(દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ અને ભક્તિયોગ)

(મહિમાચરણ, રામ, મનોમોહન, નવાઈ ચૈતન્ય, નરેન્દ્ર, માસ્ટર વગેરે)

આજે હોળી-દોલયાત્રા, શ્રીશ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. ૧૯ ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. ૧૮૮૫. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર બેઠેલા છે; સમાધિ અવસ્થામાં. ભક્તો જમીન પર બેઠા છે, એક નજરે તેમને જોઈ રહ્યા છે. મહિમાચરણ, રામ (દત્ત), મનોમોહન, નવાઈ ચૈતન્ય, માસ્ટર વગેરે ઘણાય બેઠા છે.

ભક્તો એક નજરે જોઈ રહ્યા છે. સમાધિ ભંગ થઈ તો પણ ભાવની પૂર્ણ માત્રા છે. ઠાકુર મહિમાચરણને કહે છે, ‘બાબુ! હરિ-ભક્તિની વાત (કરો)!’

મહિમાચરણ :

આરાધિતો યદિ હરિસ્તપસા તત: કિમ્।

નારાધિતો યદિ હરિસ્તપસા તત: કિમ્॥

અંતર્બહિ ર્યદિ હરિસ્તપસા તત: કિમ્।

નાન્તર્બહિ ર્યદિ હરિસ્તપસા તત: કિમ્॥

વિરમ વિરમ બ્રહ્મન્, કિં તપસ્યાસુ વત્સ।

વ્રજ વ્રજ દ્વિજ શીઘ્રં શંકરં જ્ઞાનસિન્ધુમ્॥

લભ લભ હરિભક્તિં વૈષ્ણવોક્તાં સુપક્વાં।

ભવનિગડનિબન્ધચ્છેદનીં કર્તરીં ચ॥

‘આ નારદ-પાંચરાત્રમાં છે. નારદ તપશ્ચર્યા કરતા હતા. એટલામાં આકાશવાણી થઈ કે :

‘જો હરિની આરાધના કરી શકાય, તો પછી તપશ્ચર્યાનું શું પ્રયોજન? અને જો હરિની આરાધના ન થાય, તોય પછી તપશ્ચર્યાનું શું પ્રયોજન? અંદર ને બહાર જો હરિ, તો પછી તપશ્ચર્યાનું શું પ્રયોજન? અને અંદર અને બહાર જો હરિ ન હોય તોય તપશ્ચર્યાનું શું પ્રયોજન? માટે હે બ્રાહ્મણ! બસ કરો. તપશ્ચર્યાની કશી આવશ્યકતા નથી. જ્ઞાનસિંધુ શંકર પાસે જલદી જાઓ, અને વૈષ્ણવો જે હરિ-ભક્તિની વાત કહી ગયા છે, તે દૃઢ-સુપક્વ હરિ-ભક્તિને પ્રાપ્ત કરો, પ્રાપ્ત કરો. આ ભક્તિરૂપી કટારીથી સંસારરૂપી બેડી તૂટશે.’

(ઈશ્વરકોટિ – શુકદેવનો સમાધિભંગ – હનુમાન અને પ્રહ્લાદ)

શ્રીરામકૃષ્ણ – જીવ-કોટિ અને ઈશ્વર-કોટિ. જીવ-કોટિની ભક્તિ વિધિપૂર્વકની ભક્તિ : આટલા ઉપચારથી પૂજા કરવી જોઈએ, આટલા જપ કરવા જોઈએ, આટલાં પુરશ્ચરણ કરવાં જોઈએ વગેરે. એવી વિધિપૂર્વકની ભક્તિ પછી જ્ઞાન થાય. ત્યાર પછી અહંનો લય થાય. આ લય થયા પછી જીવ પાછો ફરે નહિ.

‘પરંતુ ઈશ્વર-કોટિની જુદી વાત. જેમ કે અનુલોમ અને વિલોમ (નીચે ઊતરવું અને ઉપર ચડવું). ‘નેતિ નેતિ’ કરીને અગાસી ઉપર પહોંચીને જુએ કે જે વસ્તુમાંથી અગાસી બનેલી છે – ઇંટ, ચૂનો, રેતી વગેરે – પગથિયાંની સીડી પણ તેમાંથી જ બનેલી છે. ત્યાર પછી તે ક્યારેક અગાસી પર રહી શકે, તેમજ ઊતરવું-ચડવું પણ કરી શકે.

