સાંજ થઈ છે. ઠાકુર પંચવટીમાં ગયા છે. માસ્ટરને વિનોદની વાત પૂછે છે. વિનોદ માસ્ટરની સ્કૂલમાં ભણતો. વિનોદને ઈશ્વર-ચિંતન કરતાં કરતાં વચ્ચે વચ્ચે ભાવ-આવેશ થાય. એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ તેને ચાહે.

હવે ઠાકુર માસ્ટરની સાથે વાતો કરતાં કરતાં ઓરડામાં પાછા આવે છે. બકુલતળાને ઘાટે આવીને બોલ્યા: ‘વારુ, આ જે મને કોઈ કોઈ અવતાર કહે છે, તે તમને શું લાગે છે?’

વાતો કરતાં કરતાં, એટલામાં ઠાકુર ઓરડામાં આવી પહોંચ્યા, સપાટ કાઢીને નાની પાટ ઉપર બેઠા. પાટની પૂર્વ બાજુએ પગ લૂછવાનું એક ઉંબરિયું છે. માસ્ટર તેના ઉપર બેસીને વાત કરે છે. ઠાકુર વળી પાછા એ વાત પૂછે છે. બીજા ભક્તો જરા દૂર બેઠા છે. તેઓ આ બધી વાતો જરાય સાંભળી શકતા નથી.

શ્રીરામકૃષ્ણ – તમે શું કહો છો?

માસ્ટર – મનેય એમ લાગે છે: જેમ ચૈતન્યદેવ હતા તેમ.

શ્રીરામકૃષ્ણ – પૂર્ણ કે અંશ કે કલા? વજન કહો ને?

માસ્ટર – જી, વજન વગેરે તો સમજી શકતો નથી. પણ ઈશ્વરની શક્તિ અવતીર્ણ થઈ છે, ઈશ્વર તો છે જ.

શ્રીરામકૃષ્ણ – હાં, ચૈતન્યદેવે શક્તિ માગી હતી.

ઠાકુર થોડી વાર ચૂપ રહીને પછી બોલ્યા, ‘પરંતુ ષડ્ભૂજ?’

માસ્ટર વિચાર કરે છે કે ચૈતન્યદેવ ષડ્ભૂજ (છ હાથવાળા) થયા હતા એવું ભક્તોએ દર્શન કર્યું હતું. પણ ઠાકુરે એ વાતનો ઉલ્લેખ શા માટે કર્યો?

(પૂર્વકથા – ઠાકુરનો ઉન્માદ અને મા પાસે વિલાપ – તર્કવિચાર સારો લાગે નહિ)

ભક્તો નજીકમાં જ ઓરડાની અંદર બેઠા છે. નરેન્દ્ર વિચાર કરે છે. રામ (દત્ત) હજી તરતમાં જ મંદવાડમાંથી ઊઠીને આવ્યા છે. એ પણ નરેન્દ્રની સાથે જોરશોરથી તર્ક કરે છે. ઠાકુર એ જુએ છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – મને આ બધી ચર્ચા ગમતી નથી. (રામને) હવે બંધ કરો, એક તો તમે માંદા! વારુ, હળવે હળવે કરો. (માસ્ટરને) મને આ બધું ગમતું નથી. હું રડતો અને બોલતો કે ‘મા, આ કહે છે આમ આમ, પેલો કહે છે બીજી એક રીતે; ખરું કયું, તે તું મને કહી દે!’

Total Views: 259
ખંડ 41: અધ્યાય 3 : શ્રીશ્રી દોલયાત્રા અને શ્રીરામકૃષ્ણનો રાધાકાંત, મા કાલી અને ભક્તોના શરીર પર ગુલાલ છાંટવો
ખંડ 41: અધ્યાય 5 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સાથે