ઠાકુર શ્રીરામકૃષ્ણ બસુપાડામાં ગિરીશ ઘોષને ઘેર ભક્તો સાથે બેસીને ઈશ્વર સંબંધે વાતો કરી રહ્યા છે. બપોરના ત્રણેક વાગ્યા છે. માસ્ટરે આવીને જમીન પર માથું મૂકીને પ્રણામ કર્યા. આજ બુધવાર, ફાગણ સુદ અગિયારસ; ૨૫મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ગયે રવિવારે દક્ષિણેશ્વર-મંદિરે શ્રીરામકૃષ્ણનો જન્મ-મહોત્સવ થઈ ગયો છે. આજે ઠાકુર ગિરીશને ઘેર થઈને સ્ટાર થિએટરમાં ‘વૃષકેતુ’ નાટક જોવા જવાના છે.

ઠાકુર જરાક વાર પહેલાંથી જ આવ્યા છે. કામકાજ પતાવીને આવતાં માસ્ટરને કંઈક મોડું થયું છે. આવતાં વેંત તેમણે જોયું કે ઠાકુર ઉત્સાહની સાથે બ્રહ્મ-જ્ઞાન અને ભક્તિ-તત્ત્વના સમન્વયની વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશ વગેરે ભક્તોને) – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; જીવની આ ત્રણ અવસ્થા.

‘જેઓ જ્ઞાન-વિચાર કરે તેઓ ત્રણે અવસ્થાને ઉડાવી દે. તેઓ કહે કે બ્રહ્મ ત્રણે અવસ્થાથી પર; સ્થૂલ, સૂક્ષ્મ, કારણ એ ત્રણ દેહથી પર; સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણ ગુણોથી પર. આ સમસ્ત છે માયા. જેમ કે અરીસામાં પ્રતિબિંબ પડે છે; પ્રતિબિંબ એ કોઈ ખરી વસ્તુ નથી. તેમ બ્રહ્મ જ વસ્તુ, બીજું બધું અવસ્તુ. (માંડૂક્ય ઉપનિષદ)

ગિરીશ ઘોષનું નિવાસસ્થાન

બ્રહ્મજ્ઞાનીઓ એથીયે આગળ કહે છે કે દેહાત્મ-ભાવના હોય એટલે જ બે દેખાય. ત્યારે પ્રતિબિંબ પણ ખરું લાગે. એ દેહભાવના ચાલી જાય ત્યારે, ‘સોહમ્’ – ‘હું જ એ બ્રહ્મ, એવો અનુભવ થાય.’

એક ભક્ત – તો પછી શું અમારે બધાએ જ્ઞાન-વિચાર કરવો?

(બે પથ અને ગિરીશ – વિચાર અને ભક્તિ – જ્ઞાનયોગ અને ભક્તિયોગ)

શ્રીરામકૃષ્ણ – વિચાર-માર્ગ પણ છે. એ વેદાન્તવાદીઓનો માર્ગ. બીજો એક માર્ગ છે ભક્તિ-માર્ગ. ભક્ત જો આતુર થઈને બ્રહ્મ-જ્ઞાનને માટે રડે તો એને એ પણ મળે. જ્ઞાન-યોગ અને ભક્તિ-યોગ.

એ બન્ને માર્ગે બ્રહ્મ-જ્ઞાન થઈ શકે. કોઈ કોઈ બ્રહ્મ-જ્ઞાનની પછીયે ભક્તિ લઈને રહે, લોકોપદેશને માટે; જેમ કે અવતાર વગેરે.

‘પરંતુ દેહાત્મ-ભાવના, ‘હું’ ભાવના, સહેજે જાય નહિ. ઈશ્વરની કૃપાથી સમાધિ-અવસ્થા થાય તો જાય; – નિર્વિકલ્પ સમાધિ, જડ સમાધિ.

‘સમાધિની પછી અવતારી પુરુષોનો ‘અહં’ પાછો ફરીને આવે; એ વિદ્યાનો અહં, ભક્તનો અહં. એ ‘વિદ્યાના અહં’ વડે લોકોને ઉપદેશ અપાય. શંકરાચાર્યે ‘વિદ્યાનો અહં’ રાખ્યો હતો.

