યાય 4 : બ્રાહ્મસમાજ - કેશવ અને નિર્લિપ્ત સંસાર - સંસારત્યાગ
ખંડ 35: અધ્યાય 6 : અહંકાર અને સબ જજ