ઠાકુર શ્રીરામકૃષ્ણ યુવક ભક્તોની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશ વગેરેને): ધ્યાન કરતાં કરતાં એ યુવકોનાં લક્ષણો જોઉં. મકાન બંધાવીશ એવી બુદ્ધિ તેમના મનમાં નહિ; સ્ત્રીસુખની ઇચ્છા નહિ; જેમની પત્ની છે, તેઓ પત્ની સાથે સૂએ નહિ. વાત એમ છે કે રજોગુણ ગયા વિના, શુદ્ધ સત્ત્વગુણ આવ્યા વિના મન ભગવાનમાં સ્થિર થાય નહિ; ઈશ્વર ઉપર પ્રેમ આવે નહિ; તેની પ્રાપ્તિ કરી શકાય નહિ.

ગિરીશ: આપે મને આશીર્વાદ આપ્યા છે.

શ્રીરામકૃષ્ણ: એમ છે? પણ એ કહ્યું છે કે અંતરથી હશે તો થઈ જશે. 

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર ‘આનંદમયી! આનંદમયી!’ એ શબ્દોનું ઉચ્ચારણ કરીને સમાધિ-મગ્ન થાય છે. ઘણી વાર સુધી એ અવસ્થામાં રહ્યા. જરાક સ્વસ્થ થતાં બોલે છે, ‘સાલા બધા ક્યાં ગયા?’

માસ્ટર બાબુરામને બોલાવી આવ્યા.

ઠાકુર બાબુરામ અને બીજા ભક્તોની સામે જોઈને પ્રેમમાં મસ્ત થઈને બોલે છે: ‘સચ્ચિદાનંદ જ સારો! અને કારણાનંદ? એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યું: 

‘આ વેળા મેં સારું વિચાર્યું રે,

સારા ભાવિક પાસે ભાવ શીખ્યો રે,

જે દેશમાં રજની નહિ એ દેશનું એક માણસ મળ્યું રે!

મારે તો દિવસ કેવો ને કેવી સંધ્યા, સંધ્યાને વંધ્યા કરી રે.

ઊંઘ ઊડી છે, હવે શું ઊંઘું, યોગ-જાગૃતિમાં જાગેલો છું;

યોગનિદ્રાને તને દઈ મા, ઊંઘને ઊંઘાડી બેઠેલો છું…

સુહાગણને ગંધક રંગ પાકો ચડાવ્યો રે,

મનમંદિરના ફર્શ પર બંને આંખો ઝાડુ મારે રે!

કહે પ્રસાદ ભક્તિમુક્તિ બંને માથે ધરી રે!

(મેં) કાલીબ્રહ્મ-મર્મ જાણીને ધર્માધર્મ ત્યજ્યા રે!

ઠાકુરે વળી ગીત ઉપાડ્યું:

‘ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા-સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…

કાલી નામના આવા ગુણો, કોનાથી તે જાણી શકાય,

દેવાધિદેવ મહાદેવ જેના, પંચમુખે ગુણ ગાય…

દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,

મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય…’

‘મેં માની પાસે પ્રાર્થના કરતાં કરતાં કહ્યું હતું કે મા! મારે બીજું કાંઈ જોઈએ નહિ, મને શુદ્ધ ભક્તિ આપો.’

ગિરીશનો શાન્ત ભાવ જોઈને ઠાકુર પ્રસન્ન થયા છે અને કહે છે કે તમારી આ અવસ્થા જ સારી. સહજ અવસ્થા જ ઉત્તમ અવસ્થા.

ઠાકુર નાટકશાળાના મેનેજરના ખંડમાં બેઠેલા છે. ત્યાં એક જણે આવીને કહ્યું કે આપને વિવાહને ફજેતો જોવો છે? હવે અંક શરૂ થઈ ગયો છે.

ઠાકુર ગિરીશને કહે છે: ‘આ શું કર્યું? પ્રહ્લાદ-ચરિત્રની પછી વિવાહનો ફજેતો? પહેલાં દૂધપાક, પછી કારેલાંનું શાક?

(દયાસિંધુ શ્રીરામકૃષ્ણ અને અભિનેત્રીઓ (વેશ્યાઓ))

અભિનય પૂરો થઈ ગયા પછી ગિરીશની સલાહથી અભિનેત્રીઓ (Actresses) ઠાકુરને પ્રણામ કરવા આવી છે. તેમણે જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. ભક્તો કોઈ ઊભાં ઊભાં તો કોઈ બેઠાં બેઠાં જોયા કરે છે. તેઓ જોઈને નવાઈ પામી ગયા કે અભિનેત્રીઓમાંથી કોઈ ઠાકુરને પગે હાથ લગાડીને પ્રણામ કરે છે. પગે હાથ લગાડતી વખતે ઠાકુર એમ બોલે છે ‘મા! બસ, બસ!’ શબ્દો કરુણાપૂર્ણ.

અભિનેત્રીઓ નમસ્કાર કરીને ચાલી ગઈ પછી ઠાકુર ભક્તોને કહે છે કે એ બધાંય ઈશ્વર, જુદે જુદે રૂપે.

હવે ઠાકુર ગાડીમાં બેઠા. ગિરીશ વગેરે ભક્તોએ સાથે સાથે જઈને તેમને ગાડીમાં બેસાડી દીધા.

ગાડીમાં બેસતાં બેસતાં જ ઠાકુર ગંભીર સમાધિમાં મગ્ન થયા.

ગાડીની અંદર નારાયણ વગેરે ભક્તો બેઠા. ગાડી દક્ષિણેશ્વર તરફ ચાલતી થઈ.

Total Views: 331
ખંડ 37: અધ્યાય 3 : ઈશ્વરદર્શનનો ઉપાય: વ્યાકુળતા
ખંડ 38: અધ્યાય 1 : માસ્ટર, પ્રસન્ન, કેદાર, રામ, નિત્યગોપાલ, તારક, સુરેશ વગેરે ભક્તો સાથે