નરેન્દ્ર આવીને પ્રણામ કરીને બેઠો. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રની સાથે વાતો કરે છે. વાતો કરતાં આવીને જમીન પર બેઠા. જમીન પર ચટાઈ પાથરેલી છે. આટલી વારમાં તો ઓરડો માણસોથી ભરાઈ ગયો. ભક્તો પણ છે. બહારના માણસો પણ આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – ઠીક છો ને? કહે છે કે તું ગિરીશ ઘોષને ત્યાં ઘણી વાર જાય છે?

નરેન્દ્ર – જી હાં, ક્યારેક ક્યારેક જાઉં છું.

ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ગિરીશ થોડાક મહિનાથી નવા નવા આવજા કરે છે. ઠાકુર કહે છે કે ગિરીશની શ્રદ્ધા બથમાં સમાવી શકાય નહિ. જેવી તેનામાં શ્રદ્ધા, તેવો જ અનુરાગ. ઘરમાં શ્રીરામકૃષ્ણના ચિંતનમાં સર્વદા મગ્ન થઈ રહે. નરેન્દ્ર ઘણીયે વાર તેને ત્યાં જાય. હરિપદ, દેવેન્દ્ર અને બીજા કેટલાક ભક્તો તેને ઘેર મોટે ભાગે જાય. ગિરીશ તેમની સાથે કેવળ શ્રીરામકૃષ્ણની જ વાતો કરે. ગિરીશ સંસારમાં રહે. પરંતુ ઠાકુર જુએ છે કે નરેન્દ્ર સંસારમાં રહેશે નહિ, કામિની-કાંચન ત્યાગ કરવાના. ઠાકુર નરેન્દ્રની સાથે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – તું ગિરીશ ઘોષને ત્યાં બહુ જાય છે?

(સંન્યાસના અધિકારી – કૌમાર-વૈરાગ્ય – ગિરીશ કઈ કક્ષાએ છે – રાવણ અને અસુરોની પ્રકૃતિમાં યોગ અને ભોગ)

‘પરંતુ લસણવાળી વાટકી ગમે તેટલી ધૂઓ, પણ ગંધ જરાક તો રહેવાની જ. છોકરા શુદ્ધ આધાર; તેમણે કામિની-કાંચનને સ્પર્શ કર્યો નથી. ઘણા દિવસ સુધી કામિની-કાંચનમાં રહ્યે લસણની ગંધ આવે જ.

જેમ કે કાગડાએ ટોચેલી કેરી દેવતાને નૈવેદ્યમાં ધરાવાય નહિ, પોતાને પણ ખાતાં શંકા થાય. જેમ કે નવી દોણી અને દહીંની દોણી. દહીંની દોણી ધોઈ હોય તોય તેમાં દૂધ રાખતાં બીક લાગે; ઘણે ભાગે દૂધ બગડી જાય.

તેમનો (ગિરીશ જેવાઓનો) વર્ગ જ અલગ. તેમને યોગ પણ છે, અને ભોગ પણ છે. જેમ કે રાવણનો ભાવ; એ નાગકન્યા, દેવકન્યા ઉઠાવી લાવે ને રામને પણ પામે.

‘અસુરો વિવિધ પ્રકારના ભોગ પણ ભોગવે અને નારાયણને પણ પ્રાપ્ત કરે.’

નરેન્દ્ર – ગિરીશ ઘોષે પહેલાંનો સંગ છોડી દીધો છે.

શ્રીરામકૃષ્ણ – મોટી ઉંમરે ખસી કરેલો હોય એવો બળદ મેં બર્દવાનમાં જોયો હતો. એક ખસી કરેલા બળદને ગાયો પાસે જતો જોઈને મેં પૂછ્યું કે ‘આ શું ભાઈ? આ તો ખસી કરેલો છે ને?’

એટલે ગાડીવાળો કહે છે, ‘મહાશય, આને મોટી ઉંમરે ખસી કરી છે, એટલે અગાઉના સંસ્કાર ગયા નથી.’

‘એક જગાએ કેટલાક સંન્યાસીઓ બેઠા હતા. ત્યાં થઈને એક સ્ત્રી નીકળી. બધાય ઈશ્વર-ચિંતન કરતા હતા. તેઓમાંથી એક જણે ત્રાંસી આંખે જોઈ લીધું. એ ત્રણ છોકરાંનો બાપ થયા પછી સંન્યાસી થયો હતો.

