સંધ્યા થઈ. દેવમંદિરોમાં આરતીની તૈયારી થઈ રહી છે. શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો કરવામાં આવ્યો ને ધૂપ કરવામાં આવ્યો. ઠાકુર નાની પાટ ઉપર બેસીને જગન્માતાને પ્રણામ કરીને મધુર સ્વરે ભગવાનનાં નામ લે છે. ઓરડામાં બીજું કોઈ નથી. એકલા માસ્ટર બેઠા છે.

ઠાકુર ઊઠ્યા. માસ્ટર પણ ઊભા થયા. ઠાકુર ઓરડાની પશ્ચિમ અને ઉત્તર તરફનાં બારણાં દેખાડીને માસ્ટરને કહે છે કે એ બાજુનાં બારણાં બંધ કરો તો! માસ્ટર બારણાં બંધ કરીને ઓસરીમાં ઠાકુરની પાસે આવીને ઊભા રહ્યા.

ઠાકુર કહે છે, ‘એક વખત કાલી-મંદિરમાં જઈ આવું.’ એમ કહીને માસ્ટરનો હાથ પકડી તેમના ઉપર ભાર દઈને ચાલતાં ચાલતાં કાલી-મંદિરની સામેના ઓટલા પર જઈને ત્યાં બેઠા. બેસતાં પહેલાં કહે છે કે ‘તમે એને બોલાવી લાવો તો!’ માસ્ટરે બાબુરામને બોલાવી દીધા. ઠાકુર મા કાલીનાં દર્શન કરીને મોટા ચોગાનની વચ્ચે થઈને પોતાના ઓરડામાં પાછા ફરે છે. મુખમાં ‘મા! મા! રાજ રાજેશ્વરી!’

ઠાકુર ઓરડામાં આવીને નાની પાટ ઉપર બેઠા.

ઠાકુરની એક અદ્‌ભુત અવસ્થા થઈ છે. ધાતુના કોઈ પણ પદાર્થને હાથ લગાડી શકતા નથી. તે બોલ્યા હતા કે ‘મા ઐશ્વર્યની વૃત્તિ મનમાંથી સંપૂર્ણ રીતે કાઢી નાખે છે.’ હવેથી ઠાકુર કેળનાં પાંદડાંમાં જમે છે, માટીના વાસણથી પાણી પીએ છે. શૌચની ઝારીને અડી શકતા નથી; એટલે ભક્તોને માટીનો લોટકો લાવવાનું કહ્યું હતું. ઝારીને અથવા થાળીને હાથ અડી જાય તો હાથમાં ઝણઝણાટી થાય, જાણે કે વીંછીએ ડંખ માર્યો ન હોય!

પ્રસન્ન કેટલાક લોટકા લાવ્યો હતો, પરંતુ સાવ નાના. ઠાકુર હસીને કહે છે કે ‘લોટકા બહુ નાના. પરંતુ છોકરો સારો. મેં કહ્યું એટલે મારી સામે નાગડો થઈને ઊભો રહ્યો; સાવ બાળક જેવો.’

(ભક્ત અને કામિની – સાધુ સાવધાન)

બેલઘરિયાનો તારક એક ભાઈબંધની સાથે આવી પહોંચ્યો.

ઠાકુર નાની પાટ પર બેઠા છે. ઓરડામાં દીવો બળી રહ્યો છે. માસ્ટર અને એક બે ભક્તો પણ બેઠા છે.

તારકે લગ્ન કર્યાં છે. તેનાં માબાપ તેને ઠાકુરની પાસે આવવા દેતાં નથી. કોલકાતામાં બહુબજારની પાસે જુદું મકાન લીધું છે. આજકાલ તારક ત્યાં જ મોટે ભાગે રહે છે.

તારકને ઠાકુર બહુ ચાહે છે. તેનો સાથી જરા તમોગુણી. ધર્મના વિષયમાં અને ઠાકુર સંબંધે જરા તેના વ્યંગભાવ. તારકનું વય આશરે વીસ વરસનું. તારકે આવીને જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (તારકના સાથીને) – આ બધાં મંદિરો જોઈ આવો ને!

ભાઈબંધ – એ બધાં જોયાં છે.

શ્રીરામકૃષ્ણ – ઠીક. આ તારક અહીં આવે એ શું ખરાબ?

ભાઈબંધ – એ આપ જાણો.

શ્રીરામકૃષ્ણ – આ (માસ્ટર) હેડ-માસ્ટર છે. ભાઈબંધ – એમ?

ઠાકુર તારકને કુશળ પ્રશ્ન પૂછે છે અને તેને સંબોધીને ઘણીયે વાતો કહે છે. તારક કેટલીયે વાતચીત પછી રજા લેવા તૈયાર થયા. ઠાકુર તેને કેટલીક બાબતમાં સાવધાન કરી દે છે.

શ્રીરામકૃષ્ણ (તારકને) – સાધુ સાવધાન! કામિની-કાંચનથી સાવધાન! સ્ત્રીની માયામાં જો એક વાર ડૂબ્યો, તો બહાર નીકળાશે નહિ! એ તો છે વિશાલાક્ષીનો ઘૂનો; તેમાં જે એક વાર પડે તે બહાર નીકળી શકતું નથી. અવારનવાર અહીં આવતો રહેજે.

