(ઈશ્વરદર્શનનાં લક્ષણ અને ઉપાય – ત્રણ પ્રકારના ભક્ત)

નાટક પૂરું થઈ ગયા પછી ઠાકુરને નાટકશાળામાં ગિરીશ જે ખંડમાં બેસતા ત્યાં લઈ ગયા. ગિરીશ બોલ્યા, ‘વિવાહનો ફજેતો’ (હાસ્ય-અંક) જોવો છે? ઠાકુર કહે છે, ‘ના, પ્રહ્લાદ-ચરિત્રની પછી એ બધું શું? એટલા માટે મેં ગોપાલ ઉડિયાની (નાટક) મંડળીને કહ્યું હતું કે ‘તમે લોકો પ્રયોગને અંતે કંઈક ઈશ્વર સંબંધી વાતો કહેજો. અત્યાર સુધી નાટકમાં મજાની ઈશ્વરની વાતો આવતી હતી; તે પછી પાછો વિવાહનો ફજેતો, સંસારની વાત. હતા એના એ જ! વળી એ ના એ! અગાઉના જ બધા વિચાર આવી પડે.

ઠાકુર ગિરીશ વગેરે સાથે ઈશ્વર સંબંધી વાતો કરે છે. ગિરીશ પૂછે છે, ‘મહાશય! (નાટક) કેવું લાગ્યું?’

શ્રીરામકૃષ્ણ: મેં જોયું તો સાક્ષાત્ ઈશ્વર જ બધું થઈ રહેલ છે. જે સ્ત્રીઓએ પાઠ લીધો છે તેમને જોઈ તો જાણે સાક્ષાત્ આનંદમયી મા. જેમણે ગો-લોકમાં ગોવાળિયાનો પાઠ લીધો હતો તેમને જોયા તો સાક્ષાત્ નારાયણ. ઈશ્વર જ બધુંય થઈ રહેલ છે. તો પણ બરાબર ઈશ્વર-દર્શન થયાં છે કે નહિ તેનાં લક્ષણ છે, એક આનંદ; બીજું લક્ષણ સંકોચ રહે નહિ. જેમ કે સમુદ્ર ઉપર તરંગના હિલ્લોળા ઊછળે, નીચે ગંભીર જળ. જેને ભગવાનનાં દર્શન થયાં છે, એ ક્યારેક પાગલની પેઠે, તો ક્યારેક પિશાચની પેઠે રહે; પવિત્ર-અપવિત્રના ભેદનું ભાન રહે નહિ. ક્યારેક વળી જડ જેવો; કારણ કે અંદર-બહાર ઈશ્વરનાં દર્શન કરીને સ્તબ્ધ થઈ જાય. ક્યારેક બાળકના જેવો. કોઈ રીતરસમની બાબતમાં પરવા નહિ. બાળકની જેમ કપડું બગલમાં મારીને ફર્યા કરે. એ અવસ્થામાં ક્યારેક બાલ્ય-ભાવ; ક્યારેક પૌગંડ-ભાવ, ક્યારેક ઠઠ્ઠામશ્કરી કરે. ક્યારેક યુવાનનો ભાવ; જ્યારે કામ કરવા લાગે, ઉપદેશ દેવા સમયે, ત્યારે સિંહ સમાન.

‘જીવમાં અહંકાર છે એટલે એ ઈશ્વરને જોઈ શકતો નથી. જેમ કે વાદળાં ચડે એટલે સૂર્યને જોઈ શકાય નહિ તેમ. પણ દેખાય નહિ એટલે શું સૂર્ય નથી? સૂર્ય તો બરાબર છે જ. 

