નવાઈચૈતન્ય ગીત ગાય છે. ભક્તો બધા બેઠા છે. ઠાકુર નાની પાટ પર બેઠા હતા તે અચાનક ઊઠ્યા ને ઘરની બહાર ગયા. ભક્તો બેસી રહ્યા. ગીત ચાલુ રહ્યું.

માસ્ટર ઠાકુરની સાથે ગયા. ઠાકુર પાકા ચોગાનમાં થઈને કાલી-મંદિર તરફ જઈ રહ્યા છે. પહેલાં શ્રીરાધાકાન્તના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં જમીન પર નમીને પ્રણામ કર્યા. તેમને પ્રણામ કરતાં જોઈને માસ્ટરે પણ પ્રણામ કર્યા. ઠાકોરજીની સામેના થાળમાં ગુલાલ હતો. આજે હોળીનો દિવસ. ઠાકુર શ્રીરામકૃષ્ણ એ વિસર્યા ન હતા. થાળમાંથી ગુલાલ લઈને શ્રીરાધા-કૃષ્ણને અર્પણ કર્યો ને પાછા પ્રણામ કર્યા.

હવે ઠાકુર કાલી-મંદિરમાં જાય છે. પ્રથમનાં સાત પગથિયાં ચડીને ઓટલા ઉપર ઊભા રહ્યા. માનાં દર્શન કરીને અંદર પ્રવેશ કર્યો. માને ગુલાલ અર્પણ કર્યો. પ્રણામ કરીને કાલી-મંદિરમાંથી ચાલ્યા આવે છે. કાલી-મંદિરની સામેના ઓટલા ઉપર ઊભા રહીને માસ્ટરને કહે છે: ‘બાબુરામને કાં લાવ્યા નહિ?’

ઠાકુર પાકા ચોગાનમાં થઈને પાછા આવી રહ્યા છે. સાથે માસ્ટર અને બીજો એક જણ ગુલાલનો થાળ હાથમાં લઈને આવે છે. ઓરડામાં પ્રવેશ કરીને બધી છબીઓને ગુલાલ ચડાવ્યો – એક બે છબી સિવાય : એક પોતાનો ફોટો અને ઈશુ ખ્રિસ્તની છબી. હવે ઠાકુર ઓસરીમાં આવ્યા. ઓરડામાં પેસતાં જ જે ઓસરી છે તેમાં નરેન્દ્ર બેઠા છે. કોઈ કોઈ ભક્તોની સાથે વાત કરે છે. ઠાકુરે નરેન્દ્રને અંગે ગુલાલ ઉડાડ્યો. પછી ઠાકુર ઘરમાં આવે છે. માસ્ટર સાથે આવે છે. તેમને પણ ગુલાલપ્રસાદ મળ્યો.

ઠાકુરે ઓરડામાં પ્રવેશ કર્યો ને બધા ભક્તોને શરીરે ગુલાલ છાંટ્યો. સર્વે પ્રણામ કરવા લાગ્યા.

બપોર થયા. ભક્તો આમતેમ ફરવા લાગ્યા. ઠાકુર માસ્ટરની સાથે ગુપચુપ વાતો કરે છે. પાસે કોઈ નથી. છોકરા ભક્તોની વાત કરે છે. કહે છે કે ‘બધાય (છોકરા ભક્તો) કહે છે કે સારી રીતે ધ્યાન થાય છે, પલટુને કાં ધ્યાન થાય નહિ?’

નરેન્દ્ર તમને કેવો લાગે છે? બહુ સરલ; પણ સંસારની અનેક વિટંબણાઓ માથે આવી પડી છે, એટલે જરા દબાઈ રહ્યો છે, એ રહેશે નહિ.’

ઠાકુર વચ્ચે વચ્ચે ઊઠીને ઓસરીમાં જાય છે; નરેન્દ્ર એક વેદાન્તવાદીની સાથે વાદ કરે છે.

