શ્રીરામકૃષ્ણ – એ ઉપરાંત પણ છે સ્વપ્ન-સિદ્ધ અને કૃપા-સિદ્ધ.

એમ કહીને ઠાકુરે ભાવમાં મગ્ન થઈ જઈને ગીત ઉપાડ્યું :

‘શ્યામાધન શું સૌ કોઈ પામે, (કાલીધન શું સહુ કોઈ પામે)

અબોધમન કઠિન કામ એ ન જાણે,

મન કરવા કાલીનાં લાલ ચરણે, શિવનાં સાધનોય ઓછાં પડે,

ઈંદ્રાદિ સંપદસુખ તુચ્છ બને, જે માનું નિત્ય ચિંતન કરે,

શ્યામા જો નજર કરે એક તો સદાનંદ સુખમાં તરે,

યોગીન્દ્ર, મુનીન્દ્ર, ઈંદ્રાદિને ચરણ ધ્યાને ન આવે,

નગુણો કમલાકાન્ત તોય એ ચરણ ચાહેે.’

ઠાકુર થોડીક વાર ભાવ-મગ્ન થઈ રહ્યા છે. ગિરીશ વગેરે ભક્તો સામે જ છે. કેટલાક દિવસ પહેલાં ઠાકુરને સ્ટાર થિયેટરમાં ગિરીશે (પીધેલ સ્થિતિમાં) સંભળાવેલ; અત્યારે તેનો શાન્ત ભાવ.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – તમારો આ ભાવ બહુ સારો; શાન્ત ભાવ. એટલા માટે મેં માને કહ્યું હતું કે મા એને (ગિરીશને) શાન્ત કરો, કે જેથી એ મને જેમ ફાવે તેમ બોલે નહિ.

ગિરીશ (માસ્ટરને) – મારી જીભ જાણે કે કોઈએ દાબી રાખી છે; મને બોલવા દેતું નથી.

શ્રીરામકૃષ્ણ હજીયે ભાવ-મગ્ન, અંતર્મુખ; બહારની વ્યક્તિઓને, વસ્તુઓને, એક પછી એક જાણે કે બધુંય ભૂલતા જાય છે. સહેજ સ્વસ્થ થઈને મનને નીચે ઉતારી રહ્યા છે. ભક્તોને બધાને જોઈ રહ્યા છે. (માસ્ટરને જોઈને) આ બધા ત્યાં (દક્ષિણેશ્વરે) જાય છે; તે જાય તો ભલે જાય; મા બધું જાણે.

નારાયણ

(પાડોશી યુવકને) કેમ ભાઈ! તમને શું લાગે છે? માણસનું કર્તવ્ય શું?

સૌ ચૂપ રહ્યા છે. ઠાકુર શું એ કહી રહ્યા છે કે ઈશ્વર-પ્રાપ્તિ જ જીવનનું ધ્યેય?

શ્રીરામકૃષ્ણ (નારાયણને) – તારે પાસ થવું નથી? અરે, પાશ-મુક્ત શિવ, પાશ-બદ્ધ જીવ!

ઠાકુર હજીયે ભાવ-અવસ્થામાં છે. પાસે કાચના ગ્લાસમાં પાણી હતું, તે પીધું. ઠાકુર સ્વગતોક્તિની જેમ બોલી રહ્યા છે, ‘લે, ભાવમાં તો પાણી પી નાખ્યું!

(શ્રીરામકૃષ્ણ અને શ્રીયુત્ અતુલ – વ્યાકુળતા)

હજી સંધ્યા થઈ નથી. ઠાકુર ગિરીશના ભાઈ શ્રીયુત્ અતુલની સાથે વાતો કરે છે. અતુલ ભક્તો સાથે સામે જ બેઠા છે. એક બ્રાહ્મણ પાડોશીય બેઠા છે. અતુલ હાઈકોર્ટના વકીલ.

શ્રીરામકૃષ્ણ (અતુલને) – આપને આટલું કહેવાનું : તમે લોકો બન્ને વસ્તુ કરજો; સંસાર પણ કરજો ને જેથી ભક્તિ આવે એ પણ (ભજન વગેરે) કરજો.

બ્રાહ્મણ પાડોશી – બ્રાહ્મણ ન હોય તો શું સિદ્ધ થાય?

શ્રીરામકૃષ્ણ – કેમ વારુ? કળિયુગમાં શૂદ્રની ભક્તિની વાતો તો છે. શબરી, રોહીદાસ, ગૂહક ચંડાળ એ બધા તો છે.