ચૈતન્યદેવ એ ‘અહં’ વડે ભક્તિનો સ્વાદ લેતા; ભક્તિ, ભક્ત લઈને રહેતા; ઈશ્વરી વાતો કહેતા; નામ-સંકીર્તન કરતા.

‘અહં’ તો સહેજે જાય નહિ, એટલે ભક્ત જાગ્રત, સ્વપ્ન વગેરે અવસ્થાઓને ઉડાવી દે નહિ. ભક્ત બધી અવસ્થાઓને સ્વીકારે; સત્ત્વ, રજસ્, તમસ્ ત્રણ ગુણોને પણ સ્વીકારે; ભક્ત જુએ કે ઈશ્વર જ ચોવીસ તત્ત્વ થઈ રહ્યો છે, જીવ-જગત થઈ રહ્યો છે. તેમ વળી એ જુએ કે ઈશ્વર જ સાકાર ચિન્મયરૂપે દર્શન દે છે.

ભક્ત વિદ્યામાયાનો આશ્રય લઈને રહે. સાધુ-સંગ, તીર્થ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરે બધાંનો આશ્રય લઈને રહે. એ કહેશે કે જો ‘અહં’ સહેજે નીકળે જ નહિ તો રહે સાલા ‘દાસ’ થઈને, ‘ભક્ત’ થઈને.

‘ભક્તનેય એકરૂપતાનું જ્ઞાન થાય. એ જુએ કે ઈશ્વર સિવાય બીજું કાંઈ જ નથી. એ જગતને ‘સ્વપ્નવત્’ કહે નહિ. પણ એ કહેશે કે ઈશ્વર જ આ બધું થઈ રહેલ છે. મીણના બગીચામાં બધુંય મીણ, પણ વિવિધ પ્રકારના આકાર.

‘પરંતુ પાકી ભક્તિ હોય, તો એ પ્રમાણે અનુભવ થાય. શરીરમાં ખૂબ પિત્ત વધી જાય ત્યારે કમળો થાય, ત્યારે તે બધું પીળું જ જુએ! શ્રીમતી રાધાજીએ કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં બધું કૃષ્ણમય જોયેલું; અને પોતાનેય કૃષ્ણરૂપે જોયાં. પારાની અંદર સીસું ઘણા દિવસ સુધી રહે તો તેય પારો થઈ જાય. ભમરીનું ચિંતન કરતાં કરતાં કીડો નિશ્ચલ થઈ જાય, હાલેચાલે નહિ, અને આખરે ભમરી જ થઈ જાય. ભક્ત પણ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં અહંરહિત થઈ જાય. વળી ભક્ત જુએ કે ‘ઈશ્વર જ હું રૂપે છે, હું જ ઈશ્વર રૂપે છું,’

કીડો જ્યારે ભમરીરૂપ થઈ જાય, એટલે પછી બધું થઈ ગયું. એ જ મુક્તિ.

(વિવિધભાવે પૂજા અને ગિરીશ – ‘મારો માતૃભાવ’)

‘જ્યાં સુધી ઈશ્વરે આપણામાં ‘હું’ પણું રહેવા દીધું છે, ત્યાં સુધી એક ભાવનો આધાર લઈને ઈશ્વરને સમરવો જોઈએ, શાન્ત, દાસ્ય, વાત્સલ્ય વગેરેમાંથી.

હું દાસી-ભાવમાં એક વરસ સુધી હતો : મા બ્રહ્મમયીની દાસી. સ્ત્રીઓનાં કપડાં, ઓઢણું વગેરે બધું પહેરતો; તેમ વળી નથ પહેરતો. સ્ત્રીભાવે રહેવાથી કામજય થાય.

‘એ આદ્યશક્તિની પૂજા કરવી જોઈએ; એને પ્રસન્ન કરવી જોઈએ. એ જ સ્ત્રીઓનાં રૂપ ધારણ કરીને રહેલાં છે. એટલે મારો માતૃ-ભાવ.