પછી ભક્તો ધીમે ધીમે વળી પાછા ઓરડામાં આવીને ભેગા થાય છે. ઠાકુરે મહિમાચરણને સ્તવ-પાઠ કરવાનું કહ્યું. તે મહાનિર્વાણ-તંત્રના ત્રીજા ઉલ્લાસમાંથી સ્તુતિ બોલે છે :

હૃદયકમલમધ્યે નિર્વિશેષં નિરીહં હરિહરવિધિવેદ્યં યોગિભિર્ધ્યાનગમ્યમ્।

જનમમરણભીતિભ્રંશિ સચ્ચિત્સ્વરૂપં સકલભુવનબીજં બ્રહ્મચૈતન્યમીડે॥

(ગૃહસ્થ ભક્તોને અભયદાન)

એ ઉપરાંત એક બે સ્તુતિ પછી મહિમાચરણ શંકરાચાર્યે રચેલી સ્તુતિ બોલે છે. તેમાં સંસારરૂપી કૂવાની, સંસારરૂપી અરણ્યની વાત છે. મહિમાચરણ સંસારી ભક્ત.

હે ચન્દ્રચૂડ મદનાંતક શૂલપાણે સ્થાણો ગિરીશ ગિરિજેશ મહેશ શંભો।

ભૂતેશ ભીતભયસૂદન મામનાથં સંસારદુ:ખગહનાજ્જગદીશ રક્ષ॥

હે પાર્વતીહૃદયવલ્લભ ચંદ્રમૌલે ભૂતાધિપ પ્રમથનાથ ગિરીશજાપ।

હે વામદેવ ભવ રુદ્ર પિનાકપાણે સંસારદુ:ખગહનાજ્જગદીશ રક્ષ॥ વગેરે.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – સંસાર-કૂપ, સંસાર-અરણ્ય, એ બધું શા માટે કહે છે? એ શરૂઆતમાં કહેવું પડે. ઈશ્વરને પકડી શકીએ તો પછી બીક શી? ત્યારે તો:

આ સંસાર તો મજાની કુટી, ખાઈ પી ને મેં મજા લૂંટી,

જનક રાજા મહાન તેજી, તેને હતી રે શેની ત્રુટિ;

આણીગમ તેણીગમ બેઉ ગમ રાખી, પીધી હતી તેણે દૂધની વાટી.

‘ડર શેનો? ઈશ્વરને પકડો. કાંટાવાળો વગડો ભલે ને રહ્યો; પગમાં જોડા પહેરીને કાંટાવાળા વગડામાં ચાલ્યા જાઓ. બીક શેની? ડોશીને અડી જાય તે શું ફરીથી ચોર થાય?

જનક રાજા બે તલવાર ફેરવતા: એક જ્ઞાનની, બીજી કર્મની. પાકા ખેલાડીને કશો ડર નહિ.

એ પ્રમાણે ઈશ્વરી વાતો ચાલી રહી છે. ઠાકુર નાની પાટ પર બેઠા છે. પાટની પાસે માસ્ટર બેઠા છે.

ઠાકુર (માસ્ટરને) – એ જે બોલ્યા એથીયે ચિત્ત ઊંચે ખેંચાઈ રહ્યું છે.

ઠાકુર મહિમાચરણની વાત કરે છે, અને તેમણે કહેલ બ્રહ્મ-જ્ઞાન સંબંધી શ્લોકની વાત. નવાઈચૈતન્ય અને બીજા ભક્તો વળી ગાય છે. આ વખતે તેમાં ઠાકુર પણ જોડાયા અને ભાવમાં મસ્ત થઈને સંકીર્તનમાં નૃત્ય કરવા લાગ્યા.

કીર્તન પૂરું થયા પછી ઠાકુર કહે છે, ‘આટલું આ ખરું કામ થયું, બીજું બધું મિથ્યા. પ્રેમ-ભક્તિ જ વસ્તુ; બીજું બધું અવસ્તુ.’

Total Views: 318
ખંડ 41: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમનો નરેન્દ્રને સંન્યાસનો ઉપદેશ
ખંડ 41: અધ્યાય 4 : દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ - ગૂઢકથા