નારાયણ (સહાસ્ય) – બ્રાહ્મણ, શૂદ્ર, બધા એક.

બ્રાહ્મણ – એક જ જન્મે શું થાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરની દયા થાય તો શું ન થાય? હજારો વરસના અંધારા ઓરડામાં દીવો લાવીએ, તો શું અંધારું જરા જરા કરીને જાય? કે એકદમ અજવાળું થાય?

(અતુલને) તીવ્ર વૈરાગ્ય જોઈએ, જાણે કે મ્યાનમાંથી બહાર કાઢેલી ખુલ્લી તલવાર. એવો વૈરાગ્ય હોય તો સગાં કાળા સાપ જેવાં લાગે, ઘર અંધારિયા કૂવા જેવું લાગે.

અને અંતરથી આતુર થઈને ઈશ્વરને પોકારવો જોઈએ. અંતરનો પોકાર ઈશ્વર સાંભળે જ, સાંભળે.

બધા ચૂપ થઈ રહ્યા છે. ઠાકુર જે બોલે છે તે એકચિત્તે સાંભળીને એ બધાંનો વિચાર કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (અતુલને) – કેમ, વારુ? એવી અંતરની દૃઢ આતુરતા આવે નહિ?

અતુલ – મન ક્યાં ટકે છે?

શ્રીરામકૃષ્ણ – અભ્યાસ-યોગ! રોજ ઈશ્વરને સમરવાની ટેવ પાડવી જોઈએ. એક દિ’માં થાય નહિ; રોજ સમરતાં સમરતાં આતુરતા આવે.

‘રાતદિવસ માત્ર સંસાર-વહેવારનાં જ કામ કર્યે આતુરતા કેમ કરીને આવે? યદુ મલ્લિક અગાઉ ઈશ્વર સંબંધી વાતો ખૂબ સાંભળતો, પોતેય ખૂબ કરતો; આજકાલ એટલી કરતો નથી, રાતદિ’ ખુશામતિયાઓની સાથે બેઠો હોય, કેવળ વહેવારની જ વાતો!’

(સંધ્યાસમયે શ્રીઠાકુરની પ્રાર્થના – તેજચંદ્ર)

સંધ્યા થઈ. ઓરડામાં બત્તી પેટાવવામાં આવી છે. શ્રીરામકૃષ્ણ ભગવાનનું નામ લે છે, ભજન ગાય છે અને પ્રાર્થના કરી રહ્યા છે.

તે બોલે છે, ‘હરિ બોલ,’ ‘હરિ બોલ,’ ‘હરિ બોલ,’ તેમ પાછા ‘રામ, ‘રામ,’ ‘રામ;’ વળી ‘નિત્યલીલામયી;’ ‘ઓ મા, ઉપાય બોલો, મા!’ ‘શરણાગત, શરણાગત, શરણાગત.’

ગિરીશને જવાની ઉતાવળ કરતા જોઈને ઠાકુર જરા ચૂપ રહ્યા. તેજચંદ્રને કહે છે કે ‘તું જરા પાસે આવીને બેસ.’

તેજચંદ્ર પાસે આવીને બેઠો. થોડી વાર પછી માસ્ટરને ઘુસપુસ કરીને એ કહે છે કે મારે જવું છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એ શું કહે છે?

માસ્ટર – એ કહે કે છે ઘેર જવું છે.

શ્રીરામકૃષ્ણ – હું આમને આટલો ખેંચું છું શા માટે? એ લોકો નિર્મળ આધાર છે; એમનામાં વિષય-વાસના હજી ઘૂસી નથી. ચિત્તમાં વિષય-વાસના હોય તો ઉપદેશની ધારણા કરી શકે નહિ. નવી દોણીમાં દૂધ રાખી શકાય, પણ દહીંની દોણીમાં દૂધ રાખ્યે દૂધ બગડી જાય.

‘જે વાટકીમાં લસણ વાટીને રાખ્યું હોય તે વાટકીને હજાર વાર ધૂઓ ને, લસણની ગંધ જાય નહિ.’

Total Views: 338
ખંડ 40: અધ્યાય 1 : ગિરીશના ઘરે જ્ઞાનભક્તિ સમન્વયના કથાપ્રસંગે
ખંડ 40: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં - વૃષકેતુ નાટકદર્શને - નરેન્દ્રાદિ ભક્તો સંગે