‘માતૃ-ભાવ અતિશુદ્ધ ભાવ. તંત્રમાં વામાચારની વાતો પણ છે, પરંતુ એ સારું નહિ, પતન થાય. ભોગ રાખવામાં ભય છે. માતૃ-ભાવ જાણે કે નિર્જળા એકાદશી. તેમાં કશાય ભોગની ગંધ નહિ. એ ઉપરાંત છે એક, માત્ર ફળ, મૂળ, દૂધ ખાઈને કરેલી એકાદશી. તે સિવાય એક છે, રાજગરાનો શીરો, પૂરી, પેંડા, બરફી, જાંબુ વગેરે ખાઈને કરવાની એકાદશી! મારી નિર્જળા એકાદશી. મેં માતૃ-ભાવે ષોડશી-માતારૂપે પૂજા કરી હતી. જોયું તો સ્તન માતૃસ્તન અને યોનિ માતૃયોનિ.

‘આ માતૃ-ભાવ એ સાધનાની આખરી વાત. ‘તમે મા, હું તમારું સંતાન,’ એ સાધનાની છેલ્લી વાત.

(સંન્યાસી માટે કઠિન નિયમ – ગૃહસ્થ માટે નિયમ અને ગિરીશ)

‘સંન્યાસીની નિર્જળા અગિયારસ. સંન્યાસી જો ભોગ પાસે રાખે, તોય તેને પતનની બીક છે. કામિની-કાંચન ભોગ. જેમ કે થૂંકી નાખેલું પાછું ગળવું. પૈસાટકા, માન-મરતબો, ઇન્દ્રિયસુખ વગેરે બધા ભોગો. સંન્યાસીને માટે સ્ત્રી-ભક્ત સાથે બેસવું અથવા વાતો કરવી એ પણ સારું નહિ. પોતાને નુકસાન અને બીજા માણસોનેય નુકસાન. એ બીજા લોકોને ઉપદેશરૂપ થાય નહિ.લોકોપદેશ થાય નહિ. સંન્યાસીનું દેહધારણ લોકોપદેશને માટે.

‘સ્ત્રીઓની સાથે બેસવું કે વધારે વાતચીત કરવી, એનેય રમણ કહ્યું છે. રમણ આઠ પ્રકારનું : સ્ત્રીઓની વાતો સાંભળીએ છીએ, એ સાંભળવામાં આનંદ આવે છે, એ એક પ્રકારનું રમણ. સ્ત્રીઓની વાતો કરીએ (વખાણ કરવાં), સ્ત્રીઓની સાથે એકાંતમાં છાનામાના વાતો કરીએ, સ્ત્રીઓની કોઈ વસ્તુ પાસે રાખી મૂકીએ અને આનંદ થાય, એ પણ એક પ્રકાર; સ્ત્રીઓનો સ્પર્શ કરવો, એ પણ એક પ્રકાર. એટલા માટે ગુરુ-પત્ની પણ યુવતી હોય તો તેનો ચરણસ્પર્શ કરવો નહિ. સંન્યાસીને માટે આ બધા નિયમો.

સંસારીઓની જુદી વાત. એક બે છોકરાં થઈ જાય પછી તેમણે ભાઈ-બહેનની પેઠે રહેવું; તેમને બીજા સાત પ્રકારનાં રમણમાં એટલો દોષ નહિ.

‘ગૃહસ્થને માથે કેટલાંક ઋણ છે : દેવ-ઋણ, પિતૃ-ઋણ, ઋષિ-ઋણ; તેમ વળી પત્ની-ઋણ પણ છે. એક બે સંતાન ઉત્પન્ન કરવાં તથા સતી હોય તો તેનું પાલન કરવાનું ઋણ.

ગિરીશચંદ્ર ઘોષ

‘સંસારીઓ પારખી શકે નહિ કે કઈ સારી સ્ત્રી કે કઈ નરસી સ્ત્રી. કઈ વિદ્યા-શક્તિ કે કઈ અવિદ્યા-શક્તિ. જે સારી સ્ત્રી હોય, વિદ્યા-શક્તિ હોય, તેને કામ-ક્રોધ એ બધું ઓછું હોય; ઊંઘ ઓછી; ધણીનું માથું દાબી આપે, સન્માર્ગે વાળે. જે વિદ્યા-શક્તિ હોય તેનામાં સ્નેહ, દયા, ભક્તિ, લાજ-શરમ વગેરે હોય. એ બધાંયની સેવા કરે વાત્સલ્ય-ભાવે; અને ધણીને જેનાથી ભગવાનમાં ભક્તિ આવે તેમાં સહાય કરે. વધારે ખરચ કરે નહિ, વળી ધણીને વધુ મહેનત કરવી પડે અને ઈશ્વર-ચિંતનને માટે વખત ન મળે, એટલા માટે.

