આજ શનિવાર, ૨૭મી ડિસેમ્બર ઈ.સ. ૧૮૮૪. ૧૩,પોષ સુદ સાતમ. ઈશુ ખ્રિસ્તના જન્મ-દિવસને અંગે ભક્તોને રજા પડી છે. ઘણાય ભક્તો ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શને આવેલા છે. સવારમાં જ કેટલાય આવી પહોંચ્યા છે. માસ્ટર અને પ્રસન્ને આવીને જોયું તો ઠાકુર તેમના ઓરડાની દક્ષિણ બાજુની ઓસરીમાં ઊભા છે. તેમણે આવીને ઠાકુરનાં ચરણમાં વંદન કર્યાં.

સારદાપ્રસન્ન (સ્વામી ત્રિગુણાતીતાનંદ)

શ્રીયુત્ સારદાપ્રસન્ને ઠાકુર શ્રીરામકૃષ્ણનાં આ પહેલવહેલાં જ દર્શન કર્યાં.

ઠાકુર માસ્ટરને કહે છે, ‘બંકિમને કેમ લાવ્યા નહિ?’

બંકિમ એક નિશાળિયો, બાગ બજારમાં ઠાકુરે તેને જોયો હતો. દૂરથી જોઈને બોલી ઊઠ્યા હતા કે ‘છોકરો સારો.’

ભક્તો ઘણાય આવ્યા છે, કેદાર, રામ, નિત્યગોપાલ, તારક, સુરેન્દ્ર (મિત્ર) વગેરે અને છોકરા-ભક્તો ઘણાય આવેલા છે.

થોડી વાર પછી ઠાકુર ભક્તોની સાથે પંચવટીમાં જઈને બેઠા છે. ભક્તો તેમને ચારે બાજુ ઘેરી વળ્યા છે. કોઈ બેઠેલા, કોઈ ઊભેલા. ઠાકુર પંચવટીમાં નીચે ટના બનાવેલા ઓટલા ઉપર બેઠા છે, મોઢું નૈર્ઋત્ય ખૂણા તરફ છે. હસતાં હસતાં માસ્ટરને પૂછ્યું, ‘ચોપડી લાવ્યા છો?’

માસ્ટર: જી હા.

શ્રીરામકૃષ્ણ: જરા વાંચી સંભળાવો તો.

(શ્રીરામકૃષ્ણ અને રાજાનું કર્તવ્ય)

ભક્તો આગ્રહપૂર્વક જુએ છે કે કયું પુસ્તક. પુસ્તકનું નામ ‘દેવી ચૌધરાણી.’ ઠાકુરે સાંભળ્યું છે કે ‘દેવી ચૌધરાણી’માં નિષ્કામ કર્મની વાત છે. લેખક શ્રીયુત્ બંકિમચંદ્રની ખ્યાતિ પણ સાંભળી છે. પુસ્તકમાં તેમણે શું લખ્યું છે એ સાંભળીને લેખકના મનની અવસ્થા સમજી શકાશે. માસ્ટર બોલ્યા, ‘બાઈ લૂંટારાના હાથમાં સપડાઈ ગઈ હતી. બાઈનું નામ હતું પ્રફુલ્લ. પછી થયું દેવી ચૌધરાણી. જે લૂંટારાના હાથમાં બાઈ સપડાઈ હતી તેનું નામ ભવાની પાઠક. લૂંટારો બહુ સારો માણસ હશે. તેણે પ્રફુલ્લને ઘણીયે સાધના કરાવી હતી. અને કેવી રીતે નિષ્કામ કર્મ કરવું જોઈએ એ શીખવ્યું હતું. લૂંટારો દુષ્ટ માણસો પાસેથી પૈસા લૂંટી લઈને ગરીબ દુખિયાંને ખવરાવતો, તેમને દાન કરતો. તેણે પ્રફુલ્લને કહ્યું કે ‘હું દુષ્ટોનું દમન અને સજ્જનોનું પાલન કરું છું.’

શ્રીરામકૃષ્ણ: એ તો રાજાનું કર્તવ્ય.