‘એક વાટકીમાં જો લસણ વાટીને રાખ્યું હોય તો તેમાંથી લસણની ગંધ શું જાય? બાવળના ઝાડમાં શું કેરી ઊગે? હા થઈ શકે, એવી સિદ્ધિ હોય તો; બાવળમાંય કેરી પેદા કરી શકાય. પણ એ સિદ્ધિ કાંઈ સૌની પાસે હોય?

‘સંસારી માણસોને ફુરસદ ક્યાં છે? એક જણને ભાગવત વાંચનારો પંડિત જોઈતો હતો. તેનો મિત્ર કહે કે એક ઉત્તમ ભાગવત વાંચનારો પંડિત છે, પરંતુ તેનો એક વાંધો છે. તેને પોતાને ઘણી ખેતીવાડી કરવી પડે. ચાર હળ, આઠ બળદ, આખો દિવસ તેમની પાછળ ધ્યાન રાખવું પડે; એટલે તેને ફુરસદ નથી. એટલે જેને પંડિતની જરૂર હતી તે કહે કે મને એવા પંડિતની જરૂર નથી કે જેને ફુરસદ ન હોય. હળ-બળદ લઈને ખેતી કરનાર અને ભાગવત વાંચનારાને હું શોધતો નથી. મારે તો એવો ભાગવત પંડિત જોઈએ છીએ કે જે મને ભાગવત સંભળાવી શકે.

 

‘એક રાજા રોજ ભાગવત સાંભળતો. વંચાઈ રહ્યા પછી પંડિત રોજ રાજાને પૂછે: ‘રાજા સમજ્યા ?’ રાજા પણ રોજ જવાબ દે: ‘તમે પહેલાં સમજો!’ પંડિત ઘેર જઈને રોજ વિચાર કરે કે રાજા એમ કેમ કહે છે કે તમે પહેલાં સમજો! પંડિત સાધન-ભજન કરતો એટલે ધીરે ધીરે તેને જાગૃતિ આવી ગઈ. તે વખતે તેને દેખાયું કે હરિ-ચરણ-કમલ જ સાર વસ્તુ; બીજું બધું મિથ્યા. એટલે તે સંસારમાંથી વિરક્ત થઈને ચાલ્યો ગયો. માત્ર જતી વખતે એક માણસને રાજાને કહેવા મોકલ્યો, ‘રાજા, આ વખતે હું સમજ્યો છું!’

‘ત્યારે શું આમની ઘૃણા કરું? ના, એ વખતે મનમાં બ્રહ્મ-જ્ઞાન લાવું કે બ્રહ્મ જ બધું થઈ રહેલ છે. સર્વ કાંઈ નારાયણ જ થઈ રહ્યા છે. બધી યોનિ માતૃયોનિ. એ વખતે વેશ્યા અને સતી સાધ્વીમાં કશો ભેદ જોઉં નહિ.

(બધા અડદની દાળના ખરીદનાર – રૂપ અને ઐશ્વર્યને વશ)

અરે, હું શું કહું? જોઉં છું તો બધાય અડદની દાળના ઘરાક, કોઈ કામિની-કાંચન છોડવા માગે નહિ. માણસો સ્ત્રીના રૂપમાં ભોળવાઈ જાય. પૈસાટકાનું ઐશ્વર્ય જોઈને ભોળવાઈ જાય. પરંતુ ઈશ્વરના રૂપનું દર્શન કર્યે બ્રહ્મ-પદ તુચ્છ થઈ જાય.

‘રાવણને એક જણે કહ્યું, ‘તમે બધાંય રૂપ ધારણ કરીને સીતાને ભોળવવા જાઓ છો તો રામ-રૂપ ધારણ શા માટે કરતા નથી? એટલે રાવણે કહ્યું કે ‘રામરૂપ હૃદયમાં એક વાર જોવાથી રંભા, તિલોત્તમા વગેરે અપ્સરાઓ ચિતાભસ્મ જેવી લાગે; અરે, બ્રહ્મ-પદ તુચ્છ થઈ જાય, તો પર-સ્ત્રીની તો વાત જ ક્યાં રહી?’

‘બધાય અડદની દાળના ઘરાક. શુદ્ધ આધાર ન હોય તો ઈશ્વરમાં શુદ્ધ ભક્તિ આવે નહિ, એક લક્ષ્ય થાય નહિ, મન ચારે બાજુ ભટકતું રહે.

(નેપાળની બાઈ, ઈશ્વરની દાસી – સંસારીનું દાસત્વ)

(મનોમોહનને) તમે ગુસ્સો કરો કે ગમે તે કરો, પણ મેં રાખાલને કહ્યું કે ઈશ્વરને માટે ગંગામાં ભુસ્કો દઈને તું મરી ગયો એ વાત સાંભળવા હું તૈયાર છું, પણ તું કોઈની નોકરી કરીશ, ગુલામી કરીશ એ વાત મારે સાંભળવી ન પડે એ જોજે.’