‘તેમ વળી પુરુષ અને સ્ત્રીઓમાં બીજાં લક્ષણો પણ છે. ખરાબ લક્ષણોમાં ત્રાંસી આંખો, ઊંડી કે બિલાડી જેવી આંખો, ઓછી પાંસળી, વાછડા જેવું ડાચું વગેરે.’

(સમાધિતત્ત્વ અને ગિરીશ – ઈશ્વરપ્રાપ્તિના ઉપાય – ગિરીશનો પ્રશ્ન)

ગિરીશ – અમારે માટે ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ – ભક્તિ જ સાર વસ્તુ. તેમ વળી ભક્તિનો સત્ત્વ, ભક્તિનો રજસ્, ભક્તિનો તમસ્ છે.

ભક્તિનો સત્ત્વ એ દીનહીન ભાવ. ભક્તિનો તમસ્ જાણે કે લૂંટારા જેવો ભાવ; હું ઈશ્વરનું નામ લઉં છું ને વળી મારામાં પાપ શું? તમે મારી પોતાની મા છો, દર્શન દેવાં જ પડશે.

ગિરીશ (સહાસ્ય) – ભક્તિનો તમસ્ તો આપ જ શીખવો છો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – પરંતુ ઈશ્વરનાં દર્શન થયાં છે તેનાં લક્ષણો છે. તેને સમાધિ થાય. સમાધિ પાંચ પ્રકારની; પ્રથમ કીડીની ગતિ, કરોડરજ્જુમાં મહાવાયુ (કુંડલિની શક્તિ) કીડીની પેઠે ચડે. બીજી મીન-ગતિ; ત્રીજી સર્પ-ગતિ; ચોથી પક્ષી-ગતિ; પક્ષી જેમ એક ડાળેથી બીજી ડાળે જાય; પાંચમી કપિ-ગતિ, વાનર-ગતિ; મહાવાયુ જાણે કે ઠેકડો મારીને માથે ચડી જાય, અને સમાધિ થાય.

‘એ સિવાય પણ બે પ્રકાર છે : પ્રથમ સ્થિત સમાધિ; એકદમ બાહ્ય જગતથી શૂન્ય; કેટલીયે વાર સુધી, કાં તો કેટલાય દિવસ સુધી રહ્યો. બીજી ઉન્મના સમાધિ; અચાનક મનને ચારે કોરથી સંકોરી લઈને ઈશ્વરમાં જોડી દેવું.

(ઉન્મના સમાધિ અને માસ્ટર)

(માસ્ટરને) તમે આ સમજ્યા છો?

માસ્ટર – જી હા.

ગિરીશ – ઈશ્વરને શી સાધના કરીને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ – લોકોએ ઈશ્વરને વિવિધ પ્રકારે પ્રાપ્ત કર્યો છે. કોઈ કેટલીયે તપશ્ચર્યા સાધન-ભજન કરીને ઈશ્વરલાભ મેળવે છે, એ છે સાધન-સિદ્ધ. કોઈ જન્મથી જ સિદ્ધ; જેવા કે નારદ, શુકદેવ વગેરે, એમને કહે છે નિત્ય-સિદ્ધ. એ ઉપરાંત છે એક, અચાનક-સિદ્ધ; અચાનક ઈશ્વર-પ્રાપ્તિ થઈ ગઈ છે! જેમ કે કશી આશા નહોતી, છતાં અચાનક નંદ બસુની પેઠે સંપત્તિ મળી આવી.

Total Views: 327
ખંડ 39: અધ્યાય 4 : જન્મોત્સવની રાત્રે ગિરીશ વગેરે ભક્તો સાથે પ્રેમાનંદમાં
ખંડ 40: અધ્યાય 2 : ગિરીશનો શાંતભાવ - કલિયુગમાં શૂદ્રની ભક્તિ અને મુક્તિ