માસ્ટર: બીજી એક જગાએ ભક્તિની વાત છે. ભવાની પાઠકે પ્રફુલ્લની પાસે રહેવા સારુ બીજી એક સ્ત્રીને મોકલી દીધી હતી. તેનું નામ નિશિ. એ બાઈ બહુ ભક્તિવાળી. તે કહેતી કે શ્રીકૃષ્ણ મારા સ્વામી. પ્રફુલ્લનાં લગ્ન થયાં હતાં. પ્રફુલ્લનો બાપ હયાત ન હતો, મા હતી. ખોટું આળ ચઢાવીને તેની નાતના લોકોએ તેમને નાત બહાર મૂક્યાં હતાં. એટલે સસરાએ પ્રફુલ્લને પોતાને ઘેર જ તેડાવી નહિ. અને પોતાના દીકરાને બીજી બે સ્ત્રીઓ પરણાવી દીધી હતી. પરંતુ પ્રફુલ્લનો પોતાના સ્વામી પર બહુ જ પ્રેમ હતો. અહીંથી હવે સાંભળશો તો બરાબર સમજાશે.

નિશિ: હું તેમની (ભવાની પાઠકની) દીકરી. એ મારા બાપા. તેમણે જ મને એક રીતે અર્પણ કરી છે.

પ્રફુલ્લ: એક રીતે એટલે?

નિશિ: સર્વસ્વ શ્રીકૃષ્ણને.

પ્રફુલ્લ: એ કેવી રીતે?

નિશિ: રૂપ, યૌવન, પ્રાણ.

પ્રફુલ્લ: એ જ તારા સ્વામી?

નિશિ: હા, કારણ કે સંપૂર્ણ રૂપે જે મારો અધિકારી તે જ મારો સ્વામી.

પ્રફુલ્લ દીર્ઘ નિસાસો નાખીને બોલી, ‘હું કહી શકતી નથી! તમે ક્યારેય સ્વામીને જોયો નથી, એટલે એમ કહો છો. સ્વામીને જોયો હોત તો કોઈ દિવસ શ્રીકૃષ્ણથી જ મન સંતોષાત નહિ.’

મૂર્ખ વ્રજેશ્વર (પ્રફુલ્લનો સ્વામી) આટલું જાણતો ન હતો!

સખીએ કહ્યું, શ્રીકૃષ્ણથી સર્વ સ્ત્રીઓનું મન સંતોષ પામી શકે; કારણ કે તેમનું રૂપ અનંત, યૌવન અનંત, ઐશ્વર્ય અનંત.’

આ યુવતી ભવાની પાઠકની ચેલી. પરંતુ પ્રફુલ્લ નિરક્ષર. તે આ વાતનો ઉત્તર આપી શકી નહિ. પરંતુ હિંદુ શાસ્ત્રોના રચનારાઓ જાણતા. તેમણે કહ્યું છે કે ‘ઈશ્વર અનંત એ જાણીએ છીએ. અનંતને નાનકડા હૃદય-પિંજરામાં પૂરી શકાય નહિ. પરંતુ સાન્તને પૂરી શકાય. એટલે અનંત જગદીશ્વર હિંદુના હૃદય-પિંજરમાં સાન્ત શ્રીકૃષ્ણ. સ્વામી એથીયે વધુ ખુલ્લી રીતે સાન્ત. એટલા માટે પ્રેમ પવિત્ર હોય તો સ્વામી ઈશ્વરને પહોંચવાનું પહેલું પગથિયું. એટલા માટે હિંદુ સ્ત્રીને મન પતિ જ દેવતા. બીજા બધા સમાજ, હિંદુ સમાજની પાસે એ બાબતમાં ઊતરતા.

પ્રફુલ્લ અભણ સ્ત્રી, કાંઈ સમજી શકી નહિ. તેણે કહ્યું, ‘હું આટલી બધી વાતો સમજી શકતી નથી. તમારું નામ શું એ તો તમે અત્યાર સુધી બોલ્યાં નહિ!’

સખી બોલી: ‘ભવાની પાઠકે મારું નામ રાખ્યું છે નિશિ. હું દિવાની બહેન નિશિ. દિવાને એક દિવસ વાતચીત કરવા લઈ આવીશ. પરંતુ હું જે કહેતી હતી તે સાંભળો. ઈશ્વર જ પરમ સ્વામી. સ્ત્રીઓને પતિ જ દેવતા. શ્રીકૃષ્ણ સૌના દેવતા. પણ બે દેવતા શું કરવા? બે ઈશ્વર? આ નાનકડા અંતરમાં જરાક જેટલી ભક્તિના બે ભાગ કરવાથી બાકી શું રહે?