‘નેપાળની એક બાઈ આવી હતી. દિલરૂબાની સાથે સુંદર ગીત ગાયું – હરિ-નામનું ગીત. કોઈકે પૂછ્યું, ‘તમારાં લગ્ન થયાં છે?’ એટલે તે બોલી કે ‘બીજા કોની દાસી થવું? હું એક ભગવાનની દાસી’.

‘કામિની-કાંચનની વચ્ચે રહીને (ઈશ્વર-દર્શન) કેમ કરીને થાય? અનાસક્ત થવું બહુ કઠણ. એક બાજુએ સ્ત્રીના દાસ, બીજી બાજુએ પૈસાના દાસ, ત્રીજી બાજુએ શેઠના દાસ, તેમની નોકરી કરવી પડે.

‘એક ફકીર વનમાં ઝૂંપડી બાંધીને રહેતો. એ વખતે અકબર દિલ્હીનો બાદશાહ હતો. ફકીરની પાસે ઘણાં માણસો આવતાં. તેમનો અતિથિ-સત્કાર કરવાની તેને બહુ ઇચ્છા હતી. એટલે એક દિવસ તેને વિચાર આવ્યો કે પૈસાટકા ન હોય તો અતિથિ-સત્કાર કેવી રીતે થાય? માટે જાઉં અકબર બાદશાહની પાસે. અકબર શાહની પાસે સાધુ, ફકીરને માટે મહેલના દરવાજા સદાય ખુલ્લા. ફકીર ગયો તે વખતે અકબર શાહ નમાજ પઢતો હતો. એટલે નમાજના ઓરડામાં જઈને ફકીર બેઠો. તેણે જોયું તો અકબર શાહ નમાજ પૂરી કરીને બોલે છે, ‘હે અલ્લા, ધન આપો, દોલત આપો,’ અને બીજું કેટલુંય! એ સાંભળીને ફકીર ઊઠીને ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી કરવા લાગ્યો. અકબર શાહે ઇશારતથી તેને બેસવાનું કહ્યું. નમાજ પૂરી થઈ એટલે બાદશાહે પૂછ્યું, ‘અરે! આપ આવીને બેઠા અને વળી પાછા ચાલ્યા જાઓ છો?’ ફકીરે કહ્યું, ‘એ હવે જહાંપનાહને સાંભળવાની જરૂર નથી, હું તો ચાલતો થાઉં છું.’ બાદશાહે ખૂબ આગ્રહ કર્યો એટલે ફકીરે કહ્યું: ‘મારે ત્યાં ઘણા માણસો આવે; એટલે કંઈક પૈસા માગવા આવ્યો હતો.’ એટલે અકબરે કહ્યું કે ‘તો પછી ચાલ્યા જતા હતા શું કરવા?’ ફકીરે જવાબ આપ્યો: ‘મેં જોયું કે તમેય ધન-દોલતના ભિખારી, ત્યારે મને મનમાં થયું કે ભિખારીની પાસેથી માગીને વળી શું વળવાનું? માગવું જ હોય તો અલ્લાહની પાસે જ માગવું!’

(પૂર્વકથા – હૃદય મુખર્જીના હુંકારા તુંકારા – ઠાકુરની સત્ત્વગુણની અવસ્થા)

નરેન્દ્ર – ગિરીશ ઘોષ હવે માત્ર આવા જ વિચારો કરે છે.

શ્રીરામકૃષ્ણ – એ બહુ સારું. પણ બધી ગાળો ભાંડીને મોઢું ખરાબ કરે છે શું કામ? મારી હવે એ અવસ્થા નથી. મેઘ-ગર્જના થાય ત્યારે ઘરમાંની મોટી ચીજો એટલી બધી હલે નહિ; પણ કાચની તકતીઓ ખડખડ કરે. મારી હવે એ અવસ્થા નથી. સત્ત્વગુણની અવસ્થામાં ખેંચતાણ થાય નહિ. એટલે હૃદયને જવું પડ્યું; માએ તેને રાખ્યો નહિ. છેલ્લે છેલ્લે તો બહુ જ ચડી ગયો હતો. મને હુંકારા તુંકારા કરતો, ગાળો ભાંડતો.

(નરેન્દ્ર શું અવતાર કહે છે? નરેન્દ્રની ત્યાગીની કક્ષા – નરેન્દ્રનો પિતૃવિયોગ)

ગિરીશ ઘોષ જે (મને અવતાર) કહે છે તેનો તારી સાથે મેળ બેઠો?