પરંતુ ‘બાળકના અહં’માં દોષ નહિ. ઊલટો ફાયદો છે. બીજાં શાક ખાધે પેટમાં ગરબડ થાય પણ કડવા વેલાની ભાજી ખાધે ફાયદો થાય. એ શાકમાં ન ગણાય, એ ઔષધિ ગણાય. તેમજ ગાંગડા સાકર એ મીઠાઈમાં ન ગણાય. બીજી મીઠાઈ ખાધે પેટ બગડે ને કફ થાય, પણ સાકરથી કફ-દોષ થાય નહિ.

એટલા માટે કેશવ સેનને મેં કહ્યું હતું કે જો આથી વધુ ઉપદેશ આપીશ તો તમારો સમાજ-બમાજ રહેશે નહિ! કેશવને બીક લાગી ગઈ. એટલે મેં કહ્યું કે ‘બાળકનો અહં, દાસનો અહં’ એમાં દોષ નહિ.

જેણે ઈશ્વર-દર્શન કર્યાં હોય તે દેખે કે ઈશ્વર જ જીવ-જગત બધું થઈ રહેલ છે. બધુંય તે છે. એનું જ નામ ઉત્તમ ભક્ત.

ગિરીશ (હસીને): બધુંય તે; તોય જરાક અહં રહે જ, (થોડા) કફથી રોગ દોષ થાય નહિ.

શ્રીરામકૃષ્ણ (હસીને): હા, એમાં નુકસાન નહિ. એટલો ‘અહં’ આનંદભોગ માટે. હું જુદો અને તમે જુદા, એમ સેવ્ય-સેવકનો ભાવ હોય તો જ આનંદ-ભોગ કરી શકાય.

વળી મધ્યમ પ્રકારનો ભક્ત છે. એ જુએ કે ઈશ્વર સર્વ ભૂતોમાં અંતર્યામીરૂપે છે. સૌથી નીચલી કક્ષાનો ભક્ત કહેશે કે ઈશ્વર છે: પેલો ઈશ્વર, એટલે કે આકાશની પેલી પાર. (સૌનું હાસ્ય).

પરંતુ ગો-લોકના ગોવાળિયા જોઈને મને તો થયું કે એ ઈશ્વર જ બધું થઈ રહેલ છે. જેણે ઈશ્વર-દર્શન કર્યું છે તેને બરાબર અનુભવ થાય કે ઈશ્વર જ કર્તા, એ જ બધું કરી રહ્યો છે.

ગિરીશ: મહાશય, પણ હું તો બરાબર સમજયો છું કે ઈશ્વર જ સર્વ કંઈ કરી રહ્યો છે.

શ્રીરામકૃષ્ણ: હું કહું કે મા, હું યંત્ર, તું યંત્રી; તું યંત્ર ચલાવનાર. હું જડ, તમે ચેતના આપનાર. તમે જેમ કરાવો તેમ કરું, જેમ બોલાવો તેમ બોલું. જેઓ અજ્ઞાની છે તેઓ એમ કહે કે કેટલુંક આપણે કર્યું છે ને કેટલુંક ઈશ્વરે કર્યું છે.

(કર્મયોગથી ચિત્તશુદ્ધિ થાય – હંમેશાં પાપ પાપ શું કામ – અહેતુકી ભક્તિ)

ગિરીશ: મહાશય, હું તે વળી શું કરું છું? અને આ કર્મ પણ શા માટે?

શ્રીરામકૃષ્ણ: ના, ભાઈ, કર્મ તો સારું. જમીન ખેડાઈને તૈયાર થઈ હોય તો એમાં જે વાવો તે ઊગી નીકળે. પણ કર્મ નિષ્કામ ભાવે કરવાં જોઈએ. 