પ્રફુલ્લ: જા જા. સ્ત્રીની ભક્તિનો શું અંત છે?

નિશિ: સ્ત્રીના સ્નેહનો અંત નથી. ભક્તિ એક, સ્નેહ બીજું.

(પહેલાં ઈશ્વરસાધના કે શિક્ષણ?)

માસ્ટર: ભવાની ઠાકુરે પ્રફુલ્લને સાધના શરૂ કરાવી. 

પહેલે વરસે પ્રફુલ્લને ઘેર કોઈ પણ પુરુષને જવા દેતા નહિ. તેમજ તેને ઘરની બહાર કોઈ પુરુષની સાથે વાતચીત કરવા દેતા નહિ. બીજે વરસે વાતચીત પૂરતી બંધી ઉઠાવી લીધી. પરંતુ તેને ઘેર કોઈ પુરુષને જવા દેતા નહિ. પછી ત્રીજે વરસે જ્યારે પ્રફુલ્લે માથું મુંડાવ્યું ત્યારે ભવાની પાઠક ચૂંટી કાઢેલા શિષ્યોને સાથે લઈને પ્રફુલ્લની પાસે જતા. પ્રફુલ્લ મુંડિત મસ્તકે નીચે મોઢે તેમની સાથે શાસ્ત્ર-ચર્ચા કરતી.

ત્યાર પછી પ્રફુલ્લના વિદ્યાભ્યાસનો આરંભ. વ્યાકરણ શીખી; રઘુવંશ, કુમાર-સંભવ, નૈષધ, શાકુંતલ, થોડું સાંખ્ય, થોડું વેદાન્ત, થોડું ન્યાયશાસ્ત્ર વગરે.

શ્રીરામકૃષ્ણ: આનો અર્થ શું ખબર છે? કે ભણ્યા ગણ્યા વિના જ્ઞાન થાય નહિ. જેણે લખ્યું છે એ બધા લોકોનો આ મત. એ લોકો એમ માને કે પ્રથમ ભણવા ગણવાનું, ત્યાર પછી ઈશ્વર. ઈશ્વરને જાણવો હોય તો ભણવું જોઈએ. પરંતુ યદુ મલ્લિકની સાથે જો પરિચય કરવો હોય તો તેનાં કેટલાં મકાન, કેટલાં સરકારી કાગળિયાં અને કેટલા રૂપિયા-પૈસા વગેરે બધું અગાઉથી જાણવાની શી જરૂર? ગમે તેમ કરીને, વિનંતી કરીને હો, યા દરવાનના ધક્કા ખાઈને હો – કોઈ પણ રીતે ઘરની અંદર પહોંચી જઈને યદુ મલ્લિકની સાથે વાતચીત કરવી જોઈએ. પછી જો તેના પૈસા ટકા, મિલકત વગેરેના સમાચાર જાણવાની ઇચ્છા થાય તો યદુ મલ્લિકને જ પૂછીએ, એટલે ખબર પડી જાય; ખૂબ સહેલાઈથી થઈ જાય. પ્રથમ રામ, ત્યાર પછી રામનું ઐશ્વર્ય, જગત. એટલા માટે વાલ્મીકિ ‘મરા’ મંત્રનો જપ કરતા હતા. ‘મ’ એટલે કે ઈશ્વર; ત્યાર પછી ‘રા’ એટલે કે જગત, ઈશ્વરનું ઐશ્વર્ય. 

ભક્તો આશ્ચર્યચકિત થઈને ઠાકુરના કથામૃતનું પાન કરી રહ્યા છે.

Total Views: 337
ખંડ 37: અધ્યાય 4 : સત્ત્વગુણ આવ્યે ઈશ્વર-પ્રાપ્તિ - સચ્ચિદાનંદ કે કારણાનંદ
ખંડ 38: અધ્યાય 2 : નિષ્કામ કર્મ અને શ્રીરામકૃષ્ણ - ફળસમર્પણ અને ભક્તિ