શ્રીરામકૃષ્ણ આજે સ્ટાર થિયેટરમાં પ્રહ્લાદ-ચરિત્રનું નાટક જોવા આવ્યા છે. સાથે માસ્ટર, બાબુરામ, નારાયણ વગેરે. એ વખતે સ્ટાર થિયેટર બિડન સ્ટ્રીટમાં હતું. આ રંગમંચ પર પછીથી એમારેલ્ડ થિયેટર અને ક્લાસિક થિયેટરના નાટ્યાભિનય થતા. 

આજે રવિવાર, કારતક વદ બારસ; (બંગાબ્દ ૩૦ માગશર કૃષ્ણ પક્ષની બારસ) તારીખ ૧૪મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૪. શ્રીરામકૃષ્ણ એક બોકસમાં ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. રંગભૂમિ પ્રકાશમય. પાસે માસ્ટર, બાબુરામ અને નારાયણ બેઠેલા છે. ગિરીશ આવ્યા છે. નાટક હજી શરૂ થયું નથી. ઠાકુર ગિરીશની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): વાહ, તમે બહુ સરસ બધું લખ્યું છે!

ગિરીશ: મહાશય, ધારણા ક્યાં છે? કેવળ લખ્યે ગયો છું.

શ્રીરામકૃષ્ણ: ના, તમારામાં ધારણા છે. તે દિવસે તો તમને કહ્યું, કે અંદર ભક્તિ ન હોય તો મૂર્તિ સારી ઘડાય નહિ, ધારણા જોઈએ. કેશવને ઘેર નવ-વૃંદાવન નામનું નાટક જોવા ગયો હતો. ત્યાં જોયું કે એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, મહિને આઠસો રૂપિયાનો પગારદાર, સહુ કહે કે એ મોટો પંડિત, પણ એક છોકરાંની સાથે જ મશગૂલ! છોકરું કેમ સારી જગાએ બેસે, કેમ નાટક જોઈ શકે, એને માટે જ આતુર! આ બાજુ ઈશ્વર વિશે વાતો થાય છે તે એ સાંભળે નહિ. છોકરું સતત પૂછ્યા કરે કે ‘બાપુજી, આ શું, પેલું શું?’ અને એ પણ છોકરાની સાથે જ મશગૂલ! પોથીઓ ભણ્યા છે, કેવળ એટલું જ; પરંતુ ધારણા થઈ નથી.

ગિરીશ: એમ થાય છે કે, આ નાટક-ફાટક હવે શું કામ?

શ્રીરામકૃષ્ણ: ના, ના; એ ભલે રહ્યું. એથી લોકોને ઉપદેશ મળશે.

નાટક શરૂ થયું છે. પ્રહ્લાદ પાઠશાળામાં ભણવા આવ્યો છે. પ્રહ્લાદનાં દર્શન કરીને ઠાકુર સ્નેહથી ‘પ્રહ્લાદ! પ્રહ્લાદ!’ એમ બોલતાં બોલતાં એકદમ સમાધિ-મગ્ન થયા!

પ્રહ્લાદને હાથીના પગ તળે જોઈને ઠાકુર રુદન કરે છે. જ્યારે અગ્નિકુંડમાં નાખી દીધો ત્યારે ઠાકુર રુદન કરે છે. 

ગો-લોકમાં લક્ષ્મી-નારાયણ બેઠાં છે. નારાયણ પ્રહ્લાદ સારુ ચિંતા કરે છે. એ દૃશ્ય જોઈને ઠાકુર વળી સમાધિ-મગ્ન થયા.

Total Views: 288
ખંડ 36: અધ્યાય 14 : સેવક સાથે
ખંડ 37: અધ્યાય 2 : ભક્તો સાથે ઈશ્વરકથાપ્રસંગે