શુકદેવ સમાધિમાં હતા, નિર્વિકલ્પ સમાધિમાં, જડ સમાધિમાં. ભગવાને નારદજીને મોકલ્યા. કારણ કે પરીક્ષિતને ભાગવત સંભળાવવાનું હતું. નારદે જોયું તો શુકદેવ જડ પદાર્થની પેઠે બહારના ભાનરહિત બેઠેલા છે. એટલે વીણાની સાથે શ્રીહરિના રૂપનું ચાર શ્લોકમાં વર્ણન કરવાનું શરૂ કર્યું. પ્રથમ શ્લોક બોલતાં બોલતાં શુકદેવને રોમાંચ થયો; પછી અશ્રુ; અંતરમાં હૃદયની અંદર ચિન્મય રૂપનાં દર્શન કરવા લાગ્યા. જુઓ, જડ સમાધિ પછી પાછું રૂપ-દર્શન પણ થયું! શુકદેવ ઈશ્વર-કોટિ.

હનુમાનજી સાકાર નિરાકાર બન્ને સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને રામ-મૂર્તિમાં નિષ્ઠા રાખીને રહ્યા હતા. એ રામ-મૂર્તિ, એ ચિદ્દઘન આનંદમય મૂર્તિ!

પ્રહ્લાદ ક્યારેક જોતા કે સોઽહમ્ (હું જ એ પરમાત્મા); તેમજ વળી ક્યારેક દાસ-ભાવમાં રહેતા. ભક્તિ ન રાખે તો શું કરવા સંસારમાં રહે? એટલે સેવ્ય-સેવક ભાવનો આધાર લેવો જોઈએ : તમે પ્રભુ, હું દાસ, હરિ-રસ આસ્વાદન કરવા માટે રસ-રસિકનો ભાવ : હે ઈશ્વર તમે રસ, હું રસિક. (રસો વૈ સ:। રસઁ હ્યેવાયં લબ્ધ્વાડડનંદી ભવતિ। કો હ્યેવાન્યાત્ક: પ્રાણ્યાદ્ યદેષ આકાશ આનંદો ન સ્યાત્॥ ‘તે નિશ્ચય રસ જ છે. એ રસને પામીને પુરુષ આનંદમય બની જાય છે. જો હૃદયાકાશમાં રહેલ એ આનંદ (આનંદ સ્વરૂપ આત્મા) ન હોય તો કોણ અપાન ક્રિયા કરે, અને કોણ પ્રાણન્ક્રિયા કરે? એ જ તો એને આનંદિત કરે છે. તૈત્તિરીય ઉપનિષદ, ૨.૭)

ભક્તિનો અહં, વિદ્યાનો અહં, બાળકનો અહં, એમાં દોષ નહિ. શંકરાચાર્યે ‘વિદ્યાનો અહં’ રાખ્યો હતો લોકોપદેશ આપવા સારુ. ‘બાળકના અહં’માં આગ્રહ ન હોય. બાળક ગુણાતીત, એક્કેય ગુણને વશ નહિ. ઘડીકમાં ગુસ્સે થાય, પણ પાછું કંઈ નહિ. માટીનો કૂબો બનાવે, પણ પાછું ભૂલી જાય. ઘડીક ગોઠિયાઓ ઉપર ખૂબ પ્રેમ રાખે, પણ થોડા દિવસ તેમને જુએ નહિ તો બધું ભૂલી જાય, બાળક સત્ત્વ, રજસ્, તમસ્ એમાંથી એક્કેય ગુણને વશ નહિ.

‘તમે ભગવાન, હું ભક્ત’ એ ભક્તનો અંતરનો ભાવ. આ અહં એ ભક્તિનો અહં. ભક્ત શા માટે ભક્તિનો અહં રાખે? તેનું કારણ છે, કે ‘અહં’ તો કોઈ રીતે જવાનો નથી, તો પછી રહે સાલા ‘દાસ અહં,’ ‘ભક્તનો અહં’ થઈને.

‘તમે હજાર જ્ઞાન-વિચાર કરો, પણ ‘અહં’ જાય નહિ. અહંરૂપી ઘડો. બ્રહ્મ જાણે કે સમુદ્ર, ચારે કોર પાણી જ પાણી, કુંભની અંદર બહાર પણ પાણી, પાણી જ પાણી; છતાં કુંભ તો છે જ. આ ભક્તના અહંનું સ્વરૂપ. જ્યાં સુધી કુંભ છે ત્યાં સુધી ‘હું’ છું, ‘તું’ છે; ‘તમે ભગવાન, હું ભક્ત;’ ‘તમે પ્રભુ, હું દાસ;’ એય છે. હજાર જ્ઞાન-વિચાર કરો, પણ એ છોડી નહિ શકાય. ઘડો ન જ હોય ત્યારે જુદી વાત.’

Total Views: 313
ખંડ 40: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં - વૃષકેતુ નાટકદર્શને - નરેન્દ્રાદિ ભક્તો સંગે
ખંડ 41: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમનો નરેન્દ્રને સંન્યાસનો ઉપદેશ