પરમહંસ બે પ્રકારના: જ્ઞાની પરમહંસ અને પ્રેમી પરમહંસ. જે જ્ઞાની તે સ્વાર્થી, પોતાનું થયું એટલે બસ. જે પ્રેમી, જેમ કે શુકદેવ વગેરે, તેઓ ઈશ્વરને પ્રાપ્ત કરે, તેમ પાછા લોકોને ઉપદેશ પણ આપે. કોઈ કોઈ કેરી ખાઈને મોઢું લૂછી નાખે, કોઈ વળી પાંચ માણસને વહેંચીને ખાય. કોઈ કૂવો ગાળતી વખતે પાવડા, કોદાળી લાવે, તે કૂવો ખોદાઈ રહે એટલે તેની અંદર જ ફેંકી દે. તો કોઈ પાવડો, કોદાળીને સાચવીને રાખે, વખતે બાજુના કોઈ પડોશીને ખપમાં આવે તો? શુકદેવ વગેરે યે બીજાને માટે પાવડા, કોદાળી સાચવી રાખ્યાં હતાં. (ગિરીશને) તમે બીજાને માટે રાખજો.

ગિરીશ: તો આપ આશીર્વાદ આપો.

શ્રીરામકૃષ્ણ: તમે માના નામમાં શ્રદ્ધા રાખો; બધું થઈ રહેશે.

ગિરીશ: પણ હું તો પાપી!

શ્રીરામકૃષ્ણ: જે હંમેશાં પાપી, પાપી કરે, એ સાલો પાપી જ થઈ જાય!

ગિરીશ: પણ મહાશય; હું જ્યાં બેસતો એ જમીન પણ અપવિત્ર!

શ્રીરામકૃષ્ણ: એ શું? હજાર વરસના અંધારા ઓરડામાં જો પ્રકાશ આવે તો શું થોડો થોડો થઈને અજવાળું કરે? કે એક સાથે ઝબ કરીને અજવાળું થાય?

ગિરીશ: ત્યારે આપે આશીર્વાદ આપ્યા!

શ્રીરામકૃષ્ણ: તમારું કહેવું જો અંતરથી હોય તો હું શું કહું? હું તો ખાઉંપીઉં ને ભગવાનનું નામ લઉં!

ગિરીશ: અંતરથી નહિ; છતાં એટલું આપી જાઓ!

શ્રીરામકૃષ્ણ: (આપવાવાળો) હું કોણ? નારદ, શુકદેવ હોત તો –

ગિરીશ: નારદ વગેરેને તો જોયા નથી; સાક્ષાત્ જેને જોઈ શકું છું –

શ્રીરામકૃષ્ણ (હસીને): વારુ, શ્રદ્ધા રાખો!

જરા વાર સૌ ચૂપ રહ્યા છે. વળી વાત ચાલે છે.

ગિરીશ: એક ઇચ્છા; અહેતુકી ભક્તિ!

શ્રીરામકૃષ્ણ: અહેતુકી ભક્તિ તો ઈશ્વર-કોટિને થાય, જીવ-કોટિને ન થાય.

સૌ ચૂપ બેસી રહ્યા છે. ઠાકુરે પોતાના મનથી ગીત ઉપાડ્યું; દૃષ્ટિ ઊંચે.

‘શ્યામાધન શું સૌ કોઈ પામે, (કાલીધન શું સહુ કોઈ પામે)

અબોધમન કઠિન કામ એ ન જાણે,

મન કરવા કાલીનાં લાલ ચરણે, શિવનાં સાધનોય ઓછાં પડે,

ઈંદ્રાદિ સંપદસુખ તુચ્છ બને, જે માનું નિત્ય ચિંતન કરે,

શ્યામા જો નજર કરે એક તો સદાનંદ સુખમાં તરે,

યોગીન્દ્ર, મુનીન્દ્ર, ઈંદ્રાદિને ચરણ ધ્યાને ન આવે,

નગુણો કમલાકાન્ત તોયે એ ચરણ ચાહેે.

ગિરીશ: ‘નગુણો કમલાકાન્ત તોયે એ ચરણ ચાહે.’

Total Views: 348
ખંડ 37: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણ સમાધિ અવસ્થામાં
ખંડ 37: અધ્યાય 3 : ઈશ્વરદર્શનનો ઉપાય: વ્યાકુળતા