નરેન્દ્ર – હું કંઈ બોલ્યો નથી. એ પોતે જ કહે છે કે તેની અવતાર તરીકેની શ્રદ્ધા છે. પછી હું બીજું કંઈ બોલ્યો નથી.

શ્રીરામકૃષ્ણ – પરંતુ શ્રદ્ધા ખૂબ! જોયું ને?

ભક્તો એક નજરે જોઈ રહ્યા છે. ઠાકુર નીચે જ ચટાઈ ઉપર બેઠા છે. પાસે માસ્ટર, સામે નરેન્દ્ર, ચારે બાજુ ભક્તો.

ઠાકુર જરા મૂંગા રહીને સ્નેહભરી નજરે નરેન્દ્રને જુએ છે. થોડીક વાર પછી નરેન્દ્રને કહે છે, ‘બાપુ, કામિની-કાંચનનો ત્યાગ થયા વિના (ઈશ્વર-પ્રાપ્તિ) થાય નહિ.’ એ શબ્દો કહેતાં કહેતાં ભાવપૂર્ણ થઈ ગયા. એ જ કરુણાભરી સ્નેહપૂર્ણ દૃષ્ટિ. તે સાથે ભાવમાં મસ્ત થઈને ગીત ઉપાડ્યું :

‘વાત કહેતાંયે ડરું, ન કહેતાંયે ડરું.

મનમાં સંદેહ મને થાય કે તને હારું…

હું તો જાણું છું મન તારું, મંત્ર દીધો તને એ સારુ,

હવે તું જાણે મન તારું, તરું એ મંત્રે ને તારું.’

જાણે કે શ્રીરામકૃષ્ણને એ બીક કે કદાચ નરેન્દ્ર બીજા કોઈનો થઈ જાય ને પોતાનો ન રહે. નરેન્દ્ર અશ્રુપૂર્ણ લોચને જોઈ રહ્યો છે.

બહારના એક ભક્ત ઠાકુરનાં દર્શન કરવા આવેલા હતા. તે પાસે બેસીને આ બધું જોતા હતા અને સાંભળતા હતા.

ભક્ત – મહાશય, કામિની-કાંચનનો જો ત્યાગ કરવો જ જોઈએ, તો ગૃહસ્થ શું કરે?

શ્રીરામકૃષ્ણ – તો તમે (ગૃહસ્થાશ્રમ) કરો ને. આ તો અમારી બન્નેની વચ્ચે એક વાત થઈ ગઈ.

(ગૃહસ્થ ભક્તોને અભયદાન અને ઉત્તેજના)

મહિમાચરણ ચૂપ થઈને બેઠા છે, મોઢે એક શબ્દ પણ નહિ.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – આગળ વધો! એથીયે આગળ ચંદનનાં લાકડાં મળશે; એથીયે આગળ વધો તો રૂપાની ખાણ મળશે; એથીયે આગળ વધો તો સોનાની ખાણ આવશે; એથીયે આગળ વધશો તો હીરામાણેક મળશે. આગળ વધો!

મહિમા – જી, પણ તાણી રાખે જે આગળ વધવા દે નહિ!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – કેમ? લગામ તોડી નાખો, પ્રભુના નામના પ્રભાવથી કાપી નાખો. ‘કાલી નામથી કાલપાશ કપાય!’

નરેન્દ્ર પિતૃ-વિયોગ પછી સંસારમાં બહુ જ હેરાન થાય છે. તેના પર ખૂબ વીતી રહી છે. ઠાકુર વચ્ચે વચ્ચે નરેન્દ્રને જુએ છે.

ઠાકુર કહે છે ‘તું શું ચિકિત્સક થયો છે?’

શતમારી ભવેત્ વૈદ્ય: સહસ્રમારી ચિકિત્સક:। (સૌનું હાસ્ય).

ઠાકુર શું એમ કહે છે કે નરેન્દ્રને આટલી ઉંમરમાં જ ઘણું જ જોવાનું મળી ગયું? સુખદુ:ખનો ઘણો જ અનુભવ મળી ચૂક્યો?

નરેન્દ્ર સહેજ હસીને ચૂપ રહ્યા.

Total Views: 341
ખંડ 41: અધ્યાય 1 : દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે દક્ષિણેશ્વરના મંદિરમાં
ખંડ 41: અધ્યાય 3 : શ્રીશ્રી દોલયાત્રા અને શ્રીરામકૃષ્ણનો રાધાકાંત, મા કાલી અને ભક્તોના શરીર પર ગુલાલ છાંટવો