હવે ખોલ-કરતાલ લઈને સંકીર્તન થાય છે. કીર્તનકાર ગાય છે :

‘શું જોયું રે કેશવ ભારતીની કુટિરમાં,

અપરૂપ જ્યોતિ, શ્રી ગૌરાંગ મૂરતિ; બે નયને વહે પ્રેમ શતધારે…

ગૌર મત્ત માતંગની પેર, પ્રેમાવેશે નાચે ને ગાય,

ક્વચિત ધરા પર આળોટે, નયન જળે ભર્યાં રે –

રડે અને બોલે હરિ, સ્વર્ગ મર્ત્ય ભેદ કરી સિંહનાદે રે,

વળી દાંતે તૃણ લઈ, પ્રભુ કૃતાંજલિ થઈ,

દાસ્ય-મુક્તિ યાચે દ્વારે દ્વારે –

મુંડાવી સુંદર કેશ, ધારણ કર્યો યતિવેશ,

દેખી ભક્તિ-પ્રેમાવેશ, પ્રાણ રડી ઊઠે રે;

જીવના દુ:ખે દુ:ખી થઈ, આવ્યા સર્વ ત્યાગી પ્રેમ વિતરણ કરવા રે…

પ્રેમદાસની વાંછા મનમાં, શ્રી ચૈતન્યના ચરણમાં,

દાસ થઈ ફરું દ્વારે દ્વારે –

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવ-મગ્ન થઈ ગયા છે. કીર્તનકાર શ્રીકૃષ્ણના વિરહથી આતુર વ્રજ-ગોપીની અવસ્થાનું વર્ણન કરે છે. વ્રજ-ગોપી માધવી-કુંજમાં માધવને શોધી રહી છે.

રે માધવી! મારો માધવ દે,

(દે દે દે માધવ દે.)

મારો માધવ મુને દે,

વિના મૂલે મને ખરીદી લે;

મીનનું જીવન જળ જેમ,

મારું જીવન માધવ તેમ;

(તેં જ સંતાડી રાખ્યો છે, ઓ માધવી.)

(મને સરળ અબળા જોઈને :)

(હું જીવીશ નહિ, હું જીવીશ નહિ)

(માધવી, ઓ માધવી, માધવ વિના)

(માધવનાં દર્શન વિના)

ઠાકુર શ્રીરામકૃષ્ણ વચ્ચે વચ્ચે ઠેકો આપે છે :

(એ મથુરા કેટલું દૂર! જ્યાં વસે અમારા પ્રાણવલ્લભ!)

ઠાકુર સમાધિસ્થ. સ્પંદનહીન દેહ. ઘણી વાર સુધી સ્થિર રહ્યા છે.

ઠાકુર થોડા સ્વસ્થ થયા. પણ હજી ભાવાવસ્થામાં છે. આ અવસ્થામાં ભક્તોની સાથે વાત કરે છે. વચ્ચે વચ્ચે મા સાથે પણ વાત કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ભાવ અવસ્થામાં) – મા! એને ખેંચી લો, મારાથી હવે વધુ સંભાળ રખાતી નથી!

(માસ્ટરને) તમારો સંબંધી પેલો – તેના તરફ પણ જરાક મન છે.

(ગિરીશને) તમે ગાળો, ખરાબ શબ્દો બહુ બોલો છો, પણ વાંધો નહિ. એ બધું નીકળી જાય એ જ સારું. લોહીના બગાડનો રોગ કોઈને હોય છે, તે જેટલું નીકળી જાય તેટલું સારું.

‘ઉપાધિનો નાશ થતી વખતે જ અવાજ થાય. લાકડું બળતી વખતે તડતડ અવાજ કરે. બધું બળી ગયા પછી અવાજ રહે નહિ.

‘તમે દિવસે દિવસે શુદ્ધ થતા જશો. તમારી દિવસે દિવસે ખૂબ ઉન્નતિ થશે. માણસો તમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. હું હવે વધુ વખત આવી શકવાનો નથી. તેનો વાંધો નહિ. તમારી ઉન્નતિ એમ જ થશે.

ઠાકુર શ્રીરામકૃષ્ણનો ભાવ વળી પાછો ગાઢ થતો જાય છે. વળી માની સાથે વાત કરે છે, ‘મા! જે સારા છે તેને સારા કરવામાં શી બહાદુરી? મા! મરેલાને માર્યે શું વળે? જે હજી ઊભા રહ્યા છે તેને માર ત્યારે તો તારો મહિમા ખરો!’

ઠાકુર જરાક સ્થિર થઈને અચાનક સહેજ ઊંચે અવાજે બોલે છે, ‘હું દક્ષિણેશ્વરથી આવ્યો છું. જાઉં છું, હો મા!

જાણે એક નાનું છોકરું દૂરથી માની બૂમ સાંભળીને જવાબ આપે છે! ઠાકુર વળી નિષ્કંપ શરીરે સમાધિમગ્ન થઈને બેઠા છે. ભક્તો આંખનું મટકું સરખુંય માર્યા વિના ચૂપ થઈને જોઈ રહ્યા છે.

ઠાકુર ભાવમાં વળી પાછા બોલે છે : ‘હું હવેથી પૂરી ખાવાનો નહિ.’

પાડોશમાંથી એક બે ગોસ્વામીઓ આવ્યા હતા તેઓ ઊઠીને ચાલ્યા ગયા.

Total Views: 198
ખંડ 42: અધ્યાય 12 : દેવેન્દ્રને ઘરે ભક્તો સાથે
ખંડ 42: અધ્યાય 14 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દેવેન્દ્રના ઘરે ભક્તો સાથે