તારક – ઘેરથી આવવા દેતાં નથી.

એક ભક્ત – જો કોઈની મા એમ કહે કે તું દક્ષિણેશ્વર જઈશ નહિ! ત્યાં જો જા તો મારું લોહી પી; તો?

(કેવળ ઈશ્વર માટે જ ગુરુવાક્યનું લંઘન)

શ્રીરામકૃષ્ણ – જે મા એમ કહે તે મા નહિ; એ અવિદ્યારૂપિણી સ્ત્રી. એ માનું કહેવું ન માનવામાં કશો દોષ નહિ, કારણ કે એ મા ઈશ્વર-પ્રાપ્તિના માર્ગમાં વિઘ્ન મૂકે છે. ઈશ્વરને માટે ગુરુજનનું કહેવું ન માનવામાં દોષ નહિ. ભરતે રામને માટે કૈકેયીનું કહેવું માન્યું નહિ. ગોપીઓએ કૃષ્ણ-દર્શનને માટે પોતાના પતિની મનાઈ કાને ધરી નહિ. પ્રહ્લાદે ઈશ્વર-દર્શનને માટે બાપની વાત સાંભળી નહિ. બલિ રાજાએ ભગવાનની પ્રીતિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની નહિ. વિભીષણે રામને મેળવવા માટે મોટાભાઈ રાવણની વાત સ્વીકારી નહિ.

‘પરંતુ ઈશ્વરને માર્ગે જવું નહિ એ વાત સિવાયની બીજી બધી વાત સાંભળવી. લાવ તારો હાથ જોઉં!’

એમ કહીને ઠાકુર તારકનો હાથ, જાણે કે વજન કરતા હોય તેમ જોખી જુએ છે. જરાક વાર પછી બોલે છે, ‘થોડીક અડચણ છે; પણ એ નીકળી જશે. ઈશ્વરની જરા પ્રાર્થના કરજે અને અવારનવાર અહીં આવતો રહેજે; તો એ નીકળી જશે. કોલકાતામાં બહુબજારવાળું ઘર તેં રાખ્યું છે?’

તારક – જી ના, એમણે રાખ્યું છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એમણે રાખ્યું છે કે તેં રાખ્યું છે? વાઘની બીકે?

ઠાકુર કામિનીને શું વાઘ કહે છે?

તારકે પ્રણામ કરીને રજા લીધી.

ઠાકુર નાની પાટ ઉપર સૂતા છે, જાણે કે તારકની ચિંતામાં પડી ગયા છે. અચાનક માસ્ટરને કહે છે કે આ છોકરાઓ માટે હું આટલો વ્યાકુળ શા માટે થાઉં છું?

માસ્ટર મૂંગા રહ્યા છે; જાણે કે શો જવાબ દેવો એ વિચાર કરી રહ્યા છે.

ઠાકુર ફરી વાર પૂછે અને કહે છે, ‘બોલો ને!’

આ બાજુ મોહિનીમોહનની પત્ની ઠાકુરના ઓરડામાં આવીને પ્રણામ કરીને એક બાજુએ બેઠી. ઠાકુર તારકના ભાઈબંધની વાત માસ્ટરને કહે છે.

શ્રીરામકૃષ્ણ – તારક પેલાને શા માટે સાથે લઈ આવ્યો?

માસ્ટર – એમ લાગે છે કે રસ્તાનો ભાઈબંધ હશે. લાંબો રસ્તો છે એટલે એક જણાને સાથે લેતો આવ્યો હશે.

એ વાતની વચમાં જ અચાનક મોહિનીમોહનની પત્નીને સંબોધીને ઠાકુર બોલે છે: ‘આપઘાત કરીને મરવાથી પિશાચણી થાય! સાવધાન! મનને સમજાવજે! આટલું આટલું જોયું, સાંભળ્યું ને છેવટે આ દશા?’

હવે મોહિનીમોહન રજા લે છે. જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કરે છે. તેની પત્ની પણ ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર ઓરડાની અંદર ઉત્તર બાજુના બારણા પાસે ઊભા રહ્યા છે. મોહિનીમોહનની પત્ની ઘૂંઘટો કાઢીને ધીમે અવાજે ઠાકુરને કંઈક કહે છે.

શ્રીરામકૃષ્ણ – અહીં રહેવું છે?

મોહિનીમોહનની પત્ની – આવીને થોડાક દિવસ અહીં રહું, નોબતખાનામાં મા છે તેમની પાસે.

શ્રીરામકૃષ્ણ – ભલે બહુ સારું. પણ તમે જે આ કહો છો કે મરવા જવાની વાત; તેથી બીક લાગે છે. વળી પાસે જ ગંગા!

 

Total Views: 269
ખંડ 41: અધ્યાય 7 : ‘ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ - ગૂઢકથા
ખંડ 51: અધ્યાય 1 : શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે ઠાકુર શ્રીરામકૃષ્ણ